ગુજરાતમાં મહિલાઓ ફાયરફાઇટર કેમ નથી બની શકતી?

ગુજરાત સહિત ભારતભરમાં ફાયરફાઇટરના કામમાં મહિલાઓની સંખ્યા જૂજ જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત ભારતભરમાં ફાયરફાઇટરના કામમાં મહિલાઓની સંખ્યા જૂજ જોવા મળે છે
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં સરકારી નોકરીઓમાં જ્યારે મહિલાઓ માટેની તકોની વાત કરવામાં આવે તો જે વિભાગમાં મહિલા કર્મચારીઓની અનુપસ્થિતિ અને ઉણપ સ્પષ્ટ દેખાઈ આવે તેવો એક વિભાગ છે – ફાયરવિભાગ.

રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં કાર્યરત્ અગ્નિશમન દળમાં સૌથી આગળ રહીને આગ સામે લડવાનું કાર્ય કરતાં ‘ફાયરમૅન’ના પદનું નામ બદલીને લૈંગિક સમાનતા દર્શાવવા ‘ફાયરફાઇટર’ કરી દેવામાં આવ્યું છે. જોકે આ પદ પર નોકરીની અરજી મંગાવવા માટેની જાહેરાતમાં પદનું નામ ‘ફાયરમૅન’ અને જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવે છે ‘ફક્ત પુરુષો માટે’.

આ મામલે કેન્દ્રસરકારની સૂચના છતાં, લાયક મહિલા ઉમેદવારોને આ પદ પર અરજી કરવા માટેની પાત્રતા પણ આપવામાં નથી આવી.

નોંધપાત્ર બાબત છે કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, કેરળ, તમિલનાડુ જેવાં રાજ્યોમાં મહિલાઓ અગ્નિશામક જવાન તરીકે સફળ રીતે કામ કરી રહી છે, પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી મહાનગરપાલિકાઓમાં ફાયરબ્રિગેડમાં કોઈ મહિલા ફાયરફાઇટર નથી. આ ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા વિશેષજ્ઞોના મતે અગ્નિશમન માટે મહિલાઓ પુરુષો જેટલી જ અસરકારક કામગીરી કરી શકે છે.

મહિલા મેયર છતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ જાહેરાત

ગુજરાત, ફાયર સેફ્ટી, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, 'ફક્ત પુરુષ ઉમેદવાર માટે' ની અખબારમાં પ્રકાશિત થયેલી જાહેરાત

ભારતમાં અગ્નિશમન ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે તથા ત્યારબાદ નોકરી મેળવવા માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા લાંબા સંઘર્ષનો ઇતિહાસ છે. હવે આ ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતમાં પણ પરિવર્તનનાં પરિણામરૂપે 32 નગરપાલિકાઓની ભરતીમાં મહિલાઓ માટે પદ અનામત રાખવાની શરૂઆત પણ થઈ છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડેપ્યુટી ફાયર ઑફિસરની પોસ્ટમાં મહિલા સીટ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ફાયર સબ ઑફિસરની પોસ્ટમાં મહિલાઓની ઊંચાઈ અંગે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ફાયરફાઇટરના 120 પદો પર ભરતીની જાહેરાતમાં "ફક્ત પુરુષો માટે" એવો સ્પષ્ટ ઉલ્લેખ કરી મહિલાઓ માટે ભરતીમાં ભાગ લેવાના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જાહેરાતમાં અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ છે.

રસપ્રદ બાબત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ મહિલા ફાયરફાઇટરને અરજી કરવાની છૂટ મળે તેવી જોગવાઈઓ કરવાની જવાબદારી પોતાના વિભાગની નહીં, પરંતુ બીજા વિભાગની હોવાનું કહીને આ મામલાથી પોતાને અલગ કરી લે છે.

એટલું જ નહીં, હાલ અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન છે અને તેમણે આ મામલે તેમને વધુ અભ્યાસની જરૂર હોવાનું જણાવ્યું છે.

એએમસીના અધિકારીઓએ શું જવાબ આપ્યો?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ ફાયરફાઇટરના પદ પર ભરતીના નિયમો જૂના હોવાની વાત કરી રહ્યા છે. જોકે, આ નિયમો અન્ય રાજ્યો અને ગુજરાતની નગરપાલિકાઓ દ્વારા બદલવામાં આવ્યા છે. પરંતુ AMC દ્વારા નિયમો બદલવા અંગેની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલનો જવાબ આપવાને બદલે અધિકારીઓ જવાબદારી એકબીજાને માથે નાખી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડ્મિન વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ફાયર વિભાગના ભરતીના રુલ્સ ઍન્ડ રેગ્યુલેશનમાં જ ફાયરમૅન માટે માત્ર પુરુષોની જ ભરતી કરવાનો ઉલ્લેખ છે. જેથી અમે ભરતીના એ રુલ્સ ઍન્ડ રેગ્યુલેશન મુજબ જાહેરાત આપી છે."

ભરતી અંગેનાં રુલ્સ અને રેગ્યુલેશન વર્ષો જૂનાં છે. તેમજ નગરપાલિકાઓમાં નિયમો બદલવામાં આવ્યા તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ અંગે કેમ વિચાર કરવામાં નથી આવ્યો? આ સવાલના જવાબમાં આર્જવ શાહે જણાવ્યું, “આ અંગે ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવાની હોય છે. અમને તો ફાયર વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવે તે મુજબ અમારે ભરતી પ્રક્રિયા કરવાની હોય છે.”

તો બીબીસી ગુજરાતીએ ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું, "અમારા વિભાગ દ્વારા અમારે કેટલા કર્મચારીની ઘટ છે, તે અંગેની આંકડાકિય માહિતી આપવાનું હોય છે. પરંતુ ભરતી અંગેના નિયમો કયા હશે? તે જોવાનું કામ ઍડ્મિન વિભાગનું છે."

તેમણે વધુમાં કહ્યું, "તેમજ જો ભરતી અંગેના નિયમોમાં બદલાવ કરવાનો હોય તો તે અંગે દરખાસ્ત કરવાનું કામ ઍડ્મિન વિભાગનું જ છે. ભરતી અંગેની જાહેરાત આપવાથી લઈ પરીક્ષા લેવાનું તેમજ નિમણૂક પત્ર આપવા સુધીનું કામ ઍડ્મિન વિભાગનું છે. અમારા વિભાગની આ મામલે કોઈ ભૂમિકા નથી."

ગુજરાત સરકારનો ફાયર વિભાગ શું કહે છે?

ગુજરાત, ફાયર સેફ્ટી, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત રાજ્ય ડાયરેક્ટર સ્ટેટ ફાયર વિભાગ દ્વારા બીબીસી ગુજરાતીને જણાવ્યા અનુસાર જિલ્લાનું વડું મથક હોય તેવી 32 નગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડ વિભાગમાં 672 કર્મચારીઓની ભરતી કરવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં અલગ અલગ પોસ્ટની ભરતી અંગેની જગ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં 12 જગ્યા ફાયરફાઇટર માટેની છે. તેમાંથી નિયમ મુજબ બે જગ્યા મહિલા માટે અનામત રાખવામાં આવી છે.

આ ઉપરાંત વિભાગના ડાયરેકટરે જણાવ્યા અનુસાર ફાયર વિભાગમાં ઊંચાઈ અંગેની લાયકાત 165 હતી. જેમાં મહિલાઓ માટે અલગ ઊંચાઈનો કોઈ ઉલ્લેખ નહોતો. પરંતુ વર્ષ 2021 સરકાર દ્વારા મહિલાઓ અને પુરુષોની ઊંચાઈની લાયકાતના સુધારા અંગે આ વિભાગ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જે અંગે વિભાગ દ્વારા અભિપ્રાય આપ્યો હતો કે મહિલાઓની ઊંચાઈ 165 નહી, પરંતુ 157 રાખવી જોઈએ. જે અંગે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સુધારો પણ કરવામાં આવ્યો છે.

નગરપાલિકાએ મહિલા ફાયરફાઇટર માટે જગ્યા અનામત રાખી

અમદાવાદ નજીક આવેલા ધોળકામાં નગરપાલિકા દ્વારા તેમના અગ્નિશમન વિભાગમાં મહિલાઓ માટે ફાયરફાઇટર પદ પર બે જગ્યા અનામત રાખવામાં આવી છે.

આ વિશે ધોળકા નગરપાલિકાના ચીફ ઑફિસર જતીન મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ધોળકા નગરપાલિકા વર્ષ 2021માં ફાયર વિભાગની ભરતી કરવામાં આવી હતી. જેમાં ફાયરફાઇટર-કમ-ડ્રાઇવરનાં બે પદને મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યાં હતાં. જોકે આ જગ્યાઓ પર કોઈ મહિલાઓએ અરજી કરી નહોતી. આ જગ્યાઓ ખાલી છે અને આ અંગે નજીકના ભવિષ્યમાં અમે બીજીવાર જાહેરાત આપવાના છીએ."

“મહિલાઓ ફાયર વિભાગમાં સારી કામગીરી કરે છે”

રાજેશ ભટ્ટ અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ઑફિસર તરીકે સેવા નિવૃત્ત થયા છે.

પોતાની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી અગ્નિશમનનાં વિવિધ ક્ષેત્રોમાં ગાળનારા રાજેશ ભટ્ટ માને છે કે ફાયર બ્રિગેડના તમામ વિભાગોમાં મહિલાઓ અસરકારક રીતે કામગીરી કરે જ છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “જે રાજ્યો દ્વારા ફાયર વિભાગમાં મહિલાઓની ભરતી કરવામાં આવી છે, તેમાં મહિલાઓની કામગીરી ખૂબ જ સારી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “મુંબઈ, કેરળ, તામિલનાડુ તેમજ ગોવામાં મહિલાઓ ફાયરબ્રિગેડના વિવિધ પદો પર વિવિધ જવાબદારીઓ નિભાવે છે. ફાયરફાઇટરથી શરૂ કરીને ફાયર ઑફિસર સુધીનાં પદો પર મહિલાઓ ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. મુંબઈ અને કેરળમાં તો ફાયર બ્રિગેડમાં તમામ સભ્યો મહિલાઓ જ હોય તેવી ફાયર ટીમ પણ છે.”

તેમણે જણાવ્યું, “ગુજરાતમાં હાલ કોઈપણ ફાયર વિભાગમાં એક પણ મહિલા કર્મચારી નથી. ફાયર વિભાગમાં મહિલાઓની ભરતી થાય અને વધુને વધુ મહિલાઓ જોડાય તે માટે જરૂરી સુધારા કરવા જોઈએ.”

કેવો હતો દેશનાં પ્રથમ મહિલા ફાયરફાઇટરનો સંઘર્ષ

ગુજરાત, ફાયર સેફ્ટી, મહિલાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Harshini kanhekar

ઇમેજ કૅપ્શન, દેશનાં પ્રથમ મહિલા ફાયર ઑફિસર હર્ષીની કાન્હેકર

દેશનાં પ્રથમ મહિલા ફાયર ઑફિસર હર્ષિની કાન્હેકર મહેસાણા ખાતે ઓએનજીસીમાં નોકરીમાં જોડાયાં હતાં. હાલ તેઓ ત્રિપુરામાં ઓએનજીસીમાં ફરજ બજાવી રહ્યાં છે.

હર્ષિની પ્રથમ મહિલા છે જેમણે નાગપુર ફાયર ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર એન્જિનિયરિંગના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “વર્ષ 2002માં દક્ષિણ એશિયાની એકમાત્ર ફાયર ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર એન્જિનિયરિંગના કોર્સમાં પ્રવેશ લેનાર હું ભારતની પ્રથમ મહિલા હતી. જ્યારે હું પ્રવેશનું ફૉર્મ ભરવા ગઈ ત્યારે ત્યાં હાજર સ્ટાફ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે આ પુરુષોની કૉલેજ છે. ત્યારે મેં એમને કહ્યું હતું કે કોર્સમાં પ્રવેશ માટે B.Sc.ની લાયકાત માગી છે, પુરુષ કે મહિલા એવું લાયકાતમાં જણાવેલ નથી. જેથી હું પ્રવેશ ફૉર્મ ભરીશ.”

તેમણે વધુમાં કહ્યું, “મેં પ્રવેશ પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પાસ કરીને કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાયર એન્જિનિયરિંગનો કોર્સ એ નિવાસી તાલીમ કોર્સ છે. પરંતુ મહિલા હૉસ્ટેલ ના હોવાને કારણે વિશેષ મંજૂરી મેળવીને મને ઘરે રહીને ભણવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે ખુશીની વાત એ છે કે હવે નાગપુર ફાયર એન્જિનિયરિંગ કૉલેજમાં મહિલાઓ ભણવાં આવી રહી છે અને તેમને માટે હૉસ્ટેલ પણ બનાવવામાં આવી છે.”

તેમણે ઉમેર્યું, “હવે કેટલાંય એવાં રાજ્યો છે જ્યાં ફાયર સર્વિસની દરેક પોસ્ટ પર મહિલાઓ કામ કરી રહી છે. જેથી ફાયર સર્વિસ એ માત્ર પુરુષોનો ઇજારો નથી રહ્યો. આશા રાખીએ કે જે રાજ્યો હજુ ફાયર વિભાગમાં મહિલાઓની ભરતી નથી કરી રહ્યાં, તેઓ પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારીને ભરતી કરવાની શરૂ કરે.

તેઓ કહે છે, ફાયર વિભાગમાં મહિલાઓ હોઈ શકે અને આ પ્રકારના કોર્સ કરી શકાય તે અંગે હજી લોકોમાં જાગૃતિ નથી. સરકારે એ માટે પણ પ્રયત્નો કરવા જોઈએ.

હર્ષિનીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારી માટેના ‘ફાયરમૅન’ના પદને કેવી રીતે ફાયરફાઇટર તરીકે ઓળખાવવા માટે કામ કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “અમે ફાયર વિભાગમાં કામ કરતી મહિલાઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી ‘ફાયરમૅન’ના પદને ‘ફાયરફાઇટર’ તરીકે ઓળખાવવાની માંગ કરી હતી. ખુશીની વાત એ છે કે કેન્દ્ર સરકાર તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મે 2024માં ‘ફાયરમૅન’ના પદને ‘ફાયરફાઇટર’ કહેવાનું નોટિફિકેશન બહાર પાડ્યું.”

કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા 28 જૂન 2024 ના રોજ "મહિલા ફાયરફાઇટરને સમાવવા માટે પદને નવું નામ"ના વિષય સાથે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર નાગપુર નેશનલ ફાયર કૉલેજમાં 25 અને 26 એપ્રિલના રોજ 44 મી "સ્ટેન્ડિંગ ફાયર ઍડ્વાઇઝરી કાઉન્સિલ"ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફાયર વિભાગમાં લૈંગિક સમાનતા લાવવા માટે ફાયરમૅન/લીડિંગ ફાયરમૅનને બદલે ફાયરફાઇટર/લીડિંગ ફાયરફાઇટર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. SFACની ભલામણનો અમલ કરવા અને આ સંબંધમાં લેવાયેલ પગલાંનો અહેવાલ સબમિટ કરવા અંગે જણાવવામાં આવ્યું છે.