વડા પ્રધાન મોદી મણિપુર અને 'ભારતમાતાની હત્યા'ના નિવેદન પર શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો.

વડા પ્રધાને સંબોધન કરતા કૉંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેઓ મણિપુરની ઘટના અંગે પણ બોલ્યા હતા.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે સાંજે સદનની કાર્યવાહી ખતમ થયા પહેલાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવાની જાહેરાત કરી છે.

વિપક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવ મણિપુરના મુદ્દા પર લાવ્યો હતો.

પીએમ મોદી તરફથી જવાબ આપ્યા બાદ લોકસભા સ્પીકરે આ મુદ્દે ધ્વનિમતથી મતદાન કરાવ્યું, બાદમાં પ્રસ્તાવ ફગાવવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ લોકસભામાં મણિપુર અંગે પણ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે "જો તેમણે મણિપુરના વિષય પર ગૃહમંત્રીની વાત પર ગંભીરતા દાખવી હોત તો તેમણે દરેક સંભવિત મુદ્દા પર ચર્ચા કરી હોત."

"મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બે કલાક સુધી વિગતવાર સમજાવ્યું અને દેશની ચિંતા વ્યક્ત કરી હતી."

પીએમ મોદીએ કહ્યું કે "વિપક્ષનો પસંદગીનો નારો છે કે મોદી તારી કબર ખોદાશે. આ મને ટોણો મારે છે. આવું કેમ છે. સદનમાં આજે એક સિક્રેટ જણાવું છું. વિપક્ષને વરદાન મળ્યું છે કે જેનું બૂરું ઇચ્છશે, તેનું ભલું થશે. એક ઉદાહરણ હું જ છું. 20 વરસમાં શું શું નથી કર્યું, પણ બધું ભલું જ થતું ગયું."

કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પીએમ મોદી પર એક ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું, "ધન્યવાદ વડા પ્રધાનજી, આખરે તમે મણિપુર હિંસા પર સદનમાં પોતાની વાત મૂકી. અમને વિશ્વાસ છે કે મણિપુરમાં શાંતિ ઝડપથી આવશે, રાહતશિબિરોમાંથી લોકો ઘરે આવશે. તેમનો પુનર્વાસ થશે, તેમની સાથે ન્યાય થશે. તમે તમારો રાજહઠ અને અહંકાર પહેલા ત્યાગી દીધો હોત તો સંસદનો કિંમતી સમય બચી જાત. મહત્ત્વના વિધેયક સ્વસ્થ ચર્ચાથી પાસ થાત."

તેમણે કહ્યું, "અમને તકલીફ એ વાતની થઈ કે મણિપુર જેવા મહત્ત્વના મુદ્દા પર વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ જેવા સંસદીય હથિયારનો ઉપયોગ કરવો પડ્યો. પણ તમે સંસદનો ઉપયોગ પણ ચૂંટણી રેલીના રૂપમાં કર્યો."

વડા પ્રધાન મોદી મણિપુર અને 'ભારતમાતાની હત્યા'ના નિવેદન પર શું બોલ્યા?

પીએમ મોદીએ કહ્યું, "અમિતભાઈએ ગઈ કાલે વિગતવાર જણાવ્યું કે મણિપુરમાં કોર્ટનો નિર્ણય આવ્યો. અમે જાણીએ છીએ કે કોર્ટમાં શું ચાલી રહ્યું છે. તેની તરફેણ અને વિરોધમાં જે સંજોગો સર્જાયા છે."

પીએમ મોદીએ કહ્યું, "હિંસાનો યુગ શરૂ થયો છે. ઘણા પરિવારોને આમાં મુશ્કેલી પડી. ઘણા લોકોએ તેમના નજીકના અને પ્રિયજનોને પણ ગુમાવ્યા. મહિલાઓ સાથે ગંભીર દુષ્કર્મ થયાં. આ ગુનો અક્ષમ્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ગુનેગારોને સખત સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. હું દેશના તમામ નાગરિકોને આશ્વાસન આપવા માગું છું કે જે રીતે પ્રયાસો ચાલી રહ્યા છે, શાંતિનો સૂરજ ચોક્કસપણે ઊગશે."

પીએમ મોદીએ કહ્યું, "હું મણિપુરના લોકોને પણ વિનંતી કરવા માગું છું. હું ત્યાંની માતા-પુત્રીઓને કહેવા માગું છું કે દેશ તમારી સાથે છે. આ ઘર તમારી સાથે છે. આપણે સાથે મળીને આ પડકારનો ઉકેલ શોધીશું. ફરીથી શાંતિ થશે. હું મણિપુરના લોકોને ખાતરી આપું છું કે મણિપુર ફરી એક વાર ઝડપથી વિકાસના માર્ગ પર આગળ વધે તે માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં."

રાહુલ ગાંધીએ મણિપુરમાં 'ભારત માતા અને હિન્દુસ્તાનની હત્યા'ની વાત કરી હતી.

આના પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે "સત્તા વિના લોકોના શું હાલ થાય છે. મા ભારતી વિશે જે કહેવાયું છે, એણે દેશને આંચકો આપ્યો છે."

સાંભળો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન શું શું બોલ્યા?

વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશની જનતાએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, એમનો આભાર માનવા માટે આવ્યો છું.

"2018માં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પણ એ તેમનો પોતાનો જ ફ્લોર ટેસ્ટ છે. થયું પણ એવું જ. વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેઓ જમા ન કરી શક્યા."

"એટલું જ નહીં પણ 2019માં જનતાએ પણ એમના માટે નો કૉન્ફિડન્સ જાહેર કરી દીધો. એનડીએ અને ભાજપ બંનેને વધુ બેઠકો મળી."

"એટલે કે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. એનો અર્થ કે વિપક્ષે નક્કી કરી લીધું છે કે 2024માં એનડીએ અને ભાજપને ભારે બહુમતી અપાવી દીધી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, "મને વિશ્વાસ છે કે જ્યારે 2028માં વિપક્ષ અમારી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવશે, ત્યારે અમે દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જાશું."

  • સરકાર વિવિધ બિલ લઈને આવી છે. ડેટા પ્રોટેક્શન સહિતનાં મહત્ત્વનાં બિલ લવાયાં છે. પરંતુ વિપક્ષે રાજનીતિને પ્રાથમિકતા આપી અને આવાં બિલો પર ચર્ચા જ ન કરી. તેમને ગામડાની પ્રજાના ભવિષ્યની ચર્ચા કરવામાં કોઈ રુચિ નથી.
  • તેમને જનતાએ જે કામ માટે મોકલ્યા છે તેની સાથેનો આ વિશ્વાસઘાત છે. વિપક્ષનું આચરણ દેશ નહીં પણ દળ છે.
  • તેમને ગરીબની ભૂખ નહીં પણ સત્તાની ભૂખ છે. તેમને તેમના જ રાજકીય ભવિષ્યની ચિંતા છે. પોતાના કટ્ટરભ્રષ્ટ સાથીની શરત પર મજબૂર થઈને આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભેગા થયા.
  • તેમને 2018માં કીધું હતું કે તૈયારી કરીને આવજો પણ તમે તૈયારી ન કરી.
  • કૉંગ્રેસ પાસે ન નીતિ છે, ન નિયત છે, ન વિઝન છે, ન વૈશ્વિક અર્થજગતની સમજ છે અને ન તો ભારતીય અર્થજગતની તાકતની ખબર છે.
  • કૉંગ્રેસને પરિવારવાદ પસંદ છે, દરબારવાદ પસંદ છે.
  • પાકિસ્તાન સીમા પર હુમલો કરતું હતું, અમારે ત્યાં ગમે ત્યારે આતંકવાદીઓ મોકલતા હતા. પાકિસ્તાન કોઈ જવાબદારી લેતું નહોતું. તેમનો પાકિસ્તાન પર એવો ભરોસો તો કે તેઓ તેમની વાત પર વિશ્વાસ કરી લેતા હતા.
  • આજે દુનિયામાં કોઈ ભારત માટે અપશબ્દ બોલે તો તરત પકડાઈ જાય છે.
  • દેશ મજબૂત થવાનો છે, અમે તો મજબૂત થઈ રહ્યા છીએ.
  • આ એવો લોકો છે, જેમને દેશનાં સામર્થ્ય, પરિશ્રમ પર વિશ્વાસ નથી.
  • વિપક્ષમાં સાંભળવાની ધીરજ નથી. જૂઠું બોલો અને ભાગી જાઓ. આ વિપક્ષની રમત છે.
  • વિપક્ષમાં બોલવાની તો હિંમત છે, પરંતુ તેમની પાસે સાંભળવાની ક્ષમતા નથી.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

છેલ્લા બે દિવસથી સંસદગૃહમાં વિપક્ષ અને શાસકપક્ષ વચ્ચે મણિપુર સહિતના મુદ્દાઓ પર તીવ્ર ચર્ચાઓ અને નિવેદનબાજી થઈ રહી છે.

સંસદમાં સભ્યપદ બહાલ થયા બાદ પહેલીવાર રાહુલ ગાંધી સંસદની અંદર બોલ્યા અને તેમણે સરકારને મણિપુરના મુદ્દે ઘેરી હતી. એની સામે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને ગૃહમંત્રી અમિત શાહે પણ વિપક્ષના પ્રહારોનો વળતો જવાબ આપ્યો હતો. પણ વિપક્ષની માગ છે કે વડા પ્રધાન મોદી ખુદ મણિપુર મુદ્દે સંસદના જવાબ આપે.

જોકે, સંસદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ગુરુવારે એટલે કે આજે વડા પ્રધાન મોદી સંબોધન કરશે.

સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે.

આ અગાઉ ચર્ચાના બીજા દિવસે અટલે કે ગતરોજ બુધવારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં બોલ્યા હતા. સંસદમાં સભ્યપદ બહાલ થયા બાદ પહેલીવાર રાહુલ ગાંધી સંસદની અંદર બોલ્યા હતા અને તેમણે સરકારને મણિપુરના મુદ્દે ઘેરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, "કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો હતો. આપણા પીએમ હજુ સુધી નથી ગયા, કેમ કે તેમના માટે મણિુપર હિંદુસ્તાન નથી." રાહુલના ભાષણ દરમિયાન કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, 'દેશવાસીઓનો અવાજ સંસદમાં'

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મણિપુરની એક રાહતછાવણીમાં એક મહિલાને મળ્યા હતા અને એ મહિલા પોતાના બાળકના મૃતદેહ સાથે આખી રાત ઊંઘ્યાં હતાં. જેના પર સત્તાપક્ષે કહ્યું કે 'તમે ખોટું બોલી રહ્યા છો.' એનો જવાબ આપતાં રાહુલ બોલ્યા, "ખોટું હું નહીં, તમે લોકો બોલી રહ્યા છો."

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું, "આમણે મણિપુરમાં હિંદુસ્તાનની હત્યા કરી છે. મણિપુરમાં તેમણે હિંદુસ્તાનની કતલ કરી નાખી છે."

પોતાના ભાષણની શરૂઆત કરતાં રાહુલે કહ્યું, "પહેલાં મેં જ્યારે અદાણીનું નામ લીધું હતું ત્યારે તમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દુખ પહોંચ્યું હતું. આજે ડરવાની જરૂર નથી. હું આજે અદાણી પર નથી બોલાવાનો. રૂમીએ કહ્યું હતું કે જે શબ્દો દિલમાંથી નીકળે છે તે દિલ સુધી પહોંચે છે. હું દિલથી બોલીશ."

તેમણે એવું પણ કહ્યું, "આમણે માત્ર મણિપુરની જ નહીં, હિંદુસ્તાનની પણ કતલ કરી છે."

રાહુલ ગાંધી બીજું શું બોલ્યા?

"મણિપુરના લોકોની હત્યા કરીને તમે ભારત માતાની હત્યા કરી છે. તમે આવું કરીને દેશદ્રોહ કર્યો છે અને એ જ કારણે પીએમ મોદી મણિપુર નથી જતા. એક મા મારી અહીં બેઠી છે અને બીજી માને તમે મણિપુરમાં મારી છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે 'ભારત જોડો યાત્રા'માં તેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા અને આ દરમિયાન 25 કિલોમીટર ચાલવું તેમના માટે મોટી વાત હતી. કેમ કે તેઓ રોજ 10 કિલોમીટર દોડે છે અને આ તેમનો અહંકાર હતો.

તેમણે કહ્યું, "ભારત અહંકારને મિટાવી દે છે, કેમ કે બે -ત્રણ દિવસમાં મારા ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો. જ્યારે પણ આ ભય (ઘૂંટણને લઈને) વધતો હતો ત્યારે કોઈને કોઈ શક્તિ આવી જતી હતી. એક દિવસ એક બાળકી આવીને મને ચીઠ્ઠી આપી ગઈ અને કહેવા લાગી કે 'હું તમારી સાથે ચાલી રહી છું' અને એણે મને શક્તિ આપી."

આ રીતે રાહુલ ગાંધીએ એક ખેડૂતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમનાં દુખ અને ઘા એમનાં પોતાનાં થઈ ગયાં.

"લોકો કહે છે કે આ દેશ છે. કોઈ કહે છે કે અલગ-અલગ ભાષાઓ છે. અલગ-અલગ માટી છે. સચ્ચાઈ એ છે કે આ દેશ માત્ર એક અવાજ છે. એ અવાજને સાંભળવો હોય તો અમારા દિલમાં રહેલાં અંહકાર અને સપનાંને દુર રાખવા પડે."

'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા હજુ ખતમ નથી થઈ અને ભાજપના એક સાંસદે ટોકતાં રાહુલે કહ્યું કે તેઓ લદ્દાખ પણ જશે.

રાહુલ ગાંધીની આ વાત પર શાસક પક્ષ ભાજપના સાંસદોએ વાંધો ઉઠાવ્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ રાહુલને કહ્યું કે "માનનીય સદસ્ય આ સંસદ છે અને થોડું સંભાળીને બોલો." જોકે, રાહુલ અટક્યા નહીં અને હોબાળા વચ્ચે પણ બોલાવાનું ચાલુ રાખ્યું.

રાહુલે કહ્યું, "હિંદુસ્તાનની સેના એક જ દિવસની અંદર મણિપુરમાં શાંતિ લાવી શકે પણ એનો ઉપયોગ નથી કરાઈ રહ્યો."

"મણિપુરનો અવાજ જો નરેન્દ્ર મોદી નથી સાંભળતા તો તેઓ ભારત માતાની હત્યા કરી રહ્યા છે."

"રાવણ બે લોકોનું સાંભળતો હતો - મેઘનાથ અને કુંભકર્ણ. એ જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોનું સાંભળે છે - અમિત શાહ અને અદાણી. લંકાને હનુમાને નહીં પણ રાવણના અહંકારે સળગાવી હતી. રાવણને રામે નહોતો માર્યો પણ એના અંહકારે એને માર્યો હતો."

"તમે આખા દેશમાં કેરોસીન રેડી રહ્યા છો. તમે પહેલાં મણિપુરમાં કેરોસીન રેડ્યું. હરિયાણામાં કેરોસીન રેડ્યું અને આખા દેશને આગ લગાડી રહ્યા છે."

સ્મૃતિ ઈરાની શું બોલ્યાં?

રાહુલ ગાંધીનું ભાષણ ખતમ થયા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે રાહુલ ગાંધીની 'ભારત માતાની હત્યા'વાળી વાતની નિંદા કરી હતી.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે "આ ગૃહમાં 'ભારત માતાની હત્યા'ની વાત કરતાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના નેતાઓ મેજ પીટી રહ્યા હતા. મણિપુર ભારતનું અભિન્ન અંગ છે. હંમેશાં ભારતનું હતું અને રહેશે. આજે દેશ જોઈ રહ્યો છે કે જ્યારે ભારત માતાની હત્યાની વાત થઈ ત્યારે કૉંગ્રેસ તાળી વગાડી રહી હતી. "

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "આજ સુધી ભારતના ઇતિહાસમાં ભારત માતાની હત્યાની વાત કરનારા બેસીને મેજ નહોતા ઠપઠપાવતા." લોકસભામાં ઈરાનીએ કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ આ ઉપરાંત તેમણે રાજસ્થાનમાં 14 વર્ષની બાળકીની હત્યા અને કથિત સામૂહિક બળાત્કારનો મુદ્દો પણ ઉઠાવ્યો.

સ્મૃતિએ રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે રાહુલે ગૃહની બહાર જતી વખતે અભદ્ર ઇશારો પણ કર્યો. સ્મૃતિએ કહ્યું કે રાહલ ગાંધીએ ગૃહમાં જે કર્યું એ અપમાનજનક છે.