આધાર ડેટા ચોરીના અહેવાલ મુદ્દે પત્રકાર સહિત અન્યો સામે FIR

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અરવિંદ છાબરા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હી પોલીસે ચંદીગઢ સ્થિત 'ધ ટ્રિબ્યુન' અખબારના પત્રકાર સામે એફઆઈઆર દાખલ કરી છે. આ પત્રકારે બાયોમેટ્રિક ઓળખપત્ર 'આધાર' અંગે એક લેખ લખ્યો હતો.

લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક 'એજન્ટ'ની મદદથી માત્ર રૂ. 500 ખર્ચ કરીને કોઈપણ વ્યક્તિ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઈડીએઆઈ) પાસે રહેલી માહિતી મેળવી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

નામ ન છાપવાની શરતે દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું, "ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદનાં આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે."

રિપોર્ટ લખનારાં પત્રકાર રચના ખૈરાએ બીબીસીને જણાવ્યું, "મને અન્ય એક અખબારમાંથી આ વિશે માહિતી મળી છે. હજુ સુધી મને એફઆઈઆર વિશે કોઈ જાણકારી નથી."

રચના કહે છે કે વધુ માહિતી મળ્યાં પછી જ તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરશે.

એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા તથા અન્ય પત્રકાર સંગઠનોએ FIRની ટીકા કરી છે અને તેને વાણી સ્વાતંત્ર્ય પર તરાપ સમાન ગણાવી છે.

અખબાર 'ધ ટ્રિબ્યુન'એ સહકાર બદલ પત્રકાર સંગઠનોનો આભાર માન્યો છે.

UIDAIએ પણ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે તે વાણી સ્વાતંત્રતાનું સન્માન કરે છે અને તેમની ફરિયાદને 'મીડિયા પર નિશાન' તરીકે ન જોવી જોઇએ.

ફોટો

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP/GETTY IMAGES

રિપોર્ટ મુજબ, યુઆઈડીઆઈના એક અધિકારીએ ભારતીય દંડ સંહતાની ધારા 419 (ખોટી ઓળખ આપીને છેતરપીંડી કરવી), 420 (છેતરપીંડી), 468 (ઠગાઈ) તથા 471 (બનાવટી દસ્તાવેજને ખરો જણાવીને તેનો ઉપયોગ કરવો) હેઠળ એફઆઈઆર નોંધાવવા ફરિયાદ આપી હતી.

આ લેખ માટે પત્રકારે જેમનો સંપર્ક સાધ્યો હતો, તેમના નામો પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચોથી જાન્યુઆરીના 'ધ ટ્રિબ્યુન' અખબારે એક અહેવાલ છાપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વ્હૉટ્સૅપ પર અજાણ્યા શખ્સો મામૂલી રકમની અવેજમાં આધાર ડેટા લીક કરી રહ્યાં છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પેટીએમ મારફત માત્ર રૂ. 500 ચૂકવીને આ ટોળકીનો એજન્ટ તમને આધાર ડેટાબેઝમાં લૉગઇન કરવા માટે લૉગઇન આઈડી અને પાસવર્ડ આપી શકે છે.

આ રીતે તમને સરળતાથી નામ, સરનામું, પોસ્ટલ કોડ, ફોટોગ્રાફ, ફોન નંબર તથા ઈ-મેલ જેવી માહિતી મળી શકે છે.

ફોટો

ઇમેજ સ્રોત, THE TRIBUNE

યુઆઈડીએઆઈએ આ લેખમાં કરવામાં આવેલા દાવાઓને ફગાવ્યા હતા. સત્તામંડળે આધારનો ડેટા લીક થયો હોવાની વાતને પણ નકારી કાઢી હતી.

સત્તામંડળનું કહેવું છે કે આધાર કાર્ડ સાથે સંકળાયેલો બાયોમેટ્રિક ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

હાલમાં, આધાર કાર્ડ અને પ્રાઇવસી સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કેટલાક અરજદારોએ આધારને સુપ્રીમમાં પડકાર્યું છે.

અરજદારોનું કહેવું છે કે, આધારની વ્યવસ્થામાં વ્યક્તિએ તેની ગુપ્ત માહિતી અને બાયોમેટ્રિક ડેટા સરકારને આપવો પડે છે.

જે પ્રાઇવસી અંગેના મૌલિક અધિકારના ભંગ સમાન છે.

અરજદારોનું કહેવું છે કે, ભારતમાં ડિજીટલ ડેટાને સુરક્ષિત રાખવા સંદર્ભે કોઈ વ્યવસ્થા નથી, એટલા માટે પણ આ બાબત ગંભીર છે.

ફોટો

ઇમેજ સ્રોત, AADHAAR @TWITTER

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે તાજેતરમાં જ આધાર નંબરને મોબાઇલ ફોન સાથે જોડવાની સમયમર્યાદાને તા. છઠ્ઠી જાન્યુઆરી 2018થી લંબાવીને 31મી માર્ચ 2018ની કરી હતી.

સરકારે નવા તથા જૂના મોબાઇલ કનેકશનને આધાર નંબર સાથે જોડવાનું ફરજિયાત કરી દીધું છે.

સાથે જ સુપ્રીમ કોર્ટે આધાર સંબંધિત કાયદાની ધારા સાત હેઠળ સરકારની 139 યોજનાઓ અને સબસિડી માટે આધાર નંબર લિંક કરવાની સમયમર્યાદા 31મી માર્ચ, 2018 સુધી લંબાવી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો