બિપરજોય વાવાઝોડું ટકરાઈ ગયા બાદ પણ ઝડપી પવન અને અતિભારે વરસાદ કેમ પડી રહ્યો છે?

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકી ગયું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીના દરિયાકિનારે તેની સૌથી વધારે અસર જોવા મળી છે.

15 જૂનના રોજ જ્યારે વાવાઝોડું દરિયાકિનારે પહોંચ્યું ત્યારે સાંજે 6 વાગ્યાનો સમય હતો. સમગ્ર વાવાઝોડું કચ્છની જમીન પર આવતા આવતા મધ્યરાત્રી થઈ ગઈ હતી.

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબીમાં થઈ છે અને ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે. કાચાં ઘરોને નુકસાન થયું છે.

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે અને હજી આગામી સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આજનો દિવસ હજી પણ કચ્છ પર જ આ વાવાઝોડું રહેશે અને તે બાદ ઉત્તર ગુજરાતની પાસેથી આગળ વધીને તેની બાકી રહેલી સિસ્ટમ રાજસ્થાન પર જતી રહેશે. વાવાઝોડું ટકરાયા બાદ પણ અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે.

વાવાઝોડું ટકરાયા બાદ પણ કેમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે?

કચ્છમાં જ્યારે વાવાઝોડું ટકરાયું ત્યારે તે અતિ પ્રચંડ વાવાઝોડું હતું અને તે સમયે પવનની ગતિ 115થી 125 કિલોમિટર અને વધીને 140 કિલોમિટર સુધીની હતી.

હવે એ વાવાઝોડું દરિયાની બહાર આવી ગયું છે અને જમીન પર આગળ વધી રહ્યું છે. પરંતુ હજી તે પ્રચંડ વાવાઝોડું છે. તેની પવનની ગતિ 85-95 અને વધીને 105 કિલોમિટર સુધી થવાની રહેવાની શક્યતા છે.

આજે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ તે ફરી નબળું પડશે અને વાવાઝોડામાં ફેરવાશે. તે બાદ પણ પવનની ગતિ લગભગ પ્રતિ કલાક 65-75 કિમી અને વધીને 85 કિમી સુધીની હશે.

કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ સૌથી વધારે હશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે. દ્વારકા, જામનગર અને મોરબીમાં પણ પવનની ગતિ 80થી 90 કિમીની આસપાસ બપોર સુધી રહે તેવી સંભાવના છે.

જે બાદ વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પવનની ગતિ ફરી ઘટશે. જોકે, હવે કોઈ પણ વિસ્તારોમાં પવનની ગતિ વધશે નહીં કેમ કે વાવાઝોડું નબળું પડી રહ્યું છે તે જમીન પર આવ્યા બાદ મજબૂત નહીં બને.

વાવાઝોડા બાદ પણ ભારે વરસાદ કેમ છે?

ઉપરોક્ત તસવીરમાં જેમ દેખાય છે તેવી રીતે વાવાઝોડાની આખી સિસ્ટમ હવે ગુજરાત ઉપર છે. તેનો મુખ્ય એટલે કે વચ્ચેનો ભાગ કચ્છ પર છે. વાવાઝોડાનો ઘેરાવો ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ફેલાયેલો છે.

વાવાઝોડાની સિસ્ટમમાં અનેક પ્રકારનાં વાદળો હોય છે અને તેમાં વરસાદ આપતાં વાદળો પણ રહેલાં છે. જેના કારણે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. આખી સિસ્ટમ હવે દરિયામાંથી બહાર નીકળી જમીન પર આવી ગઈ છે.

જેની તેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર થઈ રહી છે અને અનેક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે.

વાવાઝોડું હજી વિખેરાઈ ગયું નથી અને હજી તે મજબૂત સિસ્ટમની રૂપે આગળ વધી રહ્યું છે. જેથી આ બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

16 જૂનના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાંક સ્થળોએ થઈ શકે છે.

જ્યારે મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વાવાઝોડાને કારણે ક્યાં નુકસાન?

કચ્છના નલીયામાં બિપરજોય વાવાઝોડાએ એક રાતમાં જ જોરદાર તબાહી સર્જી દીધી છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌ પાસે ટકરાયેલા વાવાઝોડાની અસર હજી સુધી અહીં જોવા મળી રહી છે. રાત દરમિયાન નલીયામાં જોરદાર પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો.

વાવાઝોડાના પગલે અહીં મસમોટાં વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં હતાં અને વીજથાંભળા પણ પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે નલીયામાં શુક્રવારે વહેલી સવારે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠેકઠેકાણે નુકસાની થયા છે. નલીયાના એક પેટ્રોલપંપ પર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયું હતું.

નલીયામાં અનેક સ્થળોએ વાહનોને પણ નુકસાની થઈ હતી.

બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ગુરુવારે રાતે જ ટકરાઈ ચૂક્યું છે અને એની અસર હજી સુધી વર્તાઈ રહી છે.

શુક્રવારે વહેલી સવારથી જ થયેલી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

શુક્રવારે સવારે સાત વાગ્યા સુધીની સ્થિતિના આધારે એનડીઆરએફ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં માહિતી આપતા લખ્યું છે કે, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ એમ કુલ આઠ જિલ્લાના 442ગામો વાવાઝોડાથી અસરગ્રસ્ત છે.

વાવાઝોડા પહેલાં પોરબંદર અને રાજકોટમાં એક-એક લોકોનાં મૃત્યુ થયાં હતાં, જોકે વાવાઝોડાના લૅન્ડફોલ બાદ મૃત્યુ થયાની કોઈ વિગતો હજી સુધી આવી નથી.

આ વાવાઝોડાના પગલે 23લોકોને ઈજા થઈ છે. જે પૈકી દ્વારકામાં પાંચ, જામનગરમાં ચાર, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં બે, મોરબીમાં અને રાજકોટમાં એક-એક લોકોને ઈજા થઈ હોવાનું નોંધાયું છે.

હજી સુધી ગુજરાતમાં કોઈ પણ ઘર તૂટી પડ્યાં હોવાનું નોંધાયું નથી.

વાવાઝોડાના કારણે કુલ 24પશુઓનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. જેમાંથી નવ દેવભૂમિ દ્વારકામાં, પાંચ કચ્છમાં, પાંચ જામનગરમાં અને રાજકોટ તથા જૂનાગઢમાં એક-એક પશુનાં મૃત્યુ નોંધાયાં છે.

આ દરમિયાન 1,08,208 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.