ફિફા વર્લ્ડ કપ 2018ને કારણે રશિયામાં બહુ જરૂરી જન્મદર વધી જશે?

મહત્ત્વના રમતોત્સવ પછી જન્મદરમાં વધારો જોવા મળતો હોય છે, તે હકીકત વસતિને 'યુવાન' રાખવા માગતા રશિયા માટે આનંદ આપનારી સાબિત થઈ શકે છે.

રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સાથે રમતોત્સવ પૂર્ણ થયો, હવે તેનું પરિણામ નવ મહિના પછી શું આવે છે તેના પર રશિયાના વસતિ નિષ્ણાતોની નજર રહેશે.

વિશ્વના સૌથી અગત્યના ગણાતા ફૂટબોલ રમતોત્સવનું આયોજન કરનારા દેશ રશિયામાં ખેલના ઉન્માદને કારણે શું ફરી એકવાર જન્મદર વધારો થશે?

આનો જવાબ જાણવા માટે નિષ્ણાતો જન્મની નોંધણીના આંકડા જાણવા માટે ઉત્સુક રહેશે.

ભૂતકાળના સંશોધનો જણાવે છે કે રમતગમતમાં મળેલી જીતની ખુશી કે ભવ્ય આયોજનોના કારણે જે તે દેશમાં ઉમંગ વધે છે અને તેનું પરિણામ વધેલા જન્મદરમાં દેખાતું હોય છે.

જન્મદરમાં ઘટાડો

રશિયા માટે તે આનંદના સમાચાર સાબિત થઈ શકે છે, કેમ કે 1992થી દેશમાં વસતિની બાબતમાં ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે.

1992થી દેશની વસતિ વધારાનો દર નેગેટિવ થયો છે, એટલે કે નવા જન્મની સામે મૃત્યુનો આંક વધવા લાગ્યો છે.

યુદ્ધ પશ્ચાતના શાંતિના સમયગાળામાં પ્રથમવાર રશિયામાં વસતિ વધતી અટકી છે, એમ અમેરિકાની વૈશ્વિક થિન્ક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશનના અહેવાલમાં જણાવાયું છે.

એક અંદાજ અનુસાર, રશિયાની હાલની વસતિ 14.3 કરોડની છે, તે 2050 સુધીમાં ઘટીને 11.1 કરોડ પર પહોંચે તેવી શક્યતા છે.

જીવનધોરણમાં ઘટાડો, મૃત્યુનો વધતો દર અને ઓછો જન્મદર એ ત્રણેય કારણોસર વસતિ વધારાનો દર ઘટવા લાગ્યો છે.

વસતિમાં વધારો

હાલમાં જ પ્રગટ થયેલા વિશ્વ બૅન્કના આંકડા અનુસાર, રશિયામાં દર 1000 વ્યક્તિએ 13નો જન્મદર છે. જોકે, યુકે અને યુરોપિયન યુનિયનના અનેક દેશો કરતાં આ દર વધુ છે.

પણ 1960ના આંકડા કરતાં તે દર અડધો થઈ ગયો છે. બીજા દેશોમાં પણ વસતિ ઘટવા લાગી છે, પણ તેમાં થયેલો ઘટાડો પ્રમાણમાં ઓછો છે.

રશિયાના સત્તાધીશો માટે આ ચિંતાનો મુદ્દો છે, કેમ કે ગત નવેમ્બરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયનોનો વસતિ વધારો થાય તે માટે ઘણા બધા કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

ઓછી આવક ધરાવતા કુટુંબમાં બાળકનો જન્મ થાય તો તેમને રાહત આપવા સહિતની જોગવાઈઓ કરાઈ છે, જેમાં પ્રથમ 18 અઠવાડિયા સુધી બાળક માટે ભથ્થું પણ અપાય છે.

પણ ફૂટબોલને કારણે વસતિ વધશે ખરી?

યુકેમાં 1966માં વર્લ્ડ કપ યોજાયો હતો, તે પછીના મહિનાઓમાં જન્મદરમાં વધારો જોવા મળ્યો હતો.

તેનો સૌથી મજબૂત પુરાવો 2007માં મળ્યો હતો, જ્યારે જર્મનીમાં પણ જન્મદરમાં સીધો જ 15 ટકાનો વધારો થયો હતો.

જર્મનીમાં 2006માં વર્લ્ડ કપ યોજાયો હતો અને તેના નવ મહિના પછી જન્મદરમાં વધારો નોંધાવા લાગ્યો હતો.

જર્મનીની પોતાની ટીમ ત્રીજા સ્થાને રહી હતી, પણ દેશમાં આવડો મોટો રમતોત્સવ યોજાયો તેના કારણે ઊભા થયેલા માહોલમાં આનંદોત્સવ પણ થવા લાગ્યો હતો.

રમતોત્સવ અને આનંદોત્સવ

જર્મનીના મીડિયા સાથે વાતચીત કરતા ઑબ્સ્ટ્રેશિયન (પ્રસુતિ નિષ્ણાત) રોલ્ફ ક્લિશે કહે છે, "આનંદને કારણે હૉર્મોન્સ વધારે છૂટે છે અને તેના કારણે ગર્ભધારણ વધારે સહેલું બને છે.

"રમત દરમિયાન અનુભવાયેલી ઉત્તેજના ઘણા લોકો માટે લાંબો સમય ટકે છે અને તે મેચ પૂરી થયા પછી પણ અનેક રીતે વ્યક્ત થાય છે."

2015માં બીબીસીએ દક્ષિણ આફ્રિકાની વિટવોટર્સૅન્ડ યુનિવર્સિટીના એક સંશોધન વિશે અહેવાલ આપ્યો હતો, જેમાં અચાનક જન્મદરમાં વધારો નોંધાયો હતો.

સંશોધકોનું તારણ એ હતું કે 2010ના વર્લ્ડ કપને કારણે જન્મદરમાં વધારો થયો હતો. આફ્રિકા ખંડમાં પ્રથમ વાર વર્લ્ડ કપ યોજાયો હતો.

સંશોધકોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપને કારણે દક્ષિણ આફ્રિકામાં આનંદોત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો અને તેના કારણે જાતીય સગામગની પ્રવૃત્તિમાં વધારો થયો હતો.

2014માં વર્લ્ડ કપ યોજાયો ત્યારે યજમાન દેશ તરીકે બ્રાઝિલ જર્મની સામે બહુ ખરાબ રીતે (7-1)થી સેમી ફાઇનલમાં જ હારી ગયું હતું, તેમ છતાં બ્રાઝિલમાં જન્મદરમાં વધારો થયો હતો.

બ્રાઝિલની ઓફિસ ઑફ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે આગલા વર્ષની સરખામણીએ માર્ચ 2015માં વધુ સંતાનોનો જન્મ થયો હતો. લગભગ સાત ટકાનો વધારો નોંધાયો હતો.

ફૂટબોલની આખી ટુર્નામેન્ટ હોય તો જ જન્મદર પર અસર થાય તેવું પણ જરૂરી નથી.

2013માં બ્રિટિશ મેડિકલ જર્નલે કરેલા એક અભ્યાસમાં એક મેચમાં થયેલા ગોલની અસરનો અભ્યાસ થયો હતો.

તેના માટે જર્નલે "Generation Iniesta" એવો શબ્દ વાપર્યો હતો.

8 મે 2009ના રોજ બાર્સેલોના ક્લબના સ્પેનિશ એન્ડ્રી ઇનિએસ્તાએ મેચના અંત ભાગમાં જોરદાર ગોલ કર્યો હતો. તેના કારણે ચાહકોમાં થયેલી ખુશી જન્મદરમાં વ્યક્ત થઈ હતી.

ઇટાલિય રમૂજ

લંડનમાં ચેલ્સી સામેની મેચમાં છેલ્લી મિનિટે એન્ડ્રીએ આ ગોલ કર્યો હતો. તેના કારણે તેની ટીમ Uefa Champions Leagueની ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

સૅન્ટ્રલ કેટેલોનિયાની હોસ્પિટલોમાં થયેલા જન્મદરના આંકડાનો અભ્યાસ થયો, ત્યારે ખ્યાલ આવ્યો કે ફેબ્રુઆરી 2010માં, એટલે કે એન્ડ્રીના ગોલના નવ મહિના પછી, જન્મદરમાં 16 ટકાનો વધારો થયો હતો.

તેના વિરોધાભાસી આંકડા પણ મળે છે. વર્ષના છેલ્લા છ મહિનામાં જન્મદરમાં ઘટાડો થયો હતો. તેનું કારણ એ હતું કે સ્પેનમાં આર્થિક મંદીના કારણે નિરુત્સાહનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

સંશોધકોએ જણાવ્યું હતું, "2010ના બીજા છ મહિનામાં જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્પેનની આર્થિક કટોકટીના કારણે તે ઘટાડો થયો હતો તેમ માની શકાય છે."

જન્મદર સાથેનો આ સંબંધ ઇટલીમાં પણ જાણીતો છે. આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ લીગ યોજાઈ તેમાં ઇટલીની એસી રોમાએ જબરદસ્ત દેખાવ કર્યો હતો.

રોમમાં યોજાયેલી મેચમાં માન્યામાં ના આવે તે રીતે એસી રોમાની ટીમ બાર્સેલોના સામે જીતી ગઈ હતી.

તેના કારણે જન્મદર વધ્યો, ત્યારે ક્લબે રમૂજ ખાતર બાળકો માટેની પોતાની પ્રોડક્ટની જાહેરખબરો પણ પ્રકાશિત કરી હતી.

જાહેરખબર મુજબ, "આમાંની કેટલીક વસ્તુઓ અમે નવ મહિના પછી વેચતા હોઇશું."

આઇસલૅન્ડમાં લાગી 'આગ'

એક જ મેચના કારણે આઇસલૅન્ડમાં પણ જન્મદરમાં સુધારો થયો હતો. જૂન 2016માં આ નાનકડા દેશને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની ઐતિહાસિક તક મળી હતી.

યુરો 2016ની મેચમાં ટચૂકડા આઇસલૅન્ડની ટીમે ઇંગ્લૅન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

આ ટાપુ રાષ્ટ્રની વસતિના લગભગ 10 ટકા લોકો, અંદાજે 27,000 પ્રેક્ષકો ટુર્નામેન્ટ જોવા આવ્યા હતા.

નવ મહિના પછી સ્થાનિક મીડિયામાં જન્મદરમાં થયેલા વધારા વિશે અહેવાલો પ્રગટ થવા લાગ્યા હતા.

રશિયામાં જન્મદર વધશે?

આ વખતના વર્લ્ડ કપમાં રશિયાએ અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ફાઇનલ સુધી પહોંચી નથી શક્યું.

જોકે, દક્ષિણ આફ્રિકાનું સારું ઉદાહરણ પણ છે, જેમાં મેદાનમાં ટીમ ખરાબ દેખાવ કરે, ત્યારે ચાહકો અન્યત્ર સારો દેખાવ કરતા હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો