બ્લૉગઃ એ યુદ્ધને 'વિયેતનામનું યુદ્ધ' તો ન કહો

- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, વિયેતનામથી પરત ફરીને
વિયેતનામ વૉર કે અમેરિકન વૉર? કે પછી માત્ર દૃષ્ટિકોણનો તફાવત?
નાનપણથી સાંભળતા આવી રહ્યા છીએ કે વિયેતનામમાં 1955થી 1975 સુધી ચાલનારૂં ભયાનક યુદ્ધ 'વિયેતનામ વૉર' હતું.
સ્કૂલના પુસ્તકોમાં, મીડિયા અને ઇતિહાસમાં પણ આ યુદ્ધ વિયેતનામી યુદ્ધ તરીકે ઓળખાય છે.
પરંતુ વિયેતનામમાં તેને અમેરિકન વૉર તરીકે ઓળખવામાં આવે છે.

વિયેતનામે નહીં, અમેરિકાએ ચડાઈ કરી હતી

ધ્યાનથી વિચારીએ અને પૂર્ણ માહિતી મેળવીએ તો વિયેતનામીઓના વિચારમાં કંઈક દમ જોવા મળશે.
સાચી વાત તો એ છે કે વિયેતનામે અમેરિકા પર હુમલો કર્યો ન હતો. પણ અમેરિકાએ વિયેતનામ પર ચડાઈ કરી હતી. તો આ યુદ્ધ અમેરિકાનું થયું ને?
તમે આ વાંચ્યું કે નહીં?
હો ચી મિન્હ સિટીમાં 'વિયેતનામ વૉર' સાથે સંબંધિત એક વિશાળ યુદ્ધ અવશેષ સંગ્રહાલય છે, જ્યાં 99 ટકા પર્યટકો અમેરિકન જોવા મળશે. અડધા વૃદ્ધ, અડધા યુવાન.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૃદ્ધો એ જોવા માટે આવે છે કે તે સમયે અમેરિકન સેનામાં કામ કરતા તેમના સંબંધીઓ વિશે કેટલીક જાણકારીઓ મળી જાય.

અમારા પૂર્વજ આટલા કઠોર હોઈ શકે છે?

યુવાનો કદાચ એ જોવા માટે આવે છે કે તેમના પૂર્વજો અને નેતાઓએ નિર્દોષ લોકો પર કેવી રીતે અત્યાચાર કર્યા હતા.
રિચર્ડ પેન્સ નામના એક યુવાને યુદ્ધની કેટલીક તસવીર જોઈને કહ્યું, "અમારા પૂર્વજો આટલા કઠોર હોઈ શકે છે, એ અહીં આવીને જાણવા મળ્યું."
બીજી તરફ અમારી સાથે એક વિયેતનામી યુવાન હતા કે જેઓ અમારા માટે અનુવાદકનું કામ કરી રહ્યા હતા. થોડો સમય અમારી સાથે સંગ્રહાલયમાં રહ્યા અને પછી અચાનક કહેવા લાગ્યા કે તેમની તબીયત ખરાબ થઈ રહી છે.
ત્યારબાદ તેમણે જણાવ્યું કે તેઓ અંદર જતા નથી. અંદર લગાવવામાં આવેલી તસવીરો અને હથિયારોને જોઈને અમેરિકનોની હેવાનિયતનો અનુભવ થવા લાગે છે.

સંગ્રહાલયમાં કામ કરવું મુશ્કેલ અનુભવ

થાઈ નામના 32 વર્ષીય આ વિયેતનામી યુવાનનો 1975માં સમાપ્ત થયેલા યુદ્ધના 10 વર્ષ બાદ જન્મ થયો હતો. તે છતાં એ યુદ્ધની તેમના પર ઊંડી અસર છે.
મેં ત્યાં હાજર ટૂરિસ્ટ ગાઇડ અને કર્મચારીઓને પૂછ્યું કે શું તેઓ સંગ્રહાલયમાં કામ કર્યા બાદ માનસિક રૂપે સ્વસ્થ રહી શકે છે? તો તેમાંથી કેટલાક લોકોએ કહ્યું કે તેઓ વ્યવસાયી વિચાર સાથે કામ કરે છે.
જોકે, તેમણે કેટલાક જૂના કર્મચારીઓ વિશે જણાવ્યું કે જેમના પર તેની ખરાબ અસર થઈ, તેમણે નોકરી છોડવી પડી.

યુદ્ધને પાછળ છોડી ચૂક્યા છે વિયેતનામના લોકો

જોકે, વિયેતનામીઓના મનમાં હવે અમેરીકન લોકો માટે નફરત નથી.
મ્યુઝીયમના પહેલા માળના દરવાજા બહાર રાખવામાં આવેલી પ્રતિમાના હાથમાં એક કબૂતર છે જે શાંતિનો સંદેશ આપે છે.

તસવીરોમાં કેદ અમેરિકાએ કરેલો અત્યાચાર

વિયેતનામના આ સંગ્રહાલયમાં કઠણ હૃદય ધરાવતા લોકો જ જઈ શકે છે.
અંદર તસવીરોના માધ્યમથી અમેરિકન સેનાએ કરેલો અત્યાચાર બતાવવામાં આવ્યો છે.
રાસાયણિક ગેસનો ઉપયોગ કરીને પાકનો નાશ કરવો, ગેસનો ગ્રામજનો વિરુદ્ધ ઉપયોગ કરવો.
પૂછપરછ દરમિયાન થર્ડ ડિગ્રી મેથડનો ખુલ્લેઆમ ઉપયોગ કરવો અને નિર્દયતાથી તેમજ નજીકથી વિયેતનામીઓને ગોળી મારવી.
આ કેટલીક એવી ઘટનાઓ છે કે જેનાથી અમેરિકા પણ હવે શરમ અનુભવે છે.
યુદ્ધ બાદ અનેક પ્રકારના પદાર્થો અને ગેસના ઉપયોગના કારણે નવી પેઢી અપંગ જન્મી હતી.
તેની ઘણી બધી તસવીરો ત્યાં લગાવવામાં આવેલી છે. મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના ઉદાહરણ તસવીરોમાં છે.

અમેરિકાએ સમગ્ર દેશનો વિનાશ કરી નાખ્યો હતો

એટલે કે એ દરેક અત્યાચાર જે મનુષ્યો પર કરી શકાય છે તે અમેરિકનોએ વિયેતનામમાં કર્યા છે. થાઈએ કહ્યું અમેરિકાએ સમગ્ર દેશનો જ વિનાશ કરી નાખ્યો હતો.
ત્યાં અંગ્રેજી બોલતા એક પર્યટકે વિનાશની એ તસવીરો જોઈને કહ્યું, "આજે વિયેતનામ રાખના ઢગલામાંથી ઊભું થઈ રહ્યું છે. આજે વિયેતનામ ઘણી હદે ખુશહાલ છે, લોકો વિદેશ યાત્રાઓ કરવા લાગ્યા છે."
પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ વિયેતનામ વૉરને પાછળ છોડી ચૂક્યા છે અને અમેરિકનોને માફ કરી ચૂક્યા છે. તેમની માત્ર એક જ વિનંતી છે કે એ યુદ્ધને 'વિયેતનામ વૉર' ન કહેવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













