બિપરજોય વાવાઝોડું કચ્છ પર ત્રાટક્યા બાદ ગુજરાતના આ જિલ્લાઓ પર ખતરો, અતિભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું અને તેણે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે.

વાવાઝોડાના પગલે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે.

ગુરુવાર માટે કરાયેલી આગાહી પ્રમાણે ત્રણ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગરમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાય રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આની અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં પણ જોવા મળશે, સાથે જ દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ વાવાઝોડાને પગલે હવામાન પલટાય એવી શક્યતા છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટિન પ્રમાણે આ વાવાઝોડાના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાની થવાની શક્યતા વધારે છે.

જોકે જ્યાં વાવાઝોડું ત્રાટક્યું તે કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ બીબીસી ગુજરાતીની જણાવ્યું કે "શુક્રવાર સવારે સાડા આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે ભારે પવન અને વરસાદ ચાલુ છે માટે સરવે અત્યારે શક્ય નથી. પરંતુ વૃક્ષો અને વીજળીના થાંબલા પડવાની ફરિયાદો મળી છે. માંડવીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે, જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી."

ગુજરાતના કયા જિલ્લામાં થશે અસર?

સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટિન પ્રમાણે બિપરજોય વાવાઝોડાને કારણે 15 જૂને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ જિલ્લાઓમાં ગુરુવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

આ સાથે પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાના કેટલાંક સ્થળોએ પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જૂને ઉત્તર ગુજરાત અને તેનાથી નજીકના દક્ષિણ રાજસ્થાનમાં મોટા ભાગનાં સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

આ સાથે આઈસીડીએસ વિભાગ દ્વારા અબડાસા તાલુકાનાં ગામોમાં લોકોને સૂચના આપવામાં આવી હતી.

તંત્ર દ્વારા લોકોને ભયભીત ન થવા અને અફવાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે, સાથે જ વાવાઝોડાનું સંકટ ટળી ન જાય ત્યાં સુધી મુસાફરી ન કરવાની સૂચના આપવામાં આવી હતી.

જે લોકો કાચાં કે પતરાંવાળાં મકાનોમાં રહે છે, તેમને પાકાં મકાનોમાં આશ્રય લેવાની સૂચના પણ આપવામાં આવી હતી, સાથે જ ઘરનાં બારી-બારણાંને ચુસ્તપણે બંધ રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત લોકોને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયા સુધી ચાલી શકે એટલાં પાણી, દૂધ, શાકભાજી, જરૂરી દવા, અનાજનો સંગ્રહ કરીને રાખવો.

પવન ફૂંકાય એ વખત એસી, ટેલિવિઝન, ફ્રિજ જેવાં ઇલેક્ટ્રિક સાધનોને બંધ રાખવાની સૂચના પણ અપાઈ હતી.

ગુજરાતમાં શું અસર થશે, ક્યાં-ક્યાં અસર થશે?

15 જૂને મોડી રાત્રે વાવાઝોડું ત્રાટક્યા બાદ ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં નુકસાન થયું છે. ઠેરઠેરથી વૃક્ષો પડી જવાં અને વીજળીના થાંભલા પડી જવાની તસવીરો આવી રહી છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચડાવમાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાનાં શહેરો દેવભૂમિ દ્વારાકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે.

હાલ મળી રહેલી માહિતી અનુસાર, બિપરજોય વાવાઝોડું ત્રાટકે ત્યારે 115-125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, એક તબક્કે 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ તે ધીમે-ધીમે વધુ નબળું પડતું જશે.

બિપરજોય વાવાઝોડા બાદ 16 જૂને સવારે પવનની ગતિ 50-60 કિલોમિટર પ્રતિ કલાકથી 70 કિલોમિટર પ્રતિ કલાકની થઈ જશે.

ઉત્તર ગુજરાતમાં શું અસર થશે?

બિપરજોય વાવાઝોડું જખૌ બંદર પરથી પસાર થયા પછી ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે ઉત્તર ગુજરાતમાં પવન ફૂંકાશે અને સાથે જ વરસાદ પડવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

તે ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ જેવા જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અને અરવલ્લીમાં કેટલાંક સ્થળોએ જોરદાર પવન ફૂંકાય એવી શક્યતા છે, ત્યાં મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાથી દૂરના મોટાભાગના જિલ્લામાં 35- 45 કિલોમિટર પ્રતિ કલાકથી 55 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં 55-65 કિલોમિટર પ્રતિ કલાકથી 75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

રાજસ્થાનમાં પણ જાહેર કરાયું રેડ ઍલર્ટ

બિપરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવના છે. જોકે આની અસર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળી શકે છે, અહીં હવામાનમાં પલટો આવે એવી શક્યતા છે.

આ સિવાય દક્ષિણ રાજસ્થાનના જિલ્લાઓમાં પણ હવામાન પલટાયું છે અને ત્યાં પણ અસર થવાની શક્યતા છે.

તંત્ર દ્વારા રાજસ્થાનના કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની પણ જાહેરાત કરી દેવાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવાર અને શનિવારે રાજસ્થાનના અમુક જિલ્લામાં વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.

બાડમેર અને જાલોરમાં શુક્રવાર માટે રેડ ઍલર્ટની જાહેરાત કરાઈ છે. જ્યારે જોધપુર, પાલી અને નાગોરમાં શનિવાર માટે રેડ ઍલર્ટ છે.

આ ઉપરાંત જયપુર, અજમેર અને ટૉન્ક જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ છે.