મહાભારત-ગીતા વિનાના હિંદુ ધર્મને બચાવવા વિયેતનામમાં પિતા-પુત્રે શરૂ કરી ઝુંબેશ

વિયેતનામના હિંદુની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇનરા સારાએ ચમ સમુદાયના કવિઓની કવિતાઓ શોધી કાઢીને તેનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે
    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, વિયેતનામ

હિંદુ ધર્મ અસલમાં કેવો હતો તેની એક ઝલક જોવા માટે હું હાલમાં જ વિયેતનામની મુલાકાતે ગયો હતો. મેં જોયું કે હજી પણ કેટલીક પરંપરા ટકી ગઈ છે.

પણ સમય સાથે ઘણા બધા પરિવર્તનો પણ આપ્યા છે. કેટલુંક બચી ગયું છે, ઘણું બધું વિસરાઈ પણ ગયું છે.

ચંપા સમુદાય 2000 સાલના ઇતિહાસ સાથે આજે પણ બચી ગયો છે, પણ હવે અહીં હિંદુ ધર્મ નામશેષ થઈ જાય તેવો ખતરો છે.

ચંપા ક્ષેત્ર પ્રાચીન કાળમાં હિંદુ રાજ્ય હતું અને હિંદુ ધર્મનો ગઢ હતો.

ચંપામાં આજેય કેટલાક પ્રાચીન મંદિરો બચ્યાં છે, જે સાક્ષી પુરે છે કે એક સમયે અહીં હિંદુ ધર્મની બોલબાલા હતી.

સ્થાનિક ચમ સમુદાયનું શાસન બીજી સદીથી 18મી સદી સુધી ચાલ્યું હતું.

ચમ સમુદાયમાં સૌથી વધુ વસતી હિંદુઓની હતી. બાદમાં તેમાંથી ઘણા બધાએ બૌદ્ધ અથવા ઇસ્લામ ધર્મ અપનાવી લીધો.

અહીંનો હિંદુ સમાજ હવે સંકોચાઈને નાનો થઈ ગયો છે. તેમને શોધવા માટે હું મી નિયેપ (MY NGHIEP) નામના ગામમાં પહોંચ્યો.

line

સદીઓથી હિંદુઓ વસ્યા છે

વિયેતનામમાં આવેલું હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, વિયેતનામમાં આવેલું હિંદુ મંદિર

ગામ એકદમ નાનું છે અને હાઈવેથી થોડું અંદર છે. બપોરનો સમય હતો અને સૂરજ માથા પર હતો.

એક યુવાન તેમના ઘરની બહાર કૂર્તો પહેરીને અને માથે કપડું બાંધીને ઊભો હતો અને ફોન પર વાત કરી રહ્યો હતો.

ઘરના રસોડામાં ભોજન તૈયાર થઈ રહ્યું હતું. તેમની ભાષા વિયેતનામી કરતાં થોડી જુદી હતી.

ફોન પર વાત પૂરી કરીને તેમણે અમારું સ્વાગત કર્યું અને કહ્યું કે ચમ ભાષામાં તે પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો.

ઘરની બહાર જમવા માટેના પાટલા મૂકાયેલા હતા. દરવાજા પર કેટલીક મૂર્તિઓ પણ લગાવેલી હતી.

આ વિસ્તારમાં વારસાગત રીતે પશુપાલન કરતા આવેલા ઇનરા જાકા અને અને તેમના પિતા ઇનરા સારા આજે પણ હિંદુ પરંપરાને અનુસરે છે.

પિતા-પુત્ર હિંદુ ધર્મને બહારની દુનિયાની અસરોથી બચાવવા માગે છે.

એટલું જ નહીં ચમ સંસ્કૃત્તિને જીવંત રાખવા માટે તેમણે કરેલા પ્રયાસોના કારણે આ સમુદાયના ખોવાઈ ગયેલા સાહિત્ય અને કલાને તેમણે ફરીથી શોધી કાઢ્યા છે.

ઇનરા સારા નવલકથાઓ લખે છે અને ચમ ભાષાના સારા કવિ છે. તેમણે ખૂબ મહેનત કરીને ચમ સાહિત્યના જૂના કવિઓની રચનાઓ એકઠી કરીને તેનો સંગ્રહ પ્રગટ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બચપણમાં પોતાના સમુદાયના સુવર્ણ યુગ વિશેની વાતો તેમણે સાંભળી હતી. તેમાં કેટલીક વાસ્તવિકતા હતી, કેટલીક કલ્પના હતી.

તેઓ કહે છે, "મારા બચપણમાં મારા શિક્ષકો અને મારા પરિવારના વડીલોએ મને દંતકથાઓ અને અમારું જીવન કેવું હતું તે વિશે જણાવ્યું હતું.

"હું મોટો થવા લાગ્યો, તેમ તેમ મારા મનમાં કલ્પના અને ઇતિહાસ બંને એકસાથે ચાલતા રહ્યા હતા."

line

હિંદુ ધર્મના સંરક્ષણનો પ્રયત્ન

વિયેતનામમાં આવેલું હિંદુ મંદિર

ચમ સમુદાયના સાહિત્યને જીવંત રાખવા માટે મથી રહેલા આ પિતાનો પુત્ર હિંદુ ધર્મને બચાવવા માટે કોશિશ કરી રહ્યો છે.

પોતાના પ્રયાસોના ભાગરૂપે તેઓ ચાર વખતે ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે વિશ્વ હિંદુ સંમેલનમાં પણ ભાગ લીધો હતો.

ઇનરા જાકા કહે છે, "ભારતમાંથી પ્રેરણા લઈને અહીંના લોકોને હિંદુ ધર્મ વિશે જાણકારી આપવાની કોશિશ કરું છું. અહીંનો હિંદુ ધર્મ ભારતથી એકદમ અલગ છે."

હિંદુ ધર્મની કઈ પરંપરા અને રીતિ-રિવાજ હજી પણ તેમના સમાજમાં ટકી રહ્યાં છે, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "અમે અમારા માતાપિતા અને દાદાદાદી પાસેથી સાંભળ્યું હતું કે

અમે વિશાળ શિલાઓનું, લિંગ આકારના મોટા પથ્થરોનું પૂજન કરતાં હતા. આજે પણ અમે શિવભક્ત છીએ. અમારા મંદિરો શિવમંદિર જ છે."

ડાબેથી ઇનરા જાકા તેમના પિતા ઇનરા સારા સાથે
ઇમેજ કૅપ્શન, ડાબેથી ઇનરા જાકા તેમના પિતા ઇનરા સારા સાથે

ચમ સમુદાયની વસતિ લગભગ 1 લાખ 70 હજાર જેટલી છે, જે ત્રણ પ્રાંતોમાં ફેલાયેલી છે. તેમાંથી હિંદુઓની સંખ્યા એક લાખથી વધારે છે.

ચંપા ક્ષેત્રમાં ચાર જ મંદિરો બચ્યા છે. તેમાંથી બેમાં આજે પણ પૂજા થાય છે.

રામાયણ, ભગવતગીતા કે મહાભારત તમે વાંચ્યા છે ખરા, તેવા સવાલના જવાબમાં ઇનરા જાકા કહે છે, "અમારા સમુદાયમાં હવે આ ધાર્મિક પુસ્તકો રહ્યા નથી.

"તમે એવું કહી શકો કે અમે તે પહેલાંથી જ ગુમાવી દીધા છે. અમારા પૂજારીઓ પાસે પણ આ ગ્રંથો નથી.

"અમારા સમુદાયની નવી પેઢી હિંદુ ધર્મની બાબતમાં ખાસ કશું જાણતી નથી."

line

વિયેતનામી હિંદુઓના પૂર્વજ

વિયેતનામમાં આવેલું હિંદુ મંદિર

એક જમાનામાં દક્ષિણ વિયેતનામના હો ચી મિન્હ જેવા શહેરોમાં હિંદુઓની ઘણી બધી વસતી હતી. હજી પણ આ શહેરોમાં થોડી વસતી વધી છે.

તેમાંથી કેટલાક ખૂબ જૂના રહેવાસીઓ છે, જ્યારે કેટલાક જૂથોમાં હવે અનેક જાતિ-સમૂહોનું મિશ્રણ થયું છે.

18મી સદીમાં બનેલા એક મંદિરની દેખભાળ કરનારા મુતૈય્યા અડધા ભારતીય છે, અડધા વિયેતનામી છે. તેમના પૂર્વજો તામિલનાડુથી આવીને અહીં વસ્યા હતા.

અહીં જ તેમણે લગ્ન કર્યા હતા. તેઓ હિંદુ ધર્મ સાથે જોડાયેલા રહ્યા હતા.

મુતૈય્યા કહે છે, "મારા પિતાએ મને શીખવ્યું હતું કે કઈ રીતે ભગવાનની પૂજા કરવી. તેમણે મને શ્લોક પણ શીખવ્યા હતા. આ મંદિર વિશે મને બધી જ ખબર છે."

વિયેતનામમાં આવેલું હિંદુ મંદિર

આ શહેરમાં બીજા પણ બે મંદિરો છે, જ્યાં ભારતથી આવેલા લોકો પૂજા કરે છે. તેમાંથી ઘણા લોકોએ ચમ હિંદુઓ વિશે સાંભળ્યું છે. ત્યાંના પ્રાચીન મંદિરો વિશે પણ જાણે છે.

પણ તેમણે તેની મુલાકાત વધારે તો પ્રવાસીઓ તરીકે જ લીધેલી છે.

ચમ સમુદાય પોતાના ધર્મ અને સંસ્કૃત્તિની જાળવણી કરવા માટે મથી રહ્યો છે. જોકે અહીંના પ્રાચીન મંદિરો હવે ખંડેર થઈ ગયાં છે.

આ મંદિરો હવે પર્યટકો માટે માત્ર એક આકર્ષણ બનીને રહી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો