મોદી સરકારે પત્રકારોનો અવાજ દબાવવા રાજમાન્યતા આપી છે?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિખિલ વાગળે
    • પદ, વરિષ્ઠ પત્રકાર

છેલ્લાં 2 અઠવાડિયામાં ત્રણ ઘટનાઓ ઘટી છે તેના પર એક નજર.

પહેલી ઘટના

કઠુઆ અને ઉન્નાવમાં બળાત્કારની જે ઘટનાઓ બની, તેના થોડા દિવસ બાદ પત્રકાર રાણા અયુબને એક મોટો ઝટકો મળ્યો. તેમના નામે ટ્વિટર પર એક ટ્વીટ પબ્લિશ થયું.

"જે બળાત્કાર કરે છે, તેમની પાસે પણ માનવીય અધિકારો હોય છે. આ હિંદુત્વવાદી સરકારે બાળકીઓ પર બળાત્કાર કરતા લોકોને ફાંસીની સજા આપી છે. આ એક કાવતરું છે વધારેમાં વધારે મુસ્લિમોને ફાંસીની સજા આપવાનું. આ સરકાર મુસ્લિમ વિરોધી છે."

થોડા સમય બાદ આ પ્રતિક્રિયા એક ચેનલ પર પણ બતાવવામાં આવી. આ ચેનલ મોદી સરકાર સમર્થિત છે.

કઠુઆ બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, Getty Images

પત્રકાર રાણા અયુબને જાણકારી મળી કે તેમનાં નામે એક બોગસ ટ્વિટર હૅન્ડલ ચાલુ કરવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસોમાં તેમને ત્રાસ આપવાના દરેક રીતે પ્રયાસ કરવામાં આવ્યા.

તેમને બળાત્કારની ધમકી આપવામાં આવી. એટલું જ નહીં તેમની તસવીરોથી અશ્લીલ વીડિયો પણ તૈયાર કરાયો.

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ મીડિયા પર ટ્રોલનો અનુભવ રાણા અયુબ માટે નવો ન હતો. રાણા અયુબે ગુજરાતમાં થયેલાં રમખાણ અંગે પુસ્તક લખ્યું છે તે માટે પણ તેમને છેલ્લા ઘણા સમયથી તેમને સતાવવામાં આવી રહ્યા છે.

પરંતુ આ વખતે તો હદ પાર થઈ ગઈ. તેમણે આ અંગે દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીને મળીને ફરિયાદ પણ નોંધાવી.

line

બીજી ઘટના

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘટના છે એનડીટીવીના પ્રખ્યાત ઍંકર રવિશ કુમારની. તેમણે પોતે તેમના વિશે ફેસબુક પર પોસ્ટ લખી છે.

રવિશ કુમારનો ફોન નંબર પ્લાન કરીને જાહેર જનતા વચ્ચે ફેલાવી દેવાયો હતો. ત્યારબાદ તેમને મા-બહેનની ગાળો આપતા ફોન આવવા લાગ્યા.

વૉટ્સએપ પર પણ તેમને હેટ મેસેજ આવવા લાગ્યા.

આ બધું સતત ત્રણ દિવસ સુધી ચાલ્યું. રવિશ કુમારે આ લોકોનાં ફોન નંબર પણ જાહેર કર્યાં. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી થઈ નહીં.

રવિશ કુમાર પર મોદી સરકાર પર ખૂબ જ કડક ટીકા કરનારા પત્રકાર તરીકે ઓળખાય છે.

line

ત્રીજી ઘટના

છત્તીસગઢનાં બસ્તરથી 'ભૂમકાલ સમાચાર' કે જે વીકલી મેગેઝીન છે, તેના તંત્રી કમલ શુક્લા પર સોમવારના રોજ રાજદ્રોહનો ગુનો દાખલ થયો.

તેમના પર આરોપ છે કે જસ્ટીસ લોયા કેસ અંગે સુપ્રીમ કોર્ટે જે ફેંસલો સંભળાવ્યો છે તેના પર ટીકા કરતું એક કાર્ટૂન તેમણે શેર કર્યું હતું.

આ વર્ષે જે પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સ આવ્યો છે તેમાં ભારત 36 પરથી 38 નંબર પર પહોંચી ગયું છે. આ આંકડો અહીં સુધી કેમ પહોંચ્યો છે તે આ ઘટનાઓ દર્શાવી રહી છે.

'રિપોર્ટર્સ વિધઆઉટ ફ્રન્ટીયર્સ' સંસ્થાએ દુનિયાભરનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેના આધારે પ્રેસ ફ્રિડમ મામલે નોર્વે નંબર 1 પર છે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ યાદીમાં ભારત 38 નંબર પર છે અને તેની નીચે પાકિસ્તાન, ચીન, ઈરાન, ઇરાક જેવા દેશો છે.

ભારત પોતાને સૌથી મોટો લોકતાંત્રિક દેશ માને છે. પરંતુ આ આંકડો ભારત માટે ખૂબ શરમજનક છે.

આ પરિસ્થિતિનું નિર્માણ છેલ્લાં ચાર વર્ષમાં જ થયું છે એવું નથી. સ્વતંત્ર ભારતમાં ફ્રિડમ ઑફ પ્રેસ ક્યારેય પરફેક્ટ ન હતું. પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં પણ પત્રકારોએ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરવો પડ્યો હતો.

પરંતુ દેશના નેતા તરીકે પંડિતજી હંમેશા પ્રેસ ફ્રિડમના પક્ષમાં રહ્યા. ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન મીડિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા, પરંતુ તેમણે તેનું પરિણામ ચૂંટણી સમયે ભોગવવું પડ્યું હતું અને તેમણે પોતાની ભૂલ માની પણ લીધી હતી.

રાજીવ ગાંધી પણ બદનક્ષી બિલ લાવ્યા હતા અને પત્રકારો માટે મુસીબત ઊભી કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની વિરુદ્ધ પણ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયાં અને તેમણે પીછેહટ કરવી પડી.

આ પહેલાં કર્ણાટકમાં ગુંડુરાવ સરકારે તેમની વિરુદ્ધ સમાચાર આપતા ઇન્ડિયન એક્સપ્રેસનું વીજળી કનેક્શન કાપી નાખ્યું હતું.

જોકે, આ વિરુદ્ધ પણ લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી. અને ગુંડુરાવ સરકારે પણ નિર્ણય રદ્દ કરવો પડ્યો હતો.

પત્રકારો પર પહેલાં પણ ઘણી વખત હુમલા થયા છે અને સત્તાધારી લોકોએ હુમલાખોરોને શોધવામાં લાપરવાહી દાખવી છે, પરંતુ આ હુમલાનું સમર્થન કર્યું નથી.

line

પત્રકારોનો અવાજ દબાવવા રાજમાન્યતા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA/JAGADEESH NV

નરેન્દ્ર મોદી સરકારની વિશિષ્ટતા છે એ તે છે કે આ સરકારે પત્રકારોનો અવાજ દબાવવા માટે રાજમાન્યતા આપી દીધી છે.

નરેન્દ્ર મોદીએ તેમની વિરુદ્ધ લખતા પત્રકારોને 'ન્યૂઝ ટ્રેડર'નો ખિતાબ આપી દીધો છે.

વી. કે. સિંહ કે કિરણ રિજિજુ જેવા તેમના મંત્રી છે કે જેઓએ પત્રકારોને 'પ્રેસ્ટિટ્યૂટ' કહી દીધા છે.

'મીડિયા અમારો શત્રુ છે'- એવું તો મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં જ નક્કી કરી લીધું હતું.

ગુજરાત રમખાણના સમયે પત્રકારોએ તેમને નિશાન બનાવ્યા હતા, તેનો આ ગુસ્સો હતો. અને મોદી તેનો બદલો લેવા માગતા હતા.

ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી આજ દિન સુધી મોદીએ એક પણ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું નથી.

તેમણે જે ઇન્ટરવ્યૂ આપ્યા, તે પણ તેમની મરજી પ્રમાણે પસંદ કરેલા પત્રકારોને જ આપ્યા.

ઇન્ટરવ્યૂ પહેલાં જે સવાલ મોદી માટે સમસ્યા સર્જી શકે છે, તે સવાલ ન પૂછવા શરત મૂકવામાં આવી હતી.

જે મીડિયા ઉપયોગી નથી, તેમને પાઠ ભણાવવા માટે મોદીને એક શસ્ત્ર મળી ગયું. એ શસ્ત્ર હતું- સોશિયલ મીડિયા. આ મીડિયાનો વપરાશ કરવામાં કોઈ લિમિટ જ ન હતી.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારબાદ મોદી ભક્તોની એક મોટી બ્રિગેડ તૈયાર થઈ ગઈ. મોદી અને તેમની સરકારની ટીકા કરનારા દરેક પત્રકાર પર નિશાન સાધવામાં આવ્યું. હવે તો પત્રકારો પર પ્રત્યક્ષ હુમલો કરવાની જરૂર ન હતી.

ફેસબુક અને ટ્વીટરનાં માધ્યમથી પત્રકારોનું ચરિત્ર હરણ કરતી વાતો ફેલાવો, વાઇરલ કરો અને તેમને નબળા પાડી દો, એ મોદીની સ્ટ્રેટજી હતી.

તે અંગે સ્વાતી ચતુર્વેદીએ 'આઈ એમ અ ટ્રોલ' બુકમાં ઊંડાણથી વિશ્લેષણ કર્યું છે.

આજે રાણા અયુબ અને રવિશ કુમારને જે દર્દનાક અનુભવનો સામનો કરવો પડી રહ્યો છે, એ જ પ્રકારનો અનુભવનો બરખા દત્ત, સાગરીકા ઘોષ, નેહા દિક્ષીત, રોહિણી સિંહે પણ સામનો કર્યો છે.

મહિલા પત્રકારો વિશે અશ્લીલ પોસ્ટ કરી તેમને ડરાવવાનો પ્રયાસ થયો છે.

જે લોકો આ મહિલાઓને ટ્રોલ કરે છે તેમને વડાપ્રધાન મોદી પણ ફોલો કરે છે.

પુરુષ પત્રકારોનો પણ કંઈ નિરાળો અનુભવ નથી. રાજદીપ સરદેસાઈ, કરણ થાપર, સિદ્ધાર્થ વરદરાજન, કુમાર કેતકર મોદી ભક્તોના પ્રિય ટાર્ગેટ છે.

રાજદીપ સરદેસાઈને મોદીના લંડન પ્રવાસ દરમિયાન ગાળો આપવામાં આવી હતી અને તેમની સાથે મારપીટ પણ થઈ હતી.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલો ઝેરીલો અનુભવ હું પણ 2013થી સહન કરી રહ્યો છું.

મારા નામનું એક બોગસ અકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યું અને તેના પર લખવામાં આવ્યું હતું કે જો મોદી 2014ની ચૂંટણી જીતી ગયા તો હું વ્યસ્ત રસ્તા પર નગ્ન દોડીશ.

આજે પણ જ્યારે હું મોદી કે તેમની સરકાર અંગે ટીકા કરું છું તો આ બોગસ અકાઉન્ટનાં માધ્યમથી મારા પર નિશાન સાધવામાં આવે છે.

પત્રકારો વિરુદ્ધ આ પ્રકારનું ઝેર ક્યારેય ફેલાવવામાં આવ્યું ન હતું. આ સરકારને પત્રકારો વિરુદ્ધ ઝેર ફેલાવવાવાળી સરકાર તરીકે ઓળખવામાં આવશે.

હાલ જ માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રેસ એક્રેડિટેશનના જે નિયમ છે તે ફેક ન્યૂઝ સાથે જોડી દીધા અને પત્રકારોને મુસીબતમાં લાવવા પ્રયાસ કરાયો.

તેની વિરુદ્ધ કડક પ્રતિક્રિયા આવી. ત્યારબાદ વડાપ્રધાને મધ્યસ્થી કરી અને નિર્ણય રદ કરાયો.

આ બધામાં મહત્ત્વનો મુદ્દો એ છે કે આટલું બધું સહન કર્યા બાદ પણ મોટાભાગના પત્રકારોએ પીછેહઠ કરી નથી અને તેમણે પોતાનું કામ સતત ચાલુ રાખ્યું છે.

ગૌરી લંકેશ

ઇમેજ સ્રોત, FACEBOOK

પરંતુ ગૌરી લંકેશના નસીબમાં એ પણ ન હતું. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ઉગ્ર હિંદુત્વવાદી સંગઠનોને વધારે પ્રોત્સાહન મળ્યું.

તેમાંથી જ કોઈએ ગૌરી લંકેશ પર ગોળીઓ ચલાવી તેવી પોલીસને આશંકા છે.

આ કેસમાં જે આરોપીઓ છે તેમનો સનાતન જેવા ઉગ્ર હિંદુત્વવાદી સંગઠનો સાથે સંબંધ છે આ પ્રકારના સમાચાર પ્રકાશિત થયા છે.

આ જ સંગઠનો પર દાભોલકર-પાનસરે-કલબુર્ગીની હત્યાનો આરોપ છે.

આજે દેશમાં સ્થિતિ કેટલીક ભયાનક છે, તે આ બધી ઘટનાઓથી સાબિત થાય છે.

કર્ણાટકની કોંગ્રેસ સરકાર પણ ગૌરી લંકેશની હત્યાનો પુરાવો શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

line

પત્રકારોને કોણ બચાવશે?

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગૌરી લંકેશની હત્યા બાદ લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ. પરંતુ ગ્રામીણ ભારતમાં જે પત્રકારો કામ કરે છે તેમની તો હજુ પણ અવગણના થાય છે.

ગત વર્ષે દેશભરમાં 12 પત્રકારોને મારી નાખવામાં આવ્યા હતા. તેમાં બિહારના રાજ દેવરંજન, ત્રિપુરાના શાંતનું ભૌમિક, છત્તીસગઢના સાંઈ રેડ્ડી, ઉત્તર પ્રદેશના જગેન્દ્ર સિંહ- આ પત્રકારોનાં નામ થોડા લોકોને તો જાણવા મળ્યાં, પરંતુ બાકી લોકોનાં તો નામ પણ કોઈને ખબર નથી.

ગ્રામીણ વિસ્તારમાં પત્રકારોએ એક તરફ પોલિટિકલ માફિયા સામે લડવું પડે છે અને બીજી તરફ ભ્રષ્ટ પોલીસનો પણ સામનો કરવો પડે છે.

તેમની પાસે નોકરીની કોઈ સુરક્ષા હોતી નથી, ન તો તેમની પાસે સરકાર કે સમાજની સુરક્ષા હોય છે.

ઉત્તર પ્રદેશના જગેન્દ્ર સિંહની હત્યા મામલે એવો આરોપ છે કે પોલીસે તેમને સળગાવીને મારી નાખ્યા હતા.

છેલ્લાં 3 વર્ષમાં 90 પત્રકારો પર હુમલા થયા. એ જાણકારી સરકારે હાલ જ રાજ્યસભામાં આપી છે. આ જાણકારી ઊંધા રસ્તે દોરનારી છે એવો દાવો મહારાષ્ટ્રની હુમલા વિરોધી કૃતિ સમિતિએ કર્યો છે.

તેમના કહ્યા અનુસાર માત્ર મહારાષ્ટ્રમાં જ છેલ્લાં 3 વર્ષમાં 218 પત્રકારો પર હુમલા થયા હતા. જો આ આંકડો સાચો છે તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.

મેં પોતે શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેનાં ગુંડાતત્વનો સામનો કર્યો છે. છેલ્લા 2 દાયકામાં શિવસેનાનું દરેક પક્ષે અનુસરણ કર્યું છે.

રેતી માફિયાથી માંડીને દૂધ માફિયા સુધી અનેક ગુંડાઓની ટોળકીએ આખા સમાજને ઘેરીને રાખ્યા છે. જ્યાં જીવનની કોઈ કિંમત નથી, એ સ્થિતિમાં પત્રકારોને કોણ બચાવશે.

ખાસ વાત એ છે કે પત્રકારો પર થતા હુમલા વિરુદ્ધ કાયદો બનાવવાવાળું મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે.

પરંતુ આ કાયદો પણ અત્યાર સુધી રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની રાહ જુએ છે.

line

કાયદાકીય હથિયાર

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આટલું બધું સહન કર્યા બાદ પણ જો પત્રકાર બચી ગયો, તો તેને પરેશાન કરવા માટે બીજા પણ કાયદાકીય રસ્તા વાપરવામાં આવે છે.

બદનક્ષી તેમાંથી સૌથી મોટું હથિયાર છે. મીડિયા કંપનીઓને એડવર્ટાઇઝમેન્ટ આપીને તેમને વશમાં કરવાની ટેકનિક સરકાર વાપરી રહી છે.

જો આ સરકાર કરોડોની એડવર્ટાઇઝમેન્ટ આપે છે, તો તેમને કોણ પરેશાન કરશે?

સ્વાભાવિક છે કે સારું દૂધ આપતી ગાયને થોડું સંભાળીને રાખો, તેવું દબાણ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ તંત્રી પર નાખે છે.

આ જ ટેકનિકનું હવે બધી જ પાર્ટીઓના રાજનેતા અનુસરણ કરી રહ્યા છે.

એ જ માટે એડિટોરિયલથી પણ વધારે ફ્રન્ટ પેજ પર જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે તેને વધુ મહત્ત્વ મળે છે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગના તંત્રી માથું ઝૂકાવીને ચાલે છે. અને જેમનું બેકબોન હજુ પણ અસ્તિત્વમાં છે તેમને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.

અંતે સ્વતંત્ર પત્રકારત્વના હિસાબે જો જોવામાં આવે તો વાતાવરણ ભયંકર ઝેરીલું બની ગયું છે અને તેમાં ગૂંગળામણ થાય છે. જો આમ જ ચાલતું રહ્યું તો ફ્રિડમ ઑફ પ્રેસની ગ્લોબલ રેંકિંગમાં ભારત વધારે નીચે પહોંચી જશે.

જો આ થવા દેવું નથી તો લોકતંત્રમાં વિશ્વાસ કરતા દરેક વ્યક્તિએ તેની વિરુદ્ધ લડવું જોઈએ. ડિજિટલ યુગે નવી તકો આપી છે.

લોકતંત્રનું આ ચોથું સ્તંભ ફરી લોકોના સપોર્ટ પર જ અડગ ઊભું રહી શકે છે.

ભારતીય પત્રકારો ફાઇટર્સ છે. તેઓ આટલી જલદી હાર માનશે નહીં.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો