બ્લોગઃ જ્યાં લગ્ન બાદ પતિ પત્નીની અટક અપનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
પાંચ દિવસથી બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર એવી રીતે વાઇરલ થઈ રહ્યાં છે જાણે આપણે બધા જાનૈયા હોઈએ.
જ્યારે સોનમ કપૂરે પોતાના નામમાં પતિની અટક આહુજા જોડવાની ઘોષણા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર કરી તો લાગ્યું જાણે ખરેખર તે તમારા-મારા જીવન સાથે નજીકથી જોડાયેલી ઘટના છે.
તેમણે જે કર્યું તે યોગ્ય કર્યું? શું મહિલાએ પતિની અટક અપનાવવી જોઈએ કે પિતાની જ અટક રાખવી જોઈએ? હવે વિકલ્પ તો આ બે જ છે ને.
મહિલા પાસે પોતાની કે તેની માની અટક તો છે નહીં. તેની ઓળખ પિતા કે પતિની અટક સાથે જોડાયેલી હોય છે.
ભારતમાં હિંદુ પરિવારોમાં તો લગ્ન બાદ આ જ રિવાજ છે. ઘણી જગ્યાએ તો છોકરીનું નામ જ બદલી દેવામાં આવે છે, તો ઘણી જગ્યાએ રીત છે કે તેનું નામ ન બદલવામાં આવે, પણ પતિની અટક સાથે જોડી દેવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોને છોડી દેવામાં આવે તો દેશના બાકી રાજ્યોમાં તો એ લાંબા સમયથી ચાલે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્પષ્ટ છે કે પોતાની અટક બદલવાની જગ્યાએ જ્યારે શિલ્પા શેટ્ટીએ કુંદ્રા, એશ્વર્યા રાયે બચ્ચન અને કરીના કપૂરે ખાન પોતાના જૂના નામમાં જોડ્યું તો ઘણું વિચાર્યું હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું એ બચ્ચન કે ખાન નામનું વજન પોતાની સાથે જોડવા માટે હતું, કે એ માટે કે તેઓ પોતાની ઓળખને સંપૂર્ણપણે ગુમાવવા માગતી ન હતી?

લગ્ન બાદ નામ બદલવું મહિલાને ઓછી આંકવા જેવું

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા દાયકાઓમાં નવા વિચારે જન્મ લીધો છે કે લગ્ન બાદ નામ બદલવું મહિલાને ઓછી આંકવા જેવું છે, તેની ઓળખ મિટાવવા જેવું છે.
લગ્ન એક નવો સંબંધ છે જેમાં બન્ને લોકોનું પોતાનું વ્યક્તિત્વ એ જ રીતે જળવાઈ રહેવું જરૂરી છે. પતિનું નામ નથી બદલાતું તો પત્નીનું નામ પણ ન બદલાવું જોઈએ.
બોલીવૂડનાં ખ્યાતનામ- શબાના આઝમી, વિદ્યા બાલન અને કિરણ રાવે લગ્ન બાદ પોતાનાં નામ બદલ્યાં નથી.
લગ્ન બાદ મહિલાનું નામ બદલી નાખવાનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને તે માત્ર મહિલાઓ સુધી મર્યાદિત પણ નથી.
ઇતિહાસકારો જણાવે છે કે આ વિચારે 14મી સદીમાં જન્મ લીધો હતો જ્યારે એ માનવામાં આવ્યું કે લગ્ન બાદ મહિલા પોતાનું નામ ગુમાવી દે છે.
તે માત્ર કોઈની પત્ની થઈ જાય છે, મહિલા- પુરુષ એક થઈ જાય છે અને પતિનું નામ આ એકતાનું પ્રતિક છે.
જેમ જેમ મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠ્યો, સમાજમાં પરિવર્તન આવ્યું. ઘણી મહિલાઓએ પોતાના પતિના નામને સ્વીકારવાની ના પાડી દીધી.

લગ્ન બાદ નામ બદલવા અંગે જુદા-જુદા દેશોમાં કાયદો

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાં દેશોમાં તો તેના માટે કાયદા પણ ઘડવામાં આવ્યા છે.
1970 અને 80ના દાયકામાં ગ્રીસમાં લાવવામાં આવેલા સુધાર અંતર્ગત મહિલાઓ માટે એ અનિવાર્ય કરી દેવાયું કે લગ્ન બાદ પણ તે માતા-પિતાએ નક્કી કરેલું નામ જ રાખે.
એટલે કે અહીં લગ્ન બાદ પતિની અટક પોતાના નામ સાથે જોડવી ગેરકાયદેસર છે.
જ્યારે બાળક જન્મે તો તેના નામ સાથે માતાની અટક જોડાય કે પિતાની, તેના વિશે પણ કાયદો સ્પષ્ટ છે- તે માતા પિતાએ પરસ્પર લીધેલો નિર્ણય છે.
આ એકમાત્ર ચર્ચા ન હતી, આ દરમિયાન ગ્રીસમાં શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રોમાં પણ મહિલાઓને સમાન તક આપવા માટે પણ મૂળભૂત સુધાર કરવામાં આવ્યા.
આ જ રીતે ઇટલીમાં પણ 1975માં પરિવારો સાથે જોડાયેલા કાયદામાં મોટો સુધારો કરવામાં આવ્યો અને મહિલાઓને લગ્ન બાદ પણ પોતાનું 'મેડન' નામ એટલે કે લગ્ન પહેલાંનું નામ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
બેલ્જિયમમાં પણ લગ્ન બાદ નામ બદલવામાં આવતા નથી. વર્ષ 2014 પહેલા કાયદો હતો કે બાળક પોતાના પિતાનું નામ જ અપનાવશે. પરંતુ પછી કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા અને હવે બાળકને માતા કે પિતા, ગમે તેની અટક આપી શકાય છે.
નેધરલેન્ડમાં તો લગ્ન બાદ પતિ પણ પોતાનું નામ બદલીને પત્નીની અટક અપનાવી શકે છે. બાળકો માટે છૂટ છે કે તેઓ માતાની અટક અપનાવે કે પિતાની.

લગ્ન બાદ મહિલા-પુરુષ વચ્ચે કેટલી સમાનતા?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચર્ચા વારંવાર થતી રહી છે. વર્ષ 2013માં 'ટાઇટેનિક' જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલાં કેટ વિન્સલેટે કહ્યું હતું કે તેઓ પોતાના પતિનું 'ફેમિલી' નામ અપનાવવા માગતાં નથી.
આ તેમનાં ત્રીજા લગ્ન હતા અને તેમણે કહ્યું કે તેમને પોતાનું નામ પસંદ છે. કેટ વિન્સલેટે પોતાનું નામ ક્યારેય બદલ્યું નથી અને આગળ પણ નહીં બદલે.
કેટ વિન્સલેટનાં પહેલા લગ્ન 1998માં થયા હતા અને ત્યારે પણ તેમણે પોતાનું નામ બદલ્યું ન હતું.
ભારતના સંદર્ભમાં નામ ન બદલવું સમાનતા તરફ એક પ્રતિકાત્મક પહેલ સાબિત થઈ શકે છે. પણ ધ્યાન આપો કે હજુ પણ લગ્ન બાદ મહિલા જ પોતાના પતિના ઘરમાં જઈને રહે છે.
પતિ જો પત્નીના પરિવાર રહે તો તેની મજાક ઉડાવવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જાણે તેની મરદાનગી ઓછી થઈ ગઈ હોય. તો સમાનતા કેવી અને કેટલી છે?
લગ્ન બાદ પોતાનું નામ બદલવું કે તેમાં પતિની અટક જોડવી એક શરૂઆત માત્ર છે. આગળ શું થઈ શકે છે અને શું બદલવું જોઈએ એ તો આપણે જ નક્કી કરવાનું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













