અમેરિકા : વાવાઝોડા પછી લાગેલી આગથી વેરાન થયેલાં હવાઈની ભયાનક તબાહીનો ચિતાર

હવાઈના મોઈ ટાપુ પર જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 80 લોકોનાં મોત થયાં છે. આગને કારણે ત્યાં જે વિનાશ થયો છે તે ભયાનક છે.

જે વિસ્તારો હંમેશાં હરિયાળા દેખાતા હતા તે તમામ વિસ્તારો હવે બળીને વેરાન થઈ ગયેલાં દેખાય છે.

હવાઈના ગવર્નર જોશ ગ્રીને કહ્યું છે કે હવાઈ રાજ્યના ઇતિહાસમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિ છે.

અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. સેંકડો લોકો પહેલાથી જ ગુમ થઈ ગયા છે. હજારો લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.

ઘણા વિસ્તારો હજુ પણ વીજળીવિહોણા છે. હવાઇયન ટાપુવાસીઓનું કહેવું છે કે તેમણે તેમના જીવનમાં આવી આફત ક્યારેય જોઈ નથી.

આગ શરૂ થાય તે પહેલાં જ એક વાવાઝોડું આ વિસ્તારમાં ત્રાટક્યું હતું. તે પછી પણ અહીં પવનનો પ્રભાવ યથાવત્ રહ્યો હતો. આ પવનોને કારણે આગ ઝડપથી અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.

પ્લેનમાંથી વાવાઝોડાની અસરનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરતા લોકો પણ ત્યારબાદ લાગેલી આગની તીવ્રતાથી ચોંકી ગયા હતા.

લહેના શહેર કે જે એક સમયે હવાઈ રાજ્યની રાજધાની હતું તેને આ આગથી ગંભીર નુકસાન થયું હતું. આ ઐતિહાસિક શહેરનાં લગભગ તમામ ઘરો હવે આગની લપેટમાં આવી ગયાં છે.

સેટેલાઇટ સંસ્થા આઈસીઈવાયઈએ ખુલાસો કર્યો છે કે અહીં 1500થી વધુ ઘરો બરબાદ થયાં છે. આ વિસ્તારમાં લગભગ બાર હજારથી વધુ લોકો રહે છે.

મોઈ શહેરમાં માત્ર એક દીવાદાંડી આગમાં બચી હતી. આગમાં તેની નજીકની અનેક ઇમારતો બળીને ખાખ થઈ ગઈ હતી.

122 વર્ષનો ઇતિહાસ ધરાવતી એક હોટલ પણ બળીને રાખ થઈ ગઈ હતી.

જેમ જેમ આગ ઝડપથી ફેલાઈ તેમ તેમ ઘણા લોકો નજીકના બંદર તરફ દોડ્યા. બચવા માટે શું કરવું તેની તેમને ખબર પડતી ન હતી તેથી તેઓ પાણીમાં ઊતર્યા અને આગથી બચી ગયા.

નિષ્ણાંતોનું અનુમાન છે કે મોઈ પ્રદેશમાં તાજેતરના દુષ્કાળ અને શુષ્ક હવામાનની સ્થિતિ પણ આ આગના ઝડપી ફેલાવાનું કારણ છે.

યુએસ ડ્રૉટ મોનિટરે જાહેર કર્યું છે કે હવાઈ રાજ્યનો 80 ટકા હિસ્સો શુષ્ક હવામાનનો અનુભવ કરી રહ્યું છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મ આ ટાપુ પર થયો હતો. તેમણે ટાપુમાં લાગેલી આગની ઘટનાને પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

"આટલા સુંદર ટાપુને છોડીને જવું એ કોઈપણ માટે દુઃખદાયક છે," તેમણે ટ્વિટર પર ટિપ્પણી કરી હતી.