હવે ચાર પૂર્વ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસને લખ્યો પત્ર

ઇમેજ સ્રોત, NASLA. GOV. IN
સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશ સહિત ચાર પૂર્વ જજોએ રવિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રને ખુલ્લો પત્ર લખ્યો હતો.
આ પત્રમાં સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા ઊઠાવવામાં આવેલા મુદ્દાઓ સાથે સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેસોની ફાળવણી કરવાના મુખ્ય ન્યાયાધીશના વિશેષાધિકારને 'હજુ વધારે પારદર્શક બનાવવાની જરૂર છે.'
આ ખુલ્લો પત્ર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પી. બી. સાવંત, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ. પી. શાહ, મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ જજ કે. ચંદ્રૂ તથા બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ એચ. સુરેશે લખ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જસ્ટિસ શાહે સ્વીકાર્યું છે કે તેમણે તથા અન્ય જજોએ ઑપન લૅટર લખ્યો છે.
ચાર જજોએ તેમના પત્રમાં લખ્યું છે કે રૉસ્ટર (જજોની વચ્ચે કેસોની ફાળવણી સંબંધિત વ્યવસ્થા) નક્કી કરવાનો અધિકાર મુખ્ય ન્યાયાધીશ પાસે હોય છે.
પરંતુ તેનો મતલબ એવો નથી કે મનફાવે તેમ કેસોની ફાળવણી કરવામાં આવે અને સંવેદનશીલ તથા મહત્વપૂર્ણ કેસો જુનિયર બેન્ચોને ફાળવવામાં આવે.
આપને આ વાંચવું ગમશે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું છે પત્રમાં ?

ઇમેજ સ્રોત, Getty Images
ડિયર ચીફ જસ્ટિસ,
સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજોએ સુપ્રીમ કોર્ટની અલગઅલગ બેન્ચોને કેસો અને તેમાં પણ સંવેદનશીલ કેસોની ફાળવણીની પદ્ધતિ અંગે ગંભીર મુદ્દો રજૂ કર્યો છે.
તેમણે કેસોની અયોગ્ય તથા મનસ્વી રીતે ફાળવણી સામે ઊંડી ચિંતા પ્રગટ કરી છે. આ કેસો ખાસ બેન્ચોને અને ઘણી વખત જુનિયર જજોના નેતૃત્વવાળી બેન્ચોને ફાળવવામાં આવે છે.
જેની ન્યાયતંત્ર તથા કાયદાના શાસન પર ખૂબ જ ઘાતક અસર થઈ રહી છે.
અમે ચારેય જજ એ વાત પર સહમત છીએ કે રૉસ્ટર નક્કી કરવાનો અધિકાર ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે છે અને તેઓ કામની ફાળવણી માટે બેન્ચ નક્કી કરી શકે છે.
પરંતુ તેનો મતલબ એવો નથી કે મનસ્વી રીતે ફાળવણી કરવામાં આવે. જેમ કે, ચીફ જસ્ટિસ દ્વારા સંવેદનશીલ તથા મહત્વપૂર્ણ કેસોની જુનિયર જજોની ચોકક્સ બેન્ચોને ફાળવણી કરે.
આ મુદ્દાનું નિરાકરણ આવે તે જરૂરી છે તથા બેન્ચોના નિર્ધારણ તથા કેસોની ફાળવણી માટે સ્પષ્ટ, તર્કસંગત, નિષ્પક્ષ અને પારદર્શક નિયમ તથા કાયદા નક્કી કરવા જોઈએ.
ન્યાયતંત્ર તથા સુપ્રીમ કોર્ટમાં જનતાનો વિશ્વાસ બહાલ કરવા માટે આ પગલું તત્કાળ લેવાની જરૂર છે.
જોકે, એવું થાય ત્યાં સુધી તમામ સંવેદનશીલ તથા મહત્વપૂર્ણ કેસો અને પડતર કેસોની સુનાવણી કોર્ટના પાંચ સૌથી વરિષ્ઠ જજોની બંધારણીય બેન્ચ કરે તે જરૂરી છે.
આ પ્રકારના પગલા જ લોકોમાં વિશ્વાસ પેદા કરી શકશે કે, સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ અને પારદર્શક રીતે કામ કરી રહ્યું છે.
કામની ફાળવણી અંગે મુખ્ય ન્યાયાધીશના અધિકારનો ઉપયોગ મહત્વપૂર્ણ તથા સંવેદનશીલ કેસોમાં ચોક્કસ પ્રકારના ચુકાદા મેળવવા માટે નથી થઈ રહ્યો.
આથી અમે આપને આ અંગે તત્કાળ પગલા લેવા વિનંતી કરીએ છીએ.
હસ્તાક્ષરિત
જસ્ટિસ પી. બી. સાવંત (રિટાયર્ડ) પૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા
જસ્ટિસ એ. પી. શાહ (રિટાયર્ડ) પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, દિલ્હી હાઈકોર્ટ
જસ્ટિસ કે. ચંદ્રૂ (રિટાયર્ડ) પૂર્વ ન્યાયાધીશ, મદ્રાસ હાઈકોર્ટ
જસ્ટિસ એસ. સુરેશ (રિટાયર્ડ) પૂર્વ ન્યાયાધીશ, બૉમ્બે હાઈકોર્ટ

પત્રની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, PTI
અગાઉ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ શુક્રવારે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમણે ખુલ્લો પત્ર લખ્યો હતો.
આ જજોમાં જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર તથા જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થતો હતો.
પોતાના નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં જસ્ટિસ જે.ચેલમેશ્વરે કહ્યું હતું, "અમે ચારેય એ વાત સાથે સહમત છીએ કે સંસ્થાનને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે અન્ય કોઈ દેશમાં લોકશાહી ટકી નહીં શકે.
"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ સુદ્રઢ લોકશાહીની નિશાની છે. અમારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
"અમારી પાસે રાષ્ટ્રને જણાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અમે રાષ્ટ્રને જણાવવા માંગીએ છીએ કે ન્યાયતંત્રને સાચવી લે."
જસ્ટિસ ચેલમેશ્વરે ઉમેર્યું હતું, "હું નથી ઇચ્છતો કે વીસ વર્ષ પછી દેશનો કોઈ બુદ્ધિશાળી માણસ એમ કહે કે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર તથા કુરિયન જોસેફે તેમનો આત્મા વેચી નાખ્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












