યશસ્વીની 'ઝંઝાવાતી બેટિંગ' સામે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ કેમ ધરાયાશી થઈ ગઈ?

યશસ્વી જયસ્વાલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુરુવારે જયપુરના સવાઈ માધોસિંહ ઇનડૉર સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે યોજાયેલા મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સનો 32 રને વિજય થતાં ટીમ પૉઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ હતી.

રાજસ્થાનની જીતના હીરો રહ્યા બેટર યશસ્વી જાયસવાલ. જેમણે માત્ર 43 બૉલમાં 77 રનની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 202 રને પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.

નોંધનીય છે કે આ જીત સાથે ન માત્ર રાજસ્થાન રૉયલ્સ વાપસી કરવામાં સફળ રહી પરંતુ પૉઇન્ટ ટેબલ પર પણ પોતાનો સિક્કો જમાવી દીધો.

ગ્રે લાઇન

યશસ્વીની ‘ઝંઝાવાતી બેટિંગ’

યશસ્વી જાયસવાલ સહિત જૉસ બટલરની ‘ઝંઝાવાતી ઇનિંગ્સ’ની મદદથી રાજસ્થાન રૉયલ્સની ટીમ ચેન્નાઈ સામે મસમોટું લક્ષ્ય મૂકવામાં સફળ રહી હતી.

આઇપીએલની 37મી મૅચમાં ટૉસ જીતીને રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજૂ સૅમસને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જાયસવાલ અને બટલરે યોગ્ય પણ સાબિત કરી બતાવ્યો.

બંને બેટરોએ રાજસ્થાન રૉયલ્સને અત્યંત ઝડપી શરૂઆત અપાવી.

ચેન્નાઈની ટીમ તરફથી બૉલિંગની શરૂઆત કરનાર આકાશસિંહના પ્રથમ જ ઓવરમાં જાયસવાલે ત્રણ ચોગ્ગા ફટકારી પોતાની ઇનિંગ્સ આક્રમક રહેવાનાં એંધાણ આપી દીધાં હતાં.

તુષાર દેશપાંડે જ્યારે બીજી ઓવર માટે આવ્યા તો સામે છેડે બટલરે પણ આક્રમક રમતનું પ્રદર્શન કરીને તેમના ઓવરમાં દસ રન ફટકારી દીધા.

આગામી ઓવરમાં પણ જાયસવાલ રનોનો વરસાદ કરતા રહ્યા. તેમણે ત્રીજા ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક શાનદાર છગ્ગા સાથે 18 રન બનાવી લીધા. આમ, માત્ર ત્રણ ઓવરમાં જ રાજસ્થાનનો સ્કોર 42 રન પર પહોંચી ગયો હતો.

ચેન્નાઈના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ રાજસ્થાનના બેટરોનો અંદાજ પારખીને તરત જ બૉલિંગ બદલાવ કર્યો. આગામી ઓવર મહીશ તીક્ષણાને અપાઈ.

આ ઓવરમાં તીક્ષણાનો એક બૉલ જાયસવાલના પૅડ પર લાગ્યો. તરત જ અમ્પાયરને લેગ બિફોર વિકેટ માટે અપીલ કરાઈ, પરંતુ અમ્પાયર સંમત ન થતાં, ચેન્નાઈની ટીમે રિવ્યૂ લીધો.

પરંતુ રિવ્યૂમાં પણ જાયસવાલને નૉટ આઉટ જાહેર કરાતાં રાજસ્થાનની ટીમ અને જાયસવાલે રાહતનો શ્વાસ લીધો.

જો જાયસવાલ આ સ્થિતિમાં ભાગ્યશાળી ન રહ્યા હોત તો કદાચ રાજસ્થાનની ટીમ આટલો મોટો સ્કોર બનાવવામાં સફળ ન રહી શકી હોત જેની ચોક્કસપણે પરિણામ પર અસર થઈ શકી હોત.

યશસ્વીએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવવાનું આગળ પણ ચાલુ રાખ્યું. તેમણે પાંચમી ઓવરના બીજા બૉલે છગ્ગો ફટકારી રાજસ્થાનના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો.

ગ્રે લાઇન

જાયસવાલ-બટલરની નિર્ણાયક પાર્ટનરશિપ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાવરપ્લેની અંતિમ ઓવરમાં બટલરે બે ચોગ્ગા ફટકાર્યા અને રાજસ્થાનની ટીમનો સ્કોર 10.66ની સરેરાશ સાથે 64 રન થઈ ગયો.

પાવરપ્લે સુધી આ ઇનિંગમાં દસ ચોગ્ગા અને બે છગ્ગા જોવા મળ્યા હતા.

ધોનીએ પાવરપ્લે બાદ તરત જાડેજાને બૉલિંગની કમાન સોંપી. પરંતુ તેમની ઓવરમાં જાયસવાલે અર્ધ સદી પૂરી કરી લીધી.

અર્ધ સદી કરવા જાયસવાલે 26 બૉલનો સામનો કર્યો હતો.

આખરે જાડેજાને રાજસ્થાનની ટીમની ઑપનિંગ જોડીને તોડવામાં સફળતા મળી. નવમી ઓવરના બીજા બૉલે તેમણે 27 રનના વ્યક્તિગત સ્કોરે જૉસ બટલરને પેવેલિયનભેગા કર્યા.

પરંતુ એ સમય સુધી બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ ચૂકી હતી.

આક્રમક અંદાજમાં પોતાની ઇનિંગ્સ આગળ વધારી રહેલા જાયસવાલને ઇનિંગ્સની 14મી ઓવરે તુષાર દેશપાંડેએ આઉટ કર્યા.

યશસ્વી જાયસવાલે 77 રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

યશસ્વી જાયસવાલની વિકેટ પડી એ સમયે રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 132 રનનો થઈ ચૂક્યો હતો.

જાયસવાલ પહેલાં આ જ ઓવરમાં તુષાર દેશપાંડએ રાજસ્થાનના કપ્તાન સંજૂ સૅમસનને પેવેલિયનભેગા કર્યા હતા.

17મા ઓવરમાં તીક્ષણાએ શિમરૉન હેટમાયરને આઉટ કર્યા. હેટમાયર દસ બૉલ પર આઠ રન બનાવી શક્યા હતા.

અંતિમ ઓવરોમાં ધ્રુવ જુરેલે પણ ચોગ્ગા, છગ્ગા ફટકાર્યા અને માત્ર 15 બૉલ પર 34 રનની ઝંઝાવાતી ઇનિંગ્સ રમી. આ સિવાય રાજસ્થાન તરફથી દેવદત્ત પડિક્કલ 23 રન બનાવીને અણનમ રહ્યા.

ઇનિંગના અંત સુધી રાજસ્થાન રૉયલ્સની ટીમ પોતાના બેટરોના પ્રદર્શનના દમે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 202 રન કરી શકી હતી.

ચેન્નાઈના બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો તુષાર દેશપાંડેને સૌથી વધુ બે વિકેટ મળી. તેમજ મહીશ તીક્ષણાની ઓવરમાં સૌથી ઓછા રન બન્યા.

તેમને ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ખેરવવામાં સફળતા મળી હતી. સામેની બાજુએ રવીન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 32 રન આપીને જૉસ બટલરની મહત્ત્વપૂર્ણ વિકેટ ખેરવી હતી.

બીબીસી ગુજરાતી
  • જયપુર ખાતે રમાયેલી આઇપીએલની આ સિઝનની 37મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈની ટીમને 32 રને હરાવી હતી
  • આ જીત સાથે રાજસ્થાનની ટીમ પૉઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ હતી
  • રાજસ્થાન રૉયલ્સ તરફથી ઝંઝાવાતી બેટિંગનું પ્રદર્શન કરીને યશસ્વી જાયસવાલ જીતના નાયક સાબિત થયા હતા
  • સામે છેડે બૉલિંગમાં રાજસ્થાનના એડમ જૅમ્પાના પ્રશંસનીય પ્રદર્શનને કારણે ચેન્નાઈની ટીમ લક્ષ્યની નજીક પણ પહોંચી શકી નહોતી
બીબીસી ગુજરાતી

ચેન્નાઈના બૅટરો ન બતાવી શક્યા દમ

203 રનના લક્ષ્યના જવાબમાં ચેન્નાઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત ધીમી રહી હતી.

શરૂઆતના 22 બૉલમાં માત્ર 15 જ રન બની શક્યા હતા. જોકે ચોથી ઓવરમાં બે બૉલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકારીને ઋતુરાજ ગાયકવાડે ટીમ પરથી દબાણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન રાજસ્થાન રૉયલ્સના બૉલર એડમ જૅમ્પાએ પાવરપ્લેના અંતિમ ઓવરના અંતિમ બૉલે ડેવન કૉવને આઉટ કર્યા.

ચેન્નાઈનો સ્કોર આ તબક્કે છ ઓવરમાં 42 રનનો હતો.

જોકે સામેના છેડેથી ઋતુરાજ ગાયકવાડ સતત આક્રમક બેટિંગનું પ્રદર્શન કરીને રન ફટકારતાં રહ્યા. પરંતુ જૅમ્પાએ દસમા ઓવરમાં તેમને પણ પેવેલિયનભેગા કરીને ચેન્નાઈની ટીમ પર દબાણ લાવી દીધું.

ગાયકવાડે માત્ર 29 બૉલમાં 47 રન બનાવ્યા હતા. બીજી જ ઓવરમાં રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈની ટીમને ડબલ ફટકો આપ્યો.

તેમણે પહેલાં અજિંક્ય રહાણે અને પછી અંબાતિ રાયુડૂને આઉટ કર્યા. 11 ઓવર સુધી ચેન્નાઈનો સ્કોર ચાર વિકેટના નુકસાને 73 રન સુધી જ પહોંચી શક્યો હતો.

બીબીસી ગુજરાતી

દુબે- મોઇનની પાર્ટનરશિપે જગાવી આશા

આ તબક્કેથી મોઇન અલી અને શિવમ દુબે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું શરૂ કર્યું.

13મા ઓવરના અંતિમ બે બૉલે મોઇન અલીએ છગ્ગો અને તે બાદ ચોગ્ગો ફટકાર્યો. તો સામે છેડેથી શિવમ દુબેએ અશ્વિનની આગામી ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને પોતાનો દમ બતાવ્યો.

બંને વચ્ચે માત્ર 25 બૉલમાં 50 રનની પાર્ટનરશિપ થઈ.

મોઇન અને દુબેએ પાંચમી વિકેટ માટે 200ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી. પરંતુ આ દરમિયાન જ જૅમ્પા ફરી ત્રાટક્યા. તેમણે મોઇન અલીને 23 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરીને ખતરનાક દેખાતી આ પાર્ટનરશિપને તોડી.

તે બાદ જાડેજા બેટિંગ કરવા ઊતર્યા, પરંતુ રાજસ્થાનના બૉલરોએ તેમને આક્રમક રમતનું પ્રદર્શન કરવાની તક ન આપી.

આ તબક્કે શિવમ દુબેએ પણ માત્ર 29 બૉલમાં અર્ધ સદી ફટકારી દીતી. પરંતુ અહીં સુધી ચેન્નાઈની ટીમની રન એકઠા કરવાની ગતિ ખૂબ જ ધીમી સાબિત થઈ. અંતિ ઓવરમાં ચેન્નાઈને જીત માટે 37 રનોની જરૂરિયાત હતી પરંતુ ટીમ માત્ર ચાર જ રન બનાવી શકી.

આમ આ સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે સતત બીજી મૅચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને માત આપી.

મૅચના અંતિમ બૉલે શિવમ દુબે પણ 52 રન બનાવીને આઉટ થઈ ગયા.

રાજસ્થાનના 203 રનના લક્ષ્ય સામે ચેન્નાઈની ટીમ છ વિકેટના નુકસાને માત્ર 170 રન જ બનાવી શકી.

રાજસ્થાનની ટીમના બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો એડમ જૅમ્પાએ માત્ર ત્રણ જ ઓવર કરીને ત્રણ વિકેટ ખેરવીને ચેન્નાઈને બૅકફૂટ પર લાવી દીધું હતું.

ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પણ અનુક્રમે બે અને એક વિકેટ લઈને જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન