'મહાશ્વેતા દેવી સાથે લેખકોની એક પેઢીનો પણ અંત'

ઇમેજ સ્રોત, Ravi Prakash
- લેેખક, રાજેશ જોશી
- પદ, બીબીસી ન્યૂઝ
આજે ઉતરાણ ઉપરાંત ભારતીય સાહિત્ય જગતમાં પોતાની એક અનોખી છાપ અને માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં લેખિકા મહાશ્વેતી દેવીનો જન્મદિવસ છે.
ગૂગલે પણ આજનું પોતાનું ડૂડલ મહાશ્વેતા દેવીને કેંદ્ર સ્થાને રાખીને બનાવ્યું છે, ત્યારે બીબીસી ગુજરાતી રજૂ કરે છે, મહાશ્વેતા દેવી સાથે મુલાકાત કરનારા પત્રકારોના અનુભવો...
1980માં હિંદીભાષી વિશ્વમાં ગણ્યાં-ગાંઠ્યા લોકો જ બંગાળી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતા દેવીને જાણતા હતા.
જોકે, બંગાળી સમાજમાં તેમનું નામ જાણીતું હતું. ત્યાં સુધી બંગાળનાં નક્સલબાડી આંદોલનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી તેમની પ્રખ્યાત નવલકથા 'હજાર ચૌરાસી કી મા' પ્રકાશિત થઈ ચૂકી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
એવામાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ગોરખ પાંડે અને ઉર્મિલેશ જેવા કેટલાક વિદ્યાર્થીઓ અને સમકાલીન તીસરી દુનિયાના સંપાદક આનંદ સ્વરૂપ વર્માએ મહાશ્વેતા દેવીનો ઇન્ટર્વ્યૂ કર્યો.
આનંદ સ્વરૂપ વર્મા કહે છે કે હિંદી ભાષામાં મહાશ્વેતા દેવીનો પ્રથમ ઇન્ટરવ્યૂ હતો.

ઇન્ટરવ્યૂમાં શું કહ્યું મહાશ્વેતા દેવીએ?

ઇમેજ સ્રોત, Samim Asgor Ali
તેમણે કહ્યું, "એ ઇન્ટરવ્યૂમાં મહાશ્વેતા દેવીએ કહ્યું હતું કે બધા જ લેખકોને રોજબરોજની જિંદગીને નજીકથી જોયા-સાંભળ્યા વિના લખવાનો કોઈ અધિકાર નથી.
આપણે જનતા સુધી પહોંચીએ અને તેમની વાસ્તવિક જિંદગી સાથે જોડાયેલી વાતોને સમજીએ અને આપણી પાસે જે કંઈ પણ છે તે એમને આપીએ એ જરૂરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્મા કહે છે કે આ સંદર્ભે તેમણે શોષણની જટિલ પ્રક્રિયા અને સમાજના તમામ આંતરિક વિરોધોને સમજવાની વાત કહી હતી. જ્યારે એ બધી વાતો કરી રહ્યાં હતાં, ત્યારે એવું લાગતું હતું કે જાણે બ્રેખ઼્તને વાંચી રહ્યા છીએ.

કચડાયેલાં શોષિત સમાજ સાથે

ઇમેજ સ્રોત, Ravi Prakash
મહાશ્વેતા દેવીનો જન્મ અવિભાજિત બંગાળના ઢાકા શહેરમાં 14 જાન્યુઆરી 1926ના દિવસે થયો હતો.
તેમના પિતા મનીષ ઘટક પોતે એક જાણીતા નવલકથાકાર હતા અને તેમના કાકા ઋત્વિક ઘટક આગળ વધીને એક જાણીતા ફિલ્મકાર બન્યા.
મહાશ્વેતા દેવી 1940ના દાયકામાં બંગાળના સામ્યવાદી આંદોલનથી પ્રભાવિત થયાં અને હંમેશા દબાયેલા-કચડાયેલા શોષિત સમાજની ન્યાયની લડાઈ સાથે જોડાયેલાં રહ્યાં.
તેમને વર્ષ 1986માં પદ્મ શ્રી, 1996માં જ્ઞાનપીઠ અને વર્ષ 2005માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
હિંદીના કવિ મંગલેશ ડબરાલ કહે છે કે, મહાશ્વેતા દેવી ત્રીજા વિશ્વના દેશોના લેખકો માટે ઉદાહરણરૂપ છે.
તે કહે છે, "મહાશ્વેતા દેવી એ વાતનું ઉદાહરણ છે કે, ત્રીજા વિશ્વના દેશોના લેખકોએ કેવું હોવું જોઇએ. તે લેખક હોવાની સાથે સાથે સામાજિક અને રાજકીય કાર્યકર્તા પણ હતાં."
તેમણે વધુમાં કહ્યું કે બહારના દેશોમાં ભારતીય સાહિત્યને જે કૃતિઓને કારણે ઓળખવામાં આવ્યું, તેમાં મહાશ્વેતા દેવીની રચનાઓ પણ સામેલ છે.

કેવું હતું મહાશ્વેતા દેવી પહેલાંનું બંગાળી સાહિત્ય?

ઇમેજ સ્રોત, Ravi Prakash
ડબરાલે ઉમેર્યું કે, મહાશ્વેતા દેવી એવા પહેલા લેખિકા છે, જેમણે નક્સલબાડી આંદોલન દરમિયાન જે લોકોએ યાતનાઓ સહન કરી, તેનો એક દસ્તાવેજ 'હજાર ચૌરાસી કી મા' સ્વરૂપે તૈયાર કર્યો.
મહાશ્વેતા દેવીએ તેમની પ્રખ્યાત નવલકથા 'હજાર ચૌરાસી કી મા' માં એક ભદ્રલોક વર્ગની મહિલાની વાર્તાને એ સમયની સામાજિક ઊથલપાથલ સાથે જોડી છે.
ડબરાલે કહ્યું મહાશ્વેતા દેવી પહેલાં બંગાળી સાહિત્યમાં પારિવારીક દ્વંદ્વની કથાઓ રહેતી.
ચાર વર્ષ પહેલાં મહાશ્વેતા દેવીના દીકરા નવારુણ ભટ્ટાચાર્યનું કેન્સરને કારણે મૃત્યુ થયું. તેમની ગણતરી પણ બંગાળના જાણીતા કવિઓમાં થાય છે.
નવારુણ સાથે 'ભાષા બંધન' નામની પત્રિકાનું સંપાદન કરનારા અરવિંદ ચતુર્વેદ મહાશ્વેતા દેવીના માનવીય પાસાને યાદ કરે છે.
તેમણે કહ્યું, "વચ્ચે-વચ્ચે તે ફોન કરીને બોલાવી લેતાં હતાં. એ કહેતાં કે શું કરો છો? આવી જાઓ.
એક વખત રાત્રે હું છાપાની ઓફિસથી કામ પૂરું કરીને તેમની પાસે પહોંચી ગયો. ત્યારે તેમણે કહ્યું હતું કે 'તું ખૂબ થાકેલો લાગે છે.'
આટલું કહીને તે ઊઠીને બાથરૂમમાં ગયા અને એક ટુવાલ પલાળીને, નીચોવીને લઈ આવ્યાં અને મારી પાછળ ઊભા રહીને મારા માથે એ ટુવાલ મૂકીને તેને થોડો વધું પલાળ્યો.
પછી કહ્યું કે, 'જ્યારે હું ખૂબ થાકેલી હોઉં છું, તો આવી રીતે જ મારો થાક મટાડું છું."
મહાશ્વેતા દેવી સાથે જ લેખકોની એક આખી પેઢીનો અંત થઈ ગયો છે, જે લેખનને સામાજિક સંઘર્ષનો હિસ્સો માનતાં હતાં, બેઠકરૂમમાં કરવામાં આવતું સુરક્ષિત સર્જનાત્મક કાર્ય નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












