પ્રવાસીઓથી ઠસોઠસ વિમાન છતાં ઍરલાઇન્સ ખોટમાં કેમ?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
તાજેતરમાં દેશની સૌથી મોટી ઍરલાઇન્સ પૈકીની એક જેટ ઍરવેઝના શેરમાં જબરો ઘટાડો નોંધાયો છે અને રોકાવાનું નામ નથી લેતો.
જેટનો શેર આ વર્ષે 60થી વધુ ટકા તૂટ્યો છે અને એ પણ ત્યારે કે જ્યારે એવિએશન માર્કેટમાં પોતાનો હિસ્સો યથાવત રાખવા જેટ ઍરવેઝ અબજો રૂપિયા ખર્ચી રહી છે.
ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ એટલે કે ઇન્ડિગોનો શેર પણ સતત પિટાઈ રહ્યો છે.
જાન્યુઆરીમાં તેના એક શેરનો ભાવ 1500 રૂપિયા હતો, જેમાં અત્યાર સુધીમાં લગભગ 450 રૂપિયાનો ઘટાડો થયો છે.
સ્પાઇસજેટનો શેર પણ છ મહિનામાં 30 ટકા ઘટાડો જોઈ ચૂક્યો છે.
હાલમાં મીડિયામાં પ્રકાશિત અહેવાલો સાચા હોય તો પરિસ્થિતિ ઘણી ગંભીર હોય તેવું લાગે છે.
અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જેટ ઍરવેઝ નાણાકીય તંગીનો સામનો કરી રહી છે અને કંપની તેના કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનું વિચારી રહી છે.
જોકે, જેટ ઍરવેઝના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર વિનય દુબેએ તે સમાચારોને નિરાધાર અને અફવા ગણાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કહે છે કંપની?

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીને પાઠવેલા એક નિવેદનમાં જેટ ઍરવેઝે સ્વીકાર્યું હતું કે કંપની નફો વધારવાના અને ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.
કંપની સેલ્સ તથા ડિસ્ટ્રિબ્યુશન, કર્મચારીઓના પગાર અને મેઇન્ટેનન્સ તથા ફ્લીટ સિમ્પીફિકેશનમાં થતા ખર્ચને ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કંપનીના જણાવ્યા મુજબ, આ મામલે કંપનીને તેના કર્મચારીઓ તરફથી સંપૂર્ણ સહકારની અપેક્ષા છે.
કંપની તેમની સાથે વાત કરી રહી છે અને દેશની વર્તમાન સ્થિતિની ચર્ચા પણ કરી રહી છે.
સવાલ એ છે કે દેશમાં ઉડ્ડયન ઉદ્યોગનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે ત્યારે પણ ઍરલાઈન્સ ખોટના રોદણાં રડી રહી છે?

પેસેન્જર ટ્રાફિકમાં વિક્રમસર્જક વૃદ્ધિ

સત્તાવાર આંકડા અનુસાર, 2018ના પ્રથમ છ મહિનામાં દેશી વિમાન પ્રવાસીઓની કુલ સંખ્યા 6.80 કરોડ રહી હતી.
જે વિક્રમસર્જક છે અને ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 22 ટકા વધારે છે.
ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના આંકડા પણ જણાવે છે કે ભારતનો ડૉમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક બહુ ઝડપથી વધી રહ્યો છે.
આ વર્ષે મે મહિનામાં દેશી પેસેન્જરોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધારે હતી.
જ્યારે ચીનમાં એ વૃદ્ધિ 12 ટકા અને અમેરિકામાં લગભગ સાડા પાંચ ટકા હતી.
એટલું જ નહીં, ભારતના એવિયએશન સૅક્ટરની વૃદ્ધિનો આંક છેલ્લા 45 મહિનાથી ડબલ ડિજિટમાં છે.
ઍરલાઇન્સ પણ આ ગ્રોથ સ્ટોરીમાં જોરશોરથી ભાગ લઈ રહી છે અને જેટ ઍરવેઝની જ વાત કરીએ તો આવનારા દાયકામાં નવાં 225 બોઇંગ-737 વિમાનો ખરીદવાની તેની યોજના છે.
ઇન્ડિગો 40 નવાં પ્લેન ખરીદવાની છે, જેમાં 25 ઍરબસ હશે. એ રીતે સ્પાઇસજેટ પણ 10 બોઇંગ પ્લેન તેના કાફલામાં સામેલ કરવાની તૈયારીમાં છે.
આ એક તરફ એવિએશન સૅક્ટર કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામી રહ્યું છે ત્યારે બીજી તરફ ઍરલાઇન્સ સતત ખોટ કેમ દેખાડી રહી છે?
જેટ ઍરવેઝે ગત વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 1000 કરોડ રૂપિયાથી વધુની ખોટ દર્શાવી હતી.
આ વર્ષે એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ઇન્ડિગોનો નફો ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 97 ટકા ઘટ્યો હતો.

ત્રણ બાબતો જવાબદાર

ઇમેજ સ્રોત, Reuters
વાસ્તવમાં ઍરલાઇન્સની ખોટ માટે ત્રણ મુખ્ય બાબતો જવાબદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
(1)ક્રૂડના વધતા ભાવ
ગત છ મહિનામાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 16 ટકા વધારો થયો છે.
વિમાનોમાં ઉપયોગમાં લેવાતું બળતણ એટલે કે ઍવિએશન ટર્બાઇન ફ્યૂઅલ(એટીએફ)નો ખર્ચ ઍરલાઇન્સના સંચાલનમાં મોટો હોય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ઑપરેશનલ કોસ્ટનો લગભગ 45 ટકા હિસ્સો એટીએફનો હોય છે.
(2)નબળો રૂપિયો
ડૉલરની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને રૂપિયો હાલ તેના ઓલટાઇમ નીચલા સ્તર પાસે છે. તેથી ઍરલાઇન્સ પરનું દબાણ વધ્યું છે.
(3) જોરદાર સ્પર્ધા
એવિએશન સૅક્ટરમાં પોતાનો હિસ્સો જાળવી રાખવા માટે ઍરલાઇન્સસ સસ્તા દરની ટિકિટોની સ્કીમ રજૂ કરતી રહે છે.
સ્પર્ધામાં રહેવા માટે કંપનીઓ ગ્રાહકોને સસ્તા દરે ટિકિટો વેચે છે. તેની અસર તેમના નફા પર થાય છે.

'મધ્યમગાળામાં મુશ્કેલ પરિસ્થિતિ'

ઇમેજ સ્રોત, AFP
જેટ ઍરવેઝની સમસ્યા એ છે કે તેને તેની કુલ ક્ષમતાનો પાંચમો હિસ્સો ગલ્ફ રૂટ્સ પર મળે છે, પણ ત્યાં વૃદ્ધિમાં સુસ્તી છે અને ઘરેલુ બજારમાં તેનો હિસ્સો સંકડાઈ રહ્યો છે.
વિમાનોના મેઈન્ટેનન્સનો ખર્ચ વધી રહ્યો છે અને લૅન્ડિંગ તથા નૅવિગેશનના ખર્ચમાં પણ વધારો થયો છે.
જોકે, ઉડ્ડયન ક્ષેત્રની સલાહકાર સંસ્થા સેન્ટર ફૉર એશિયા પૅસિફિક એવિએશન એટલે કે કાપાનું કહેવું છે કે ઍરલાઇન્સ માટે મધ્યમગાળામાં પરિસ્થિતિ નિશ્ચિત રીતે મુશ્કેલ છે.
ગયા સપ્તાહે બહાર પાડવામાં આવેલા કાપાના એક અહેવાલ અનુસાર, "ભારતીય ઍરલાઇન્સ બળતણના ભાવ પર કંઈક વધારે પ્રમાણમાં આશ્રિત છે અને ક્રૂડના ભાવ દેખીતી રીતે આંતરરાષ્ટ્રીય ફેક્ટર્સ પર નિર્ભર હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















