ચંદ્રબાબુ નાયડૂ અને મોદી વચ્ચે કેમ પડી તિરાડ?

એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબુ નાયડૂ એકસાથે હાથ મિલાવતા, હસતા હસતા તસવીર લેતા હતા. પરંતુ હવે એ દિવસો જૂની વાતમાં પરિવર્તિત થઈ ગયા છે. તેનું કારણ છે વિશેષ રાજ્યનો દરજ્જો.

આ જ કારણોસર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ બુધવારની રાત્રે અમરાવતીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના કેન્દ્ર સરકારથી અલગ થવાની ઘોષણા કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આધારે ટીડીપીના મોટાભાગના સાંસદ અને ધારાસભ્યો ઇચ્છે છે કે ભાજપ સાથે મિત્રતા તોડી નાખવી જોઈએ.

કેન્દ્ર સરકારમાં સામેલ ટીડીપીના બે મંત્રી અશોક ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરી પણ ગુરૂવારે એટલે કે આજે રાજીનામું આપી દેશે.

ટીડીપી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં સરકાર ચલાવી રહેલી NDAનો ત્રીજો સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં ટીડીપીના 16 સાંસદ છે.

આ સમગ્ર મામલે ભાજપનું કહેવું છે કે તેઓ આંધ્રપ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકારની દરેક સંભવ મદદ કરવામાં આવશે. પરંતુ અસંભવ માગને સ્વીકાર કરી શકાતી નથી.

તમને આ પણ વાંચવું ગમશે

આ પહેલા નાયડૂએ વિધાનસભામાં કહ્યું હતું કે કોંગ્રેસે વાયદો કર્યો છે કે જો 2019માં તેને સત્તા મળે છે તો તે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યને દરજ્જો આપશે. તો પછી ભાજપ સરકાર આમ કેમ કરી રહી નથી.

તેમણે ચેતવણી પણ આપી છે કે જો આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ન મળ્યો, તો ભાજપ નેતૃત્વએ આંધ્રના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે.

નાયડૂની ફરિયાદ

નાયડૂની ફરિયાદ છે કે પહેલા ભાજપના નેતૃત્વએ પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પછી તેમણે કહ્યું કે બધાં જ રાજ્યો પાસેથી આ દરજ્જો પરત લઈ લેવામાં આવશે.

તેમનો દાવો છે કે આ વાત કહ્યા બાદ જ તેઓ સ્પેશ્યલ પેકેજ માટે રાજી થયા હતા. કેમ કે હજુ વિશેષ રાજ્યનો દરજ્જો અસ્તિત્વમાં છે, તેવામાં આંધ્રપ્રદેશને આ દરજ્જો તુરંત મળવો જોઈએ.

આ વચ્ચે નાણાંમંત્રી અરૂણ જેટલીએ સોમવારના રોજ આંધ્રપ્રદેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. અને એવું જણાવવામાં આવ્યું હતું કે તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે સ્પેશ્યલ પેકેજ આપી શકાય છે પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનો સવાલ જ નથી.

ભાજપનું કહેવું છે કે પછાત હોવાના તર્ક સાથે આંધ્રપ્રદેશને આ દરજ્જો આપી શકાતો નથી. કેમ કે આ હિસાબે બિહારને આ દરજ્જો મળવો જોઈએ. ટીડીપીએ ટેક્સમાં છૂટછાટની માગ પણ કરી છે.

પરંતુ આંધ્રને એવું શું જોઈએ છે કે ટીડીપી મોદી સરકાર સાથે બધા જ સંબંધ તોડવા રાજી થઈ ગઈ છે? આ વિશેષ દરજ્જો શું છે? અને તેના મામલે આટલો હોબાળો શા માટે મચેલો છે?

શું હોય છે વિશેષ રાજ્યનો દરજ્જો?

પીઆરએસ ઇન્ડિયાના આધારે વિશેષ રાજ્યના દરજ્જાની અવધારણા પહેલી વખત ફાઇનાન્સ કમિશને વર્ષ 1969માં રજૂ કરી હતી.

આ શ્રેણીમાં રાજ્યોને ઉમેરવાનો ઉદ્દેશ તેમને કેન્દ્ર સરકાર પાસેથી સહાયતા અને ટેક્સમાં છૂટછાટ આપવાનો હોય છે.

આ કેટેગરીમાં આવતા રાજ્યો સામાન્યપણે પછાત અને ગરીબ હોય છે.

શરૂઆતમાં માત્ર ત્રણ રાજ્યો- આસામ, નાગાલૅન્ડ અને જમ્મુ કશ્મીર જેવાં રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો.

પરંતુ ત્યારબાદ અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ જેવા વધુ આઠ રાજ્યોને આ દરજ્જો આપવામાં આવ્યો હતો.

કેટલાક રાજ્યોને વિશેષ દરજ્જો આપવા પાછળ તર્ક હતો કે તેમના સંસાધનોનો આધાર સીમિત છે અને તેઓ વિકાસ માટે વધુ સંસાધન મેળવી શકતા નથી.

વિશેષ રાજ્યના દરજ્જા માટે શું જરૂરી હોય છે?

  • પહાડી વિસ્તાર
  • ઓછી વસતી કે આદિવાસી વસતીની મોટી ભાગીદારી
  • પડોશી દેશો સાથે જોડાયેલી હદ
  • આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે પછાત
  • પ્રદેશના નાણાં વ્યવહારિક ન હોવા.

સામાન્યપણે સ્પેશ્યલ કેટેગરી આપવા સાથે જોડાયેલો નિર્ણય નેશનલ ડેવલોપેન્ટ કાઉન્સિલ કરે છે. તેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી સિવાય યોજના આયોગના સભ્યો રહે છે.

ભારતમાં કેન્દ્રમાંથી રાજ્યોને પૈસા ટ્રાન્સફર કરવાના ઘણા આધાર અને ઘણી રીત હોય છે.

જ્યારે યોજના આયોગ હતું તો નાણાં આયોગ અને તેઓ મળીને કેન્દ્ર-રાજ્યના નાણાંકીય સંબંધોની જવાબદારી સંભાળતા હતા.

અહીં નૉર્મલ સેન્ટ્રલ આસિસ્ટન્સ (NCA)નો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે, જે રાજ્યોને મળતી મદદનો મહત્ત્વનો ભાગ છે.

શું હોય છે નાણાંકીય ગણિત?

આ શ્રેણીમાં આવતાં રાજ્યોને કુલ સહાયતાનો 30 ટકા ભાગ મળે છે, જ્યારે બાકી રાજ્યોના ભાગમાં 70 ટકા અંશ આવે છે.

વિશેષ દરજ્જો ધરાવતા રાજ્યોને મળતી સહાયતાની પ્રકૃતિ પણ અલગ હોય છે. આ રાજ્યો માટે NCA અંતર્ગત 90 ટકા અનુદાન અને 10 ટકા લોન આપવામાં આવે છે.

બીજા રાજ્યોને મામલે અનુદાન અને લોનનો રેશિયો 30:70 હોય છે.

આ શ્રેણી અંતર્ગત આવતા રાજ્યોને મળતા પ્લાનનો આકાર છેલ્લા યોજનાગત ખર્ચ પર નિર્ભર કરે છે.

અતિરિક્ત યોજનાગત સંસાધનો સિવાય સ્પેશ્યલ કેટેગરીમાં આવતા રાજ્યોને એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી, ઇનકમ ટેક્સ રેટ અને કૉર્પોરેટ ટેક્સમાં પણ છૂટછાટ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો