બીબીસી વિશેષ : શું ખુદને પાકિસ્તાન માટે બોજારૂપ ગણે છે હાફિઝ સઈદ?

બીબીસીને આપેલી એક ખાસ મુલાકાતમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે રાજકારણમાં પ્રવેશવાની તેમની યોજનાની વાત કરી હતી.
ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને ભારત મુંબઈ પરના હુમલાના મુખ્ય ષડયંત્રકાર માને છે.
બીબીસીનાં સંવાદદાતા શુમાઈલા જાફરી સાથે હાફિઝ સઈદે વાત કરી હતી.
હાફિઝ સઈદે પાકિસ્તાનમાંની તેમની ઇમેજ, તેમના પરના આરોપો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે

રાજકારણમાં પ્રવેશવા વિશે

હાફિઝ સઈદે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
તેમણે મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) નામના રાજકીય પક્ષની રચના કરી હતી, પણ પાકિસ્તાની ચૂંટણી પંચે તેમને ચૂંટણી લડતા અટકાવ્યા હતા.
રાજકારણમાં પ્રવેશવાનું કારણ આપતાં હાફિઝ સઈદે કહ્યું હતું કે "અત્યારે પાકિસ્તાનીઓને એક કરવાની અને જાગૃત કરવાની જરૂર છે એવું હું માનું છું. એ આધારે અમે રાજકારણમાં પ્રવેશી રહ્યાં છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમારા જેવી વિવાદાસ્પદ વ્યક્તિ પાકિસ્તાનને એક કરી શકે, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "લોકો મને સમજે છે અને જાણે છે કે હું કોણ છું."
તમે મુસ્લિમ લીગના પ્લેટફોર્મ પરથી રાજકારણમાં આવશો કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "ઇન્શાઅલ્લાહ, જરૂર આવીશું જી."

નરેન્દ્ર મોદી વિશે

હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભારત પાકિસ્તાન પર લાંબા સમયથી દબાણ કરી રહ્યું છે.
હાફિઝ સઈદ પર તેઓ પાકિસ્તાનમાં ભારતવિરોધી ભાષણો કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવતાં હાફિઝ સઈદે આકરી ભાષામાં આરોપ મૂક્યા હતા.
તેમણે કહ્યું હતું કે "મોદી વિશે મારો પોતાનો એક અભિપ્રાય છે અને હું કલ્પના નહીં, પણ હકીકતને આધારે વાત કરું છું."
"નરેન્દ્ર મોદી ઢાકા ગયા હતા અને ત્યાં કહ્યું હતું કે પાકિસ્તાનના બે ટુકડા કરવામાં મેં ભાગ ભજવ્યો હતો. મેં લોહી વહાવ્યું હતું."
"હું ઇચ્છું છું કે દુનિયા મને તથા મોદીને કોર્ટના કઠેડામાં ઊભા રાખે અને નક્કી કરે કે આતંકવાદી કોણ છે."
ભારત સરકારે હાફિઝ સઈદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલા આ નિવેદનના મુદ્દે કોઈ પણ પ્રતિભાવ આપવાનો ઇન્કાર કર્યો છે.

જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ વિશે

ઇમેજ સ્રોત, Getty Images
લશ્કર-એ-તૈયબા પછી પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
હાફિઝ સઈદ 'એક કરોડનું ઇનામ ધરાવતા આતંકવાદી' હોવાની આંતરરાષ્ટ્રીય માન્યતાને પાકિસ્તાને સ્વીકારી લીધી છે?
આ સવાલના જવાબમાં હાફિઝ સઈદે કહ્યું હતું કે "અમેરિકા ભારતનું ટેકેદાર બની ગયું અને તેમણે અમારા (જમાત-ઉદ-દાવા) પર પ્રતિબંધ લાદવાનું તથા પાકિસ્તાન પર દબાણ નાખવાનું શરૂ કરી દીધું છે."
"તેમની સરખામણીએ પાકિસ્તાન એક નબળો દેશ છે એ હકીકત છે."
"અમારા દેશમાં આર્થિક મુશ્કેલીઓ છે. તેના લીધે સર્જાતી સમસ્યાઓને કારણે પાકિસ્તાને અમારા પર હાલ પ્રતિબંધ લાદ્યો છે."

આરોપો અને અદાલત વિશે

હાફિઝ સઈદે જણાવ્યું હતું કે તેઓ જ્યારે અદાલતમાં ગયા છે ત્યારે અદાલતે તેમના તર્કનો સ્વીકાર કર્યો છે. તેમના પરનો એકેય આરોપ સાબિત થતો નહીં હોવાનું પણ કોર્ટે જણાવ્યું છે.
પંજાબ(પાકિસ્તાન)ના કાયદા પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે લોકોનો ઉપયોગ દેશ 'અસ્કામત' તરીકે કરતો હોય તેમના પરના આરોપો કોર્ટમાં સિદ્ધ થાય એવી આશા રાખવી ન જોઈએ.
આ નિવેદન બાબતે પૂછવામાં આવતાં હાફિઝ સઈદે જણાવ્યું હતું કે નિર્ણય કરવાનો અધિકાર માત્ર કોર્ટ પાસે છે. રાજકીય નેતાઓ એવા નિર્ણય કરી શકતા નથી.
તેમણે કહ્યું હતું કે "સતત અમારી તરફેણમાં ચુકાદા આવી રહ્યા છે. દેશના કાયદા પ્રધાન કે સંરક્ષણ પ્રધાન કોઈ વાત કહેતા હોય તો તેમાં કેટલી સચ્ચાઈ છે?"
"આ લોકો રાજકારણમાં એકમેકની સામે લડવા ટેવાયેલા છે."

'સંરક્ષણ પ્રધાન તમારાથી ડરે છે?'

ઇમેજ સ્રોત, Getty Images
હાફિઝ સઈદને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના જવાબદાર લોકો પણ તમારી તરફેણમાં આવતા અદાલતી ચુકાદાથી સંતુષ્ટ નથી ત્યારે દુનિયા તમારા તર્કને કઈ રીતે માનશે?
આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને બે દિવસ પહેલાં બીબીસી સાથે વાત કરતાં તેમના વિરુદ્ધ આકરું નિવેદન આપ્યું હતું અને હવે તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે.
શું સંરક્ષણ પ્રધાન તમારાથી ડરતા હોવાને કારણે સ્પષ્ટતા કરી રહ્યા છે, એવા સવાલના જવાબમાં હાફિઝ સઈદે હસતાં-હસતાં કહ્યું હતું કે "મને ખબર નથી. ના. તેઓ ડરતા નથી."
હાફિઝ સઈદે ઉમેર્યું હતું કે "અલહમદુલિલ્લાહ, તેઓ ડરે એવું કોઈ કામ મેં કે મારા પક્ષે કર્યું નથી."
"મુશ્કેલી એ છે કે પાકિસ્તાનમાં આર્થિક સમસ્યાઓ છે અને સરકારને હંમેશા (અન્ય દેશો પાસેથી) આર્થિક સહાયની જરૂર પડતી હોય છે."

'શું પાકિસ્તાન માટે બોજો છે હાફિઝ સઈદ?'

ઇમેજ સ્રોત, Getty Images
હાફિઝ સઈદને કારણે પાકિસ્તાન સરકારે પાછલાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણનો સામનો કરવો પડ્યો છે.
તેથી પાકિસ્તાની વહીવટીતંત્ર હાફિઝ સઈદને બોજો માનવા લાગ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે "ખ્વાજા આસિફે અમેરિકામાં એક નિવેદનમાં મને બોજ ગણાવ્યો હતો."
"એ બદલ મેં એમને કાયદાકીય નોટિસ મોકલી હતી. એ નોટિસનો તેમણે જવાબ આપ્યો હતો અને એ નિવેદન યોગ્ય ન હોવાની માફી માગી હતી."
પાકિસ્તાની વહીવટીતંત્ર 'બેવડું વલણ' ધરાવતું હોવાનો હાફિઝ સઈદે ઈનકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે "વાસ્તવમાં પાકિસ્તાન દબાણનો શિકાર બન્યું છે. પાકિસ્તાન પાસે કોઈ નીતિ નથી."
"હું લશ્કરી વહીવટીતંત્રની પેદાશ છું એ વાતમાં કેટલું તથ્ય છે?"
તેમને કારણે પાકિસ્તાને રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવા બાબતે હાફિઝ સઈદે કહ્યું હતું કે "પરિસ્થિતિ હવે બદલાઈ રહી હોવાનું હું માનું છું."
"પાકિસ્તાન હવે પોતાના પગ પર ઊભું થઈ રહ્યું છે. પાકિસ્તાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અમને તમારી મદદની જરૂર નથી."
હાફિઝ સઈદે કહ્યું હતું કે "અમારા વિરુદ્ધ જે કંઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની સામે અમે અદાલતમાં જઈશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













