ભારત અને વિયેતનામના સંબંધોમાં ચીનનું ત્રેખડ

ઇમેજ સ્રોત, PIB/TWITTER
દક્ષિણ ચીન સમુદ્રના મોટા વિસ્તાર પર ચીન પોતાના આધિપત્યનો દાવો કરી રહ્યું છે.
આ સમુદ્રના કિનારે આવેલા વિયેતનામ સહિતના બીજા દેશો પણ તેના પર દાવો કરી રહ્યા છે.
ચીનની ગતિવિધિઓ અહીં વધી રહી છે, જેના કારણે વિયેતનામ અસલામતી અનુભવે તે સહજ છે.
ચીનના વધતો વ્પાય ભારત માટે પણ ચિંતાનું કારણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં રહેતા ભૌગોલિક-રાજકીય બાબતોના અને ઇન્ડો-પેસિફિક ટ્રેડના નિષ્ણાત ડૉ. ફયસલ અહમદ કહે છે, "બિલકુલ, ચીન એક ફેક્ટર છે.
"તેનું સૌથી મોટું કારણ દક્ષિણ ચીન સમુદ્ર છે. અહીં ઘણા બધા ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ ઊભા થતા આપણે જોયા છે.
"સંબંધીત દેશો અને વિયેતનામને પણ ચિંતા છે, કેમ કે ચીન વધુ ને વધુ વિસ્તારને પોતાનો 'એક્સક્લુઝિવ ઇકનોમિક ઝોન' ગણાવી રહ્યું છે.
"ચીન સામે સંતુલન માટે આ દેશો હવે ભારતને પોતાના મહત્ત્વના સાથી તરીકે જોવા લાગ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત અહીં સક્રિય છે અને સરકારી ઑઇલ કંપની 'ઓએનજીસી વિદેશ' વિયેતનામ વતી આ વિસ્તારમાં ઑઇલ અને ગેસ એક્સપ્લોરેશનનું કામ કરે છે.
ચીનની નારાજી છતાં ભારતે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે.

ઇમેજ સ્રોત, Reuters
ઓએનજીસીના વિયેતનામ ખાતેના પ્રતિનિધિ કૃષ્ણન મુરુગન કહે છે તે પ્રમાણે 'ઓએનજીસી વિદેશ' વર્ષોથી દક્ષિણ ચીન સમુદ્રમાંથી ગેસ કાઢી રહ્યું છે.
તેઓ કહે છે, "આ એક બહુ મોટો પ્રોજેક્ટ છે. છેલ્લા 16 વર્ષોમાં અમે 50 અબજ ક્યુબિક મિટર ગેસ અહીંથી કાઢ્યો છે. કામ હજીય ચાલી રહ્યું છે."
છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને વિયેતનામના અધિકારીઓ એકબીજાના દેશની મુલાકાતો લેતા રહ્યા છે.
વિયેતનામે સત્તાવાર રીતે ભારતને પોતાનો 'સૌથી વ્યૂહાત્મક સાથી દેશ' માન્યો છે.
માર્ચમાં જ ભારત અને વિયેતનામે અણુઉર્જાની બાબતમાં સહકારનો કરાર કર્યો છે.
ઑઇલ, ગેસ અને સંરક્ષણના ક્ષેત્રમાં પણ બંને દેશોએ ઘણા કરારો કર્યા છે.
જોકે વિયેતનામ સાથે ચીનનો વર્ષે 90 અબજનો વેપાર છે. તેની સામે ભારતનો વેપાર 10 અબજનો છે, જે બહુ થોડો લાગે છે.
ચીન સાથે પોતાની સરહદ જોડાયેલી છે તે વાસ્તવિકતા વિયેતનામ ભૂલી શકે તેમ નથી. બીજું વિયેતનામમાં સત્તા પર સામ્યવાદી પક્ષ છે. ચીનના સામ્યવાદી પક્ષ સાથે તેની મજબૂત વૈચારિક કડી જોડાયેલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચીન સાથે કદાચ દોસ્તી ના કરીએ, પરંતુ તેની સાથે દુશ્મની કરવી સલાહભર્યું નથી એવું કદાચ વિયેતનામ માનતું હોય તેવી છાપ ઊપસે છે.
હેનોઈ ખાતેના રાજકીય વિશ્લેષક ડૉ. હા હુઆન્ગ હોપ માને છે કે વિયેતનામે સંતુલન જાળવવું રહ્યું, કેમ કે તે ચીનને નારાજ કરી શકે નહિ.
"વિયેતનામની વિદેશ નીતિની દિશા બહુ સ્પષ્ટ છે. પડોશી દેશો સાથે સંબંધો દ્વારા તે બહુઆયામી સંબંધો રાખવા માગે છે.
"ચીન સાથે નિકટતા ધરાવતા દેશો સાથે તે સંબંધો કેળવી રહ્યો છે. સાથોસાથ ચીન સાથે સારા સંબંધો ના હોય તેવા દેશો સાથે પણ ઘરોબો રાખે છે."
ભારત અને વિયેતનામ વચ્ચે સારા સંબંધોથી ચીનને અસર નહિ થાય એમ પણ ડૉ. હોપ માને છે.
વિયેતનામના લોકોને ચીનના લોકો સાથે સારા સંબંધો છે પણ તેમને ચીનના નેતાઓ પર વિયેતનામના લોકોને બહુ વિશ્વાસ નથી.
વિયેતનામી નાગરિકો ભારત પર વધારે વિશ્વાસ કરતા જણાય છે એમ તેઓ કહે છે.
જોકે ભારત અને વિયેતનામના સંબંધોને વધારે ગાઢ કરવા હોય તો બંને દેશોના લોકો નજીક આવે તે જરૂરી છે.
બંને દેશના લોકો એકબીજાની વધારે મુલાકાતો લેતા થાય ત્યારે આ વાત શક્ય બને.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















