મુઝફ્ફરનગર: ઢાબા પરથી મુસ્લિમ કર્મચારીઓને હઠાવાયા, દુકાનદારો અને કાવડિયા શું કહે છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

મુઝફ્ફરનગર પાસે આવેલો બઝેડી બાયપાસ કે જે હરિદ્વાર તરફ જાય છે ત્યાં પંજાબી તડકા ઢાબા આવેલો છે. આ ઢાબાના માલિકો હિન્દુ અને મુસ્લિમ છે, બંને સાથે મળીને આ ઢાબો ચલાવે છે.

હવે આ ઢાબા પર પ્રોપરાઇટર (માલિક) સિવાય અહીં કામ કરનારા લોકોનાં નામ પણ લખેલાં છે.

અહીં કામ કરનાર એકમાત્ર મુસ્લિમ કર્મચારી શાહરુખને હવે અહીંથી હઠાવી દેવામાં આવ્યા છે.

ઢાબાના મૅનેજર પ્રવીણ કહે છે, “હવે અહીં માત્ર હિન્દુ કર્મચારી છે. જ્યારે વિવાદ વધ્યો ત્યારે શાહરુખ પોતે પણ એમ કહીને કામ છોડીને ચાલ્યા ગયા કે મારા કારણે અહીં કામ કરનારા બીજા લોકો કે ઢાબાના માલિકોને મુશ્કેલી ન પડે.”

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વહીવટીતંત્રે એક આદેશ જાહેર કર્યો છે કે કાવડયાત્રા દરમિયાન ખાદ્ય પદાર્થો સંબંધિત દુકાનો (જેમ કે ઢાબા, રેસ્ટોરાં, ફળ અને મીઠાઈની દુકાનો)ના માલિકોએ પોતાનાં અને પોતાને ત્યાં કામ કરનારા કર્મચારીઓનાં નામ દુકાન પર સાફ અને મોટા અક્ષરોએ લખવાનાં રહેશે.

જોકે, બાદમાં પોલીસે પણ એમ કહ્યું હતું કે લોકોને ‘સ્વેચ્છા’એ આમ કરવાનું કહ્યું છે.

બીબીસી ગુજરાતી
મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

પોલીસ અનુસાર, કાવડયાત્રા એક ધાર્મિક આયોજન છે અને એ દરમિયાન કોઈ પણ પ્રકારના ‘ભ્રમ’ની સ્થિતિ ન રહે અને અને લોકોને એમ ન લાગે કે તેમની ધાર્મિક ભાવના દુભાઈ છે. તેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ એ વિસ્તારની દુકાનોના માલિકોને લાગે છે કે આ આદેશ ‘મુસલમાનોને અલગ પાડવાનો પ્રયાસ’ છે.

આ આદેશની વધુ એક અસર એ સામે આવી છે કે હવે રસ્તાની સમાંતરે આવેલી મોટા ભાગની હોટલો અને ઢાબા પર હવે કોઈ મુસ્લિમ કામ કરનાર નથી.

કેટલાક લોકોએ નોકરી છોડી દીધી છે, કેટલાક લોકોને હઠાવી દેવામાં આવ્યા છે જ્યારે કેટલાક માલિકોનો તર્ક છે કે ‘માત્ર શ્રાવણ મહિના માટે કામચલાઉ ધોરણે આવું કરવામાં આવી રહ્યું છે.’

પરંતુ પોલીસ એવો દાવો કરી રહી છે કે ન તો પોલીસ કોઈ દુકાન પર ગઈ છે કે ન તો કોઈ દુકાનવાળાને પોતાને ત્યાં કામ કરનાર મુસ્લિમ કર્મચારીઓને હઠાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલો શું છે?

કાંવડ

ઇમેજ સ્રોત, Getty Images

દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો કાવડિયા હરિદ્વારથી પાણી લઈને જ્યારે પરત ફરે છે ત્યારે તેઓ મુઝફ્ફરનગરમાંથી પસાર થાય છે.

પોલીસ દલીલ કરે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેની ખાતરી કરવા માટે દુકાનના માલિકોને તેમની દુકાનોની બહાર પોતાનાં અને તેમના કર્મચારીઓનાં નામ લખવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસના આ આદેશ બાદ અહીંના મોટા ભાગના મુસ્લિમ દુકાનદારોએ દુકાન માલિકો અને કામદારોનાં નામ મોટા અક્ષરોમાં લખ્યાં છે.

ઘણા દુકાનદારોનું કહેવું છે કે તેમણે આ સ્વેચ્છાએ કર્યું હતું પરંતુ ઘણા લોકોએ દાવો કર્યો હતો કે પોલીસે તેમને આવું કરવા દબાણ કર્યું હતું.

હરિદ્વારથી આવતો મુખ્ય માર્ગ મદીના ચોક થઈને મુઝફ્ફરનગરમાં પ્રવેશે છે.

હવે અહીં લગભગ દરેક દુકાનની બહાર સફેદ બોર્ડ પર મોટા લાલ અક્ષરોમાં મુસ્લિમ દુકાન માલિકોનાં નામ લખવામાં આવ્યાં છે.

દિલ્હીથી હરિદ્વાર જતા હાઈવે અને શહેરના અન્ય વિસ્તારો અને માર્ગો પર પણ આવી જ સ્થિતિ છે.

મુઝફ્ફરનગરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક અભિષેકસિંહે કહ્યું છે કે દુકાનદારોને તેમનાં નામ સ્વેચ્છાએ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે.

વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ નજર આવે છે.

ખતૌલીમાં છેલ્લાં દસ વર્ષથી ‘લવર્સ ટી પૉઇન્ટ’ના નામે ચાલી રહેલી ચાની કીટલીનું નામ હવે ‘વકીલસાબ ચાય’ થઈ ગયું છે.

દુકાનના સંચાલક વકીલ અહમદ દાવો કરે છે કે તેમ છતાં પણ પોલીસને વાંધો હતો.

તેઓ કહે છે, “પોલીસના કહેવાને કારણે જ્યારે મેં મારી દુકાનનું નામ બદલીને વકીલસાબ કરી નાખ્યું ત્યારે પોલીસવાળા ફરીથી મારી પાસે આવ્યા અને કહ્યું કે આ નામથી તમારા મુસલમાન હોવાની તો ખબર જ પડી રહી નથી. તેમણે મને વકીલ અહમદ નામનું એક મોટું સાઇનબૉર્ડ લગાવવા માટે મજબૂર કર્યો.”

વકીલને પોતાની દસ વર્ષ જૂની દુકાનનું નામ બદલવા પર અફસોસ છે.

તેઓ કહે છે, “આ સ્પષ્ટપણે મુસ્લિમોને અલગ પાડવા માટે અને ધાર્મિક ભેદભાવને વધારવા માટેનો પ્રયાસ છે. પરંતુ અમારે તો વેપાર કરવાનો છે, પ્રશાસન સામે અમે શું કરી શકીએ.”

મુઝફ્ફરનગરના જ ભંગેલા ગામમાં હાઈવે પર ચાની દુકાન ચલાવતા આસીફનો દાવો છે કે જ્યારે તેમણે સાઇનબૉર્ડ ન લગાવ્યું તો પોલીસ તેમને ઉઠાવીને સ્ટેશને લઈ ગઈ અને જેલમાં નાખવાની પણ ધમકી આપી.

આસીફ કહે છે કે, “સ્થાનિક સાંસદ હરેન્દ્ર મલિકે હસ્તક્ષેપ કર્યો ત્યાર પછી મને પોલીસસ્ટેશનથી છોડવામાં આવ્યો. પરંતુ છોડતાં પહેલાં પોલીસે મારી દુકાન પર પણ મોટું બૅનર લગાવી દીધું.”

મુસ્લિમ કર્મચારીઓને હઠાવવાની સલાહ

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

અનેક ઢાબા અને તેના માલિકો એવો દાવો કરે છે કે પોલીસની ટીમો તેમના ઢાબા પર આવી હતી અને મુસ્લિમ કર્મચારીઓને હઠાવવા માટે કહ્યું હતું.

આ ઢાબા પાસેના અન્ય એક ઢાબાના હિન્દુ માલિક કહે છે, "થોડા દિવસો પહેલાં પોલીસ આવી હતી અને ત્યાં કોઈ મુસ્લિમ કામ કરે છે કે કેમ તે પૂછ્યું હતું. મેં કહ્યું કે મારી સાથે કોઈ નથી, પછી પોલીસ સૂચના આપીને જતી રહી કે કોઈ મુસ્લિમને કામ ન આપતાં, નોકરીએ રાખશો નહીં."

આ ઢાબાના સંચાલક પહેલાં મુસ્લિમ વ્યક્તિ હતી. પરંતુ ગત વર્ષે થયેલા વિવાદ બાદ તેમણે પોતાનો ઢાબા બંધ કરી દીધો હતો. હવે એક હિન્દુ માલિક તેને ચલાવી રહ્યા છે.

હવે નવા હિંદુ માલિકો કહે છે કે, "જેઓ મુસ્લિમ છે તેમના કામ પર અસર પડી છે. જેઓ અમારા જેવા હિંદુ માલિકો છે તેમનું કામ તો હજુ ચાલી જ રહ્યું છે."

મૅનેજર સહિત ચાર મુસ્લિમ કર્મચારીઓને પોતાના ઢાબામાંથી કાઢી મૂકનાર માલિક કહે છે, "તમે અમારી સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો, અમે કોઈ પ્રકારનો વિવાદ ન થાય તે ઇચ્છીએ છીએ."

વીડિયો કૅપ્શન, કાવડયાત્રામાં વચ્ચે આવતી દુકાનોમાંથી મુસલમાનોને દૂર કરાયા, શું થયો વિવાદ?

પોલીસ શું કહી રહી છે?

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

મુઝફ્ફરનગરના એએસપી અભિષેકસિંહે આ આરોપોનો જવાબ ન આપ્યો.

તેમણે કહ્યું હતું કે, “પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે, તે સિવાય અમારે કંઈ જ કહેવું નથી.”

વળી શહેરના ખતૌલી વિસ્તારમાં અનેક દુકાનમાલિકોએ આરોપ લગાવ્યો છે કે તેમની દુકાનમાંથી બળજબરીપૂર્વક મુસ્લિમ કર્મચારીઓને હઠાવવાનું કહેવામાં આવ્યું.

જ્યારે ત્યાંના એસએચઓએ કહ્યું હતું કે, “પોલીસ કોઈ દુકાન કે ઢાબા પર ગઈ નથી અને ન તો તેણે મુસ્લિમ કર્મચારીઓને હઠાવવા માટે તેમને મજબૂર કર્યા છે.”

કઈ રીતે શરૂ થયો આ વિવાદ?

હોટલ સંચાલકોનાં નામ જાહેરમાં રાખવાનો આ વિવાદ ગત વર્ષે ત્યારે શરૂ થયો હતો જ્યારે સ્થાનિક હિંદુ ધર્મગુરુ સ્વામી યશવીરે હિંદુ દેવી-દેવતાઓના નામે ચાલતા મુસ્લિમ માલિકોના ઢાબાને બંધ કરવાની માગણી સાથે ઝુંબેશ શરૂ કરી હતી.

સ્વામી યશવીરની ઝુંબેશ પછી વહીવટીતંત્રે એવી ઘણી હોટલો પર કડકાઈ દાખવી હતી કે જેનાં નામ હિંદુ હતાં પરંતુ માલિક મુસ્લિમ હતા.

આ અભિયાન ચલાવી રહેલા સ્વામી યશવીરનું કહેવું છે કે, "મુસ્લિમો ખોરાકને અશુદ્ધ કરે છે જેથી કરીને હિંદુઓની આસ્થા સાથે ચેડાં થઈ શકે. ગત વર્ષે જ્યારે અમે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે મુસ્લિમોના ઢાબા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ વખતે અમે પ્રશાસનને કહ્યું હતું કે અમને મુસ્લિમો સાથે કોઈ સમસ્યા નથી પણ તેમણે તેમનાં નામ મોટા અક્ષરોમાં લખવા જોઈએ, જેથી કરીને હિંદુ પ્રવાસીઓ સમજી વિચારીને તેમની જગ્યાએ રોકાય."

આ અભિયાનથી સમાજમાં ભેદભાવ પણ પેદા થઈ શકે છે તેવા સવાલ પર યશવીર કહે છે, "જે દુકાનમાં તેઓ ખાવા જઈ રહ્યા છે તેના માલિકનું નામ જાણવું એ હિંદુઓનો અધિકાર છે. અમારી માગણીને કારણે પ્રશાસને આ સુનિશ્ચિત કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે આ સમગ્ર ઉત્તર પ્રદેશ અને ભારતમાં આવું કરવામાં આવે. જેથી કરીને ખાદ્ય પદાર્થોની દુકાનો ચલાવનારાઓનાં નામ જાહેર કરવામાં આવે.”

યશવીરનો દાવો છે કે તેઓ મુસ્લિમ વેપારીઓની વિરુદ્ધમાં નથી.

તેઓ કહે છે, "કાવડ પ્રવાસીઓને ખબર હોવી જોઈએ કે તેઓ કોની પાસેથી સામાન ખરીદી રહ્યા છે."

યશવીર કહે છે, "જો મુસ્લિમોની દુકાનો પર હિન્દુઓ ન જાય તો તેમની રોજગારી પર અસર પડતી હોય તો, અમારે તેમની રોજગારીને જોવાની નથી, અમારે તો ધર્મની પવિત્રતા પહેલા જોવાની છે."

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

બઝેડી ગામના રહેવાસી વસીમ અહમદ છેલ્લાં નવ વર્ષોથી ગણપતિ ઢાબા ચલાવી રહ્યા હતા. પરંતુ ગત વર્ષે થયેલા વિવાદ પછી તેમણે પોતાનો ઢાબા વેચી નાખશે.

તેઓ કહે છે, “મારું નામ વસીમ અહમદ છે. આજકાલ કેટલાક લોકો પોતાનું રાજકારણ અને ઍજન્ડાને આગળ વધારવા માટે, ચર્ચામાં આવવા માટે અમારા જેવા લોકો સામે પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે. હું 2014માં ગણપતિ ઢાબા ચલાવી રહ્યો હતો. ગત વર્ષે પોલીસ ટીમ મારી પાસે આવી ગઈ અને મારું નામ પૂછ્યા પછી તેમણે કહ્યું – તમને ઢાબાનું નામ ગણપતિ રાખવાનો અધિકાર કોણે આપ્યો? મેં કહ્યું કે દેશના બંધારણે મને વેપાર કરવાનો અધિકાર આપ્યો છે.”

વસીમ અહમદનો દાવો છે કે તેમના ઢાબાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના પછી તેમને તેમના ઢાબા વેચવાની ફરજ પડી હતી.

હિંદુ ભાગીદારો સાથે ઢાબા ચલાવતા મુસ્લિમ ઢાબામાલિકોને પણ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

પંજાબ તડકા ઢાબાના માલિક નાઝીમ ત્યાગી કહે છે, "ગત વર્ષે વિવાદ થયા પછી બહુ મોટું નુકસાન થયું હતું, અમે વિચાર્યું હતું કે અમે નુકસાનની ભરપાઈ કોઈ રીતે કરીશું, હવે આ નવો ઑર્ડર આવ્યો છે."

નાઝીમ ત્યાગી કહે છે, "અમારા ઢાબા પર કોઈ ધાર્મિક પ્રતીક નથી. પરંતુ કેટલીક વાર જ્યારે ગ્રાહકોને ખબર પડે છે કે માલિક પણ મુસ્લિમ છે, તો તેઓ ટેબલ પર બેઠા પછી પણ ઊભા થઈ જાય છે. પહેલાં અમને ખરાબ લાગતું હતું પણ હવે પછી અમે વિચારીને ધીરજ રાખી છે. જેને જ્યાં ખાવું હશે ત્યાં ખાશે અને જે અમારા ભાગમાં હશે એ અમને મળશે."

કાવડિયાઓ શું કહી રહ્યા છે?

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, વસીમ અહમદ

કાવડયાત્રા 22મી જુલાઈથી શરૂ થશે. પરંતુ લાંબા અંતર સુધી કાવડ લઈને જતાં કે ભારે કાવડ લઈને જતા કાવડયાત્રીઓએ ચાલવાનું શરૂ કરી દીધું છે.

આકાશ ભોલા બસ્સો કિલો વજનની કાવડ લઈને જઈ રહ્યા છે. તેમની સાથે ચાલતાં વિશાલ પણ 100 કિલોની કાવડ ઉપાડીને જઈ રહ્યા હતા. તેઓ થોડાં ડગલાં ચાલ્યા પછી અટકી જાય છે.

આકાશ કહે છે, "પરિવારમાં શાંતિ અને ખુશી માટે અમે આટલો મોટો બોજ ઉઠાવી રહ્યા છીએ."

નામના વિવાદ પર વિશાલ કહે છે, "દુકાન હિંદુની છે કે મુસ્લિમની છે તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. અહીં દરેક લોકોનું સન્માન કરીએ છીએ. સામાન ખરીદતી વખતે અમે કોઈનું નામ જોઈશું નહીં. આ હિન્દુ-મુસ્લિમની વાત માત્ર રાજકારણ માટે છે. કોઈ કહી શકે કે કયું લોહી હિંદુનું છે અને કયું મુસલમાનનું?"

છેલ્લાં 18 વર્ષથી કાવડ લઈને જતાં હિમાંશુ 47 કિલો વજનની કાવડ લઈને જઈ રહ્યા છે. તેઓ 'બોલ બમ બમ' કહીને આગળ વધી રહ્યા છે.

હિમાંશુ કહે છે, "હું 18 વર્ષથી કાવડને ઉપાડીને જઈ રહ્યો છું અને જીવનભર આમ કરતો રહીશ. જ્યારે હું કાવડ સાથે ઘરે પહોંચું છું ત્યારે ત્યારે મારા મનને શાંતિ મળે છે."

નામના વિવાદ પર હિમાંશુ કહે છે, "કાવડ અમારા માટે ખૂબ જ પવિત્ર છે, અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે અમારી આસ્થા સાથે રમત ન થાય. સ્વચ્છતા હોવી જોઈએ. મને કોઈ મુસ્લિમ સાથે વાંધો નથી. મુસ્લિમની દુકાનમાંથી સામાન મને ગમશે તો હું ખરીદીશ. આમ કરવાથી મારી કાવડ ખંડિત નહીં થાય, જ્યારે ઘણા મુસ્લિમો રસ્તામાં જય ભોલેનો નારો લગાવે છે ત્યારે મને સારું લાગે છે."

કાવડયાત્રાના માર્ગ પર એક સમૂહને સાથે લઈને ચાલતાં કાવડયાત્રી સોનુ શર્મા કહે છે, "અમને કોઈની સામે વાંધો નથી અને કોઈને અમારી સામે વાંધો નથી. અમે કાવડ લઈને પવિત્ર ભાવનાથી જઈ રહ્યા છીએ. આ જે થઈ રહ્યું છે તેની પાછળ રાજકારણ છે. હું માનું છું કે સામાન્ય લોકોએ આ બધામાં સામેલ થવું ન જોઈએ."

બઝેડી બાયપાસ પાસે રાશિદ એ ચાની નાનકડી દુકાન ચલાવે છે. તેમની પાસે બૅનર બનાવવાના પૈસા ન હોવાથી તેમણે સફેદ ચાર્ટ પર હાથથી મોટા અક્ષરોમાં પોતાનું નામ લખ્યું છે.

રાશિદ તેમના પરિવાર સાથે ઝૂંપડીમાં રહે છે. ડઝનબંધ કાવડયાત્રીઓ તેની દુકાને રોકાઈને ચા પી રહ્યા છે.

રાશિદ કહે છે, "હું 12 વર્ષની ઉંમરથી લોકોની સેવા કરી રહ્યો છું. મને આ સારું લાગે છે. મારી દુકાને રોકાવામાં કોઈને કોઈ સમસ્યા નથી."

કાવડને સોનીપત લઈ જઈ રહેલા દીપક શર્મા અહીં પોતાના ગ્રૂપ સાથે રોકાયા છે. તેઓ કહે છે, "અમે ધર્મના કામમાં રોકાયેલા છીએ. અમારા મનમાં કોઈ ભેદભાવ નથી. સમાજમાં ભેદભાવ ખતમ કરવો એ જ ધર્મ છે. જો આપણે હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ રાખીશું તો આપણા ધર્મમાં શું બાકી રહેશે?"

‘માહોલ ખરાબ કરવાની કોશિશ’

મુઝફ્ફરનગર, કાંવડિયા, મુસ્લિમ, બીબીસી ગુજરાતી

મુઝફ્ફરનગરમાં દર વર્ષે કાવડયાત્રીઓ માટે કૅમ્પનું આયોજન કરતી 'પૈગામ-એ-ઇન્સાનિયત' સંસ્થા આ વખતે કૅમ્પનું આયોજન નહીં કરે.

સંસ્થાના પ્રમુખ આસીફ રાહી કહે છે, "અમે દર વર્ષે કૅમ્પ યોજીને કાવડયાત્રાના શ્રદ્ધાળુઓની સેવા કરતા હતા, પરંતુ આ વખતે અગમચેતીનાં પગલાં તરીકે અમે કૅમ્પનું આયોજન નથી કરી રહ્યા. દૂર-દૂરથી આવતાં કાવડયાત્રીઓ અમારા કૅમ્પમાં રોકાતા હતા. તેઓ જાણતા હતા કે અમે મુસ્લિમ છીએ. તેમ છતાં પણ તેઓ અમારી સાથે રોકાતા હતા અને અમારા પ્રેમને આગળ ફેલાવતા હતા. પરંતુ આ વખતે માહોલ અલગ છે. અમારા મનમાં પણ અનેક પ્રકારની શંકાઓ છે.”

રાહી આગળ કહે છે કે, “ભૂતકાળમાં રમખાણોને સહન કરી ચૂકેલા મુઝફ્ફરનગરની આ બદકિસ્મત છે કે અહીંથી સમાજને વહેંચવાની એક નવી શરૂઆત થઈ છે. ગંગા-જમુની તહેજીબને ખતમ કરવામાં આવી રહી છે. એ ખરીદનારની પસંદ છે કે તે રામચાટ ભંડારની ચાટ ખાય કે આરિફ પાસેથી ફળ ખરીદે. પરંતુ એવું લાગી રહ્યું છે કે કેટલીક તાકાતો લોકોની આ પસંદગી પર પણ પ્રહાર કરવા માગે છે. આ નવી પરંપરા અનુસારનાં પરિણામો સમાજ માટે ઠીક નહીં રહે.”

(મુઝફ્ફરનગરથી અમિત સૈનીએ આ રિપોર્ટમાં સહયોગ આપ્યો છે.)