પ્રેસ રિવ્યૂ: આધાર લિંક કરવાની ડેડલાઇન વધી શકે

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આધાર કાર્ડ લિંક કરાવવાની મુદત સરકાર વધારી શકે છે.

આ પહેલાં 31 માર્ચને સરકારે બેંક, મોબાઈલ તેમજ અન્ય સેવાઓમાં આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઇન રાખી હતી.

મંગળવારે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે સરકારે ભૂતકાળમાં પણ આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન વધારી હતી. અમે આગળ પણ મહિનાના અંતે ડેડલાઇન વધારી શકીએ છીએ.

હાલ આધાર મામલે સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની બુધવારે પણ સુનાવણી થવાની છે.

મોદી સરકાર ભારતના ઇતિહાસને ફરીથી લખશે!

મોદી સરકાર દ્વારા ભારતીય ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એનડીટીવીએ સમાચાર સંસ્થા રૉયટર્સને ટાંકીને પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં આ વાત કરી છે.

અહેવાલમાં જણાવાયું છે કે પુરાતત્ત્વ વિષયક શોધો અને ડીએનએના આધારે સાબીત કરવાની તૈયારી કરાઈ રહી છે કે હિંદુઓ હજારો વર્ષ પહેલાથી જ અહીંના મૂળનિવાસીઓ હતા.

આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ગઠીત સમિતિ કામ કરી રહી છે.

સમિતિના અધ્યક્ષ કેએન દીક્ષિતે જણાવ્યું છે, ''પ્રાચીન ઇતિહાસને ફરીથી લખવા માટે સરકારને મદદરૂપ થાય એવો અહેવાલ તૈયાર કરવાનું મને જણાવાયું છે."

દલિત-ઓબીસી માટેની 973 કરોડની રકમ સરકારે વાપરી જ નહીં

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાતમાં રાજ્ય સરકારે દલિતો અને ઓબીસીના વિકાસ માટે 943 કરોડ જેટલી રકમ વાપરી જ નથી.

અખબારના અહેવાલ મુજબ વર્ષ 2016-17ના બજેટમાં દલિતો અને ઓબીસી પાછળ નાણાં વાપરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

સરકારના કહેવા મુજબ શૈક્ષણિક સંસ્થાઓ નિયત સમયમાં શિષ્યવૃતિના ફોર્મ મોકલતી ના હોવાથી ગરીબ વિદ્યાર્થીઓ પાછળ વપરાતા નાણાં પડ્યાં રહ્યાં છે.

બાંધકામ વિભાગે પણ દલિત-ઓબીસીના વિકાસ માટે પૂરતો ખર્ચ કર્યો નથી. ઉપરાંત સાયકલ-માનવ ગરીમા ક્ટિસના બિલો મોડા મળ્યાં હોવાથી તે રકમ પણ પડી રહી છે.

પેરિયારની પ્રતિમાને નુકસાન

ફર્સ્ટપૉસ્ટના અહેવાલ અનુસાર તામિલનાડુના વેલ્લોરમાં દ્રવિડિયન નેતા પેરિયાર રામાસ્વામીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

ભાજપના નેતા એચ.રાજા દ્વારા ફેસબુક પર લખાયેલી એક પોસ્ટ બાદ આ ઘટના બની છે.

પોસ્ટમાં ત્રિપુરામાં લેનિનની પ્રતિમા સાથે બનેલી ઘટના પેરિયારની પ્રતિમા સાથે પણ ઘટવી જોઈએ એવું જણાવાયું હતું.

મંગળવારે જ ત્રિપુરામાં લેનિનની પ્રતિમાને તોડી પડાતા વિવાદ થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો