You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો દેશમાં સામ્યવાદીઓ શાસનમાં આવે તો?
- લેેખક, મિહિર રાવલ
- પદ, બીબીસી સંવાદદાતા
લેનિન હોય પેરિયાર હોય કે શ્યામાપ્રસાદ મુખરજી. દેશભરમાં વિવિધ જગ્યાએ પ્રતિમાઓ લોકોના રોષ કે રાજકારણનો ભોગ બની રહી છે.
ત્રિપુરાના બેલોનિયા શહેરના 'સેન્ટર ઑફ કૉલેજ સ્ક્વેર' ખાતે લેનિનની પ્રતિમાને જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી.
લેનિનની પ્રતિમા સિવાય તામિલનાડુના વેલ્લોરમાં દ્રવિડિયન નેતા પેરિયાર રામાસ્વામીની પ્રતિમાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
જે બાદ કોલકત્તામાં શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને નુક્સાન પહોંચાડવાની ઘટના સામે આવી.
આ 'પ્રતિમા વિધ્વંશ' કે 'પ્રતિમાં ખંડન'ની પ્રથા એકદમ નવી નથી. ગુજરાતમાં પણ આ ઘટના વર્ષો પૂર્વે બની ચૂકી છે.
ગુજરાતમાં ક્યાં થયું હતું 'પ્રતિમા ખંડન'?
એંસીના દાયકાના પ્રારંભે 1970થી 1975 વચ્ચે સમાજવાદી આગેવાન ડૉ. રામ મનોહર લોહિયાની વિચારધારાને અનુસરનારા બહુધા યુવાનોએ પ્રતિમા ખંડનની પહેલી ચળવળ ચલાવી હતી.
નેતા રાજનારાયણે આ ચળવળનું જાહેર નેતૃત્વ લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચળવળનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ રાજ ચાલી ગયા પછીના ત્રણ દાયકા બાદ પણ ભારતમાં તેમની યાદ અપાવતા કેટલાક જાહેર સ્થળોની ઓળખ નેસ્તનાબૂદ કરી તેને નવી ઓળખ આપવાનો હતો.
એ સમયે આ ચળવળના એક ભાગરૂપે અંગ્રેજી રાજના નેતાઓની પ્રતિમા તોડવાનું તોફાન પણ અમલમાં આવ્યું હતું.
આજે 2018માં જાણીને નવાઈ લાગશે કે તેની આગેવાની સમાજવાદી આગેવાનો અને તેમના અંતેવાસીઓએ લીધી હતી.
તે પ્રયત્નના એક ભાગરૂપે અમદાવાદના પ્રસિધ્ધ વિક્ટોરીઆ ગાર્ડનમાં બ્રિટીશ રાજના સમયથી સ્થાપિત રાણી વિક્ટોરિયાની પ્રતિમાને તોડી પાડવા એક ટોળું પહોંચ્યું હતું.
જોકે, તે સમયે ટોળું તેનો ઇરાદો પાર પાડે તે પહેલા પહોંચેલી પોલીસે તેને ભગાડી મૂક્યું અને પ્રતિમા જેમની તેમ બચી ગઈ.
કાળાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 1987ની ચૂંટણી પછી ભારતીય જનતા પક્ષનું શાસન આવતા વિક્ટોરિયા ગાર્ડનનું નામ બદલીને 'તિલક બાગ' કરવામાં આવ્યું.
ત્યાં સ્થિત રાણીની પ્રતિમાને સંભવતઃ રાત્રિના સમયે રખડતા નશાખોર લોકોએ નાક-મોંના ભાગને ખંડિત કરતું નુકસાન કર્યું હતું.
એ પછી પ્રતિમાને બાગમાંથી ખસેડીને ટાગોર હોલ - સંસ્કાર કેન્દ્ર સ્થિત મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર મુકવામાં આવી.
જાણીતા ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ પણ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું કે રાજનારાયણની ચળવળ વખતે આ પૂતળાંને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જો સામ્યવાદી શાસન આવે તો?
જેનો ઉદય થાય છે તેનો અસ્ત પણ થાય છે. આ એક સનાતન નિયમ છે.
આ નિયમ મુજબ જો ઇતિહાસનું પુનરાવર્તન થયું અને ફરી સામ્યવાદીઓએ માથું ઉંચક્યું તો શું થઈ શકે?
જો દેશના શાસનનો રંગ કેસરીમાંથી લાલ થવા લાગે તો પરિસ્થિતિ શું સર્જાઈ શકે?
સીપીએમના સેક્રેટરી મનહર જમીલ બીબીસીને જણાવે છે કે હારેલાઓને નેસ્તનાબુદ કરી નાખવાની મધ્યયુગની માનસિક્તા આજે પુન: બળવત્તર બની રહી છે, અને એ પણ એક લોકશાહી રાષ્ટ્રમાં.
તેમના મુજબ સામ્યવાદીઓએ ક્યારેય, ક્યાંય પણ ભાજપના કે કોઈપણ પક્ષના કોઈ દિવંગત નેતાઓનાં પૂતળાંને આંગળી પણ અડાડી નથી.
તેઓ કહે છે જો ફરી સામ્યવાદનું શાસન આવ્યું તો મૂડીવાદીઓએ લગાવેલા પૂતળાંને કંઈ નહીં થાય. આવી સામ્યવાદીઓની સંસ્કૃતિ નથી.
જો સામ્યવાદીઓનું શાસન ફરી આવ્યું તો સામાન્ય માણસોના પ્રશ્નોને વાચા અપાશે. ઉદાહરણ તરીકે શિક્ષણ. તો સાક્ષરતા દરમાં કેરળ ઘણું આગળ છે.
સામ્યવાદી શાસનની શક્યતા જ નથી
જાણીતા ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ પણ આ મુદ્દે બીબીસી સાથે વાત કરી.
તેઓ કહે છે આવી કોઈ શક્યતાઓ નથી કે સામ્યવાદી શાસન આવે. કારણ કે ભારતીય સંસ્કૃતિ રશિયા અને ચીનથી અલગ છે.
તેઓ કહે છે રાજ્યોમાં થોડી શક્યતાઓ ખરી કે જ્યાં પહેલાં પણ સામ્યવાદી સરકારો સત્તામાં રહી ચૂકી છે, પરંતુ કેન્દ્રમાં તો કોઈ કાળે સામ્યવાદીઓની સરકાર નહીં આવે.
પૂતળાં રાજકારણ પર તેમનું કહેવું છે કે આ વિચારધારાની લડાઇ છે. રાજકીય બૂમરાણ થવાની જ છે.
રાજકીય સમીક્ષક પ્રકાશ ન. શાહે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું,"આપણે રાજકીય સંસ્કૃતિમાં 'પૂતળાં વિધ્વંશ' ઇચ્છતા નથી.
"અત્યારે જે પરિસ્થિતિ છે એ એક મંથનની પરિસ્થિતિ છે. જેમ સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળ્યાં હતાં તેમ આ મંથનમાંથી પણ મળશે.
"તેમના મતે ભાજપે જો ટકવું હશે તો હિંસાનો ઉપયોગ અને ઇતિહાસની ગેરસમજમાંથી બહાર નીકળવું પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો