You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સ્ટોરી જેણે ખોલી નાખ્યું સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
બોલીવૂડમાં 'બાબા' તરીકે ઓળખાતા સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ'ને ચાહકોએ ખૂબ જ પસંદ કરી છે.
માત્ર ત્રણ દિવસમાં તો આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી પણ વધારે કમાઈ લીધા.
ફિલ્મમાં સંજય દત્તના જીવનના તમામ ઉતાર-ચઢાવ એ રીતે ફિલ્માવવામાં આવ્યા છે કે ફિલ્મના મુખ્ય પાત્ર પ્રત્યે સહાનુભૂતિનો ભાવ ઊભરી આવે.
જોકે, આ ફિલ્મમાં મીડિયા પર જબરદસ્ત નિશાન સાધવામાં આવ્યું છે.
ફિલ્મમાં એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મીડિયાને કારણે જ સંજય દત્ત આવા કેસમાં ફસાઈ ગયા અને તેમણે જીવનમાં ખૂબ ભોગવવું પડ્યું.
ફિલ્મમાં સંજય દત્ત તેમના ગુજરાતી મિત્રની એક તસવીર છાપામાં નજરે આવે છે જેનું શીર્ષક હોય છે 'આરડીએક્સ ઇન અ ટ્રક પાર્ક્ડ ઇન દત્ત હાઉસ?'
જોકે, આ એ ખબર નહોતી જેનાથી દુનિયાને મુંબઈ હુમલામાં સંજય દત્તના કનેક્શન અંગે જાણ થઈ હોય.
16 એપ્રિલ 1993ના રોજ મુંબઈના એક સમાચાર પત્ર 'ડેઇલી'માં છપાયેલા એ સમાચારના કારણે સામે આવ્યું અંડરવર્લ્ડ કનેક્શન.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું હતા એ સમાચાર?
પ્રથમ પાના પર છપાયેલા સમાચારનું શીર્ષક હતું- 'સંજય હેઝ એકે-56 ગન'.
આ ખબર લખી હતી મુંબઈના ક્રાઇમ રિપોર્ટર બલજીત પરમારે. છાપાના સંપાદક હતા રજત શર્મા.
બલજીત પરમારને આ ખબર ક્યાંથી મળી એ અંગે તેમણે બીબીસીને જણાવ્યું, "એ 12 એપ્રિલનો દિવસ હતો. મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટની ઘટનાને એક મહિનો પૂરો થયો હતો એટલે હું માહિમ પોલીસ સ્ટેશન ગયો હતો.
"બૉમ્બ બ્લાસ્ટની તપાસ ચાલી રહી હતી અને પોલીસને પુરાવા મળવાની આશા હતી."
"બહાર એક આઈપીએસ અધિકારી મળી ગયા, મેં તેમને પૂછ્યું કે નવું કંઈ હાથે લાગ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તમારા જ સાંસદના દીકરાનું નામ આવી રહ્યું છે."
તમે આ વાંચ્યું કે નહીં?
બલજીત પરમારે તેમનું દિમાગ લગાવ્યું પરંતુ તેમને સાંસદ અથવા દીકરાનું નામ ન સૂઝ્યું.
જોકે, તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંના સાંસદ સુનિલ દત્ત હતા.
બલજીત કહે છે, "દત્ત સાહેબની છબી એવી હતી કે હું તેમની વિશે વિચારી પણ શકતો નહતો. હું તેમને સારી રીતે ઓળખતો હતો."
"તેમની પદયાત્રામાં તેમની સાથે હતો. હું પંજાબી હોવાને કારણે તેમની સાથે એક પ્રકારની આત્મીયતા હતી."
એવામાં સાંસદ કોણ છે અને તેમના દીકરા અંગે જાણવા માટે બલજીતે માહિમ પોલીસ સ્ટેશન અને બૉમ્બ હુમલાની તપાસ કરતા બીજા એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરી.
બલજીત પરમાર કહે છે કે તેમણે જાણકારી મેળવવા માટે પોલીસ અધિકારી સાથે ખોટું બોલ્યું હતું.
બલજીત કહે છે, "મેં મામલાની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીને કહ્યું કે તમે લોકોએ સાંસદના દીકરાને ઉઠાવી લીધો છે અને પૂછપરછ કરી રહ્યા છો."
"ત્યારે અધિકારીએ જણાવ્યું કે હજુ ઉઠાવ્યો નથી, તે શૂટિંગ માટે બહાર છે, આવશે ત્યારે જોઈશું."
બલજીતે જેવો જ શૂટિંગ શબ્દ સાંભળ્યો તેમને સમજતા વાર ન લાગી કે આ મામલો સુનીલ દત્ત સાથો જોડાયેલો હોઈ શકે છે, કારણ કે એ સમયે સંજય દત્ત બોલીવૂડ સાથે જોડાયેલા હતા.
સંજયના મિત્રોએ ખોલ્યાં રહસ્યો
બલજીતને એ પણ જાણ થઈ ચૂકી હતી કે સંજય દત્ત 'આતિશ' ફિલ્મના શૂટિંગ માટે મૉરેશિયસમાં હતા. ત્યારબાદ બલજીત પરમારે સમગ્ર કહાણી મેળવી લીધી.
પોલીસ સૂત્રોની મદદથી તેમને જાણ થઈ ગઈ હતી કે કેવી રીતે સંજય દત્ત પાસે એક-56 ગન આવી હતી.
આ બધી વાતો સમીર હિંગોરા અને યૂસુફ નલવાલાએ મુંબઈ પોલીસને જણાવી હતી. આ બંને એ સમયે સંજય દત્તની ફિલ્મ 'સનમ'ના પ્રોડ્યૂસર હતા.
આ બંનેની પૂછપરછ બાદ મુંબઈ પોલીસ કમિશનર અમરજીત સિંહ સમરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું સંજય દત્તની કોઈ ભૂમિકા હોઈ શકે છે. ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે.
શંકા અને અનુમાનના સમયમાં બલજીત પરમારને ચોક્કસ જાણકારી મળી રહી હતી.
જગરનૉટ પલ્બિકેશન દ્વારા એ જ વર્ષે પ્રકાશિત થયેલી સંજય દત્તની બાયોગ્રાફી 'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઑફ બોલીવૂડ્સ બેડ બૉય'માં પણ બલજીત પરમાર અને તેમના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બાયોગ્રાફર યાસિર ઉસ્માને લખ્યું છે કે ડેઇલી ટેબ્લોઇડના ક્રાઇમ રિપોર્ટર બલજીત પરમારને સંજય દત્તે 14 એપ્રિલના રોજ મૉરેશિસથી ફોન કર્યો હતો.
સંજયના ફોન અંગે બલજીત જણાવે છે, "મારી સ્ટોરી સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી હતી. પરંતુ ટ્રેનિંગ એવી હતી કે જ્યારે તમે કોઈ ઉપર આરોપ લગાવો ત્યારે તેમનો પક્ષ પણ રાખવો."
"મેં 13 એપ્રિલે દત્ત સાહેબના ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેઓ ઘરે નથી. મેં તેમની એક અંગત વ્યક્તિને કહ્યું કે દત્ત સાહેબ સાથે મારી વાત કરવી જરૂરી છે."
મૉરેશિયસથી આવ્યો સંજય દત્તનો ફોન
તેઓ કહે છે "મને જાણ થઈ કે દત્ત સાહેબ જર્મની ગયા છે. જર્મનીમાં તેમના એક મિત્ર હતા જય ઉલાલ."
"તેઓ ફોટોગ્રાફર હતા અને હું તેમને ઓળખતો હતો. મેં તેમને ફોન કર્યો તો ખબર પડી કે દત્ત સાહેબ લંડન જવા માટે નીકળી ગયા છે."
"મને એવું લાગ્યું કે દત્ત સાહેબ વાત કરવામાં સંકોચ અનુભવી રહ્યા છે, બીજી તરફ એવી આશંકા હતી કે આ સ્ટોરી બીજા કોઈને ના મળી જાય. એવામાં 14 એપ્રિલના રોજ સંજય દત્તનો ફોન મારા ઘરના લૅન્ડલાઇન પર આવ્યો. ત્યારે મોબાઇલનો જમાનો નહોતો."
"સંજયે મને પૂછ્યું કે તમે કંઈક તપાસ કરી રહ્યા છો, દત્ત સાહેબ બહાર છે, શું વાત છે?"
"મેં તેમને જણાવ્યું કે સમીર હિંગોરા અને યુસુફ નલવાલાએ પોલીસ સમક્ષ બધું જ જણાવી દીધું છે કે કેવી રીતે તમને એકે-56 અને હૅન્ડ ગ્રૅનેડ પહોંચાડવામાં આવ્યા હતાં. હવે પોલીસનો સકંજો તમારી પર છે. સંજયે કહ્યું- એવું નહીં થઈ શકે."
થોડીવાર બાદ બલજીત અને સંજય દત્તની ફરીથી લૅન્ડલાઇન પર વાતચીત થઈ હતી.
આ વાતચીત અંગે બલજીત જણાવે છે, "સંજયે પહેલાં તો કહ્યું કે તમારી પાસે ખોટી ખબર છે, તમે બ્લૅક મેઇલ કરી રહ્યા છો. પરંતુ મેં કહ્યું કે જે લોકોએ તમને હથિયાર આપ્યાં છે તેમણે પોલીસ સમક્ષ તમારું નામ લીધું છે. હું શું બ્લૅક મેઇલ કરીશ તમને."
"ત્યારબાદ તેમણે પૂછ્યું કે હવે શું થઈ શકે છે. મેં તેમને કહ્યું કે જો તમારી પાસે હથિયાર છે તો સરૅન્ડર કરી દો, કોઈ સ્ટાફની મદદથી પોલીસને હથિયાર જમા કરાવી દો."
"આત્મસમર્પણ કરવા પર તમારી સાથે નરમ વ્યવહાર થઈ શકે છે પરંતુ જો પોલીસે તમારા ઘરેથી હથિયાર જપ્ત કર્યું તો તમે ટાડા અંતર્ગત લાંબા સમય સુધી ફસાઈ જશો."
બલજીતે 15 એપ્રિલના રોજ સંજય સાથે થયેલી વાતચીતની જાણકારી મુબઈ કમિશનર સમરાને આપી.
સમરાએ કહ્યું કે તેમની વાતચીત પણ સંજય સાથે થઈ છે અને તેઓ તપાસમાં સહયોગ કરવાની વાત કરી રહ્યા હતા.
સંજય દત્તની ધરપકડ
આટલી મહેનત બાદ 15 એપ્રિલના રોજ બલજીત પરમારે 'સંજય દત્ત હેઝ એકે-56 ગન' શીર્ષક હેઠળ એ સ્ટોરી લખી જે તેમના છાપામાં લીડ તરીકે છપાઈ.
આ ખબરથી સમગ્ર દુનિયાને જાણ થઈ કે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ સાથે સંજય દત્તના સંબંધ છે.
બલજીત કહે છે, "દત્ત સાહેબ તરફથી રામ જેઠમલાણીએ એક કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી. બીજા છાપાઓએ લખ્યું હતું કે આ ખબર ખોટી છે. પરંતુ મુંબઈ પોલીસ કમિશનરે આ ખબર વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું."
સંજય દત્ત મૉરેશિસથીથી 19 એપ્રિલના રોજ પરત ફર્યા. તેઓ ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર ઉતર્યા અને મુંબઈ પોલીસે તેમને ત્યાં જ ઝડપી લીધા.
જોકે, સંજય દત્તે બદલજીતની સલાહ ના માની અને તેમણે પોતાના મિત્રો મારફતે હથિયાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો.
સંજય દત્તની બાયોગ્રાફીમાં યાસિર ઉસ્માને સંજય દત્તના હવાલાથી લખ્યું છે, "મેં મારા મિત્ર યુસુફ નલવાલાને 14 એપ્રિલે ફોન કર્યો હતો અને મારા રૂમમાં રાખેલા હથિયારને નષ્ટ કરવા જણાવ્યું હતું."
યુસુફ નલવાલાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે સંજયના રૂમમાંથી એકે-56 લઈને તેના ટુકડા કરી એક સ્ટીલ કારોબારી મિત્રને ત્યાં ઓગાળવાનો પ્રયત્ન કર્યો હતો.
દત્ત સાહેબની નારાજગી
સંભવિત રીતે સંજય દત્ત એ સમયમાં પોતાના પર લાગેલા અપરાધની ગંભીરતા સમજી ના શક્યા.
બલજીત પરમાર કહે છે, "દુનિયાને લાગે છે કે મારી સ્ટોરીને પગલે સંજય દત્તની ધરપકડ થઈ, પરંતુ એવું નથી. મારી સ્ટોરી ના છપાઈ હોત તો પણ સંજય દત્તની ધરપકડ થાત, કારણ કે હથિયાર છુપાવનારે પોલીસને બધું જ જણાવી દીધું હતું."
જોકે, બલજીત પરમારની સ્ટોરી બ્રેક થયા બાદ મુંબઈ પોલીસ માટે આ હાઈ પ્રૉફાઇલ કેસમાં કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું હતું.
બલજીત કહે છે, "16 એપ્રિલની એ સ્ટોરી બાદ દત્ત સાહેબ અને સંજયે મારી સાથે ક્યારેય વાત ન કરી."
બલજીત વર્ષ 2011માં પત્રકારત્વમાંથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે અને મુંબઈમાં રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો