ચીફ જસ્ટિસ સામે આંગળી ચીંધનાર ચાર જજ કોણ?

ચીફ જસ્ટિસ સામે આંગળી ચીંધનાર ચાર સીનિઅર જજ

ઇમેજ સ્રોત, SUPREME COURT

ઇમેજ કૅપ્શન, ચીફ જસ્ટિસ સામે આંગળી ચીંધનાર ચાર સીનિઅર જજ

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કથિત ગેરવહીવટ બાબતે સર્વોચ્ચ અદાલતના ચાર સીનિઅર જજોએ દેશના ઇતિહાસમાં પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

એ ચાર ન્યાયમૂર્તિઓમાં જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે.

line

જસ્ટિસ જે. ચેલમેશ્વર

જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં 1953ની 23 જુલાઈએ જન્મેલા જસ્ટિસ જસ્તી ચેલમેશ્વરે દક્ષિણ ભારતની પ્રતિષ્ઠિત મદ્રાસ લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રના સ્નાતક થયા છે.

આંધ્ર યુનિવર્સટીમાં તેમણે 1976માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1995ની 13 ઑક્ટોબરે તેઓ એડિશનલ એડવોકેટ જનરલ બન્યા હતા.

એ પછી ગુવાહાટી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવ્યા બાદ 2011માં તેઓ સુપ્રીમમાં જજ બન્યા હતા.

line

મહત્વના ચુકાદા

જસ્ટિસ ચેલમેશ્વરે કેટલાક મહત્વના ચુકાદા આપ્યા છે. તેમાં ફ્રીડમ ઓફ સ્પીચ, રાઈટ ટુ પ્રાઈવસી અને નેશનલ જૂડિશલ અપોઈન્ટમેન્ટ્સ કમિશન સંબંધી ચુકાદાનો સમાવેશ થાય છે.

ફ્રીડમ ઓફ સ્પીચ (વર્ષ-2012)

ઈન્ટરનેટ પર 'ઘૃણાજનક' સામગ્રી પોસ્ટ કરવાને ગુનો ગણતો અને એ બદલ ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ ધરાવતો કાયદો જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ રોહિન્ટન ફલી નરિમાને રદ્દ કર્યો હતો.

રાઈટ ટુ પ્રાઈવસી-(2017)

પ્રાઈવસીને મૂળભૂત અધિકાર જાહેર કરી ચૂકેલા નવ ન્યાયમૂર્તિઓની ખંડપીઠમાં જસ્ટિસ ચેલમેશ્વરનો પણ સમાવેશ થતો હતો. બંધારણીય ખંડપીઠે 2017માં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો.

નેશનલ જૂડિશનલ અપોઈન્ટમેન્ટ કમિશન (એનજેએસી)-(2015)

2015ના એનએજેસી ચુકાદામાં જસ્ટિસ ચેલમેશ્વરે ભિન્નમત વ્યક્ત કર્યો હતો અને જજોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમની ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ 'સગાંવાદનો સૌમ્ય પર્યાય છે', જેમાં 'સામાન્ય કે તેથી પણ ઓછી યોગ્યતા ધરાવતા' લોકોને બઢતી આપવામાં આવે છે.

line

જસ્ટિસ રંજન ગોગોઈ

1954ની 18 નવેમ્બરે જન્મેલા જસ્ટિસ રંજન ગોગોઈ 1978માં વકીલ બન્યા હતા.

ગુવાહાટી હાઈકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા બાદ 2001ની 28 ફેબ્રુઆરીએ તેમની નિમણૂક ગુવાહાટી હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે કરવામાં આવી હતી.

2010ની નવમી સપ્ટેમ્બરે તેમની બદલી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. વર્ષ 2012ની 23 એપ્રિલે તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા.

line

મહત્વના ચુકાદા

જસ્ટિસ રંજન ગોગોઈએ આપેલા નોંધપાત્ર ચુકાદાઓમાં રાજકારણીઓ દ્વારા સાધન-સામગ્રી મફત આપવાનાં વચન સંબંધી ચુકાદા અને ચૂંટણી સુધારા સંબંધી ચુકાદાનો સમાવેશ થાય છે.

રાજકારણીઓ દ્વારા મફત સાધન-સામગ્રીનાં વચન

ન્યાયમૂર્તિ પી. સથાસિવમ અને જસ્ટિસ રંજન ગોગોઈની બનેલી એક ખંડપીઠે 2013ના જુલાઈમાં જણાવ્યું હતું કે "મફત સાધન-સામગ્રીનાં વચનોથી મુક્ત તથા ન્યાયી ચૂંટણીના મૂળમાં મોટા પાયે અસર થાય છે."

આ સંબંધે તમામ રાજકીય પક્ષો સાથે મસલત કરીને ગાઈડલાઈન્સ ઘડી કાઢવાનો આદેશ ખંડપીઠે ચૂંટણી પંચને આપ્યો હતો.

આ મુદ્દે અલગ કાયદો ઘડવાની જરૂરિયાત હોવાનું પણ ખંડપીઠે જણાવ્યું હતું.

ચૂંટણી સુધારા

તત્કાલીન વડા ન્યાયમૂર્તિ પી. સથાસિવમ અને ન્યાયમૂર્તિઓ રંજના પી. દેસાઈ તથા રંજન ગોગોઈની બનેલી ખંડપીઠે નોમિનેશન એફિડેવિટ ફાઈલ કરવાની પ્રક્રિયામાં સુધારા કરાવ્યા હતા.

તેમના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે નાગરિકો મતદાન કરતી વખતે પસંદગી કરી શકે એ માટે ઉમેદવારોએ તેમની તમામ માહિતી લોકોના લાભાર્થે પૂરી પાડવી અનિવાર્ય છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે ઉમેદવારી પત્રમાં જરૂરી માહિતી ન આપવામાં આવી હોય તો એ લખવા રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને કહી શકે છે.

line

જસ્ટિસ મદન ભીમરાવ લોકુર

સુપ્રીમ કોર્ટની ઈમારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની ઈમારત

જસ્ટિસ મદન ભીમરાવ લોકુરનો જન્મ 1953ની 31 ડિસેમ્બરે થયો હતો. તેમણે દિલ્હીની મોર્ડન સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો હતો.

એ પછી દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસના સ્નાતક થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી જ તેમણે 1977માં એલએલબીની ડિગ્રી મેળવી હતી.

તેમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી. 1981માં પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે રજિસ્ટર થયા હતા.

તેઓ સિવિલ લો, ક્રિમિનલ લો, કોન્સ્ટિટ્યૂશનલ લો અને રેવેન્યૂ એન્ડ સર્વિલ લોના નિષ્ણાત પણ છે.

તેઓ 1983માં ઈન્ડિયન લો રિવ્યૂ (દિલ્હી સીરિઝ)ના સંપાદક બન્યા હતા અને દિલ્હી હાઈ કોર્ટમાં નિમણૂક થઈ ત્યાં સુધી એ પદ પર કાર્યરત રહ્યા હતા.

1998ની 14 જુલાઈએ તેમની નિમણૂક દેશના અતિરિક્ત મહાભિયોજક તરીકે કરવામાં આવી હતી.

1999ની 19 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક થઈ ત્યાં સુધી તેઓ એ પદ પર કાર્યરત રહ્યા હતા.

1999ના જુલાઈમાં તેઓ દિલ્હી હાઈકોર્ટના સ્થાયી જજ બન્યા હતા.

તેમણે 2010ની 13 ફેબ્રુઆરીથી 2010ની 21 મે સુધી દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

2010ની 24 જુનથી 2011ની 14 નવેમ્બર સુધી તેમણે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી.

2011ની 15 નવેમ્બરથી 2012ની ત્રીજી જુન સુધી તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.

જસ્ટિસ લોકુર ન્યાયિક સુધારાઓ, અદાલતોના કમ્પ્યુટરાઇઝેશન, ન્યાયિક શિક્ષણ, કાનૂની મદદ અને સેવાઓ વગેરેમાં પણ રસ લેતા રહ્યા છે.

તેઓ સુપ્રીમ કોર્ટની ઈ-સમિતિના પ્રભારી જજ પણ હતા.

line

મહત્વના ચુકાદા

જસ્ટિસ લોકુરે આપેલા મહત્વના ચુકાદાઓમાં મણીપુરમાં બનાવટી એન્કાઉન્ટર અને માઈનોરિટી સબ-ક્વોટાનો સમાવેશ થાય છે.

મણીપુરમાં બનાવટી એન્કાઉન્ટર

મણીપુરમાં છેલ્લા એક દાયકા દરમ્યાન પોલીસ એન્કાઉન્ટરમાં હત્યાની 98 ઘટનાઓ સંબંધે સીબીઆઈ મારફત તપાસ કરાવવાનો આદેશ જસ્ટિસ લોકુર અને ઉદય લલીતની બનેલી એક ખંડપીઠે 2017ના જુલાઈમાં આપ્યો હતો.

માઈનોરિટી સબ-ક્વોટા

લઘુમતીઓને (અન્ય પછાત વર્ગ માટેની 27 ટકા અનામતમાંથી) 4.5 ટકા સબ-ક્વોટા ફાળવવાના ભારત સરકારના નિર્ણયને વડા ન્યાયમૂર્તિ મદન લોકુર અને ન્યાયમૂર્તિ પી.વી. સંજય કુમારની બનેલી આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટની ડિવિઝનલ ખંડપીઠે 2012ના મેમાં રદ્દ કર્યો હતો.

line

જસ્ટિસ કુરિયન જોસેફ

જસ્ટિસ કુરિયન જોસેફ

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ કુરિયન જોસેફ

જસ્ટિસ કુરિયન જોસેફનો જન્મ 1953ની 30 નવેમ્બરે કેરળમાં થયો હતો.

તેમણે તિરુઅનંતપુરમની કેરળ લો એકેડમી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

1977-78માં તેઓ કેરળ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા અને 1983થી 1985 સુધી તેઓ કોચ્ચિ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતા.

તેમણે 1979માં કેરળ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. 1987માં તેઓ સરકારી વકીલ બન્યા હતા અને 1994થી 1996 સુધી એડિશનલ એડવોકેટ જનરલ હતા.

1996માં તેઓ સીનિઅર વકીલ બન્યા હતા અને 2000ની 12 જુલાઈએ કેરળ હાઈકોર્ટમાં જજ બન્યા હતા.

2006થી 2008 સુધી તેઓ કેરળ ન્યાયિક અકાદમીના અધ્યક્ષ હતા અને 2008માં તેઓ લક્ષદ્વીપ લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા હતા.

એ પછી 2006થી 2009 સુધી તેઓ કેરળ હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા.

જસ્ટિસ કુરિયને કેરળ કાઈ કોર્ટના કાર્યકારી વડા ન્યાયમૂર્તિ તરીકે બે વખત ફરજ બજાવી છે.

2010ની આઠમી ફેબ્રુઆરીથી 2013ની સાતમી માર્ચ સુધી તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ હતા.

2013ની આઠમી માર્ચે તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ 2018ની 29 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.

line

મહત્વના ચુકાદા

જસ્ટિસ કુરિયન જોસેફ પણ કેટલાક મહત્વના ચુકાદાનો હિસ્સો બન્યા છે.

ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકનારી સૂપ્રીમ કોર્ટની ખંડપીઠમાં તેમનો પણ સમાવેશ થતો હતો.

આ ચુકાદામાં તેમણે સવાલ કર્યો હતો કે "ભગવાન જેને પાપ ગણતા હોય તેને માણસો કાયદા દ્વારા માન્યતા આપી શકે?"

ન્યાયમૂર્તિઓ આર.એમ. લોઢા અને મદન લોકુરની સાથે જસ્ટિસ કુરિયન જોસેફ પણ કોલસા ખાણ ફાળવણી કૌભાંડ કેસની સુનાવણી હાથ ધરી રહેલી ખંડપીઠના સભ્ય છે.

આ ખંડપીઠે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાને આ કેસમાં દોષી ઠરાવ્યા હતા અને સજા કરી હતી.

સંસદ પરના હુમલાના કેસમાં પ્રિન્ટઆઉટ્સ અને કોમ્પેક્ટ ડિસ્ક જેવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડઝને તેમની પ્રમાણભૂતતા સ્થાપિત કર્યા વિના પ્રારંભિક પુરાવા તરીકે માન્ય રાખતા 2005ના ચુકાદાને ત્રણ જજોની ખંડપીઠે 2014ના સપ્ટેમ્બરમાં ઉલટાવ્યો હતો.

એ ચુકાદો જસ્ટિસ કુરિયને લખ્યો હતો અને જણાવ્યું હતું કે સંસદ પરના હુમલાના કેસના ચુકાદામાં કોર્ટે લીધેલું વલણ કાયદાકીય રીતે ખોટું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો