ગુજરાત : બોરસદ, વડોદરા, ભરૂચમાં જળબંબાકાર, ભારે વરસાદથી લોકોને હાલાકી, નવનાં મોત

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, NIRAV KANSARA

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ભયંકર વરસાદ

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો ન હતો.

જોકે, 24 જુલાઈના રોજ ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કેટલાંક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

બોરસદ, વડોદરા, નર્મદા, પાદરા, ભરૂચ જેવા તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.

બોરસદમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકામાં પણ આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.

ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા અને ભરૂચ જિલ્લા કલેકટરે શાળાઓમાં ગુરુવારની રજાની જાહેરાત કરી હતી. સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે આશરે એક હજાર 300થી વધારે વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો...

ગુજરાતમાં વરસાદને કારણે નવ લોકોનાં મોત

ગુજરાત વરસાદ

ઇમેજ સ્રોત, ANI

રાજ્યના કુલ 74 તાલુકામાં 500 મી.મીથી વધારે વરસાદ નોંધાયો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બાબતે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના કુલ 74 તાલુકાઓમાં 500 મી.મીથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધારે 75.50 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 73.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

જોકે, સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. ઉત્તર ગુજારતમાં 26.71 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 31.38 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

પટેલે કહ્યું કે રાજ્યના 206 ડૅમો પૈકી 51 ડૅમને હાઈએલર્ટ પર, આઠ ડૅમને ઍલર્ટ પર અને 12 ડૅમોને વૉર્નિંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.

ગુજરાતના માહિતી ખાતાએ આપેલી વિગત પ્રમાણે, રાજ્યના સાત જિલ્લાઓમાં કુલ ચાર હજાર 238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 535 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં હાલમાં એસડીઆરએફની 20 અને એનડીઆરએફની 13 ટીમોને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળી પડવાથી અને કેટલાંક સ્થળે પાણીમાં તણાઈ જવાથી 23 જુલાઈના રોજ નવ લોકોનાં મોત થયાં હતાં. દેવભૂમિ દ્વારકામાં ત્રણ, બનાસકાંઠામાં બે, કચ્છમાં બે, રાજકોટમાં એક અને સુરતમાં એક એમ કુલ નવ મોત નોંધાયાં હતાં.

હવામાન વિભાગે માછીમારોને 24 જુલાઈથી 28 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કૅબિનેટ બેઠકમાં કરી સ્થિતિની સમીક્ષા

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત સરકારના માહિતી વિભાગે જણાવ્યું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્ય મંત્રીએ જિલ્લા પ્રભારી મંત્રીઓને ભારે વરસાદને કારણે જે જિલ્લાઓ અને વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ છે ત્યાં પહોંચવાની સૂચના આપી.

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ રાજ્યમાં ભારે વરસાદને કારણે જે રસ્તાઓ અને કૉઝ-વેનું ધોવાણ થયું છે તેની મરામત કરવાની સૂચના આપી હતી.

ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ક્યાં ઘટશે?

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, ANI

છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, દાહોદ, અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે. એ જ રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે. આ જિલ્લાઓમાં છુટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે.

અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં હાલ સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે, કેટલાક લોકોનાં વરસાદને કારણે મોત પણ થયાં છે.