પાકિસ્તાને શા માટે જાહેર કર્યો જાધવનો વીડિયો?

ઇમેજ સ્રોત, PAKISTAN FOREIGN MINISTRY
પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો ગુરુવારે ફરી એક નવો વીડિયો જાહેર કર્યો છે. કુલભૂષણ જાદવને પાકિસ્તાનમાં ફાંસીની સજા થઈ છે.
આ વીડિયોમાં જાદવ એવું કહી રહ્યા છે કે તેમની મુલાકાતે આવેલાં તેમનાં પત્ની અને માતાની આંખોમાં તેઓ ડર જોઈ શકતા હતા.
જાધવે પોતાનાં માતા અને પત્ની સાથે આવેલા ભારતીય અધિકારી પર તે બંને સાથે ખરાબ રીતે વ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ભારતે આ વીડિયોને પાકિસ્તાનનો પ્રૉપગૅન્ડા કહી નકારી દીધો છે.
પાકિસ્તાને માર્ચ 2016માં કુલભૂષણ જાધવની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી.
પાકિસ્તાનની એક સૈન્ય કૉર્ટે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી.
ગયા વર્ષે જ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસે ભારતની અપીલ પર સજાને અટકાવી હતી.

મુલાકાત બાદ ઉઠ્યા સવાલ

ઇમેજ સ્રોત, @FOREIGNOFFICEPK
કુલભૂષણ જાદવનાં માતા અવંતી અને તેમનાં પત્નીએ 25 ડિસેમ્બર, 2017ના રોજ તેમની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે પાકિસ્તાને કહ્યું હતું કે આ મુલાકાત માનવતાના ધોરણે કરાવવામાં આવી છે.
આ મુલાકાત બાદ પણ જાધવનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પાકિસ્તાનનો આભાર માનતા નજરે પડ્યા હતા.
પરંતુ તે બાદ ભારતે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનમાં જાધવનાં માતા અને તેમનાં પત્ની સાથે માનવાધિકારોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંસદમાં કહ્યું હતું, "એક માતાની પોતાના પુત્ર સાથે અને પત્નીની તેના પતિ સાથેની મુલાકાતને પાકિસ્તાને પ્રૉપગૅન્ડામાં બદલી નાખી."

વીડિયોમાં જાધવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/GOP
પાકિસ્તાને ગુરુવારે જે વીડિયો જાહેર કર્યો તેમાં જાધવ દાવો કરી રહ્યા છે કે તેઓ ભારતીય નૌસેનાના કમિશન્ડ અધિકારી છે. તેમનું કમિશન હજી પૂર્ણ થયું નથી.
જાધવને વીડિયોમાં એ કહેતા સાંભળી શકાય છે કે તેમનાં માતા અને પત્ની સાથે આવેલા રાજદૂત તેમના પર બૂમો પાડતા હતા.
આ એક સકારાત્મક ભાવ હતો જેથી હું ખુશી અનુભવું, હું ખુશ થઈ શકું પરંતુ બહાર એક વ્યક્તિ ઊભી હતી જે તેમના પર બૂમો પાડી રહી હતી."
ભારતીય વિદેશ મંત્રાલયે આ વીડિયોને નકારતા કહ્યું, "પાકિસ્તાને બળજબરીથી અપાવેલાં નિવેદનોના વીડિયો બહાર પાડવાનો અભ્યાસ ચાલુ રાખ્યો છે."

બીબીસી સંવાદદાતા હારુન રશીદ શું કહે છે?

ઇમેજ સ્રોત, PTI
આ વીડિયો જાહેર કરવાનાં બે કારણો હોઈ શકે છે.
એક તો એ કે કદાચ પાકિસ્તાનની સરકારે તેમને આવું નિવેદન આપવા મજબૂર કર્યા હોય. જેથી પાકિસ્તાનમાં તેમના પરિવાર સાથે જે થયું અને ભારતે આરોપ લગાવ્યા કે તેમની સાથે આદરપૂર્વકનો વર્તાવ થયો ન હતો તેના જવાબની આ કોશિશ પણ હોઈ શકે છે.
બીજું કારણ એ પણ હોઈ શકે કે ખુદ કુલભૂષણ ઇચ્છતા હોય કે તેમનાં માતાએ જે તેમને કહ્યું અને પરિસ્થિતિની જાણકારી મળી, તે બાદ તે ખુદ આવી વાત કરવાનું ઇચ્છી રહ્યા હોય.
આ વાત પાકિસ્તાન સરકારના ફાયદામાં હોય તેમણે એક વધુ વીડિયો જાહેર કરી દીધો.
છેલ્લા બે વીડિયો અને આ વીડિયોમાં મને એક બાબત જુદી લાગી કે આમાં તે ખુદ બોલી રહ્યા છે.
મતલબ કોઈ બોલાવવા માગતું હોય એવી સ્ક્રિપ્ટ ન હતી. તેઓ ખુદ બોલી રહ્યા હતા અને કોઈ તેમનું રેકૉર્ડિંગ કરી રહ્યું હતું.
હવે જોવાનું એ રહ્યું કે આ બંનેમાંથી કયું કારણ હતું કે આટલો જલદી વીડિયો જાહેર કરવામાં આવ્યો.
એવું લાગતું નથી કે આવો વીડિયો જાહેર કરવાથી પાકિસ્તાનને કોઈ ફાયદો થશે. તેમના જેટલા વીડિયો સામે આવશે એટલું મહત્ત્વ ઓછું થતું જશે.
પરંતુ કુલભૂષણ જાદવની તેમના પરિવાર સાથેની મુલાકાત બાદ જે વિવાદ થયો કદાચ પાકિસ્તાને એનો જવાબ આપવાની કોશિશ કરી છે.
મને લાગતું નથી કે હવે જલદી તેમનો અન્ય કોઈ વીડિયો સામે આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














