You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંજૂ, સૂર્યા અને હાર્દિકની ઝમકદાર બેટિંગે ભારતને બાંગ્લાદેશ સામે અપાવી જીત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયર ખાતે પહેલી ટી-20 મૅચ રમાઈ હતી, જેમાં યજમાન દેશે મહેમાન ટીમને સાત વિકેટે પરાજય આપ્યો છે.
બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમ સામે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જવાબમાં મેદાનમાં ઊતરેલી ભારતીય ક્રિકેટ ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 11 ઓવર અને પાંચ બૉલમાં 132 રન ફટકાર્યા હતા.
આમ ત્રણ ટી-20 મૅચની સિરીઝમાં ભારતે 1-0થી સરસાઈ મેળવી લીધી છે. આગામી ટી-20 મૅચ દિલ્હી ખાતે રમાશે.
આ પહેલાં ભારતે ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી પરાજય આપ્યો હતો.
બાંગ્લાદેશની ઇનિંગ
ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 19 ઓવર અને પાંચ બૉલમાં 127 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશની શરૂઆત સારી નહોતી રહી અને પાવરપ્લૅના અંતે બે વિકેટે 40 રન ઉપર હતું.
મિરાઝ હસને 32 બૉલ રમીને બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ 35 રન ફટકાર્યા હતા, જ્યારે કૅપ્ટન નજમુલ હુસૈને શાંતોએ 25 બૉલમાં 27 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત તરફથી અર્શદીપસિંહ તથા વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી.
નીતીશ કુમાર રેડ્ડી અને મયંક યાદવે ભારત તરફથી પહેલી ટી20 મૅચ રમી. રેડ્ડીએ બે ઓવર ફેંકી હતી અને તેમને કોઈ વિકેટ નહોતી મળી, જ્યારે યાદવ એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ભારતીય ઇનિંગ અને વિજય
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 39, સંજુ સૅમસન તથા સૂર્યકુમાર યાદવે 29-29 રન કર્યા હતા.
પંડ્યાએ 16 બૉલ રમીને 39 રન કર્યા હતા, જ્યારે પહેલી મૅચ રમનારા ઑલરાઉન્ડર રેડ્ડીએ 15 બૉલમાં 16 રન ફટકાર્યા હતા. બંનેએ 24 બૉલમાં અણનમ 52 રનની ભાગીદારી કરી હતી.
ભારત તરફથી ત્રણ વિકેટ લેનારા અર્શદીપસિંહને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
મૅચ પછી અર્શદીપસિંહે કહ્યું, "હું જેવી રીતે બૉલિંગ કરવા માગતો હતો, એવી રીતે બૉલિંગ નહોતો કરી શક્યો. અહીં બૉલિંગ કરીને મને લાગ્યું કે તમે જેટલું વધુ રમો, એટલો વધુ અનુભવ મળે છે."
આ પહેલા ભારતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી કબજે કરી હતી. પહેલી ટેસ્ટ મૅચ ચેન્નાઈ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે 280 રને વિજય મેળવ્યો હતો.
બીજી ટેસ્ટ મૅચ કાનપુરમાં રમાઈ હતી, જેને યજમાન દેશે સાત વિકેટે જીતી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત આવતા પહેલાં બાંગ્લાદેશે પાડોશી દેશ પાકિસ્તાનનો પણ પ્રવાસ ખેડ્યો હતો. જ્યાં તેણે યજમાન દેશ સામે ટેસ્ટ સિરીઝમાં ક્લિનસ્વીપ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન