'મોદી નૉટ વેલકમ' કેમ કહી રહ્યા છે નેપાળી?

નરેન્દ્ર મોદી અને કે. પી. શર્મા ઓલી

ઇમેજ સ્રોત, BIKASH KARKI/GETTY IMAGES

    • લેેખક, વિનીત ખરે
    • પદ, કાઠમાંડુથી, બીબીસી સંવાદદાતા

નેપાળ પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકપુરમાં કહ્યું કે ભારત અને નેપાળ બે દેશ છે, 'પરંતુ અમારી મિત્રતા આજની નહીં ત્રેતા યુગની છે.'

મોદીએ નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સાથે જનકપુરથી અયોધ્યા વચ્ચે સીધી બસ સેવાની શરૂઆત પણ કરી.

મોદીની શુક્રવારથી શરૂ થયેલી નેપાળ યાત્રા પર લોકો ત્રણ નવા રેકોર્ડ બનવાની વાત કરી રહ્યા છે.

પહેલો કે કોઈ ભારતીય વડાપ્રધાન પોતાના કાર્યકાળમાં ત્રણ વખત નેપાળ ગયા નથી.

બીજો રેકોર્ડ કે ચાર વર્ષમાં ત્રણ વખત ભારતીય વડાપ્રધાન નેપાળ આવ્યા.

ત્રીજો રેકોર્ડ કે નેપાળના વડાપ્રધાનની ભારત યાત્રાના 33 દિવસો બાદ ભારતીય વડાપ્રધાન નેપાળ પહોંચ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાથી સંદેશ ગયો હતો કે ઉચ્ચ સ્તર પર પણ ભારતની નેપાળમાં રુચિ છે, પરંતુ સપ્ટેમ્બર 2015માં 'નાકાબંદી' દરમિયાન ઊઠી આવેલા ભારત વિરોધી પ્રદર્શનોએ સંબંધો પર ઊંડી છાપ છોડી હતી.

આ 'નાકાબંદી' એ સમયે થઈ કે જ્યારે નેપાળ એપ્રિલ 2015ના ભયાનક ભૂકંપે આપેલી તકલીફોમાંથી બહાર નીકળ્યું ન હતું.

નેપાળમાં નાકાબંદી સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળ ઓઇલ અને અન્ય ઘણાં સામાન માટે ભારત પર આશ્રિત છે. આ એ સમય હતો જ્યારે પેટ્રોલ, ડીઝલ મળી રહ્યું ન હતું અથવા તો ચાર પાંચ ગણા વધારે ભાવ પર મળી રહ્યું હતું.

જમવાનો સામાન, દવાઓ દરેક વસ્તુની ખામી સર્જાઈ હતી. બાળકો, વૃદ્ધો રસ્તા પર નીકળીને 'બ્લૉકેડ'ના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ભારતે કહ્યું નેપાળના સપ્લાયમાં આવેલી અડચણ પાછળ નેપાળની આંતરિક પરિસ્થિતિ હતી. પરંતુ નેપાળ સરકારથી માંડીને દરબાર સ્ક્વેયર પર રેકડી ઊભી કરતા લોકો ભારતને જવાબદાર માને છે.

વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇને ટ્વિટર પર લોકો 'બ્લૉકેડ વોઝ ક્રાઇમ', 'મોદી નૉટ વેલકમ ઇન નેપાલ', 'મોદી સે સૉરી ફોર બ્લૉકેડ' હેશટેગ સાથે ટ્વીટ કરી રહ્યા છે.

ભીમ આત્રેયે લખ્યું, "છ મહિલા સુધી તેલ, ખાદ્ય સામાન, દવાઓની ખામી. ઘા હજુ પણ તાજા છે મિસ્ટર મોદી."

line

મોદીથી નારાજગી પણ ભારત વિરોધી નહીં

રસ્તા પર ઊભેલા ટ્રક

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વર્ષ 2015ની નાકાબંદીની નેપાળની બજાર પર વ્યાપક અસર જોવા મળી હતી

શૈલેશ પોખરેલે ટ્વિટર પર લખ્યું, "અમે તમારું સ્વાગત કરી રહ્યા નથી તેનો મતલબ એવો નથી કે ભારત વિરોધી છીએ."

કાઠમાંડુના કેન્દ્રમાં દરબાર સ્ક્વેરની નજીક ધીમા અવાજે વાત કરતા હરિશંકર વૈદ્ય મળ્યા. આસપાસ ભૂકંપથી વિનાશ પામેલી ઇમારતોનું સમારકામ ચીન અને અમેરિકાની મદદથી ચાલી રહ્યું હતું.

વૈદ્યએ જણાવ્યું, "સ્થિતિ માટે નેપાળ અને ભારત સરકાર બન્ને જવાબદાર હતા. અમે વિચાર્યું કે ભારત જેટલી સજા આપશે, અમે સહન કરીશું. મોદીએ ભૂકંપ બાદ એક ખરબ ડોલર આપવાની વાત કહી હતી. પરંતુ તેના માત્ર 25 ટકા આપ્યા."

રોજિતા શ્રેષ્ઠે કહ્યું, "હવે મોદી આવ્યા છે તો કંઈક સારૂં કરીને જાય. આવી સમસ્યા ફરી આવવી ન જોઈએ."

વીડિયો કૅપ્શન, નેપાળ : માનવ તસ્કરીનો શિકાર બનેલી પીડિતાઓને એક મહિલા આપે છે આશ્રય

સપ્ટેમ્બર 2015માં મધેશી સંગઠનોએ આંદોલન ચલાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે નવા બંધારણમાં તેમના અધિકારો, આકાંક્ષાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.

ભારતે નેપાળને બધાને સાથે લઇને ચાલવાની સલાહ આપી હતી. નેપાળમાં માનવામાં આવે છે કે ભારતે મધેશિયોનો પક્ષ લેવા માટે અને નેપાળને સજા આપવાના ઇરાદાથી સામાનની સપ્લાય રોકી દીધી. ભારત આ આરોપોને નકારે છે.

નેપાળમાં ભારતના રાજદૂત મંજીવ સિંહ પુરીએ બીબીસી સાથે વાતચીતમાં ભવિષ્ય તરફ જોવાની વાત કહી, પરંતુ કાઠમાંડુમાં લોકો ભારત સાથે સંબંધો પર કેટલાક શબ્દો બોલ્યા બાદ 'બ્લૉકેડ'માં ભારતની ભૂમિકા પર વાત કરવા લાગે છે.

સપ્ટેમ્બર 2015માં દીપ કુમાર ઉપાધ્યાય દિલ્હીમાં નેપાળના રાજદૂત હતા.

line

ભારતના કારણે ચીન અને નેપાળ આવ્યા નજીક

નરેન્દ્ર મોદી અને કે. પી. શર્મા ઓલી

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી બીજી વખત દેશની સત્તા સંભાળ્યા બાદ પહેલી વખત ભારત પ્રવાસે આવ્યા હતા

કાઠમાંડુના પ્રદૂષણ અને રાજકીય ગરમીથી 300 કિલોમીટર દૂર ભારતીય સરહદ સાથે જોડાયેલા કપિલવસ્તુમાં ઘરની છત નીચે બેઠેલા દીપ કુમાર ઉપાધ્યાયની ફરિયાદ છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ નરેન્દ્ર મોદીએ ક્યારેય નેપાળના લોકોની મુશ્કેલીઓ અંગે એક લાઇન પણ લખી નથી.

તેઓ કહે છે કે તેમને ભારત સરકાર તરફથી આશ્વાસન છતાં જમીન પર કોઈ ફેરફાર જોવા મળ્યા નથી.

તેઓ કહે છે, "ઘણી વખત સુષમાજીએ મારી સામે નિર્દેશ આપ્યા. (અજીત) ડોભાલ સાહેબ પણ નિર્દેશ આપતા હતા પરંતુ સમાધાન મળવામાં સમય લાગતો હતો."

નેપાળના પૂર્વ નાણાંમંત્રી પ્રકાશ ચંદ્ર લોહનીએ પોતાના આરામગૃહમાં એ કપરા દિવસોને યાદ કર્યા, "અમારા ઘરમાં બે-ચાર વૃક્ષો હતા તેને કાપીને અમે તૈયારી કરી હતી કે બે ચાર મહિના જેટલા ચાલશે ત્યાં સુધી તેને કાપીને જ રસોઈ કરીશું. પણ જે ચાલી રહ્યું છે ઠીક છે."

નેપાળમાં નાકાબંદી સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"આપણે ઝૂકવું જોઈએ નહીં. દવાઓ મોંઘી થઈ ગઈ હતી. એન્ટીબાયોટિક્સના ભાવ વધી ગયા હતા. બ્લૉકેડની ગરીબો પર વધારે અસર જોવા મળી હતી."

લોહની કહે છે આ જ ગુસ્સાના કારણે નેપાળનો ઝુકાવ ચીન તરફ વધ્યો કેમ કે નેપાળમાં એ ભાવના વધી કે માત્ર ભારત પર નિર્ભર રહી શકતા નથી.

તેઓ કહે છે, "ભારતને લાગ્યું કે 10-15 દિવસમાં નેપાળ ઘૂંટણ ટેકી દેશે પરંતુ એ વાત ખોટી સાબિત થઈ. એ કારણોસર અમારે ચીન તરફ જોવું પડ્યું. ચીન છેલ્લા 10 વર્ષોથી ટ્રાંસિટ ટ્રીટી માટે ભાર આપી રહ્યું હતું પરંતુ અમે એમ ન કર્યું."

"ભારતે અમને ફોર્સ કર્યો કે માત્ર ભારત પર નિર્ભર રહેવું ખતરનાક છે... બે ત્રણ વર્ષોમાં ચીનની ટ્રેન નેપાળની સીમા સુધી પહોંચી જશે."

line

'મોદી ગુમરાહ થઈ ગયા'

પ્રકાશ ચંદ્ર લોહની

ટ્રાંસિટ ટ્રીટી કે સમજૂતી બાદ નેપાળ ચીનથી માંડીને દુનિયાના અન્ય દેશો સાથે વેપાર કરી શકશે. નેપાળ દરેક તરફથી ઘેરાયેલું છે એ માટે સમુદ્રી વેપાર માટે તેણે કોલકાતા બંદર પર નિર્ભર રહેવું પડે છે.

લોહાની કહે છે કે કોલકાતા બંદરમાં કોઈ પણ પ્રકારની ગડબડની સીધી અસર સામાનની સપ્લાય અને વેપાર પર પડે છે અને ભારત એ જ નિર્ભરતાનો ફાયદો ઉઠાવતો રહ્યું છે.

મહત્ત્વનું છે કે નેપાળનો આશરે 70 ટકા વેપાર ભારતથી થાય છે.

જોકે, લોહની સિવાય ઘણાં વરિષ્ઠ નેતા પણ એ કહે છે, "નરેન્દ્ર મોદીને અધિકારીઓએ ખોટી જાણકારીઓ આપી અને તેઓ ગુમરાહ થઈ ગયા."

ભારતીય મીડિયામાં ઘણી વખત નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ચીનના પક્ષધર ગણાવવામાં આવે છે.

તેના પર વરિષ્ઠ પત્રકાર યુવરાજ ઘીમિરે હસતા હસતા કહે છે કે એક સમયે ઓલીને તેમની પાર્ટીમાં ભારતના પક્ષધર ગણાવવામાં આવતા હતા.

તેઓ કહે છે, "ઓલીની પાર્ટી ભારત સાથે મહાકાલી પ્રોજેક્ટ સમજૂતી વિરુદ્ધ હતી પરંતુ ઓલીએ ભારતનું સમર્થન કર્યું હતું. પાર્ટીની અંદર તેમની છબી પ્રો-ઇન્ડિયાની હતી. પરંતુ હવે તેમણે નાકાબંદી દરમિયાન નેપાળના સામાન્ય સેંટિમેંટનો સાથ આપ્યો તો ભારતમાં તેમને એન્ટી ઇન્ડિયા ગણાવવામાં આવ્યા."

નેપાળ અને ચીનનો ઝંડો

જોકે, યુવરાજ એ પણ કહે છે કે જ્યારે નેપાળના નેતાઓને પોતાના ફાયદા માટે ભારતની જરૂર પડે છે તો તેઓ તેનો ઉપયોગ કરવાથી ચૂકતા નથી.

વર્ષ 1996ની મહાકાળી સમજૂતીનો મુખ્ય ભાગ પંચેશ્વર પ્રોજેક્ટ હતો જેનો ઉદ્દેશ પાણીની મદદથી 6400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો હતો જેનો ઉપયોગ બન્ને દેશ કરે પરંતુ બે દાયકા બાદ પણ કામ કાગળ પર વધારે જમીન પર ઓછું થયું.

નેપાળમાં લોકોની પાસે ભારતના અધૂરા વાયદાની એક યાદી છે.

મહાકાળી સમજૂતી પર હસ્તાક્ષર કરનારા પૂર્વ વિદેશ અને નાણાંમંત્રી પ્રકાશ ચંદ્ર લોહની પૂછે છે, "જ્યારે ભારતને મહાકાળી સમજૂતીમાં રુચિ જ ન હતી તો તમે તેના પર હસ્તાક્ષર કેમ કર્યા? મધેસ માટે ખૂબ જ જરૂરી પોસ્ટલ હાઈવે પર કામ મને લાગે છે કે મારા નવાસા અને પૌત્રાના જમાનામાં જ થશે."

યુવરાજ ઘીમિરે

ચીને કાઠમાંડૂમાં બનેલી નેશનલ આર્મ્ડ પોલીસ ફોર્સ એકેડમી પર વર્ષ 2015માં કામ શરૂ કર્યું અને 2017માં તેને નેપાળના હવાલે કરી દીધી.

ભારતે પણ એવી જ એક એકેડમી બનાવવાનો વાયદો કર્યો હતો. વીસ વર્ષ બાદ પણ એ એક વાયદો જ છે, જોકે કામમાં મોડું થયું તેની પાછળ સ્થાનિક કારણોને જવાબદાર માનવામાં આવે છે.

નેશનલ આર્મ્ડ પોલીસ ફોર્સ એકેડમીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેવી રીતે તેમણે બેથી અઢી વર્ષ સુધી ચીનની કંપની તરફથી 24 કલાક સતત કામ થતા જોયું અને આજે પણ દેખરેખ માટે કંપની પાસેથી તેમને પૂરતો સહયોગ મળે છે જ્યારે ભારતની પોલીસ એકેડમીનો પ્રોજેક્ટ 25 વર્ષોથી લટકી રહ્યો છે.

ભારત પાસેથી આ ફરિયાદ કોઈ નવી વાત નથી. શ્રીલંકા, આફ્રિકા, તમે ગમે ત્યાં જાઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારો તમને જણાવશે કે ભારત તરફથી વાયદા ખૂબ થાય છે પરંતુ જમીન પર કામની ગતિ ખૂબ સુસ્ત રહે છે.

સૂત્ર જણાવે છે કે વડાપ્રધાન ઓલીએ એપ્રિલની દિલ્હી યાત્રામાં નવી પરિયોજનાઓની ઘોષણા પર ભારતીય નેતાઓને કહ્યું હતું કે તેઓ પહેલા વર્ષોોથી લટકી પડેલી જૂની યોજનાઓને પૂર્ણ કરવા પર ધ્યાન આપે.

મંજીવ સિંહ પુરી

આ અધૂરા વાયદા પર નેપાળમાં ભારતના રાજદૂત મંજીવ સિંહ પુરી કહે છે, "નેપાળ પોલીસ એકેડમીના કન્સલટન્ટ નિયુક્ત થઈ ગયા છે અને અમે જલદી નેપાળને ડિઝાઇન ઓપ્શન્સ આપવાના છીએ. પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે."

"થોડાં જ મહિનામાં જયનગરથી જનકપુર સુધી બ્રૉડ ગેજ રેલવે લાઇન આવી જશે. અરુણ થ્રી લાગવાથી સંદેશ જવો જોઈએ કે પ્રોજેક્ટ માત્ર લેવામાં આવ્યા નથી પણ હકીકત બની રહ્યા છે."

વડાપ્રધાન મોદીની નેપાળ યાત્રા દરમિયાન 900 મેગાવોટ પ્રોજેક્ટ 'અરૂણ થ્રી'નું ઉદઘાટન થશે.

નેપાળના અધિકારી ભૂકંપ બાદ એક અબજ ડોલરની ભારતીય મદદના વાયદા પૂર્ણ થવા પર પણ સવાલ પૂછે છે.

મંજીવ પુરી ભરોસો અપાવે છે કે હજારો ઘરોને બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જલદી તેને સોંપવાનું કામ પણ પૂર્ણ થઈ જશે.

આ તરફ ભારતમાં નેપાળના પૂર્વ રાજદૂત દીપ કુમાર ઉપાધ્યાય કહે છે, "નેપાળમાં લોકો એવું વિચારે છે કે બધુ જ ભારત કરાવે છે. પરંતુ દિલ્હીમાં નેપાળ વિશે વિચારવાની નવરાશ કોની પાસે છે. એ તો સારૂં છે કે નેપાળના મામલાને મોદીજી જ જોઈ રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો