વેસ્ટ નાઇલ વાઇરસ: મચ્છરથી ફેલાતો એ રોગ, જેનો કોઈ ઇલાજ નથી

    • લેેખક, ડેવિડ કોક્સ
    • પદ, બીબીસી ફ્યુચર

વિશ્વના એચઆઈવી સંબંધી અગ્રણી સંશોધક પૈકીના એક તરીકેની વિશિષ્ટ કારકિર્દી પછી અને કોવિડ-19 રોગચાળા સામેના અમેરિકા સરકારના પ્રતિભાવના ચહેરા તરીકેની ભૂમિકા બાદ તે ખૂબ જ અલગ વાઇરસ હતો, જેને કારણે એન્થની ફૌસીએ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

83 વર્ષના એન્થૉનીને વેસ્ટ નાઇલ વાઇરસના સંક્રમણને કારણે તાવ, શરદી અને થાકનાં લક્ષણો ગયા મહિને દેખાવાં લાગ્યાં હતાં. વેસ્ટ નાઇલ વાઇરસ એક મચ્છરજન્ય છે, જે 1930ના દાયકામાં યુગાન્ડામાં મળી આવ્યો હતો.

જોકે, એન્થનીને આ વાઇરસનો ચેપ આફ્રિકામાં લાગ્યો ન હતો. તેમની ઘરની પાછળના બગીચામાં મચ્છર કરડવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા ધીમે ધીમે સર્વસામાન્ય બની રહી છે.

સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને (સીડીસી) બીબીસીને જણાવ્યું હતું કે દર વર્ષે 2,000 અમેરિકનો વેસ્ટ નાઇલ વાઇરસથી બીમાર પડે છે. એ વાઇરસને કારણે લગભગ 1,200 જીવલેણ ન્યુરોલૉજિકલ બીમારીઓ અને 120થી વધુ લોકોનાં મૃત્યુ થાય છે.

અમેરિકાના એટલાન્ટા, જ્યૉર્જિયામાંની એમોરી યુનિવર્સિટીમાં બાળરોગના પ્રોફેસર અને બે દાયકાથી વેસ્ટ નાઇલ વાઇરસનો અભ્યાસ કરી રહેલા ક્રિસ્ટી મરે કહે છે, “કોઈ પણ વ્યક્તિ પર જોખમ સર્જાઈ શકે છે. માત્ર મચ્છર કરડે તો પણ ચેપ લાગી શકે છે અને વૃદ્ધોની સાથે યુવા લોકોને પણ ગંભીર રોગ થતો જોવા મળે છે.”

ન્યૂયૉર્ક સિટી બરો ઑફ ક્વીન્સમાં ચેપી રોગોના ચિકિત્સકે ઑગસ્ટ, 1999ના અંતમાં શહેરના આરોગ્ય અને માનસિક સ્વચ્છતા વિભાગને વાઇરસ એન્સેફાલીટીસની જાણ કરી હતી. પાડોશની હૉસ્પિટલોમાં સમાન કેસ નોંધાયા પછી તત્કાળ તપાસ શરૂ કરવામાં આવી હતી.

એક અંદાજ મુજબ, શહેરમાં આશરે 8,200 લોકોને આ રહસ્યમય રોગનો ચેપ લાગ્યો હતો. તે પશ્ચિમ ગોળાર્ધમાં વેસ્ટ નાઇલ વાઇરસનો પ્રથમ જાણીતો પ્રકોપ હતો.

આ વાઇરસ કેવી રીતે ફેલાય છે?

આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ યુરોપ અને રશિયાના કેટલાક ભાગોમાં દાયકાઓથી ફેલાયેલો આ વાઇરસ અમેરિકામાં કેવી રીતે દાખલ થયો તે કોઈ જાણતું નથી, પરંતુ સંશોધનો દર્શાવે છે કે આ વાઇરસના મુખ્ય વાહકો પક્ષીઓ છે. મચ્છરોમાંથી ચેપગ્રસ્ત પક્ષીઓમાં અને તેમાંથી મનુષ્યોમાં આ વાઇરસનો પ્રસાર થાય છે.

આ રોગચાળો 1999માં ફાટી નીકળ્યા પછી વેસ્ટ નાઇલ વાઇરસના 59,000થી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે અને 2,900થી વધુ મૃત્યુ થયાં છે. જોકે, કેટલાક અંદાજ અનુસાર, ચેપની વાસ્તવિક સંખ્યા 30 લાખથી વધારે છે.

આબોહવા પરિવર્તનને કારણે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં વેસ્ટ નાઇલનો પ્રકોપ વધુ વારંવાર બનશે, એવી ચિંતા વધી રહી છે.

અભ્યાસો દર્શાવે છે કે ગરમ તાપમાન મચ્છરના વિકાસ, કરડવાના દર અને મચ્છરની અંદર વાઇરસ ઇન્ક્યુબેશનને વેગ આપી શકે છે. સ્પેનમાં આ વાઇરસ સ્થાનિક છે અને ત્યાં 2020માં તેનો અભૂતપૂર્વ પ્રકોપ ફાટી નીકળ્યા પછી લાંબા સમય સુધી તે પ્રસરતો રહ્યો હતો.

તે વધુ ચિંતાનું કારણ બન્યો હતો, કારણ કે એ ચેપનાં લક્ષણો પ્રગટ રીતે દેખાતાં નથી. પાંચમાંથી એક જ વ્યક્તિમાં તેનાં હળવાં લક્ષણો જોવાં મળે છે. ગંભીર કિસ્સામાં તે આજીવન પંગુતામાં પરિણમી શકે છે. લગભગ 150 લોકોમાંથી એક વ્યક્તિમાં આ વાઇરસ બ્રેઈન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર આક્રમણ કરી શકે છે. જીવલેણ બળતરા થાય છે અને ઘણા કિસ્સામાં મગજને નુકસાન થાય છે.

ખાસ કરીને, 60 વર્ષથી વધુ વયના અથવા ડાયાબિટીસ કે હાયપરટેન્શનથી પીડાતા લોકોને આ રોગનો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.

ક્રિસ્ટી મરે કહે છે, “હાયપરટેન્શનના સંદર્ભમાં અમે માનીએ છીએ કે મગજમાં વધેલા દબાણને કારણે વાઇરસ લોહીના અવરોધોને વધુ સરળતાથી પાર કરી શકે છે.”

ક્રિસ્ટી મરે વેસ્ટ નાઇલ વાઇરલ ઇન્ફેક્શનથી ગંભીર રીતે પીડિત દર્દીઓ પર વર્ષોથી નજર રાખતા રહ્યા છે.

તેમના કહેવા મુજબ, વાઇરસના ચેપથી થતી બળતરા આખરે મગજની ગંભીર કૃશતા અથવા સંકોચનનું કારણ બની શકે છે અને સ્કેન્સ દર્શાવે છે તેમ મગજમાં ગંભીર ઈજાઓ થઈ હોય તેવા લોકોને તેનાથી ગંભીર નુકસાન થાય છે.

તેઓ કહે છે, “ગંભીર ચેપ લાગ્યો હોય તે પૈકીના આશરે 10 ટકા લોકો મૃત્યુ પામે છે અને લગભગ 70-80 ટકા લોકોએ લાંબા ગાળાની ન્યુરોલૉજિકલ અસર અનુભવે છે. જે લોકો બચી જાય છે તેમને સારું થાય તે જરૂરી નથી. તેમના માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. લોકો ડિપ્રેશન, વ્યક્તિત્વમાં ફેરફાર અને એવું થતું હોવાનું જણાવે છે.”

આ સહજ જોખમો હોવા છતાં આ વાઇરસ સામેની કોઈ રસી નથી અથવા તો સમર્પિત સારવાર પણ નથી, જેનાથી પીડિત લોકોને મદદ મળી શકે.

ક્રિસ્ટી મરે કહે છે, “આ ખરેખર એક ઉપેક્ષિત રોગ બની ગયો છે. આ વર્ષે વેસ્ટ નાઇલનું નિદાન થયું હોય તેવા અનેક દર્દીઓનો સંપર્ક મેં કર્યો હતો અને તેમણે પૂછ્યું હતું કે અમે શું કરી શકીએ? મેં કહ્યું હતું, કશું કરી શકાય તેવું નથી. માત્ર સહાયક સંભાળ લેવાની હોય છે. આ વાત તેમને જણાવતાં મને બહુ જ દુઃખ થાય છે.”

વેસ્ટ નાઇલના ચેપ સામે નિવારક પગલાંના અભાવની વાત આવે છે ત્યારે કદાચ સૌથી મોટી વિડંબણાઓ પૈકીની એક એ છે કે છેલ્લાં 20 વર્ષમાં અશ્વો માટે જ સલામત અને અત્યંત અસરકારક રસીઓ ઉપલબ્ધ થઈ છે.

2004 અને 2016 દરમિયાન વિવિધ હ્યુમન વૅક્સિન માટે નવ પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. એ પૈકીનાં બે ફ્રેન્ચ ફાર્માસ્યુટિકલ કંપની સનોફી દ્વારા અને અને બાકીનાં બાયોટેક, કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અથવા હાથ ધરવામાં આવ્યાં હતાં અથવા અમેરિકાની વિવિધ સરકારી સંસ્થાઓ અનુદાનિત હતી.

રોગપ્રતિકારક, સહ્ય પ્રતિભાવ પ્રેરિત કરવા છતાં એ પૈકીનું એકેય પરીક્ષણ તેના ત્રીજા તબક્કા સુધી પહોંચ્યું ન હતું. રસીને અધિકૃત કરવામાં આવે તે પહેલાંનો આ અંતિમ અને સૌથી નિર્ણાયક અવરોધ હોય છે. તેમાં સારવાર અસરકારક છે કે કેમ તેની ચકાસણીનો સમાવેશ થાય છે. એ પૈકીનું છેલ્લું, અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍલર્જી ઍન્ડ ઇન્ફેક્શીયસ ડિસીઝ દ્વારા પ્રાયોજિત પરીક્ષણ પહેલા તબક્કાથી આગળ વધી શકી ન હતી. હસ્તક્ષેપ સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી પ્રથમ તબક્કામાં કરવામાં આવે છે.

સારવાર માટે કેવાં પરીક્ષણો થઈ રહ્યાં છે?

કોલોરાડોના ફોર્ટ કોલિન્સમાં સીડીસીના વેક્ટર-બૉર્ન ડિસીઝ વિભાગના તબીબી અધિકારી કેરોલીન ગોલ્ડના કહેવા મુજબ, વેસ્ટ નાઇલ છૂટીછવાઈ અને અણધારી રીતે ફાટી નીકળવાની પ્રકૃતિ એક મોટી અડચણ છે, કારણ કે રસી ખરેખર અસરકારક છે કે કેમ તે સાબિત કરવા માટે વાઇરસ ચોક્કસ સમયે સર્ક્યુલેટ થતો હોય તે જરૂરી છે.

ક્રિસ્ટી મરે કહે છે, “કેટલાંક પરીક્ષણ આ વાઇરસના ઓછા કેસો હતા ત્યારે શરૂ કરવામાં આવ્યાં હતાં, પરંતુ એ પછી 2012માં આ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે માત્ર ટૅક્સાસમાં જ 2,000 કેસ નોંધાયા હતા અને તેમાંથી 800 ગંભીર હતા. તેથી પરીક્ષણ માટે થોડાં વર્ષ રાહ જોઈ હોત તો જરૂરી તમામ સહભાગી મળી શક્યા હોત.”

આ વૅક્સિન ખર્ચની દૃષ્ટિએ કેટલી અસરકારક છે તેનો એક મોટો અભ્યાસ 2006માં હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવું તારણ નીકળ્યું હતું કે વેસ્ટ નાઇલ વૅક્સિન પ્રોગ્રામથી હેલ્થકેર સિસ્ટમનાં નાણાં બચાવવાનું લગભગ અસંભવ હશે.

કેરોલીન ગોલ્ડ માને છે કે અનિશ્ચિત વળતર કે નાણાકીય લાભ મેળવવાનો ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં સાથે મળીને રસી વિકસાવવાનો સંપૂર્ણ ખર્ચ એક મોટો અવરોધ છે.

જોકે, તાજેતરનાં વર્ષોમાં સંખ્યાબંધ સંભવિત વિકલ્પો ઑફર કરવામાં આવ્યા છે. આ વાઇરસનું જોખમ જેમને સૌથી વધારે હોય છે તેવા 60 વર્ષથી વધુ વયના લોકો માટે સમર્પિત રસીકરણ કાર્યક્રમની ભલામણ કેટલાક વિજ્ઞાનીઓએ કરી છે, જ્યારે કેરોલીન ગોલ્ડે અમેરિકામાં જ્યાં વાઇરસનું વહન કરતા મચ્છરોનું પ્રમાણ વધુ છે તેવા ચોક્કસ વિસ્તારોને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમનો પ્રસ્તાવ મૂક્યો છે.

કેરોલીન ગોલ્ડ એવું પણ માને છે કે વેસ્ટ નાઇલ વાઇરસ પ્રેરિત ન્યુરોલૉજિકલ નુકસાનના લાંબા ગાળાના પરિણામ સંબંધી વધતા પુરાવા રસી વિકસાવવાના કામને વધુ આકર્ષક બનાવી શકે છે. તાજેતરના વધુ અંદાજો સૂચવે છે કે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા વેસ્ટ નાઇલ વાઇરસના દર્દીઓનો કુલ આર્થિક બોજો 5.6 કરોડ ડૉલરનો અને ટૂંકા તથા લાંબા ગાળાનો દર્દી દીઠ ખર્ચ સાત લાખ ડૉલર કરતાં વધી શકે છે.

કેરોલીન ગોલ્ડ કહે છે, “તે ચોક્કસ ભૌગોલિક સ્થળોએ ઉચ્ચ જોખમ ધરાવતાં જૂથોમાં તેનો અમલ કરવામાં આવે તો ખર્ચની દૃષ્ટિએ તે અસરકારક સાબિત થઈ શકે છે.”

તેઓ ઉમેરે છે, “ઉત્પાદકના દૃષ્ટિકોણથી વેચાણની આગાહી કરતી વખતે વેસ્ટ નાઇલ વાઇરસના ગંભીર પરિણામ સાથેના વધુ લોકોની સંખ્યાને ધ્યાનમાં લેવી મહત્ત્વપૂર્ણ છે.”

વૈજ્ઞાનિકો સામેના પડકારો

વાઇરસને કારણે થતી જાનહાનિ અને ન્યુરોલૉજિકલ પંગુતાને ધ્યાનમાં લેતાં ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર ઇન્ફેક્શ્યિસ ડિસીઝના પ્રમુખ પૌલ તાંબ્યાહ, નિરાકરણ શોધવાની વર્તમાન અસમર્થતાને “કલ્પનાશક્તિનો અભાવ” ગણાવે છે.

તેઓ કહે છે, “આ માટે અમેરિકામાં મોટા પાયે ત્રીજા તબક્કાનું જંગી પરીક્ષણ હાથ ધરવું પડશે, એવું બધા વિચારે છે, જે એક વર્ષમાં માત્ર અઢી મહિના દેખાતા એક રોગ માટે મુશ્કેલ છે. તે અણધાર્યો પણ છે, કારણ કે અમુક વર્ષે તેનો પ્રકોપ મોટા પ્રમાણમાં ફાટી નીકળે છે, જ્યારે અમુક વર્ષે કશું હોતું નથી.”

તેને બદલે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ આ વાઇરસ સ્થાનિક છે તેવા આફ્રિકાના ભાગોમાં જરૂરી પુરાવા એકત્ર કરવા માટેના એક અસરકારક માર્ગ તરીકે સેંકડો ટ્રાયલ સાઇટ્સ પર વિશાળ આંતરરાષ્ટ્રીય પરીક્ષણનું સૂચન પૌલ તાંબ્યાહ કરે છે.

આ પ્રકારની ટ્રાયલ્સ હાથ ધરવા માટે કરોડો ડૉલરની જરૂર પડશે ત્યારે તેઓ જણાવે છે કે જાહેર-ખાનગી ભાગીદારી, અસરગ્રસ્ત દેશોની વિવિધ સરકારો અને નાની તથા મધ્યમ કદની ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓનાં સંસાધનો એકઠાં કરવાથી મદદ મળી શકે. ટ્રાયલની અસરકારકતા સાબિત ન થાય તો તેમાં સામેલ નાણાકીય જોખમને આ રીતે ઘટાડી શકાય.

તેઓ કહે છે, “આવું કરવા માટે કેટલીક સંભવિત પદ્ધતિઓ છે. તે કરવા માટે માત્ર ઇચ્છાશક્તિની જરૂર છે.”

વેસ્ટ નાઇલ વાઇરલ ઇન્ફેક્શનના પરિણામે ગંભીર રોગનો અનુભવ કરતા લોકો માટે અસરકારક સારવાર શોધવાની તાતી જરૂર છે ત્યારે મરે જણાવે છે કે મોનોક્લોનેલ ઍન્ટીબૉડીઝ નામના વાઇરસ સામે કૃત્રિમ રીતે જનરેટ કરવામાં આવેલા ઍન્ટીબૉડીઝને આધારે કેટલીક દવાઓ બનાવવામાં આવી હતી, પરંતુ તે પ્રયોગો ઉંદરો પરના અભ્યાસથી આગળ વધ્યા ન હતા.

રસી ઉત્પાદકોએ તેની યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ માટે જે મુશ્કેલ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તેવી જ અડચણોનો સામનો આ દવાના વિકાસકર્તાઓએ પણ કરવો પડ્યો હતો.

મરે માને છે કે માત્ર વાઇરસને સાફ કરે તેવી જ નહીં, પરંતુ ઘણી ન્યૂરોલૉજિકલ ગૂંચવણોનું કારણ બનતી આંતરિક બળતરાને ઓછી કરવા માટે ઉપયોગી બને તેવી દવાની જરૂરિયાત તાકીદની છે. તેમને શંકા છે કે કેટલાક કિસ્સામાં વાઇરસ મગજના ચેતા કોષોની અંદર અડિંગો જમાવે છે, જ્યાં હુમલો કરવો સરળ હોતો નથી.

તેઓ કહે છે, “તે વાઇરસ રક્ત-મગજના અવરોધોને પાર કરે છે અને મગજની અંદર ગોઠવાઈ જાય છે. એ જ જગ્યાએ બળતરા તથા નુકસાન થાય છે. સમસ્યા એ છે કે હાલની ઘણી ઍન્ટીવાઇરલ દવાઓ મગજ સુધી પહોંચી શકતી નથી. તેથી જ્યાં તેણે અસરકારક બનવાનું હોય ત્યાં સુધી પહોંચી શકતી નથી.”

અલબત્ત, બીજી અનેક વૈકલ્પિક શક્યતાઓ હોઈ શકે છે. તાંબ્યાહ માને છે કે આપણે કોવિડ-19 રોગચાળામાંથી ઘણા બોધપાઠ લઈ શકીએ, જ્યાં સાર્સ-કોવી-2 વાઇરસ સામે ઍન્ટીવાઇરલ વિકસાવવાની વૈશ્વિક સ્પર્ધા હોવા છતાં સૌથી અસરકારક સારવાર પૈકીના એક તરીકે ડેક્સામેથાસોન નામનું સસ્તું સ્ટીરોઈડ ઉપયોગી સાબિત થયું છે. બ્રિટનમાં રિકવરી ટ્રાયલ્સ દરમિયાન તેની અસરકારકતાને પારખવામાં આવી હતી. તેમાં વિવિધ સંભવિત સારવારોની ચકાસણી કરવામાં આવી હતી.

ભવિષ્યમાં સ્ટેરોઈડ્સ ઉપયોગી થશે?

તાંબ્યાહે સિંગાપુરની નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં ચેપી રોગોના વરિષ્ઠ સલાહકાર તરીકેની ભૂમિકાના ભાગરૂપે બ્રેઈન ઇન્ફ્લેમેશનના અસંખ્ય દર્દીઓની સારવાર કરી છે. એ પછી તેમને ખાતરી છે કે મગજની બળતરા ઘટાડવા માટે યોગ્ય સ્ટેરોઈડ શોધવાથી ઘણા દર્દીઓને સાજા થવામાં મદદ મળી શકે છે.

તેઓ કહે છે, “વેસ્ટ નાઇલ વાઇરસ એ ફ્લેવીવાઇરસ છે અને હાલમાં ડેંગી, ઝિકા કે જાપાનીઝ એન્સેફાલીટીસ જેવા ફ્લેવીવાઇરસ માટે કોઈ અધિકૃત ઍન્ટીવાઇરલ ઉપલબ્ધ નથી. મને લાગે છે કે ભવિષ્યમાં સ્ટેરોઈડ્સ ઉપયોગી સાબિત થશે.”

વેસ્ટ નાઇલ વાઇરસનો સામનો કરવા માટેની સૌથી યોગ્ય દવા બનાવવા વધારે ડેટાની જરૂર છે અને તાંબ્યાહ સૂચવે છે કે તે રિકવરી ટ્રાયલ્સ જેવા સમાન અભ્યાસથી થઈ શકે છે.

તેઓ કહે છે, “આપણે વેસ્ટ નાઇલ વાઇરસથી એન્સીફાલીટિસ થયો હોય તેવા દર્દીઓની ભરતી કરી શકીએ અને કેટલાક સ્ટેરોઈડ્સ, મોનોક્લોનલ ઍન્ટીબૉડીઝ સહિતના વિવિધ ઉપચારો વડે પ્રયોગ કરી શકીએ તથા તેનાથી કોઈ જવાબ મળવાની આશા રાખી શકીએ. આ બાબતે કશું કરવાની ઇચ્છા હોય તો અસરગ્રસ્ત દેશોની સરકારો તરફથી પૂરતા ભંડોળ વડે તે થઈ શકે.”

મરે અને તાંબ્યાહને આશા છે કે ફૌસીની બીમારીને કારણે વેસ્ટ નાઇલ વાઇરસ પરત્વે ધ્યાન ખેંચાયું છે. તે આ ઉપેક્ષિત રોગ માટે વધુ ભંડોળ ફાળવવાનું નીતિ નિર્માતાઓ સમજાવવામાં મદદરૂપ થશે.

મરે કહે છે, “આ વાઇરસ ખતમ થવાનો નથી અને તેનો પ્રકોપ ફાટતો રહેશે. ફૌસી જેવી વ્યક્તિની વાત લોકો સાંભળે છે અને તેમનો આદર કરે છે. તેઓ આ વિશે વાત કરે તો વાઇરસના અભ્યાસ માટે વધારાનું ભંડોળ ફાળવવા માટે દબાણ લાવવામાં મદદ મળી શકે. વિજ્ઞાનીઓને રસી તથા ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળી શકે. અમેરિકામાં વેસ્ટ નાઇલ વાઇરસ ઊભર્યો તેને 25 વર્ષ થયાં, પરંતુ આજે પણ તેની સામે ઝીંક ઝીલવા આપણી પાસે કશું નથી.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.