ફેસબુક પર લોકપ્રિય ‘હેબર્સ કિચન’ શેફને ઓળખો છો?

ઇમેજ સ્રોત, ARCHANA
- લેેખક, શરત બેહરા
- પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા
'હેબર્સ કિચન' સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય પેજ શા માટે બની ગયું છે?
ફેસબુક પર તેના લગભગ 64 લાખ ફોલોઅર્સ છે.
આ પેજ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો આજ સુધીમાં 16 અબજથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે.
જોકે, મોટાભાગના ફોલોઅર્સ આ પેજ કોનું છે તે વિશે જાણતા નથી.
તમને આ પણ વાંચવું ગમશે
આ પેજમાં આવતા વીડિયોમાં ડાબા અંગૂઠામાં સોનાની વિંટી પહેરી હોય એવી એક સ્ત્રીનાં હાથ જ જોવા મળે છે.
એ વીડિયોમાંની મહિલાએ હેબર્સ કિચનનાં પ્લેટફોર્મ પર તેની ઓળખ ક્યારેય જાહેર કરી નથી. બીબીસીએ એ મહિલા સાથે વાત કરી હતી.
એક શોખ તરીકે હેબર્સ કિચન પેજ શરૂ કરનાર એ મહિલાની પ્રેરણાદાયક યાત્રાની વાતો આ રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે એ મહિલા ?

ઇમેજ સ્રોત, ARCHANA
હેબર્સ કિચનનાં સ્થાપક છે અર્ચના હેબર. મૂળ કર્ણાટકનાં ઉડ્ડુપીનાં વતની અર્ચના ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી થયાં છે.
ફેસબુક પર હેબર્સ કિચનના વીડિયોને 2017માં દરેક મહિને સરેરાશ નવ કરોડ વ્યૂ મળ્યા હતા.
પોતાનું પેજ આટલું બધું લોકપ્રિય બનશે તેની તેમણે ક્યારેય કલ્પના કરી ન હતી.
અર્ચના હેબરે 2016ની શરૂઆતમાં તેમની આ કુકિંગ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ફુરસદના સમયમાં કરી શરૂઆત

ઇમેજ સ્રોત, HEBBARS KITCHEN/FACEBOOK
અર્ચના હેબર કહે છે, "લગ્ન કર્યા પછી 2015માં હું ઓસ્ટ્રેલિયા આવી હતી, પણ અહીં સ્થાનિક અનુભવ વિના નોકરી મળવી શક્ય ન હતી."
"તેથી ફુરસદના સમયમાં મેં એક ફૂડ બ્લૉગ શરૂ કર્યો હતો. તેને ખાસ સફળતા મળી નહોતી.
"એ પછી મેં વાનગી બનાવવાની રીત (રૅસિપિ)ના ટૂંકા વીડિયો પોસ્ટ કરવા વિચાર્યું હતું. તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો."
તેમણે ઉમેર્યું, "શરૂઆતમાં હું વીડિયોને ફોન મારફત શૂટ કરતી હતી અને તેને જાતે એડિટ કરતી હતી.
"વેબસાઇટ અને ફોટોગ્રાફી સંબંધે મારા પતિ મદદ કરતા હતા."
"એ પછી મારા પતિએ મને ડીએસએલઆર કેમેરા, પ્રોફેશનલ વીડિયો એડિટિંગ સોફ્ટવેર અને અત્યાધુનિક ડેસ્કટોપ ભેટ આપ્યાં હતાં, જેથી હું ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીડિયો શૂટ અને એડિટ કરી શકું."

વીડિયો માટે વ્યૂહરચના

ઇમેજ સ્રોત, HEBBARS KITCHEN
અર્ચનાએ જણાવ્યું હતું કે વ્યૂહરચનાના ભાગરૂપે તેમણે વીડિયોની લંબાઈ બે મિનિટથી ઓછી રાખી હતી અને પોતાની ઓળખ ક્યારેય જાહેર કરી ન હતી.
અર્ચનાએ કહ્યું હતું, "મને અંગત બાબતો જાહેર કરવાનું પસંદ નથી.
"મને ફેસબુક પર સંખ્યાબંધ રિક્વેસ્ટ મળે છે, પણ હું તેનો પ્રતિસાદ આપી શકતી નથી. સાથે મારાં વ્યક્તિગત જીવનમાં પણ કોઈ ખલેલ ઇચ્છતી નથી.
"તેથી હું મારા ફોટો શેર કરવાનું ટાળું છું અને લો પ્રોફાઇલ રાખવાનો પ્રયાસ કરું છું."
પોતાના ફેસબુક પેજ પર રોજ ઓછામાં ઓછી એક રૅસિપિ અપલોડ કરવામાં આવે તેનું અર્ચના બરાબર ધ્યાન રાખે છે.

ગૃહિણીઓ માટે પ્રેરણાદાયક

ઘણી ગૃહિણીઓ અર્ચનાનાં વીડિયોઝ પર કૉમેન્ટ કરે છે.
ગૃહિણીઓ જણાવે છે કે તેમને અર્ચનાના કામમાંથી પ્રેરણા મળે છે અને તેઓ પણ અર્ચનાની માફક કિચન બનાવીને કુકિંગ બ્લોગ શરૂ કરવા ઇચ્છે છે.
અર્ચનાના વીડિયો પૈકીનો રસગુલ્લાંની રૅસિપિ જણાવતો વીડિયો સૌથી વધુ પ્રમાણમાં નિહાળવામાં આવ્યો છે.
એ વીડિયો આજ સુધીમાં 1.7 કરોડ લોકો નિહાળી ચૂક્યા છે અને તેને 60 લાખથી વધુ લોકો તેને શેર કરી ચૂક્યા છે.

વીડિયો માટે બનાવેલી વાનગીનું શું થાય?
અર્ચનાએ કહ્યું હતું, "વાનગીઓ તથા નાસ્તા અમે ખાઇએ છીએ અને અમારાં પાડોશીઓને પણ આપીએ છીએ."
"જોકે, મીઠી વાનગીઓ હું પેક કરીને મારા પતિને તેમની ઓફિસમાં વહેંચવા માટે આપી દઉં છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












