કૉંગ્રેસ અને સૉફ્ટ હિંદુત્વ - એક ધક્કા ઔર દો

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિધાનસભાની ચૂંટણીઓમાં સુધરેલા દેખાવથી પ્રોત્સાહિત થયેલી કૉંગ્રેસે હવે શ્રી રામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તરીકે વરાયેલા પરેશ ધાનાણીએ તેમના મતવિસ્તાર અમરેલીમાં 100થી પણ વધુ રામમંદિરોને ફરી સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક રીતે ધબકતાં બનાવવાનો કાર્યક્રમ તેમના સ્વૈચ્છિક સંગઠન દ્વારા ઉપાડ્યો છે.
આ પગલાને દેખીતી રીતે જ કૉંગ્રેસની 'સૉફ્ટ હિંદુત્વ'ના વિસ્તરણ તરીકે ગણવામાં આવ્યું છે.
ભાજપી નેતા અને ભૂતપૂર્વ પત્રકાર અરુણ શૌરીએ એક વખત એનડીએની વ્યાખ્યા 'યુપીએ પ્લસ કાઉ'-- એ શબ્દોમાં આપી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમના સમીકરણમાં હિંદુત્વના પ્રતીક તરીકે 'કાઉ'ને બદલે 'રામ'ને પણ મૂકી શકાય અને એ રીતે જોતાં યુપીએ-એનડીએમાં હવે કશો ફરક રહ્યો ન ગણાય.

કોંગ્રેસનું સોફ્ટ હિંદુત્વ દિશાવિહીનતાનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપનું હિંદુત્વ મુખ્યત્વે વિરોધમાં રાચે છે--મુસ્લિમોનો વિરોધ, ખ્રિસ્તીઓનો વિરોધ, અનામતનો (છૂપો) વિરોધ, પાકિસ્તાનનો વિરોધ, પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમોને એકસમાન ગણાવીને તેમનો સહિયારો વિરોધ… કોઈ પણ સમુદાયનો વિરોધ ન કરવાનો હોય ત્યારે ભાજપ બ્રાન્ડ હિંદુત્વ 'સમરસતા'ની વાત કરે છે, જે પણ અંતે વૈવિધ્યનો આડકતરો વિરોધ છે.
હિંદુઓમાં કેટલા વિવિધ ફાંટા છે તે મતનું અંકગણિત માંડનાર કોઈ પણ વ્યક્તિ બરાબર સમજતી હોય.
આવા હિંદુઓને કેવળ કોઈની બીકથી, કોઈના વિરોધમાં જ મહત્તમ અંશે એક કરી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માટે, વિરોધ દ્વારા હિંદુ એકતાનો એજેન્ડા એ ભાજપની મજબૂરી પણ છે.
(બીજા કોઈ રસ્તે, કોઈ હકારાત્મક એજેન્ડા દ્વારા હિંદુઓને એક કરવાની ભાજપની કે બીજા કોઈ પક્ષની ત્રેવડ લાગતી નથી)
સામે પક્ષે છેલ્લા ત્રણેક દાયકામાં કૉંગ્રેસનું 'સોફ્ટ હિંદુત્વ' તેની રાજકીય નબળાઈનું અને દિશાવિહીનતાનું પરિણામ છે.

સોલંકીની KHAM થિયરીમાં M એટલે મુસ્લિમ

ઇમેજ સ્રોત, INC twitter
શાહબાનો ચુકાદો ઉલટાવનાર રાજીવ ગાંધીની કૉંગ્રેસને ભાગ્યે જ કોઈ 'સૉફ્ટ હિંદુત્વ' સાથે સાંકળે.
વાસ્તવમાં કૉંગ્રેસ માટે પ્રચારાયેલું લેબલ તો 'મુસ્લિમતરફી પાર્ટી'નું હતું--અને આ પ્રચાર આઝાદી પહેલાંથી ચાલ્યો આવે છે.
એ વખતે સરદાર પટેલ જેવા નેતા પર ક્યારેક આરોપથી, તો ક્યારેક અભિમાનથી સૉફ્ટ હિંદુત્વનું આરોપણ કરવામાં આવતું હતું.
કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં સરદાર પટેલના ટેકાથી પુરુષોત્તમદાસ ટંડન પંડિત નહેરુનો ટેકો ધરાવતા ઉમેદવાર આચાર્ય કૃપાલાનીની સામે ચૂંટાઈ આવ્યા, એ 'સૉફ્ટ હિંદુત્વ'ની જીત જ ગણાઈ હતી.
(એ વખતે આ શબ્દપ્રયોગ ચલણમાં ન હતો.)
કૉંગ્રેસની જૂની સર્વસમાવેશકતા અને સર્વધર્મસમભાવ નીતિને કારણે આઝાદી પછી લાંબા સમય સુધી દલિતો અને મુસ્લિમો કૉંગ્રેસની મતબેન્ક બની રહ્યા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કૉંગ્રેસને મળેલી રેકોર્ડ 149 બેઠક KHAM થિયરીની સફળતાને આભારી હતી અને M કહેતાં મુસ્લિમો તેનો મૂળભૂત હિસ્સો હતા.

‘લતીફ કે ભાજપ?’

ઇમેજ સ્રોત, NOAH SEELAM/Gettyimages
પરંતુ અમદાવાદમાં સ્થાનિક બૂટલેગર લતીફનો કેટલાક કૉંગ્રેસી રાજનેતાઓ સાથેનો સંબંધ, લતીફને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે જોવાની અને ગણવાની કૉંગ્રેસી નેતાગીરીની ભૂલ અને કૉંગ્રેસના રાજમાં લતીફનો કારોબાર ફુલવોફાલવો--આવી કેટલીક બાબતોનો ભાજપે ભરપૂર ફાયદો લીધો.
આક્રમક પ્રચારથી કૉંગ્રેસને લતીફની સમાનાર્થી બનાવી દેવાઈ.
જાણીતા પત્રકાર અને 'લતીફ' પુસ્તકના લેખક પ્રશાંત દયાળે નોંધ્યું છે તેમ, એ વખતે નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઓ ભાજપનો પ્રચાર કરવાને બદલે મતદારોને ફક્ત લતીફની જ યાદ અપાવતા હતા.
તેમના પ્રચારનો સૂર એવો હતો કે, 'બોલો, તમારે કોણ જોઈએ? લતીફ કે ભાજપ?'
ત્યારથી ગુજરાત ભાજપને લતીફનું નામ એવું ફળ્યું કે ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ લતીફને યાદ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કૉંગ્રેસ શુદ્ધ નીતિની દૃષ્ટિએ સક્રિય સેક્યુલરિઝમમાં માનતી હોત તો તેણે લતીફને મુસ્લિમ સમુદાયના નેતા તરીકે સ્વીકારવાને બદલે, પ્રગતિશીલ મુસ્લિમોમાંથી કોઈને આગળ કર્યા હોત.
2002ની કોમી હિંસા વખતે પરિસ્થિતિ થાળે પાડવામાં કૉંગ્રેસની ઘણી વધારે મોટી ભૂમિકા હોત.
પરંતુ હકીકત એ છે કે જાહેરમાં સેક્યુલરિઝમની વાત કરતી કૉંગ્રેસના કેટલાક આગેવાનો અંદરથી તેમાં શ્રદ્ધા ધરાવતા ન હતા.
કૉંગ્રેસને બરાબર સમજાતું હતું કે ગુજરાતમાં સત્તા પર આવવું હોય તો 'લતીફની પાર્ટી' કે 'મુસ્લિમોની પાર્ટી' તરીકેની છાપ દૂર કરવી પડશે.
બીજી તરફ, કૉંગ્રેસની આ છાપ કદી ન ભૂંસાય એ માટે ભાજપ સતત પ્રયત્નશીલ હતો, છે અને રહેશે એવું અત્યારે તો લાગે છે.

અસલી હિંદુત્વ - નકલી હિંદુત્વ - ખપ પૂરતું હિંદુત્વ

ઇમેજ સ્રોત, Facebook/Rahul Gandhi
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અરુણ જેટલીએ કહ્યું હતું કે લોકો પાસે અસલી હિંદુત્વવાળી પાર્ટી (ભાજપ) છે, તો પછી લોકો નકલી હિંદુત્વવાળી પાર્ટીને શા માટે પસંદ કરે?
બીજા કેટલાક લોકોએ પણ એવો તર્ક આપ્યો હતો. પરંતુ મૂળભૂત ફરક જરૂરિયાતનો છે.
ભાજપ માટે હિંદુત્વ તેની સૌથી મોટી અને ખાસમખાસ વિશેષતા--યુએસપી છે.
બહાર ગમે તે વાત કરે, પણ હિંદુ રાષ્ટ્રનો એટલે કે ભારતને હિંદુ પાકિસ્તાન બનાવવાનો ખ્યાલ સંઘના સંસ્કારમાંથી સાવ જતો રહે એ શક્ય નથી.
સૈદ્ધાંતિક રીતે ભાજપમાંથી હિંદુત્વ કાઢી લેવામાં આવે તો આર્થિક-સામાજિક-વિદેશને લગતી એવી બીજી અનેક નીતિના મામલે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે મોટો ફરક પાડવાનું અઘરું બને.
એટલે જ, કૉંગ્રેસ ભલે સૉફ્ટ તો સૉફ્ટ, પણ હિંદુત્વના રસ્તે આગળ વધે ત્યારે ભાજપને તકલીફ પડે છે.
બીજી બાજુ, 'સૉફ્ટ હિંદુત્વ'ના રસ્તે આગળ વધતી કૉંગ્રેસનો ઇરાદો હિંદુત્વને મુખ્ય એજેન્ડા બનાવવાનો કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો નથી.

તેને 'મુસ્લિમતરફી પક્ષ'નું જૂનું લેબલ ભૂંસવા માટે જેટલા હિંદુત્વનો ખપ પડે, એટલું હિંદુત્વ જોઈએ છે.
પરંતુ આ બધી બાબતો લાગણી સાથે સંકળાયેલી હોવાથી તેમાં માપ રહેતું નથી.
એટલે અહેમદ પટેલને કે સોરાબુદ્દીન કેસ સાથે સંકળાયેલા જસ્ટિસ લોયાના મૃત્યના મુદ્દાને ગુજરાતના ચૂંટણીપ્રચાર વખતે દૂર રખાયા હતા અને ભીંસમાં આવેલા રાહુલ ગાંધીને છડેચોક જનોઈધારી બ્રાહ્મણ તરીકેની ઓળખ આપતાં સંકોચ થયો કે સેક્યુલરિઝમનો વિચાર આવ્યો નહીં.
રાહુલ ગાંધીના ચૂંટણીપ્રચારમાં સભાનતાપૂર્વક દૂર રખાયેલાં મુસ્લિમ ધર્મસ્થાનો કૉંગ્રેસની એ સૉફ્ટ હિંદુત્વ નીતિનાં સૂચક હતાં, જેમાં 'રખે ને ભાજપ ફરી આપણને મુસ્લિમો સાથે જોડી દે'--એવી બીક મુખ્ય ભાગ ભજવતી હતી.
ટૂંકમાં, કૉંગ્રેસનું 'સૉફ્ટ હિંદુત્વ' ભૂતકાળની છબિની કેદમાંથી છૂટવાના ભાગરૂપ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી તેમાં ગાબડું પડી ચૂક્યું છે. હવેનો ખેલ 'એક ધક્કા ઓર દો' માટેનો લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














