ગુજરાત: 'અમારાં ઘરો, મંદિરો, સરકારી ઇમારતો, દરેક ચીજ રાતોરાત વેચાઈ ગઈ'

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું
ઇમેજ કૅપ્શન, જૂના પહાડિયા ગામની મહિલાઓ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, ગાંધીનગરથી

"અમારા ગામમાં અમારાં ઘરોથી લઈને મંદિરો, સરકારી ઇમારતો અને પાણીની ટાંકી સુધીની દરેક ચીજ રાતોરાત વેચાઈ ગઈ છે."

આ શબ્દો છે ગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામના રહેવાસી રાજુ ઝાલાના.

થોડા દિવસો પહેલાં જ તેમને જાણવા મળ્યું કે તેમનું આખું ગામ એક ખાનગી પાર્ટીને વેચી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં કથિત છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોના ઉપયોગ અને ગેરરીતિનો આ બેજોડ કિસ્સો છે જેમાં 700થી વધુ લોકોની વસતી અને 88 મકાનો ધરાવતું આખું ગામ એક ખાનગી પાર્ટીને વેચી નાખવામાં આવ્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

આ ગામને ધ્યાનથી જોતા જ ખબર પડશે કે અહીં ગ્રામજનોને સારી એવી પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે.

અહીં મોટા ભાગે સારી રીતે બંધાયેલાં સિમેન્ટનાં પાક્કાં મકાનો, સિમેન્ટના રસ્તા, પાણીની ટાંકી, શેરીની બાજુઓએ ઘણાં મંદિરો અને લગભગ દરેક ઘરની બહાર ભેંસો રાખવાના શેડ જોવા મળે છે.

પરંતુ આ ગામની લગભગ બે એકર જમીન એક ખાનગી પાર્ટીને 2 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી ત્યારે આ ગામ અચાનક મીડિયામાં ચર્ચામાં આવી ગયું છે.

આખેઆખું ગામે વેચાઈ જવાનો શું છે મામલો?

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું
ઇમેજ કૅપ્શન, ગામના આગેવાન રાજુભાઈ ઝાલા

13 જૂન, 2024ના રોજ ગાંધીનગર જિલ્લાની સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં આ સોદો નોંધવામાં આવ્યો હતો. જોકે, 13 જુલાઈ, 2024ના રોજ સબ-રજિસ્ટ્રાર દ્વારા આ ગામ વેચનારા સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજુ ઝાલાએ કહ્યું કે થોડા દિવસો પહેલાં જ તેમને ખબર પડી કે સબ-રજિસ્ટ્રારે એક સોદો રજિસ્ટર કર્યો છે જેમાં છ લોકોએ તેમનું આખું ગામ રાજકોટની એક વ્યક્તિને વેચી દીધું હતું.

તેઓ કહે છે, "અમે રજિસ્ટ્રારને કહ્યું કે અમારી પાસે જમીનનો કબજો છે અને આ સોદો કાયદેસર ગણી શકાય નહીં. તેથી સબ-રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ દાખલ કરી."

બીબીસીએ આ કેસમાં ફરિયાદી અને સબ-રજિસ્ટ્રાર વિશાલ ચૌધરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

જોકે, સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (એસડીએમ) બ્રિજેશ મોરિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, “આ ગામ અગાઉ મેસ્વો નદીના કિનારે આવેલું હતું, પરંતુ નદીનો પ્રવાહ બદલાતા આ ગામને નવી જમીન પર ખસેડવામાં આવ્યું હતું, જે જમીન રેકૉર્ડ મુજબ ભીખાજી સોમાજી ઠાકોરના નામે નોંધાયેલી છે."

આ જમીનના 7/12ના ઉતારા (જમીનની માલિકીનો દાવો કરવા માટેનો કાનૂની દસ્તાવેજ) મુજબ જમીનની માલિકી ભીખાજી ઠાકોરથી તેમના વંશજોના નામે ગઈ હતી.

હાલની એફઆઈઆરમાં છ આરોપીઓ ભીખાજી ઠાકોરના વારસદાર છે, જ્યારે સાતમા આરોપી જમીનના ખરીદનાર છે. મોરિયાએ વધુમાં જણાવ્યું કે, "આ જમીનના વારસદારોએ આ ગામની જમીન પર પોતાની માલિકી બતાવીને લોન પણ લીધી છે તેવું અમને જાણવા મળ્યું છે."

જોકે, હવે આ જમીનનો સોદો રજિસ્ટર થઈ ગયો છે. તેથી માત્ર ટ્રિબ્યૂનલ પાસે જ આ સોદો રદ કરવાની સત્તા છે, મહેસૂલ અધિકારીની કચેરી પાસે તેની સત્તા નથી.

મોરિયાએ જણાવ્યું કે, "અમે 24 જુલાઈ, 2024ના રોજ આ કેસની આગામી સુનાવણીમાં આ સોદો ડી-રજિસ્ટર કરીશું."

બીબીસી ગુજરાતી

જમીનની માલિકી કોની છે?

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું
ઇમેજ કૅપ્શન, ગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામમાં 700થી લોકોની વસ્તી છે અને 88 મકાનો છે

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સર્વે નંબર 142ની જમીન ભીખાજી ઠાકોરના નામે નોંધાયેલી હતી. તેમણે આ જમીન રામાજી પૂંજાજી, મેરાજી મંગાજી, વીરાજી ધુળાજી અને જેસંગજી પૂંજાજીને 1987માં રૂપિયા 12,001માં વેચી હતી.

જ્યારે જમીનનો એક ભાગ રાયસિંગજી જવાનજી તેમજ અન્યોને રૂપિયા 11,000થી રૂપિયા 12,000 વચ્ચેના ભાવે વેચી દીધો હતો.

રાજુ ઝાલાએ કહ્યું, “અમારા પરદાદાએ જમીન ખરીદ્યા પછી ત્યાં મકાનો બાંધ્યાં હતાં અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ નવી પેઢીઓ એ જ જમીન પર તેમનાં મકાનો બાંધવા લાગી. આજે આ જમીન પર 88 પરિવારો રહે છે.”

ભીખાજી ઠાકોરને ચાર સંતાન હતાં - કાંતાબહેન, કોકિલાબહેન, વિનોદકુમાર અને જસુજી ઠાકોર. જસુજી સિવાય તમામનાં નામ એફઆઈઆરમાં આરોપી તરીકે છે. અન્ય ત્રણ કથિત આરોપીઓ પાલીબહેન જસુજી, જયેન્દ્ર જસુજી અને નેહાબહેન જસુજી છે. આ તમામ જસુજીનાં સંતાનો છે અને ભીખાજીની ત્રીજી પેઢીના વંશજો છે.

જમીન ખરીદનારાઓની બીજી પેઢીના રંગતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "અમારી પાસે વેચાણખત સહિતના તમામ દસ્તાવેજો છે. આ એક સત્તાવાર ગામ છે, જ્યાં સરકારે પીએમ આવાસ યોજના હેઠળ મકાનો પણ બનાવ્યાં છે."

ગામનો સોદો કેવી રીતે પાડી દીધો?

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું

બીબીસી સાથે વાત કરતા એસડીએમે જણાવ્યું કે, રેવન્યુ રેકૉર્ડમાં આ જમીન ભીખાજીના વંશજોના નામે કરી દીધા બાદ તેમણે રાજકોટના જસદણના રહેવાસી અલ્પેશ હીરપરાને જમીન વેચી દીધી છે.

"તેમણે જમીનના ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. તેમાં તેમણે ખાલી જમીનના ફોટોગ્રાફ અસલ જમીન તરીકે રજૂ કર્યા અને રજિસ્ટ્રાર સાથે છેતરપિંડી કરી છે."

બીબીસીએ હીરપરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી ન હતી.

જોકે, બીજી બાજુ ગામના રહેવાસીઓએ સબ-રજિસ્ટ્રાર ઑફિસ પર છેતરપિંડી ઓળખી ન શકવાનો અને બનાવટી તસવીરોના આધારે જમીનનો સોદો રજિસ્ટર કરવાનો આરોપ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહેસૂલી કાયદા પ્રમાણે જમીનના સોદાની નોંધણી કરતી વખતે મિલકતના વાસ્તવિક ફોટોગ્રાફ રજૂ કરવાના હોય છે.

રાજુ ઝાલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "અમારા ગામમાંથી કોઈ વ્યક્તિ કોઈ કામ માટે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં ગઈ અને ત્યાં જોયું કે અમારું ગામ વેચાઈ ગયું છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે ખોટા ફોટોગ્રાફના આધારે વેચાણખત પર સહી કરવામાં આવી હતી."

“અમે અધિકારીઓને કહ્યું હતું કે સોદા પર સહી કરતી વખતે તેમને સબમિટ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ મુજબ તે ખાલી ખેતરની જમીન છે, પરંતુ વાસ્તવમાં સર્વે નંબર 142 એક ગામ છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જોકે, તેઓ આ બાબતે સહમત થયા અને પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી."

ગામના રહેવાસીઓનું હવે શું થશે?

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું
ઇમેજ કૅપ્શન, જૂના પહાડિયામાં બનેલી આ અનોખી ઘટનાથી ગામલોકો ચિંતામાં છે

મોરિયાના જણાવ્યા પ્રમાણે તેમની પાસે આ જમીનનો સોદો રદ કરવાની સત્તા નથી. આ કામ ફક્ત મહેસૂલ કોર્ટ દ્વારા જ થઈ શકે છે.

તેઓ કહે છે, “અમને રહેવાસીઓ તરફથી અરજી મળી છે અને મામલો સુનાવણી હેઠળ છે. સુનાવણીની આગામી તારીખ 24 જુલાઈ, 2024ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, તે દિવસે અમે સોદાને લગતા તમામ વ્યવહારો અટકાવીને ડીલને ડી-રજિસ્ટર કરીશું."

ગામના અન્ય એક રહેવાસી ભરત ઝાલાએ જણાવ્યું કે, "અમે વકીલનો સંપર્ક કર્યો છે અને અમે ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી માટે કોર્ટમાં અરજી કરીશું."

અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, "અમે અમારા નામ પર જમીન ઔપચારિક રીતે ટ્રાન્સફર કરવા માટે ભીખાજીના વંશજોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય અમારી વિનંતીનો જવાબ આપ્યો ન હતો અને તેમણે જમીન થર્ડ પાર્ટીને વેચવાનો પ્રયાસ કર્યો હતો."

રાજુ ઝાલાએ કહ્યું, "અમે રજિસ્ટ્રાર ઑફિસમાં અરજી કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં કોર્ટમાં અરજી કરીશું."

રાજકીય પ્રતિક્રિયા

ગાંધીનગર, જૂના પહાડિયા ગામ, આખું ગામ વેચાઈ ગયું

ઇમેજ સ્રોત, FB/Balrajsinh Chauhan

ઇમેજ કૅપ્શન, ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ

આ ઘટના બાદ ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

કથિત છેતરપિંડીની આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની વિરુદ્ધ IPCની કલમ 465, 467, 468, 471, અને 12(b) તેમજ રજિસ્ટ્રેશન એક્ટની કલમ 82 અને 83 હેઠળ કેસ નોંધ્યો છે.

જગદીશ ઠાકોર સહિતના કૉંગ્રેસી નેતાઓએ આ ઘટનામાં ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓની સંડોવણીનો આક્ષેપ કર્યો છે.

જગદીશ ઠાકોરે કહ્યું કે, "આ ઘટના ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચેની મિલીભગત અને ભ્રષ્ટાચાર દર્શાવે છે. જૂના પહાડિયાના લોકો સાથે અન્યાય થયો છે. તેના કારણે તેઓ હવે અનિશ્ચિતતા અને વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં આટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે જ્યાં કોઈ સુરક્ષિત નથી."

બીજી તરફ દહેગામના ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આ આરોપોને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યા હતા.

તેમણે જણાવ્યું કે સરકાર આ મુદ્દાને ઝડપથી ઉકેલવા અને અસરગ્રસ્ત ગામવાસીઓને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.

તેઓ કહે છે, "અમને ઘટનાની જાણ થતાં જ અમે તરત જ કાર્યવાહી કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મેં જૂના પહાડિયા ગામના લોકોને ખાતરી આપી છે કે તેઓને જમીન ટૂંક સમયમાં તેમના નામે પરત મળી જશે. હું જિલ્લા કલેક્ટર સાથે પણ સંપર્કમાં છું અને અમે ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવીશું."

જૂના પહાડિયામાં બનેલી આ અનોખી ઘટનાથી ગામલોકો ચિંતામાં છે.

જોકે ગામવાસીઓને આશા છે કે આ વિવાદનો ઝડપથી ઉકેલ આવશે અને તેઓ તેમનાં ઘર અને સામુદાયિક વારસાને બચાવી શકશે.