રાજ ઠાકરે ગુજરાતીઓને ટાર્ગેટ કરશે તો તેનો લાભ નરેન્દ્ર મોદીને મળશે

રાજ ઠાકરેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રમેશ ઓઝા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ ગુડી પડવાના દિવસે મુંબઈમાં કાર્યકર્તાઓની રેલીને સંબોધી એના આગલા દિવસે શરદ પવારને મળ્યા હતા. મળવાનાં કારણ બે હોઈ શકે.

એક તો તેમની પાટા પરથી ઉતરી ગયેલી ગાડીને પાછી પાટે કેમ ચડાવવી એ માટે તેઓ શરદ પવારની સલાહ લેવા ગયા હોય. બીજી શક્યતા એવી છે કે રાજકીય વિરોધીઓને ચકરાવામાં નાખવા માગતા હોય.

હજુ પખવાડિયા પહેલા દસેક હજાર લોકોની જનમેદની સમક્ષ રાજ ઠાકરેએ શરદ પવારની જાહેર મુલાકાત લીધી હતી અને એમાં શરદ પવારે રાજકારણ કરવા વિષે અને રાજકારણમાં ટકી રહેવા અંગે તેમને મહત્ત્વપૂર્વ ટીપ્સ આપી હતી.

ગુડી પડવાની રેલીમાં રાજ ઠાકરેએ મોદીમુક્ત ભારતની વાત કરી હતી. દરેક રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું.

નરેન્દ્ર મોદી દરેક વિદેશી મહેમાનને ગુજરાત લઈ જાય છે અને બુલેટ ટ્રેન પણ ગુજરાતને મળવાની છે વગેરે વાતો કરી હતી. નરેન્દ્ર મોદી ગુજરાત માટેના વડા પ્રધાન છે, દેશના નથી એમ પણ તેમણે કહ્યું હતું.

સૌથી મોટો આરોપ તેમણે એવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માગે છે. ૧૯૬૦ પહેલા જ ગુજરાતીઓની મુંબઈ પર નજર હતી.

મુંબઈ ગુજરાતને મળે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બને પણ મહારાષ્ટ્રને તો ન જ મળે એ માટે કેટલાક ગુજરાતીઓએ કાવતરા કર્યા હતા વગેરે. રાજ ઠાકરે સારા વક્તા છે અને વાણીવિલાસ માટે જાણીતા છે.

line

શરદ પવારની શું ટીપ હોઈ શકે?

શરદ પવારની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શરદ પવારે મોદીમુક્ત ભારતની વાત ઉછાળવાની ટીપ આપી હોય એ શક્ય છે, પરંતુ તેમણે ગુજરાત અને ગુજરાતી વિરોધી પ્રલાપ કરવાની સલાહ આપી હોય એ શક્ય નથી.

શક્ય એટલા માટે નથી કે દસ વરસ પહેલા રાજ ઠાકરે શિવસેનામાંથી બહાર નીકળ્યા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપનાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે શરદ પવારે તેમને નવા યુગને સુસંગત પ્રાદેશિક પણ વ્યાપક રાજકારણ કરવાની સલાહ આપી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

આ વાક્યના સૂચિતાર્થો પકડવા જોઈતા હતા, પરંતુ એમ લાગે છે કે તેઓ એ સમજી શક્યા નહોતા.

બાળ ઠાકરે બાળ ઠાકરે હતા એટલે તેમનું અનુકરણ કરવાનો પ્રયાસ કરવો એ મૂર્ખાઈ છે.

દરેક યુગમાં યુગની જરૂરીયાત અનુસાર વિશિષ્ટ શૈલીનું રાજકારણ કરનારા નેતાઓ પેદા થતા હોય છે અને બાળ ઠાકરે ગઈ સદીના સાતમાં અને આઠમાં દાયકાના વિશિષ્ઠ શૈલી ધરાવનારા નેતા હતા.

line

શું છે હાલની સ્થિતિ?

રાજ ઠાકરેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આજે મુંબઈની ક્યાં વાત કરો; પુના, ઔરંગાબાદ અને નાગપુર જેવા શહેરો કોસ્મોપોલીટન મેગા સીટી બની રહ્યા છે.

પરપ્રાંતિયોની વસ્તી મરાઠીઓ કરતા વધી રહી છે ત્યાં મરાઠીઓના મુંબઈની વાત ચાલી શકે નહીં, ત્યાં રાજકારણ તો બહુ દૂરની વાત છે.

એ સમયે રાજ ઠાકરેએ આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. શિવસેનાના કાર્યકર્તાઓ, રાજકીય સમીક્ષકો, વિદ્વાનો અને વિચારકોને સાંભળ્યા હતા.

એક વરસના અધ્યયન પ્રવાસ પછી તેમણે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી ત્યારે મહારાષ્ટ્રમાં તેમણે ઘણી મોટી આશા પેદા કરી હતી.

તેમના પક્ષના નામમાં કોઈ જગ્યાએ પ્રાંતવાદ અને કોમવાદ જોવા મળતો નથી. તેમના સ્થાપના પ્રવચનમાં આ બે તત્ત્વો નજરે નહોતા પડતા.

એ સમયે શરદ પવારે તેમને અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને લાંબી રેસના ઘોડા તરીકે ઓળખાવ્યા હતા.

line

‘રાજ ઠાકરેએ પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે’

રાજ ઠાકરે અને બાલ ઠાકરે સામે થયેલા વિરોધની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આજે દસ વરસ પછી રાજ ઠાકરેએ પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. ગઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે નાસિકમાં પણ જમીન ગુમાવી દીધી હતી.

વર્ષ ૨૦૧૨માં નાસિક મહાનગરપાલિકામાં એમએનએસને ૧૨૨માંથી ૪૦ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૧૭માં એમએનએસની બેઠકો ઘટીને પાંચ થઈ ગઈ હતી.

વર્ષ ૨૦૦૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસને ૧૩ બેઠકો મળી હતી અને ૨૪ વિધાનસભા ક્ષેત્રોમાં રાજનો પક્ષ બીજા ક્રમે હતો.

જ્યારે વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં બેઠક ઘટીને માત્ર એક પર આવી ગઈ હતી.

મુંબઈ મહાનગરપાલિકામાં એમએનએસની ૨૭ બેઠકો હતી જે વર્ષ ૨૦૧૭માં ઘટીને સાત થઈ ગઈ હતી.

હવે સાતમાંથી છ નગરસેવકો શિવસેનામાં જોડાઈ ગયા છે એટલે માત્ર એક નગર સેવક બચ્યો છે.

હવે એ રાજ ઠાકરે ગાયબ થઈ ગયા છે જેની રાજકીય તૈયારી અને તેવર જોઇને તેમના કાકા અને રાજકીય ગુરુ બાળ ઠાકરેને ડર લાગતો હતો.

તેમને એમ લાગતું હતું કે તેમના મરણ પછી રાજ તેમના પુત્ર ઉદ્ધવને ખાઈ જશે. બાળ ઠાકરે એવા ઉચાટ સાથે મૃત્યુ પામ્યા હતા.

line

‘રાજ હજી પણ તેમના કાકાના યુગમાં જીવે છે’

બાલ ઠાકરેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આજે આપણે જોઈએ છીએ કે રાજ ઠાકરે રાજકારણમાંથી લગભગ ફેંકાઈ ગયા છે. તેઓ જેમ જેમ ધકેલાઈ રહ્યા છે એમ એમ વધુને વધુ સરળ અને તેમને માટે સગવડવાળું પ્રાંતવાદી રાજકારણ કરી રહ્યા છે.

આ ઉપરાંત રાજ ઠાકરે તેમના કાકાની જેમ જ ઘરમાં બેસીને રાજકારણ કરનારા નેતા છે.

ઘરમાં બેસીને હુંકાર કરવાનો, પણ બહુ પ્રવાસ ખેડવાનો નહીં. ભારતીય પક્ષીય રાજકારણ નેતાઓને ચોવીસે કલાક ખડે પગે રાખે છે.

તો મૂળ વાત પર પાછા આવીએ તો ૨૦૦૬માં પક્ષની સ્થાપના કરતી વખતે શરદ પવારે રાજ ઠાકરેને જે સલાહ આપી હતી તેનાથી વિપરીત સલાહ આપી હોય એ શક્ય નથી.

રાજસાહેબે સ્વભાવવશ પ્રાંતવાદનું ઉમેરણ કર્યું છે જે તેમને નુકસાન પહોંચાડી શકે એમ છે.

રાજ ઠાકરેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવાથી નરેન્દ્ર મોદીને સહાનુભુતિનો લાભ મળશે અને એમાં મોદીમુક્ત ભારત નહીં બની શકે.

બીજું, રાજ ઠાકરે જો કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના મોરચામાં જોડાવા માગતા હોય તો બન્નેમાંથી કોઈ પક્ષ તેમનો હાથ ન ઝાલે કારણ કે એ બન્ને પક્ષો રાષ્ટ્રીય પક્ષો છે અને તેમણે મહારાષ્ટ્રની બહાર ચૂંટણી લડવાની છે.

તો પછી રાજ ઠાકરેએ આવી બે દિશાની પરસ્પર નુકસાન પહોંચાડનારી વાત શા માટે કરી?

કારણ કે તેઓ રાજ ઠાકરે છે અને હજુ તેમના કાકાના યુગમાં એટલે કે ૭૦ અને ૮૦ના દાયકામાં જીવે છે.

લેખક રાજકીય વિશ્લેષક છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો