You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૅસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયરમાં શું ફરક છે?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં સમલૈંગિક લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ખતમ ના કરી શકીએ પણ સમલૈંગિકોને પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે.
ભારતના ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે સમલૈંગિક લગ્નને લઈને પોતાનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે સમલૈંગિક લગ્નને માન્યતા ના આપતો હોવા માત્રથી સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ગેરબંધારણીય જાહેર ના કરી શકાય.
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર કોર્ટે કહ્યું છે કે જો સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ખતમ કરી દેવામાં આવે તો આ દેશ આઝાદી પહેલાંના યુગમાં જતો રહેશે. જો કોર્ટ કોઈ બીજો દૃષ્ટિકોણ અપનાવે અને સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં શબ્દ ઉમેરે તો એ કદાચ સંસદની ભૂમિકા હશે.
જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ અદાલત સંસદ કે રાજ્યોની વિધાનસભાઓને લગ્નની નવી સંસ્થા ઊભી કરવા માટે બાધ્ય ન કરી શકે. અદાલત સ્પેશિયલ મૅરેજ ઍક્ટ(વિશેષ વિવાહ અધિનિયમ)ને માત્ર એવા માટે ગેરબંધારણીય ન ઠેરવી શકેકારણ કે કે તેમાં સમલૈંગિક વિવાહને માન્યતા નથી આપવામાં આવી.
મુખ્ય ન્યાયાધીશે એવું પણ કહ્યું કે, "અદાલત કાયદાને સમજવાનું કામ કરે તે માટે સજ્જ નથી. "
અગાઉ સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક જાતીય સંબંધોને 'ગુના'ની શ્રેણીમાંથી હઠાવી દીધા છે.
એ મુજબ સહમતીથી બે વયસ્કો વચ્ચે બંધાયેલા સમલૈંગિક સંબંધોને 'ગુનો' નહીં ગણવામાં આવે.
કોર્ટ સમક્ષ આ માગ રજૂ કરનારા અરજદારોમાં લૅસ્બિયન, ગે અને ટ્રાન્સજેન્ડર જોડાઓ સામેલ છે. મૂળભૂત અધિકારોની આ ચર્ચાને વધુ સારી રીતે સમજવા માટે L, G, B, T, Q, I, A નો અર્થ સમજવો જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમલૈંગિક સમુદાયમાં સામેલ આ અલગઅલગ ઓળખ પાછળ બે પાસાઓ છે - શારીરિક ઈચ્છા અને શરીરના જનનાંગોનું બંધારણ.
તેનાથી જ જુદાજુદા સેક્સ્યુલ (લૅસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ) અને જાતીય ઓળખ (ટ્રાન્સજેન્ડર, ઇન્ટરસેક્સ) બને છે.
L - 'લૅસ્બિયન' : એ મહિલાઓ જે મહિલાને પસંદ કરે છે.
G - 'ગે' : એ પુરુષો જે પુરુષને પસંદ કરે છે.
સામાન્ય રીતે 'ગે' શબ્દનો ઉપયોગ સમગ્ર સમલૈંગિક સમુદાય માટે કરવામાં આવે છે એટલે કે 'ગે કૉમ્યુનિટી' અથવા તો 'ગે લોકો'
B - 'બાયસેક્સ્યુઅલ' : એ વ્યક્તિ જે પુરુષ અને મહિલા બંનેને પસંદ કરે છે. આ વ્યક્તિ મહિલા કે પુરુષ, કોઈ પણ હોઈ શકે છે.
T - 'ટ્રાન્સજેન્ડર' : એ વ્યક્તિ જેના જન્મ સમયે શરીરનાં ગુપ્તાંગોના આધારે તેમનું લિંગ નક્કી કરવામાં આવ્યું હોય, પણ સમજ કેળવ્યા બાદ તેઓ તેનાથી વિપરીત અનુભવતા હોય.
'ટ્રાન્સજેન્ડર વુમન' : જન્મ વખતે બાળકના ગુપ્તાંગના આધારે તેને પુરુષ માનવામાં આવે પણ સમય જતા તેમને લાગે કે તેઓ મહિલા છે.
'ટ્રાન્સજેન્ડર મૅન' : જન્મ વખતે ગુપ્તાંગના આધારે બાળકને મહિલા માની લેવામાં આવે પણ સમયાંતરે તેમને લાગે કે તેઓ પુરુષ છે.
પોતાની પસંદગી લૈંગિક ઓળખ માટે 'ટ્રાન્સજેન્ડર' લોકો 'હૉર્મોન રિપ્લેસમેન્ટ થૅરાપી' અને 'સેક્સ રિઅસાઇનમૅન્ટ સર્જરી' દ્વારા પોતાના ગુપ્તાંગોની બનાવટ બદલાવે છે. જેથી તેઓ જેવું અનુભવી રહ્યા છે, તેમનું શરીર પણ એવું જ હોય.
કોઈ પણ પુરુષ કે મહિલાની જેમ 'ટ્રાન્સજેન્ડર'ની શારીરિક ઇચ્છા પ્રમાણે તેઓ 'લૅસ્બિયન ટ્રાન્સજેન્ડર', 'ગે ટ્રાન્સજેન્ડર' અથવા તો 'બાયસેક્સ્યુઅલ ટ્રાન્સજેન્ડર' બની શકે છે.
ભારતના અલગઅલગ ભાગમાં રહેતાં ટ્રાન્સજેન્ડર્સનાં સ્થાનિક નામોમાં હિજડા, અરાવની, કોથી, શિવ-શક્તિ, કિન્નર અને જોગ્તી હિજડા સામેલ છે.
Q - 'ક્વિયર' : સૌથી પહેલાં આ શબ્દનો ઉપયોગ સમલૈંગિક સમુદાય પ્રત્યે ઘૃણા દર્શાવવા માટે થતો હતો.
હાલ સમુદાયના કેટલાક લોકો આ શબ્દને પાછો અપનાવી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે તેઓ પોતાની ઓળખ માત્ર પોતાની શારીરિક ઇચ્છાઓનાં 'લેબલ' સુધી સીમિત રાખવા માગતા નથી.
Q - 'ક્વૅશ્ચનિંગ' : એ વ્યક્તિ જે હાલ પોતાની લૈંગિક ઓળખ અને શારીરિક મહેચ્છાઓ નક્કી કરી શક્યા નથી.
I - 'ઇન્ટર-સેક્સ' : જન્મ સમયે જે વ્યક્તિઓનાં ગુપ્તાંગોથી એ સ્પષ્ટ નથી થતું કે તે છોકરી છે કે છોકરો.
ડૉક્ટરને એ વખતે જે સાચું લાગે છે, એ બાળકને તે જ લિંગનું માનવામાં આવે છે.
ઉંમર થયા બાદ તેને જે લાગે એ મુજબ ખુદને પુરુષ, મહિલા અથવા તો 'ટ્રાન્સજેન્ડર' માની શકે છે.
વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદામાં 'ટ્રાન્સજેન્ડર્સ'ને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી, જે અંતર્ગત તેમને નોકરીઓ, શિક્ષણ વગેરેમાં આરક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી.
A - 'ઍલાઇઝ' : એવા લોકો જે પોતે સમલૈંગિક નથી પરંતુ તે સમુદાયને સમર્થન આપે છે.
A - 'એસેક્સ્યુઅલ' : એ વ્યક્તિ જે કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રત્યે જાતીય આકર્ષણ ન ધરાવતી હોય.
P - 'પૅનસેક્સ્યુઅલ' : એ વ્યક્તિ જે કોઈની પણ પ્રત્યે જાતીય આકર્ષણ ધરાવતી હોઈ શકે છે પરંતુ તેમની પોતાની લૈંગિક અને સેક્સ્યુઅલ ઓળખ નક્કી હોતી નથી.