સીરિયામાં ક્લોરીન ગેસના હુમલાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
મળતા અહેવાલો અનુસાર, બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ક્લોરીન ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે.
બીબીસીને મળેલી જાણકારી મુજબ, રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હોવાનું બહાર આવ્યું છે.
આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે છ લોકોને શ્વાસ સંબંધિત સામાન્ય તકલીફોની સારવાર અપાઈ રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
2013ની સાલથી રશિયા સમર્થિત સરકારી દળોએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે જેમાં લગભગ ચાર લાખ લોકો રહે છે.
સીરિયામાં જ્યારથી ગૃહયુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી ક્લોરીન ગેસ દ્વારા હુમલાના ઘણા કેસ નોંધાયા છે.
પરંતુ યુદ્ધ દરમ્યાન કોઈ પણ પ્રકારના રસાયણ કે રાસાયણિક હથિયારોના વપરાશના આરોપો સરકારે નક્કારી કાઢ્યા છે.
10 જાન્યુઆરીના દિવસે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના ઉચ્ચાયુકતે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર પછી પૂર્વ ગુટામાં થઈ રહેલા હવાઈ હુમલામાં વધારો થયો છે જેમાં ઓછામાં ઓછા 85 નાગરિકો માર્યા ગયાનો અહેવાલ છે.

ઇમેજ સ્રોત, Reuters
ઝૈદ રાદ અલ હુસૈને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "પૂર્વ ગોટામાં ઘેરાબંધી જિંદગીના નુક્સાનનું કારણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રહેઠાણના વિસ્તારોમાં દિવસ-રાત, જમીની અને હવાઈ હુમલાઓ થઈ રહ્યા છે, જેને કારણે નાગરિકોએ ભોંયરાઓમાં છુપાઈ જવું પડે છે.
પૂર્વ ગોટ્ટા ક્ષેત્ર રણનીતિની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ વિસ્તાર હોય, વિદ્રોહીઓ અહીં દમાસ્કસના રહેવાસી વિસ્તારોમાં રોકેટ છોડવા માટે સક્ષમ છે.
સરકારી મીડિયા અનુસાર નાગરિકોના મૃત્યુનું પણ આ એક કારણ છે.
પૂર્વ ગુટા બહાર બળવાખોરો દ્વારા કબજે કરેલા હારસ્તા શહેરમાં ભૂગર્ભમાં રહેતા એક શિક્ષક યૂસુફ ઇબ્રાહિમ આ સ્થિતિનું વર્ણન કરે છે.

જીવન મુશ્કેલ

ઇમેજ સ્રોત, Getty Images
યુસુફ ઇબ્રાહિમે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આજનો દિવસ એટલો મુશ્કેલીભર્યો નથી જેટલો ગઈકાલનો હતો."
ઇબ્રાહિમે જણાવ્યું કે, આજે કોઈ યુદ્ધ વિમાન નથી દેખાઈ રહ્યું એટલે કોઈ હુમલાઓ નથી થયા.
માત્ર જમીન થી જમીનના રોકેટ હુમલાઓ થવાને કારણે હારસ્તાની ઇમારતો અને જનતા આ હુમલાઓમાં નિશાન બનાવવામાં આવી રહી છે.
ઇબ્રાહીમ જણાવે છે કે, શહેરમાં રહેનારા લોકોના મકાન જમીન પર હોવાથી ભારી બોમ્બમારાની વચ્ચે તેઓ ભોંયરાઓમાં રહે છે.
ઇબ્રાહીમ ઉમેરે છે, "અહીં બજાર અને અન્ય શ્રેષ્ઠ જીવન જરૂરી સેવાઓનો અભાવ છે."
ગયા અઠવાડિયે સહાય કામદારોના જણાવ્યા મુજબ 10 દિવસ ચાલેલા હવાઈ હુમલાઓમાં સીરિયા સમર્થક વિદ્રોહીઓવાળા વિસ્તારોમાં 10 હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું છે.

ભૂખમરો

ઇમેજ સ્રોત, Getty Images
ખોરાકની અછતને કારણે, ગંભીર કુપોષણના ઘણા કિસ્સા નોંધાયા છે.
નવેમ્બર 2017માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વીય ગુટાના કેટલાક નાગરિકોને પ્રાણીઓને નાખવામાં આવતો ઘાસચારો અને કચરો ખાઈને જીવન ટકાવી રાખવું પડે છે.
ઘણા લોકોના ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યાના પણ સમાચાર છે.
2017માં સીરિયાએ રશિયા, ઈરાન અને તુર્કી સાથે મળીને જાહેરાત કરી હતી કે, પૂર્વ ગોટા એવા વિસ્તારોમાં છે જ્યાં 'યુદ્ધની તીવ્રતામાં ઘટાડો' થઈ ગયો છે.
ઉપરોક્ત જાહેરાત બાદ પણ આ વિસ્તારમાં બોમ્બિંગ ચાલુ રહ્યું હતું.
સૈનિકો અને સંલગ્ન દળોએ ખોરાક અને દવાની દાણચોરીના વેપારને અટકાવતા લોકોને અનિયમિત રીતે મળી રહેલી મદદ પર છોડી દેવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












