You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મેં શરીર છોડી દીધું અને...', મૃત્યુ નજીક પહોંચી ગયેલા લોકોએ શું જોયું, કેવા અનુભવ થયા?
"હું બિલ્ડર તરીકે નિષ્ફળ ગયો હતો. પૈસા ખૂટી પડ્યા હતા અને મારો ફ્લેટ જપ્ત થઈ જવાનો હતો."
ડેવિડ ડિચફિલ્ડના આ શબ્દો છે. તેઓ 46 વર્ષના હતા અને દારૂના રવાડે ચડી ગયા હતા. 2006ની આ વાત છે. યુકેની વ્યક્તિનું જીવન એ વખતે ડામાડોળ થઈ ગયું હતું.
હતાશ થઈને ડેવિડ કૅમ્બ્રિજશાયરની બહાર રહેતાં પોતાનાં બહેનને ત્યાં રહેવા જતા રહ્યા હતા. અહીં પોતાની એક મહિલા મિત્રને વળાવા સ્ટેશન ગયેલા ડેવિડ સાથે એક દુર્ઘટના ઘટી હતી. થયું એવું હતું કે ટ્રેનના દરવાજા બંધ થયા અને તેમના કોટનો છેડો તેમાં ફસાઈ ગયો.
ટ્રેન ચાલવા લાગી અને તેઓ પ્લેટફોર્મ ઢસડાયા અને પાટા ઉપર પડી ગયા. તેમને બહુ ઈજાઓ થઈ હતી અને એક હાથ ભાંગી ગયો હતો. તેમને બહુ ખરાબ હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમને બહુ અનોખો અને અણધાર્યો એવો આધ્યાત્મિક પ્રકારનો અનુભવ થયો.
પોતાના આ અનુભવ અંગે વાત કરતાં ડેવિડ જણાવે છે, "હું મારા શરીરની બહાર નીકળી ગયો હતો. હૉસ્પિટલની એ ધમાલથી હું દૂર થઈ ગયો. મારા શરીરમાં જે ભયાનક પીડા હતી તે બધી જ જતી રહી અને હું હવે કોઈ શાંત જગ્યામાં હતો."
"મેં ઉપર જોયું તો એક સરખી રીતે ગોઠવાયેલી પ્રકાશની ત્રણ રેખાઓ હતી અને ધીમેધીમે મને ઘેરી રહી હતી. એ જબરજસ્ત પ્રકાશમાન હતી અને તીવ્ર હતી, પણ બહુ પવિત્ર લાગી રહી હતી. હું તેની આરપાર જોઈ શકતો હતો અને મને અનુભૂતિ થઈ હતી કે પ્રકાશ મારા સમગ્ર શરીરમાંથી પસાર થઈ રહ્યો હતો અને મને સાજો કરી રહ્યો હતો."
કોઈ દેવદૂતોની હાજરી પણ ડેવિડેને વર્તાવા લાગી હતી. "મને લાગ્યું કે તેઓ મારા શરીરના ઘાવને સારા કરી રહ્યા હતા અને મારી જીવનમાં પીડાનાં જેટલાં સ્તર હતાં તે એક પછી એક ઉતરડી રહ્યા હતા. મારા અંતરાત્મા સુધી જાણે પહોંચી રહ્યા હતા. પ્રથમ વાર મને મારા સમગ્ર અસ્તિત્વનો અણસાર આવ્યો અને લાગ્યું કે જીવનભર તો હું જાણે અભિનય જ કરતો રહ્યો હતો."
છેલ્લે તબક્કે ડેવિડને જે અનુભૂતિ થઈ તે સૌથી ગહન હતી. તેઓ કહે છે કે જાણે તેઓ તારામંડળ અને ગ્રહમંડળની વચ્ચે વિહરી રહ્યા હતા. દૂર-દૂર અનંત સુધી જતી પ્રકાશની સફેદ ટનલ જોઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારા શરીરનો એક એક કણ જાણે આ સફેદ પ્રકાશની ટનલમાંથી આવી રહેલી પ્રેમની ઊર્જાથી કંપિત થઈ રહ્યો હોય તેવું મને લાગ્યું. મને ખ્યાલ આવ્યો કે જગતના સર્વ સર્જનના ઉદગમકેન્દ્રને હું જોઈ રહ્યો છું. ઈશ્વર એક વિશાળ પ્રકાશની ટનલ તરીકે ઉપસ્થિત હતા અને હું ભાવવિભોર થઈ ગયો હતો."
ડેવિડને થયેલાં આ આધ્યામિક અનુભવ અને જાગૃતિ થોડી વાર પૂરતાં નહોતાં રહ્યાં. તેમને એ અનુભવ સતત થતો રહ્યો. તેઓ કહે છે કે આત્મસંતોષ, હોવાપણાનો હેતુ અને બ્રહ્માંડની ઊર્જા સાથે એકાત્મનો અનુભવ તેમને સતત થઈ રહ્યો છે. તેઓ સાજા થઈ ગયા અને હાથ પણ ફરી કામ કરતો થઈ ગયો અને કહે છે કે હવે તેમને મૃત્યુનો જરાય ડર રહ્યો નથી.
ડેવિડ ક્યારેય સંગીત શીખ્યા નહોતા, પણ હવે તેઓ ક્લાસિકલ સિમ્ફની કમ્પોઝ કરતા થઈ ગયા હતા. પોતાને થયેલા અનુભવોને બહુ વિવિધરંગી ચિત્રોમાં ઉતારતા પણ રહ્યા છે. તેમના સંગીતના કાર્યક્રમો સ્થાનિક ધોરણે યોજવા લાગ્યા છે અને તેમનું એક પેઇન્ટિંગ વૉશિંગ્ટનના 'મ્યુઝિયમ ઑફ બાઇબલ'માં પણ પ્રદર્શિત કરાયું છે.
જોકે, પોતાના આ અનુભવને ડેવિડ ધાર્મિક ગણાવાને બદલે આધ્યામિક ગણાવવાનું વધુ પસંદ કરે છે.
આંતર જાગૃતિ
ટ્રાન્સપર્સનલ સાયકોલૉજિસ્ટ તરીકે કામ કરતા ડૉ. સ્ટીવ ટેયલર ભયાનક પીડા થાય અને તે વખતે જ અકથ્ય એવા આધ્યાત્મના અનુભવ થાય તે વચ્ચેની કડી પર સંશોધન કરે છે. તેઓ કહે છે કે ડેવિડને થયો એવો અનુભવ ઘણાને થયો છે. તેના કારણે ઘણા લોકો હવે આવા અનુભવ થાય તે પછી પોતાને આધ્યાત્મિક તરીકે ઓળખાવતા થયા છે.
"તમે મોતની સ્થિતિને બહુ નજીકથી જુઓ ત્યારે તે એટલી જબરી હોય છે કે તમને વાસ્તવનો એટલો તીવ્ર અનુભવ થાય છે, એટલી જબરી આંતર જાગૃતિ થાય છે કે તમે વાસ્તવિક જગતને જુદી જ દૃષ્ટિથી જોતા થઈ જાવ છો."
લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરતા ડૉ. ટેયલર કહે છે, "જીવનમાં સેક્યુલર વિચારસરણી ધરાવતા લોકોને આવા અનુભવ વધારે થાય છે અને આવા અલૌકિક અનુભવ પછીય તેઓ પરંપરાગત અર્થમાં ધાર્મિક પ્રકારની આસ્થા ધરાવનારી વ્યક્તિ થઈ જાય તેવું જરૂરી નથી હોતું."
તેઓ કહે છે કે કેટલાક લોકો તેને ધાર્મિક રીતે સમજાવવાની કોશિશ કરે છે, પણ તેઓ હંમેશાં કહેતા હોય છે કે તેને વ્યક્ત કરવું કે વ્યાખ્યા કરવાનું અઘરું હોય છે. તેઓ કોઈ નવી માન્યતામાં ઘેરાઈ જવાને બદલે બધી માન્યતાઓમાંથી મુક્ત થઈ જવાનું પસંદ કરતા હોય છે. લોકપ્રિય વૈજ્ઞાનિક થિયરીઓ પણ એવું કહે છે કે મગજને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય ત્યારે મોત આવી ગયું હોય તેવો અનુભવ થતો હોય છે.
જોકે આ માટે થયેલાં સંશોધનો અધુરાં છે અને તેમાં કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક તારણો નીકળ્યાં નથી એમ તેઓ કહે છે. આવી બાબતોની બહુ ચર્ચા પણ નથી થતી, કેમ કે સામાન્ય રીતે વિજ્ઞાન વાસ્તવિકતાને જે રીતે જુએ છે તેનાથી આ તદ્દન ભિન્ન બાબત લાગે છે.
ડૉ. ટેયલર કહે છે, "આ અનુભવો એવું દર્શાવે છે કે ચેતનનો અનુભવ એ માત્ર મગજમાંથી પેદા થતો અનુભવ નથી અને શરીરનું મૃત્યુ થઈ જાય તે પછી તેનો અનુભવ થઈ શકે છે."
અનંત ખાલીપો
આ પ્રકારના અનુભવોની ચર્ચા કરવા માટે લોકો આગળ નથી આવતા તેનો અનુભવ ગીગી સ્ટ્રેહલરને થયેલો છે. આ અભિનેત્રીએ 'નિયર-ડેથ એક્સપિરિયન્સ યુકે' નામનું ગ્રુપ 2014માં બનાવ્યું હતું. તેમને પોતાને પણ હૉસ્પિટલમાં લગભગ મોતનો આવો અનુભવ થયો હતો.
"મોટા ભાગે પ્રકાશની કોઈ ટનલ હોવાની વાત થતી હોય છે તેનાથી અલગ મને અત્યંત ખાલીપાનો અનુભવ થયો હતો. હું જાણે ક્યાં નહોતી અને કશામાં નહોતી. માત્ર શાંતિ અને પ્રેમ વ્યાપ્ત હતાં. હું ગીગી રહી નહોતી અને છતાં હું હતી. મારામાં હજુ પણ ચેતન હતું.
ગીગી કહે છે, "આ જગત કરતાં તે લોક વધારે ખાલી અને વાસ્તવિક લાગવા લાગ્યું, કેમ કે આ લોકમાં પરત ફર્યા પછી આ જગત વધારે સ્વપ્નવત લાગવા લાગે છે."
આ અનુભવ પછી ગીગી બહુ બદલાઈ ગયાં હતાં. તેમને ક્વૉન્ટમ ફિઝિક્સમાં સમજ પડવા લાગી. તેના કારણે ઘણાં વર્ષો સુધી એ શું છે તે સમજવા માટે તેમણે કોશિશ કરી. ધાર્મિક પરંપરામાં જવાબો શોધવાની કોશિશ કરી અને સાથે જ રહસ્યવાદમાં પણ તેનો ઉત્તર શોધવા કોશિશ કરી હતી.
જોકે ક્યાંકથી તેમને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આજેય ગીગી રૂઢિગત ધર્મ વિશે અસ્પષ્ટ જ રહ્યાં છે.
"મારા અનુભવે મને સમજાવ્યું કે દરેક પ્રકારની માનવીય કલ્પનાથી આપણું ચેતન અને અસ્તિત્વ અલગ છે. અને મને લાગે છે આપણે સૌ એકબીજા સાથે બહુ નીકટથી જોડાયેલાં છીએ."
ડેવિડ ડિચફિલ્ડ પણ એવું જ માને છે. તેઓ બહુ આધ્યાત્મિક બની ગયા છે અને ધાર્મિક પરંપરાઓનો આદર કરે છે, પણ પોતે એટલા ધાર્મિક બન્યા નથી.
આ પ્રકારના આધ્યાત્મિક અનુભવોની વાતો ડૉ. સ્ટીવ ટેયલરને આકર્ષતી રહી છે અને ડેવિડ અને ગીગીના અનુભવો અનોખા લાગે છે, પણ તેઓ સ્વીકારે છે કે આ એટલા રહસ્યમય છે કે મોટા ભાગના લોકો તેને સ્વીકારી શકતા નથી.
"આપણે માનવજાત તરીકે ગૌરવ અનુભવી છીએ કે આપણે વાસ્તવને સમજી શકીએ છીએ અને તેને વર્ણવી શકીએ છીએ, પણ હકીકતમાં એવું નથી. કેટલીક બાબતો એટલી વિચિત્ર છે કે આપણે તેને સમજી શકતા નથી."