એ નિર્ણય જેણે ભારતના રાજકારણની દિશા બદલી નાખી

    • લેેખક, મોહનલાલ શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

12 જૂન, 1975ના રોજ સવારે દસ વાગ્યાથી જ અલાહાબાદ હાઈકોર્ટની 24 નંબરની કોર્ટમાં ભીડ થવા લાગી હતી.

જસ્ટિસ જગમોહન લાલ સિન્હા પર દેશભરના લોકોની નજર હતી કેમ કે ઇન્દિરા ગાંધી સામે રાજનારાયણે દાખલ કરેલા કેસનો ચુકાદો તેઓ આપવાના હતા.

કેસ 1971ની રાયબરેલીની ચૂંટણીનો હતો. તે વખતની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ પોતાના પક્ષને વિજય અપાવ્યો હતો અને ખુદ પણ રાયબરેલીથી જીતી ગયાં હતાં.

સંયુક્ત સમાજવાદી પક્ષના ઉમેદવાર રાજનારાયણને તેમણે મોટી લીડથી હરાવ્યા હતા.

રાજનારાયણને પોતાની જીતનો એટલો બધો આત્મવિશ્વાસ હતો કે પરિણામો જાહેર થાય તે પહેલાં જ તેમના ટેકેદારોએ વિજય સરઘસ કાઢ્યું હતું.

પરંતુ પરિણામો જાહેર થયાં અને રાજનારાયણને આંચકો લાગ્યો.

રાજનારાયણની અપીલ

પરિણામો પછી શાંત બેસી રહેવાના બદલે રાજનારાયણે અદાલતમાં કેસ દાખલ કરી દીધો.

તેમણે ફરિયાદ કરી હતી કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરી અને સરકારી સ્રોતોનો દુરુપયોગ કર્યો હતો.

તેથી આ ચૂંટણી રદ કરવી જોઈએ એવી તેમની માગણી હતી.

જસ્ટિસ જગમોહન લાલ સિન્હા બરાબર દસ વાગ્યે પોતાની ચેમ્બરમાંથી કોર્ટ રૂમમાં હાજર થયા. સૌએ ઊભા થઈને તેમને સન્માન આપ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે શરૂઆતમાં જ સ્પષ્ટ કહી દીધું કે રાજનારાયણની અરજીમાં ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દા તેમને સાચા લાગે છે.

રાજનારાયણની અરજીમાં ઇન્દિરા ગાંધી સામે સાત મુદ્દા ઊભા કરવામાં આવ્યા હતા.

તેમાંથી પાંચ મુદ્દા તેમણે અમાન્ય કર્યા પરંતુ બે મુદ્દા પર ન્યાયાધીશે ઇન્દિરા ગાંધીને દોષિત ઠેરાવ્યાં.

તેમના આ ચુકાદા સાથે જ લોક પ્રતિનિધિત્વના કાયદા હેઠળ આગામી છ વર્ષ સુધી ઇન્દિરા ગાંધી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર થયાં હતાં.

ભારતીય રાજકારણનો ઐતિહાસિક મુકદ્દમો

માર્ચ 1975નો મહીનો હતો. જસ્ટિસ સિન્હાની કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો રજૂ થઈ રહી હતી.

બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ સિન્હાએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને પોતાનું નિવેદન નોંધાવવા માટે અદાલતમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું.

તારીખ નક્કી થઈ હતી 18 માર્ચ, 1975.

ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું હતું કે કોઈ કેસમાં વડાં પ્રધાન અદાલતમાં હાજર રહેવાનાં હોય.

જસ્ટિસ જગમોહન લાલ સિન્હાએ પણ તે માટેની તૈયારીઓ કરી લીધી હતી.

ન્યાયાધીશ પર દબાણની કોશિશ

સવાલ એ હતો કે જજ સામે વડાં પ્રધાન અને બાકીના લોકોએ કેવી રીતે શિષ્ટાચારનું પાલન કરવું.

અદાલતમાં માત્ર ન્યાયાધીશ પ્રવેશ કરે ત્યારે જ સૌએ ઊભા થઈને માન આપવાનું હોય છે.

અન્ય કોઈને માન આપવાનું હોતું નથી. પરંતુ વડાં પ્રધાન હાજર રહેવાનાં હોય તો શું કરવું?

રાજનારાયણ વતી કેસ લડેલા વકીલ શાંતિ ભૂષણ યાદ કરતા કહે છે, "ઇન્દિરા ગાંધી કોર્ટમાં પ્રવેશે તે પહેલાં જ જસ્ટિસ સિંહાએ સૂચના આપી દીધી હતી કે અદાલતમાં માત્ર ન્યાયાધીશના પ્રવેશ વખતે સૌએ ઊભા થવાનું હોય છે."

"તેથી ઇન્દિરા ગાંધી આવી ત્યારે કોઈએ ઊભા થવાની જરૂર નથી. કોર્ટરૂમમાં પ્રવેશ માટે સૌને પાસ આપવામાં આવ્યા હતા."

અદાલતમાં પાંચ કલાક સુધી ઇન્દિરા ગાંધીએ સવાલોના જવાબો આપવા પડ્યા હતા.

ઇન્દિરા ગાંધી અને તેમના ટેકેદારોને એવું લાગવા લાગ્યું હતું કે અલાહાબાદ હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ચુકાદો આવી શકે છે.

તેથી જસ્ટિસ જગમોહન લાલ સિન્હા પર પ્રભાવ પાડવાની કોશિશ પણ થવા લાગી હતી.

અલાહાબાદ હાઈકોર્ટના તે વખતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. એસ. માથુર ઇન્દિરા ગાંધીના અંગત ડૉક્ટર કે. પી. માથુરના નજીકના સગા હતા.

ચૂંટણી રદ કરવાનો આદેશ

શાંતિ ભૂષણના જણાવ્યા અનુસાર જસ્ટિસ માથુર અને તેમનાં પત્ની જસ્ટિસ જગમોહન લાલ સિન્હાના ઘરે પહોંચ્યાં હતાં.

તેમણે જસ્ટિસ સિંહાને જણાવ્યું હતું કે તમે રાજનારાયણના કેસમાં સરકારને સાનુકૂળ ચુકાદો આપશો તો તમને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવામાં આવશે.

જોકે, જસ્ટિસ સિંહા પર તેની કોઈ અસર થઈ નહોતી.

જસ્ટિસ સિન્હાએ પોતાના આદેશમાં લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ પોતાની ચૂંટણીમાં ભારત સરકારના અમલદારો અને સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હતો.

લોક પ્રતિનિધિત્વના કાયદા અનુસાર આ બંનેનો ઉપયોગ ચૂંટણીમાં કરવો ગેરકાયદે છે.

આ બે મુદ્દાઓના આધારે જસ્ટિસ સિન્હાએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી જીત્યાં હતાં તે લોકસભાની રાયબરેલીની બેઠકની ચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો હતો.

જોકે, જસ્ટિસ સિન્હાએ પોતાના ચુકાદાના અમલને 20 દિવસ સુધી મુલતવી રાખવાનો આદેશ પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

માત્ર ભારતમાં નહીં પણ દુનિયાભરમાં પહેલો આ કિસ્સો હતો, જેમાં કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશે વડાં પ્રધાનની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોય.

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર કહ્યું કે આ ચુકાદા પછી તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગજીવન રામને મળવા ગયા હતા.

તેમણે જગજીવન રામને પૂછ્યું કે શું ઇન્દિરા ગાંધી રાજીનામું આપશે.

તેના જવાબમાં જગજીવન રામે કહ્યું કે રાજીનામું આપશે તો પક્ષમાં ઘમસાણ મચી જશે.

અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટમાં તેની સામે અપીલ કરવા માટે જાણીતા વકીલ એન. પાલખીવાલાને રોકવામાં આવ્યા હતા.

ઇન્દિરા ગાંધી વતી સુપ્રીમ કોર્ટમાં 22 જૂન 1975ના રોજ અપીલ દાખલ કરવામાં આવી, જે વેકેશન જજ વી. આર. કૃષ્ણ ઐયરની અદાલતમાં મૂકવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધી વતી પાલખીવાલાએ રજૂઆતો કરી હતી, જ્યારે રાજનારાયણ તરફથી શાંતિ ભૂષણ અદાલતમાં હાજર હતા.

બાદમાં જસ્ટિસ કૃષ્ણ ઐયરે પણ એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે તેમના પર પણ આ કેસમાં દબાણ કરવાની કોશિશ થઈ હતી.

જસ્ટિસ કૃષ્ણ ઐયર કબૂલ્યું હતું કે દેશના કાનૂન પ્રધાન ગોખલેએ તેમને મળવા માટે ફોન કર્યો હતો.

ફટકો અને કટોકટીની જાહેરાત

24 જૂન, 1975ના રોજ જસ્ટિસ ઐયરે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાના અમલ પર સ્ટે આપ્યો હતો, પરંતુ તે કાયમી સ્ટે નહોતો, વચગાળો સ્ટે હતો.

જસ્ટિસ ઐયરે જણાવ્યું કે ઇન્દિરા ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પણ વૉટ આપી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે ઇન્દિરા ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ યથાવત રહ્યું હતું.

જસ્ટિસ ઐયરના આ ચુકાદા પછી વિપક્ષ તરફથી ઇન્દિરા ગાંધી સામે ટીકાનો આકરો મારો ચાલુ થયો હતો.

25મી જૂને રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણની વિશાળ રેલીનું આયોજન થયું હતું.

આ જ રેલી બાદ મધરાતે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો