મોદી મૉડલ છે, એક હીરો છે : જસ્ટિસ મુકેશ શાહ

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHI/BBC
જસ્ટિસ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. 12 ઑગસ્ટ રવિવારના રોજ બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેમને રાજભવનમાં શપથ લેવડાવ્યા હતા.
આ પૂર્વે જસ્ટિશ શાહ ગુજરાત હાઈકોર્ટ માં જજ હતા. વર્ષ 1982માં ગુજરાત હાઈકોર્ટ માં તેમણે વકીલાત શરૂ કરી હતી.
વર્ષ 2004માં જજ બન્યાના એક વર્ષ બાદ તેઓ કાયમી જજ બન્યા.
પટનાના સ્થાનિક પત્રકાર નીરજ પ્રિયદર્શીએ જસ્ટિસ શાહને તેમની પ્રાથમિકતાઓ અને જ્યુડિશિયલ કારકિર્દી વિશે વ્યાપક વાતચીત કરી.

સવાલ: 1982થી ગુજરાત હાઈકોર્ટ થી તમે વકીલાતની શરૂઆત કરી. બાદમાં એડિશનલ જજ બન્યા અને હવે ચીફ જસ્ટિસ બન્યા છો. એક વકીલથી લઈ ચીફ જસ્ટિસ બનવા સુધીનો સંઘર્ષ કેવા રહ્યો?
જસ્ટિસ શાહ: કંઈ પણ અશક્ય નથી. મેં દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે. ક્રિમિનલ લૉયર પણ રહી ચૂક્યો છું.
સિવિલ કેસ પણ લડ્યા છે. તેનું એક ઉદાહરણ છે. પૉક્સો કેસમાં મારા ચુકાદામાં કરવામાં આવેલી એક ટિપ્પણી બાદમાં દેશમાં કાનૂન બની ગઈ.

'આખરી દિવસે મેં સમાધાન કરાવ્યું'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHI/BBC
સવાલ: ટિપ્પણી શું હતી?
જસ્ટિસ શાહ: તમે જાણો જ છો કે 'પૉક્સો એક્ટ' કેટલો કડક કાયદો છે, જે લોકો દુષ્કર્મ કરે છે તેમનામાં ભય તો હોવો જ જોઈએ.
આથી તેને બદલવાની જરૂર નથી. પરંતુ ક્યારેક 17, 18 વર્ષના છોકરાઓ હોય છે...

સવાલ: જેમને જુવેનાઇલ કહીએ છીએ
જસ્ટિસ શાહ: હા. તેમને ખબર નથી હોતી કે સંમતિ લઈને દુષ્કર્મ કરીએ તો પણ તે એક અપરાધ જ છે.
આથી તેને 10-15 વર્ષની સજા થાય છે. ઓછામાં ઓછા 10 વર્ષની સજા થાય છે.
આમ તેમના 10 વર્ષ બરબાદ થઈ જાય છે. મેં ચુકાદામાં છેલ્લે નોંધ લખી હતી કે, આ પ્રકારના કિસ્સાઓ મામલે જાગરુકતા લાવવાની જરૂર છે.
આથી તેમને ખબર પડે કે, સંમતિ હોવા છતાં તેમને 10 વર્ષની સજા થઈ શકે છે. તમે સમજી શકો છો કે 10 વર્ષ સુધી જો કોઈ છોકરો જેલમાં રહે, તો તે કેવો બનીને બહાર નીકળશે.
આપને આ પણ વાંચવું ગમશે
મારો બીજો ચુકાદો વન વિભાગના કેસ સંબંધિત હતો. 546 લોકો ન્યાયની પ્રતિક્ષા કરી રહ્યા હતા. કેસ ઘણો લાંબો ચાલ્યો હતો.
મેં વિભાગના સંબંધિત લોકોને બોલાવ્યા અને કહ્યું કે આ લોકો વળતર આપવા માટે તૈયાર છે. કોઈને નથી ખબર કે કોણ જીતવાનું છે.
સરકાર સુપ્રીમ કોર્ટ સુધી જવાનું પણ ક્યારેક કહી રહી છે. તમામ 546 લોકો તૈયાર હતા. આથી આખરી દિવસે મેં સમાધાન કરાવી લીધું.
તમામ ખુશ હતા કેમ કે વળતરરૂપે તેમને સાત કરોડ રૂપિયા મળી રહ્યા હતા. ગુજરાતી લોકો માટે મારો આ આખરી પ્રયાસ હતો. આ રીતે મેં હંમેશાં સંતુલન રાખવાની કોશિશ કરી.

સવાલ: તમે એવા સમયમાં આવ્યા છો, જ્યારે મહિલા સુરક્ષાની સૌથી વધુ વાત થઈ રહી છે. મુઝફ્ફરપુર બાલિકા ગૃહ વિવાદ ચર્ચામાં છે. પટના હાઈકોર્ટ માં આ મામલે જાહેર હિતની અરજી પણ દાખલ થઈ છે. બિહાર અને ઉત્તરપ્રદેશના આશ્રયગૃહોની આ ખબરો વિશે તમારું શું કહેવું છે અને તમે તે મામલે શું સમજો છો?
જસ્ટિસ શાહ: કેસ હાલ અદાલતમાં છે. હાલ હું તે મામલે કોઈ ટિપ્પણી ન કરી શકું. મેં હજુ હમણાં જ કાર્યભાર સંભાળ્યો છે.

'5 લાખથી વધુ ચુકાદા આપ્યા છે'

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHI/BBC
સવાલ: ..તો તમે આજે જ પદભાર સંભાળી લીધો છે?
જસ્ટિસ શાહ: અલબત્ત. મારું કામ તો જુઓ. મેં 15-16 કલાક કામ કર્યું છે. મને સૌથી ઝડપી જજ કહેવામાં આવે છે.
મેં એક દિવસમાં 100-110 કેસની સુનાવણી કરી છે અને એકદમ નિષ્ઠાથી કરી છે.

સવાલ: 100થી 110 મૅટર?
જસ્ટિસ શાહ: હા.
(જસ્ટિસ શાહના મોબાઇલ ફોનમાં રિંગ વાગે છે. એક મિનિટ સુધી તેઓ કોઈ સાથે ગુજરાતીમાં વાત કરે છે. વાતચીત સાંભળતા લાગ્યું કે, તેમને નવા પદભાર માટે શુભકામના અને અભિનંદન માટે ફોન આવી રહ્યા છે.)
...મારી સમગ્ર કારકિર્દીમાં મેં પાંચ લાખથી વધુ ચુકાદા આપ્યા છે. એકાદ ચુકાદાને બાદ કરીએ તો બાકીના એક પણ નિર્ણય સુપ્રીમ કોર્ટે બદલ્યા નથી.
બે વર્ષ પહેલાં ગુજરાતમાં 23 લાખ પડતર કેસો હતા. હવે 15-16 લાખ જેટલા છે.

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHI/BBC
સવાલ: અમદાવાદ હાઈકોર્ટની સરખામણીએ પટના હાઈકોર્ટનો કેસ નિકાલનો દર નીચો છે. આ માટે તમે શું કરશો?
જસ્ટિસ શાહ: હું આયોજનમાં વિશ્વાસ રાખું છું. તમામ જિલ્લા ન્યાયાધીશો સાથે બેઠક કરીશ.
તેમને એકંદરે દિવસમાં પૂરતો સમય કામ કરવા વિશે જણાવીશ. ખરેખર માત્ર ફરિયાદો કરવાથી કંઈ નથી મળતું.
અધિકારી-જજની સંખ્યા ઓછી છે. તમારે એ સ્વીકારવું રહ્યું, તમે જેટલું પણ કામ કરો તેમાં મહત્તમ પરિણામ લાવીને જ કંઈક સુધાર થઈ શકે છે.
મહેનત તમારી હોય અને ફળ ભગવાન આપશે. જો તમે સમાજના ભલા માટે કામ કરો, તો ભગવાન હંમેશાં તમને મદદ કરે છે.
દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. હું શિસ્તમાં માનવાવાળી વ્યક્તિ છું. તમામને સાથે રાખીને જ કામ થઈ શકે છે.
ભગવાનના આશીર્વાદથી હું જજ બન્યો. બધું ભગવાનની કૃપા છે. હું તમામ કોશિશ કરીશ કે બિહાર પણ ગુજરાત જેવું બની શકે.

'હું કામ કરવામાં માનું છું, કર્મ જ પૂજા છે.'

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ: પરંતુ બિહાર અને ગુજરાતમાં ઘણો તફાવત છે.
જસ્ટિસ શાહ: તમારી વાત બિલકુલ સાચી છે. પરંતુ આ બાબત અશક્ય નથી. લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ.
જેમ કે, 'આ મારું શહેર છે', 'મારે પટનાને નંબર વન બનાવવું છે.' આવું કેમ નહીં થાય. આવું થઈ શકે છે. આપણે લોકો સુધી પહોંચવાની જરૂર છે.
સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટીમાં જવાનું છે. આમ આદમી પાસે જઈને તેને બતાવવાનું છે કે આવું થઈ શકે છે.

સવાલ: તમે ગુજરાતના છો. ગુજરાત મામલે લોકોમાં ઘણી ધારણાઓ છે. તમે અહીં આવ્યા ત્યાર બાદ ઘણી બાબતો બહાર આવી છે. તમે વડા પ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના રાજ્યમાંથી આવો છો. એક ગુજરાતી તરીકેના આ દૃષ્ટિકોણમાંથી બહાર નીકળવું કેટલું જરૂરી છે. તમામ લોકો તમારું નામ મોદી સાથે જોડે છે. આવું કેમ થાય છે?
જસ્ટિસ શાહ: કેમકે, નરેન્દ્ર મોદી એક મૉડલ છે. તેઓ એક હીરો છે. જ્યાં સુધી મોદીની વાત છે, તો છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર આવી ઘણી ક્લિપ ફરી રહી છે. દરરોજ અખબારોમાં પણ આવું જ ચાલે છે.

સવાલ: અહીં હાલ હિંદુત્વ, રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ છવાયેલા છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ આ મામલે ટિપ્પણી કરી ચૂકી છે. હિંદુત્વની વાત વિશે આપનું શું કહેવું છે?
જસ્ટિસ શાહ: આ મૅટરનો મેં અભ્યાસ નથી કર્યો. જવા દો. હું કામ કરવામાં માનું છું. કર્મ જ પૂજા છે.

સવાલ: તમને વ્યક્તિગતરૂપે નથી લાગતું કે આ થોડું વધારે જ થઈ રહ્યું છે. એક વિશેષ ધર્મ અથવા જાતિ માટેની આવી બાબત અયોગ્ય નથી?
જસ્ટિસ શાહ: મારી વાતનું તેમાં કોઈ મહત્ત્વ નથી.
સવાલ: તમે ચીફ જસ્ટિસ છો. તમારો દૃષ્ટિકોણ મહત્ત્વ ધરાવે છે.
જસ્ટિસ શાહ: જે કંઈ પણ હોય. આ વિશે હું તમને એટલું જ કહેવા માગુ છું કે એક જજ તેના ચુકાદામાં જ બોલે છે.
હું ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ બનું અને તમને ઇન્ટરવ્યૂ આપું તો ઠીક વાત કહેવાય. અમારે માત્ર અમારા ચુકાદામાં જ બોલવાનું હોય છે.

સવાલ: તમે બિહારના નવા ચીફ જસ્ટિસ છો. પટનાના લોકોને શું કહેવા માંગશો?
જસ્ટિસ શાહ: હું પટનાના લોકોને રહેવા માંગીશ કે, તમે લોકો કાયદાનું પાલન કરો. કાયદા-કાનૂનનું પાલન કરવાથી શહેરમાં સુધાર આવે છે અને તે અન્ય શહેરને પડકાર આપી શકે છે.
લોકોએ માત્ર પટના નહીં પણ સમગ્ર બિહારમાં કાયદાનું પાલન કરવું જોઈએ.
મોટાભાગના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) આઈપીએસ (ઇન્ડિન પોલીસ સર્વિસ) અધિકારીઓ આ રાજ્યમાંથી જ હોય છે, પરંતુ આ લોકો તૈયાર થઈને બહાર જતાં રહે છે.
પોતાના રાજ્ય માટે પણ વિચારવું જોઈએ. એવું વિચારવું જોઈએ કે મારી જેમ મારા રાજ્યને મારા અવાજની જરૂર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














