હાદિયા: શું લોકોને ઇસ્લામ અંગીકાર કરવાનો હક નથી?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

શફીન જહાં અને હાદિયાના લગ્ન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. બન્નેના લગ્ન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

આથી એ સવાલ પૂછવો જરૂરી હતો કે તેમણે હાદિયા સાથે લગ્ન કેમ કર્યાં?

જવાબમાં શફીને બીબીસીને જણાવ્યું, "અમે બન્ને ભારતીય તરીકે જન્મ્યા છે. આથી અમને ખુશીથી સાથે જીવનનો અધિકાર છે.

"અમે જેમની સાથે ઇચ્છીએ તેમની સાથે રહેવાનો અમારી પાસે અધિકાર છે.

"હું હદિયાને પસંદ કરું છું, આથી મેં તેની સાથે લગ્ન કર્યા."

અત્રે નોંધવું રહ્યું કે અખિલા અશોકને તેમનો ધર્મ પરિવર્તન કરીને શફીન સાથે લગ્ન કર્યાં. ત્યાર બાદ પોતાનું નામ હાદિયા રાખી લીધું હતું.

આ મામલે વિવાદ થયા બાદ શફીને પ્રથમ વખત વાતચીત કરી.

'ન્યાય મળવાથી ખુશી થઈ'

અત્યાર સુધી હાદિયા એક યુવા મહિલા તરીકે મજબૂતીથી પોતાની વાત કહેતા આવ્યા છે.

વળી સુપ્રીમ કોર્ટની પીઠે પણ તેમનું નિવેદન લેવા માટે તેમને સમન્સ પાઠવ્યું હતું.

શુક્રવારે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતુ કે કેરળ હાઇકોર્ટે બન્નેના લગ્નને રદ નહોતા કરવા જોઈતા.

આ પૂર્વે અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે બે પુખ્ત વ્યક્તિના પરસ્પર સંમતિથી થયેલા લગ્ન રદ કરવાનો અધિકાર કોર્ટ પાસે કઈ રીતે હોઈ શકે?

હાદિયાએ બીબીસી હિંદીને કહ્યું કે, "મને ન્યાય મળવાથી ઘણી ખુશી થઈ છે. જે હાઇકોર્ટ પાસેથી ન મળ્યું તે સુપ્રીમ કોર્ટ પાસેથી મળ્યું."

આ મામલે ત્યારે વિવાદ થયો જ્યારે હાદિયાના પિતા કે. એમ. અશોકનને જાણ થઈ કે તેમની પુત્રીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે.

ત્યાર બાદ તેમણે કેરળ હાઇકોર્ટમાં 'હેબિયસ કોર્પસ' (બંદી પ્રત્યક્ષીકરણ)ની અરજી કરી હતી.

હાદિયાએ હાઇકોર્ટમાં કહ્યું કે ઇસ્લામથી પ્રભાવિત થયા બાદ તેમણે આ ધર્મ સ્વીકાર કર્યો હતો.

હાદિયાએ કહ્યું, "મારા લગ્નને કારણે આટલી બબાલ એટલા માટે થઈ કેમ કે, મેં ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો. શું લોકોને ઇસ્લામ કબૂલ કરવાનો અધિકાર નથી? "

અહીંથી થઈ શરૂઆત

હાદિયાના પિતા કે. એમ. અશોકનનું કહેવું હતું કે તેમની પુત્રીનાં મિત્રના પિતા અબૂબકરના પ્રભાવમાં આવ્યા બાદ હદિયાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું.

તેમણે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ અબૂબકરની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી હાદિયા લાપતા થઈ ગયાં હતાં.

એ સમયે અશોકન દ્વારા પ્રથમ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરવામાં આવી હતી.

તેમણે બીજી વખત અરજી દાખલ કરી અને તેમાં શંકા દર્શાવી કે, તેમની પુત્રીની દેશની બહાર લઈ જવામાં આવી છે.

ત્યાર બાદ શફીને હાદિયા સાથે લગ્ન કરી લીધાં હતાં. વળી તેઓ હાઇકોર્ટમાં સુનાવણી વેળા હાજર પણ રહ્યા હતા.

પરંતુ એડિશનલ સૉલિસિટર જનરલ મનિંદર સિંહે કોર્ટને કહ્યું કે એવા ઘણા તથ્યો છે જે દર્શાવે છે કે, ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંપર્ક ધરાવતા સંગઠનો હિંદુ યુવતીઓને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવવામાં સક્રિય છે.

આથી પરિણામસ્વરૂપે આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવ્યો.

એએનઆઈની તપાસ શફીનના કથિત આતંકી સંપર્કો પર આધારિત હતી.

શફીન પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયાના સભ્ય હતા અને રોજગાર માટે ઓમાનના મસ્કત ગયા હતા.

જોકે, સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે એનઆઈની તપાસ ચાલુ રહેશે.

પીએફઆઈનો આભાર

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શફીન 500 કિલોમીટરનો સફર ખેડીને તેમના પત્ની હાદિયાને લેવા માટે કોલ્લમ(કેરળ)થી સલેમ(તમિલનાડુ) ગયા.

હાદિયા અહીંની એક હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં છે.

ત્યાર બાદ તેઓ કોલ્લમમાં પોતાનાં પરિવાર સાથે સમય પસાર કરતા પહેલાં 500 કિલોમીટર દૂર કોઝિકોડ ગયાં.

ઘણું થાકી ગયેલ આ યુગલ કોઝિકોડમાં પીએફઆઈના અધ્યક્ષ ઇલામરમ નસરુદ્દીનને મળવા સંગઠનના યુનિટી હાઉસ વડામથકે ગયું હતું.

શફીને કહ્યું, "આ ફ્કત પીએફઆઈના લીધે શક્ય બન્યું છે કેમકે તેમણે હંમેશાં અમારી મદદ કરી છે."

પત્રકાર પરિષદમાં હાદિયાએ કહ્યું કે તેમણે અન્ય બે સંગઠનનો મદદ માટે સંપર્ક કર્યો હતો પણ માત્ર પીએફઆઈ જ તેમની મદદે આવ્યું.

એક પત્રકારે તેમની પર લાગેલા ગંભીર આક્ષેપ અંગે સવાલ કર્યો તો તેમણે જવાબ આપ્યો, "દરેક વ્યક્તિ આરોપ લગાવી શકે છે. જો શફીન નહીં હોત તો મારી પડખે કોણ ઊભું રહ્યું હોત?

"ઘણા આવા લોકો અને મુસ્લિમ સંગઠનો છે જેમના નામ હું લેવા નથી માગતી. તેઓને મારી મદદ નહોતી કરવી."

તેમણે ઉમેર્યું,"એવા કેટલાક સંગઠન પણ હતા જેઓ મારી મદદ કરતા સંગઠનના કામમાં અવરોધ પેદા કરતા હતા."

હજૂ પણ બન્ને સાથે નહીં રહેશે

જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા પતિપત્નીનો દરજ્જો મળ્યા બાદ પણ તેઓ ભવિષ્યમાં સાથે રહી શકશે એવું નથી.

શફીન કહે છે, "કોલેજે હાદિયાને માત્ર ત્રણ દિવસની જ રજા આપી છે. ત્યાર બાદ તે કોલેજ પરત જતી રહેશે."

તેમણે વધુમાં કહ્યું,"તે તેનો અભ્યાસ કરી રહી છે અને ત્યાર પછી અમે સામાન્ય લોકોની જેમ સાથે જીવન જીવીશું."

શફીન કહે છે કે તેઓ અગાઉ મસ્કતમાં કામ કરતા હતા પણ આ કેસને કારણે તેમની નોકરી જતી રહી આથી હાલ કેરળમાં રહે છે.

વધુમાં તેમણે કહ્યું કે કારકિર્દી માટે હવે તેમને થોડા સમયની જરૂર છે કેમકે કાનૂની લડાઈને લીધે તે ઘણા થાકી ગયા છે.

એનઆઈએની તપાસમાં સહયોગ અંગેના સવાલ પર તેમણે કહ્યું,"તેમણે મને જ્યાં પણ બોલાવ્યો, હું ત્યાં ગયો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો