પીરિયડ્સના દિવસોમાં વિદ્યાર્થિનીઓ નદી પાર નહીં કરી શકે, મૂકાયો પ્રતિબંધ

સ્કૂલનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Science Photo Library

ઘાનામાં શાળાની વિદ્યાર્થિનીઓ પર પીરિયડ્સના દિવસોમાં એક નદી પાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પુલ ઑફિન નદી પર બન્યો છે. તેને લઈને કેટલીક ધાર્મિક માન્યતાઓ છે.

વિદ્યાર્થીનીઓ પર આ પ્રતિબંધ મંગળવારના દિવસે લાદવામાં આવ્યો હતો.

જેને લઈને બાળકોના અધિકારો અંગે કામ કરનારા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણી વિદ્યાર્થિનીઓ આ નદી પાર કરીને શાળાએ જાય છે.

એનો મતલબ છે કે ડેન્કારા ઇસ્ટ જિલ્લાના મધ્ય વિસ્તારમાં કેટલીક વિદ્યાર્થિનીઓ પીરિયડ્સના દિવસોમાં શાળાએ જઈ શકશે નહીં.

સબ સહારા આફ્રિકા પહેલાંથી જ પીરિયડ્સના દિવસોમાં વિદ્યાર્થિનીઓ શાળામાં આવે તેને લઈને સંઘર્ષ કરી રહ્યું છે.

પરેડ કરી રહેલી વિદ્યાર્થીનીઓ

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા યૂનેસ્કોના એક અનુમાન પ્રમાણે આ વિસ્તારોમાં સરેરાશ દસમાંથી એક વિદ્યાર્થીની પીરિયડ્સને કારણે શાળાએ જઈ શકતી નથી.

વિશ્વ બેંકના એક રિપોર્ટ પ્રમાણે 1.15 કરોડ મહિલાઓ સાફ સફાઈની વ્યવસ્થાની સુવિધાઓથી વંચિત છે.

યૂનિસેફની મેન્સ્ટ્રુઅલ હાઇજીન એમ્બેસેન્ડર શમીમા મુસ્લિમ અલહસને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઑફિન નદીને લઈને બહાર પાડવામાં આવેલો નિર્દેશ શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે."

તેમણે કહ્યું, "ભગવાન ખરેખર તાકતવર છે. છે ને?"

શમીમાએ કહ્યું, "ઘણીવાર હું વિચારું છું કે આપણે આ ભગવાનો પાસે થોડી જવાબદારીની માગ કરવી જોઈએ, જે ઘણી વસ્તુઓને રોકી રાખે છે."

"તેમણે એ જબરદસ્ત શક્તિનો કેવો ઉપયોગ કર્યો છે. જે આપણે તેમને આપી છે."

મધ્ય ક્ષેત્રના મંત્રી ક્વામેના ડંકને 'અશાંતી ક્ષેત્ર'ના સ્થાનીય મંત્રી સાથે વાત કરીને આ મામલાનો ઉકેલ લાવવાના સંકેત આપ્યા છે.

ઑફિન નદી અશાંતી અને મધ્ય ક્ષેત્ર વચ્ચે સરહદનું કામ કરે છે.

ઘણી સંસ્કૃતિઓમાં આજ પણ મહિલાઓના પીરિયડ્સને લઈને અનેક માન્યતાયો છે.

માડાગાસ્કરમાં કેટલીક મહિલાઓ પર પીરિયડ્સના દિવસોમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

નેપાળમાં આજે પણ મહિલાઓને પરિવારથી અલગ ઝૂંપડીમાં સૂવા પર મજબૂર કરવામાં આવે છે.

ભારતીય પરિવારોમાં પણ પીરિયડ્સને લઈને અનેક રિવાજો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો