'બીમાર મહારાજા'નો કોઈ ખરીદાર નથી, હવે આગળ શું?

એર ઇન્ડિયાના વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેવાનાં ભાર હેઠળ દબાયેલી એર ઇન્ડિયાનાં ખાનગીકરણનાં માર્ગે આગળ વધી રહી છે, પણ આ 'બીમાર મહારાજા'ને ખરીદવામાં દેશી, વિદેશી કોઈ પણ એર લાઇને રસ દાખવ્યો નથી.

એર ઇન્ડિયાનાં ખાનગીકરણમાં નિષ્ફળતા મોદી સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે.

ઘણી કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચીને પોતાની તિજોરી ભરવાની મોદી સરકારની યોજના આનાથી વચ્ચે લટકી શકે છે.

સરકારે પહેલાં એર ઇન્ડિયામાં ભાગાદારીની નીલામી માટે 14 મે સુધી ટેન્ડર મંગાવ્યા હતાં. ત્યારબાદ એની સમય મર્યાદા વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી હતી.

સરકાર ખરીદદારોની રાહ જોતી રહી અને એક પણ દાવેદાર આગળ આવ્યો નહીં.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 31 મે નાં રોજ ટ્વીટ કરી જણાવ્યું કે, “નાણાં સલાહકારે જણાવ્યું છે કે એર ઇન્ડિયામાં વ્યૂહાત્મક વિનિવેશ માટે કાઢવામાં આવેલાં ઍક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ માટે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ મુદ્દે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

સસ્તી વિમાન સેવાઓ વચ્ચે જબરદસ્ત હરિફાઈ

કાપાનો ટ્વિટર સ્ક્રિન શોટ

ઇમેજ સ્રોત, CAPA-Twitter

સરકારે એર ઇન્ડિયામાં 76 ટકા ભાગ વેચવાનો નિર્ણય કર્યો છે. પ્રસ્તાવ મુજબ એર ઇન્ડિયાનો મેનેજમેન્ટ અંકુશ પણ ખાનગી હાથમાં આવી જશે.

આ સોદા હેઠળ સરકાર એર ઇન્ડિયા સિવાય પણ એની ઓછી કિંમતવાળી યુનિટ એર ઇન્ડિયા એક્સ્પ્રેસ અને એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને પણ વેચવાની ઇચ્છા ધરાવે છે.

એવું નથી કે એર ઇન્ડિયા પાસે જે વિમાનો છે તે એકદમ ખરાબ હાલતમાં છે કે પછી એની ગુણવત્તાને વિશે કોઈ શંકા હોય.

એ પણ સત્ય છે કે ભારતમાં સસ્તી વિમાનસેવાઓ વચ્ચે આકરો મુકાબલો છે. સ્પાઈસ જેટ, ગો એર, ઇન્ડિગો, એર એશિયા ઉડ્ડયન બજારની મોટી ખેલાડી કંપનીઓ છે.

હમણાં જ આવેલા અહેવાલો મુજબ વર્ષ 2026 સુધી ભારતનું ઉડ્ડયન બજાર દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર હશે.

ભારતમાં હજુ પણ એર ઇન્ડિયાની બોલબાલા છે અને ગયા વર્ષે આ વિમાનોમાં સફર કરનારાઓની સંખ્યા લગભગ 30 કરોડ હતી.

તો પછી શા માટે અન્ય કોઈ એર લાઇન એર ઇન્ડિયાને ખરીદવામાં રસ દાખવતી નથી?

એના ઘણાં કારણો છે.

line

એર ઇન્ડિયાનું સંચાલન

એર ઇન્ડિયાના વિમાનની કોકપીટની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER@AIRINDIAIN

ઉડ્ડયન ક્ષેત્રની સલાહકાર સંસ્થા સેંટર ફૉર એશિયા પેસિફિક એવિએશન (કાપા)નાં જણાવ્યા અનુસાર મહારાજા પર માર્ચ 2017 સુધી લગભગ 700 કરોડ ડૉલર એટલે કે 48 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું અને સરકાર ઇચ્છે છે કે જે પણ એને ખરીદે તે 500 કરોડ ડૉલરનું ઋણ પ્રથમ ચૂકવે.

કાપાનું એ પણ અનુમાન છે કે એર ઇન્ડિયાને આવનારા બે વર્ષોમાં 200 કરોડ ડૉલર મતલબ કે સાડા તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

આ સિવાય પણ ઍક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટમાં ખાસ કરીને ઋણ અને કર્મચારીઓને લઈને આપવામાં આવેલી શરતો ભવિષ્યનાં સંભવિત ખરીદારોનાં ગળે ઊતરી શકે તેમ નથી.

ઉડ્ડયન ક્ષેત્રનાં નિષ્ણાત હર્ષવર્ધને બીબીસીને જણાવ્યું હતું કે, “પહાડ જેવડું દેવું તો છે જ પણ વાસ્તવિક પડકાર તો એનાં ઓપરેશન એટલે કે કામકાજનાં ખર્ચને ઘટાડવાનું છે. જો હાલની સ્થિતિમાં કોઈને એર ઇન્ડિયાનું સંચાલન કરવું છે તો એને ઓપરેશન ખર્ચ ઘટાડવામાં જ પરસેવો છૂટી જશે.”

હર્ષવર્ધનનું કહેવું છે કે આવતાં બે-ત્રણ વર્ષમાં 25 થી 30 હજાર કરોડ રૂપિયા તો એર લાઇનને પાટા પર લાવવા પાછળ ખર્ચ કરવાનો રહેશે.

line

યુનિયંસની બીક

એર ઇન્ડિયાની લાઉન્જની તસવીર

ઇમેજ સ્રોત, Twitter@AIRINDIAIN

ખરીદારોનો મહારાજામાં રસ ના હોવા પાછળનું એક કારણ હોઈ શકે છે દસ હજારથી વધારે કર્મચારીઓનાં યુનિયંસ

આ બાજુ સરકાર જો ઝડપે એર ઇન્ડિયાને વેચવાની યોજના બનાવી રહી હતી, ત્યાં જ બીજી બાજુ યુનિયંસે વિરોધ શરૂ કરી દીધો હતો.

15 એપ્રિલે ખાનગીકરણ બાદ મોટી છટણીની શંકા જાહેર કરતા એર ઇન્ડિયાએ લગભગ 11 યુનિયંસે વિરોધ માટે સોશિયલ મીડિયાનો આશરો લીધો હતો અને ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર એર ઇન્ડિયાનાં વેચાણ વિરુદ્ધમાં ગ્રાફિક્સ અને સૂત્રો લખ્યા.

'સેવ એર ઇન્ડિયા'નાં સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર કર્મચારીઓનો આ વિરોધ ખૂબ ચર્ચામાં રહ્યો.

હર્ષવર્ધનનાં જણાવ્યા પ્રમાણે, “કોઈ પણ રોકાણકાર જો આટલું મોટું રોકાણ કરે તો એ ક્યારેય પણ ના ઇચ્છે કે તેને યુનિયંસનાં મુદ્દે લડવું પડે. ભારતમાં આવાં ઘણાં ઉદાહરણ છે કે ઘણું મોટું રોકાણ કર્યા બાદ રોકાણકારોને પીછેહઠ કરવી પડી હોય.”

line

સરકારની દખલગીરીની શંકા

એર ઇન્ડિયાના વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, AFP/Getty Images

એવું નથી કે એર ઇન્ડિયાને ખરીદવા અંગેની કોઈ ખબર જ ના આવી હોય.

ઘરેલૂ એર લાઇન્સ જેટ એરવેઝ અને ઇંડિગોએ શરૂઆતમાં રસ દાખવ્યો હતો, પણ પછી આ કંપનીઓ નિષ્ક્રિય થઈ ગઈ.

ઇંડિગોએ એમ કહીને આ કરારમાં આગળ વધવાની ના પાડી દીધી કે તેઓ માત્ર એર ઇન્ડિયાનાં વિદેશી ઑપરેશન ખરીદવા માટે ઇચ્છુક છે - પણ સરકાર એના માટે તૈયાર નથી.

કતર એરવેઝે પણ શરૂઆતનાં સંકેતો બાદ આ સોદામાં આગળ ના વધવામાં જ પોતાનું ભલું સમજ્યું.

line

શ્રીલંકાનું ઉદાહરણ

એર ઇન્ડિયાના વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, DANIEL BEREHULAK/GETTY IMAGES

હર્ષવર્ધન જણાવે છે કે, “એર ઇન્ડિયા કોઈ અન્ય એર લાઇન જેવી નથી. એને રાષ્ટ્રીય એર લાઇનનો દરજ્જો મળેલો છે. ભલે સરકાર એનો 76 ટકા ભાગ વેચવા માંગે છે પણ એ વાતની પણ શંકા રહે છે કે તેમાં સરકારની દખલગીરી તો રહેશે જ.”

“તો પછી એ વાતની પણ શું ખાતરી કે મોદી સરકાર પછી કોઈ બીજી સરકાર આવશે તો એ તેને મુદ્દો નહીં બનાવે.”

હર્ષવર્ધન શ્રીલંકામાં અમીરાત એરલાઇન્સનું ઉદાહરણ આપે છે. અમીરાત એરલાઇન્સે 1998માં શ્રીલંકા એરલાઇન્સમાંનો 43.6 ટકા ભાગ ખરીદ્યો હતો. આ સોદા માટે એરલાઇન્સે લગભગ 7 કરોડ ડૉલર ખર્ચ્યા હતા.

અમીરાત એરલાઇન્સની ઇચ્છા હતી કે આને નફામાં લઈ આવવા માટે વહીવટ એનાં હાથમાં સોંપી દેવામાં આવે, પણ વિદેશી રોકાણને લઈને શ્રીલંકાનાં કાયદો અને સ્થાનિક રાજનીતિ એને આડે આવી અને અમીરાતને નિરાશ થવું પડ્યું.

line

હવે આગળ શું?

એર ઇન્ડિયાના વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, Yatrik Sheth/Getty Images

એર ઇન્ડિયાને પાટા પર ચડાવવા માટેનાં પ્રયાસો પહેલાં પણ થઈ ચૂક્યા છે, પણ સફળતા મળી નથી. તો શું મોદી સરકાર આ દિશામાં આગળ વધશે અને હા તો પોતાની વ્યૂહરચના કઈ રીતે બદલશે.

હર્ષવર્ધન જણાવે છે કે, “હાલની સરકારનો કાર્યકાળ માત્ર એક વર્ષ જ બચ્યો છે, એવામાં તેઓ આ સંવેદનશીલ મુદ્દે આગળ વધશે એની શક્યતાઓ ઘણી જ ઓછી છે. પણ સરકાર જો જીદ પર અડગ જ રહેશે તો એને વિનિવેશની હાલની શરતોમાં ઢીલ મૂકવી પડશે. સાથે સાથે એ પણ ખાતરી આપવી પડશે કે વહીવટનાં નિયંત્રણમાં સરકારની કોઈ દખલગીરી નહીં હોય.“

હાલનાં નિયમો મુજબ કોઈ વિદેશી કંપની માટે સ્થાનિક ભાગીદાર હોવો જરૂરી છે.

વિદેશી કંપની કોઈ પણ ભારતીય એર લાઇન્સમાં 49 ટકા કરતાં વધુ હિસ્સો ખરીદી શકે નહીં.

કોઈ મોટી વિદેશી કંપની એર ઇન્ડિયાનું નિયંત્રણ ત્યારે જ પોતાના હાથમાં લઈ શકે જ્યારે આ શરતોમાં પરિવર્તન કરવામાં આવે.

જોકે કાપાનું માનવું છે કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ જ તેના બચાવ માટેનું અંતિમ આશાનું કિરણ છે.

એર ઇન્ડિયાના વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, Yatrik Sheth /Getty Images

કાપાએ હાલમાં જ જારી કરેલા પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે,''જો વિનિવેશની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થતી નથી તો એર ઇન્ડિયા એર લાઇન્સ બંધ થઈ શકે છે. શરત એટલી છે કે કરદાતાઓની અબજોની કમાણી એર લાઇન્સમાં ના હોમાઈ જાય.''

એર ઇન્ડિયાનાં પતનની શરૂઆત 2007માં ઇંન્ડિયન એર લાઇન્સની સાથે વિલય સાથે થઈ.

નોકરશાહીનાં ખોટા નિર્ણયો અને દેવામાં ડૂબેલા હોવા છતાં બોઇંગ વિમાનો ખરીદવાને કારણે આની બેલેંસશીટ એકદમ ડહોળાઈ ગઈ.

વર્ષ 2018માં એર ઇન્ડિયા પર 52 હજાર કરોડ રૂપિયાનું ભારે દેવું છે જ્યારે સ્થાનિક ઉડ્ડયનોમાં તેની ભાગીદારી 2014માં 19 ટકાથી ઘટીને 13.3 ટકા સુધી પહોંચી ગઈ છે.

સરકારી થિંક ટેંક નીતિ આયોગે એર લાઇન્સની સંપત્તિ અને સંચાલનનાં વિનિવેશનું માળખું તૈયાર કર્યું છે.

એર લાઇન્સનાં સંચાલન સિવાય એની ત્રણ અન્ય સહાયક સંસ્થા છે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ, આ દેખરેખ અને સારસંભાળનો વહીવટ સંભાળે છે.

એર ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ, જે ગ્રાઉંડ હેંડલિંગ કરે છે અને એલાયંસ એર નાના શહેરો માટે ઉડ્ડયનોનું સંચાલન કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો