શા માટે કેનેડામાં 'નગ્ન પાર્ટી' મુદ્દે બબાલ?

પગનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

કેનેડામાં આજકાલ એક પૂલ પાર્ટીને રોકવાના હેતુથી એક ઓનલાઇન અભિયાન ચલાવવામાં આવ્યું છે.

આ ઓનલાઇન અભિયાન પર હજારો લોકોએ તેમની સહમતી દર્શાવી છે. બીજી બાજુ, પૂલ પાર્ટીની બધી ટિકિટ પહેલેથી જ વેચાઈ ગઈ છે.

તમને આ વાંચવું પણ ગમશે :

આવી પરિસ્થિતિમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, લોકો આ આયોજનનો વિરોધ શા માટે કરી રહ્યા છે અને શા માટે આ પાર્ટીને રોકવા માંગે છે?

તેનું સૌથી મોટી કારણ એ છે કે આ એક ન્યૂડ(નગ્ન) પાર્ટી છે.

પાર્ટીની ટિકિટ વેચવા માટે કરવામાં આવેલી જાહેરાતમાં આ એક નગ્ન પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સાથેસાથે આ પાર્ટીમાં તમામ વયના (ઉંમરના) લોકો ભાગ લઈ શકશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

આ પાર્ટી પર પ્રતિબંધની માંગ કરી રહેલા લોકોનું કહેવું છે કે, જો આ પાર્ટીમાં બાળકોએ ટિકિટ બુક કરી હશે તો તેમનું યૌનશોષણ થવાનો ભય છે.

પોસ્ટનો ફોટો

પાર્ટીના આયોજકો એવો અભિપ્રાય ધરાવે છે કે આવી માગણી કરનાર લોકોએ 'ન્યૂડિસ્ટ કલ્ચર (નગ્નતા સંસ્કૃતિ)ને બરાબર સમજવાની જરૂર છે. અને તેનો વિરોધ કરનારા લોકો આ સંસ્કૃતિને સમજી નથી શક્યા.

ચેન્જ ડૉટ ઓઆરજી પર આ આયોજનને રોકવા માટે અત્યાર સુધીમાં અઢાર હજાર કરતાં વધુ લોકોએ તેમના હસ્તાક્ષર કરીને આ આયોજન પર પ્રતિબંધ લાદવાની માંગણી કરી છે.

આ પાર્ટીનું આયોજન 14 જાન્યુઆરીના દિવસે સાઉથલૅન્ડ લિઝર સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

આયોજનને અટકાવવાની માંગ કરનારા લોકો કહે છે કે આ પાર્ટીને રદ કરવામાં આવે અથવા તો બાળકોના પાર્ટી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

આ માંગ એટલી મજબૂત છે કે લિઝર સેન્ટરના સંચાલક આ પાર્ટીની આયોજન પર ફરીથી વિચારણા કરી રહ્યા છે.

આ પાર્ટીનું આયોજન એક સ્થાનિક જૂથ નામે કેલ્ગેરી ન્યૂડ રિક્રિયેશન કરી રહ્યું છે.

આ પાર્ટીના આયોજનની જાહેરાત સંસ્થાના અધિકૃત ફેસબુક પેજ સાથે સાથે સોશિયલ મીડિયા થકી કૉમ્યુનિટી સાઇટ મીટઅપ પર પણ કરવામાં આવી છે.

એવું કહેવાઈ રહ્યું છે કે આ આયોજનની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 180 લોકોએ આ પાર્ટીમાં જવાની સહમતી દર્શાવી છે.

line

આયોજન ચર્ચાની એરણે ચડ્યું

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

કેલ્ગેરી ન્યૂડ રિક્રિયેશનની વેબસાઇટ અનુસાર, આ એક કુટુંબ જેવો સમૂહ હોઈ આવા આયોજનો દર મહિને કરવાની વિચારણા ચાલી રહી છે.

વેબસાઇટ અનુસાર, "આ જૂથ સમાન વિચાર ધરાવતાં લોકોનું જૂથ છે જે તેમના બર્થડે સ્યૂટમાં રહીને જીવનનો આનંદ ઉઠાવવા માંગે છે.

"આ એક એવું પારિવારિક જૂથ છે જેમાં જૂથના અન્ય લોકો બાળકો સાથે મિત્રતા ધરાવે છે.

આ સમૂહમાં દરેક વયના લોકો જુદીજુદી શારીરિક રચના ધરાવતા લોકો તથા તમામ પ્રકારના જાતીય વલણો ધરાવતાં લોકોને પ્રવેશ આપવામાં આવે છે."

આ પાર્ટીમાં બાળકોના આવવા સામે વિરોધ નોંધાવનાર સૌપ્રથમ મહિલા એપ્રિલ પારકર છે.

એપ્રિલ પારકરે આ આયોજનના વિરુદ્ધમાં ઓનલાઇન અરજી દાખલ કરી હતી અને આ આયોજનમાં બાળકોના યૌનશોષણની સંભાવના દર્શાવી હતી.

પારકરે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે આ આયોજન દરમિયાન બાળકોનાં ફોટા અને વીડિયો તેમની પરવાનગી વિના જો લેવામાં આવશે તો એ એક પ્રકારે બાળ પોર્નોગ્રાફી જેવું (સાહિત્ય) હશે.

બીબીસી ટ્રેન્ડીંગે એપ્રિલ પારકર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ વાત કરવા માટે તૈયારી નહોતી દર્શાવી.

પાર્ટીનું આયોજક જૂથ કેલગરી ન્યૂડ રિક્રિયેશન ગ્રૂપના પ્રમુખે બીબીસી ટ્રેન્ડિંગ સમક્ષ પણ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવીને નેકેડ જેફના બનાવટી નામ સાથે વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે આયોજનથી બાળકોને કોઈ જોખમ નથી.

જેફએ ઇમેલ દ્વારા જણાવ્યું હતું કે, એવી આશંકાઓ દર્શાવાઈ રહી છે કે આ આયોજન બાળકો માટે અયોગ્ય છે.

પરંતુ આ દલીલમાં કોઈ સત્ય નથી, કારણ કે આ એક નોન-સેક્સુઅલ આયોજન છે.

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

જેફએ ઉમેર્યું હતું કે ન્યૂડિટીનો અર્થ સેક્સ એવો જ નથી થતો. સાથે જ ઉમેર્યું કે, આ આયોજનમાં હજારો લોકો ભાગ લેવા ઉત્સુક છે.

જેફએ કહ્યું, "જે રીતે આ આયોજનનો વિરોધ થઇ રહ્યો છે તે જોતા સ્થાનિક અધિકારીઓ પણ આ આયોજનની સમીક્ષા કરી રહ્યા છે."

ઉપરોક્ત પરિસ્થિતિમાં આ સમગ્ર આયોજન ચર્ચાના ચગડોળે ચડતું દેખાઈ રહ્યું છે.

જોકે, સાથેસાથે ચેન્જ ડૉટ ઓઆરજી પર એક નવું અભિયાન શરૂ થયું છે, જે આ આયોજનનાં સમર્થનમાં આગળ વધી રહ્યું છે.

આ અભિયાન બેન મૂન નામના વ્યક્તિએ શરૂ કર્યું છે. એપ્રિલ પારકરની અરજીને અયોગ્ય ઠેરવી તેને બંધ કરવાની માંગ સાથે વળતું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનની અરજી પર ચાર હજાર (4,000) લોકોએ હસ્તાક્ષર કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો