સુરત : 'અમે તો અમારો હીરો ખોઈ બેઠા', બે વર્ષના બાળકનું ગટરમાં પડવાથી મોત થતા માતાનો વલોપાત

    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમે તો અમારો હીરો ખોઈ બેઠા, બીજાનો ન ખવાય તેનું ધ્યાન રાખજો", વલોપાત સાથે કહેવાયેલા આ શબ્દો એ માતાના છે જેમણે પોતાનો બે વર્ષનો દીકરો ગટરમાં પડી જવાથી ગુમાવ્યો છે.

સુરતમાં બુધવારની સાંજે (5:30 કલાકની આસપાસ) માતા સાથે જઈ રહેલા બે વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

માતા અને દીકરો બજાર જઈ રહ્યાં હતાં તે સમયે રસ્તા પર ગટરના તૂટેલા ઢાંકણા પર પગ પડતાં જ બાળક સીધું ગટરમાં પડી ગયું હતું.

ઘટનાની જાણ થતા લોકોનું ટોળું એકઠું થયું હતું અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

બાળક ગટરમાં પડી ગયા બાદ ફાયરના જવાનોએ શોધખોળ શરૂ કરી હતી. એસએમસીએ બાદમાં એનડીઆરએફ ટીમની મદદ પણ લેવી પડી હતી.

ભારે શોધખોળ કરતા 24 કલાક બાદ વરિયાવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજે 35થી 40 ફૂટ ઊંડા કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના બાદ વિપક્ષ અને આપ તથા ભાજપના કૉર્પોરેટરો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને વિપક્ષે શાસકો સામે આક્રોશ ઠાલવતા માનવવધનો ગુનો દાખલ કરવાની માગ કરી હતી.

સાથે જ પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્ટમૉર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

જોકે શુક્રવારના રોજ બાળકના પિતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કર્યા બાદ બાળકનો મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરાઈ હતી.

કેવી રીતે બની સમગ્ર ઘટના?

બે વર્ષના કેદારનું મોત થયા બાદ પરિવાર શોકમગ્ન છે. પિતાની આંખમાં આંસુ સુકાઈ નથી રહ્યાં અને માતા વલોપાત કરે છે.

પરિવાર પર આવી પડેલી આ આફત વચ્ચે બાળકનાં માતા વૈશાલીબહેને બીબીસીને જણાવ્યું કે "ગામડેથી આવેલાં મારા નણંદની ખરીદી માટે હું બાળક સાથે બુધવારી બજારમાં ગઈ હતી. બાળકે આઇસ્ક્રીમ ખાવાની જીદ કરી હતી, અમે ચાલી રહ્યાં હતાં ત્યારે મને એવું હતું કે નાનો ખાડો હશે પરંતુ એ ખાડામાં મારો દીકરો પડી ગયો, ત્યાં હાજર બે ત્રણ લોકોને અમે બોલાવ્યા, જેઓ બાળકને શોધવા માટે ગટરમાં ઊતર્યા, પણ મારો દીકરો મળ્યો ન હતો."

પુત્ર ગુમાવ્યા બાદ માતાએ બીબીસીને જણાવ્યું કે "આજે અમે અમારો હીરો ખોયો છે પરંતુ બીજાનો હીરો ના ખોવાય એનું ધ્યાન રાખજો."

તેમણે આરોપ મૂક્યો કે "કેટલાક અધિકારીઓ તાપણું કરવામાં વ્યસ્ત હતા, તો મેયર ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા. જો તેમના પરિવાર સાથે આવું થયું હોત તો તેઓ અમારી વેદના સમજી શક્યા હોત."

બાળકના પિતા શરદકુમાર વેગડે જણાવ્યું છે કે "હું કતારગામ ખાતે કડિયાકામની મજૂરી અર્થે ગયો હતો ત્યારે મારી પત્નીનો મોબાઇલમાં ફોન આવ્યો અને મને જણાવ્યું કે હેવન ઍન્કલેવની બાજુમાં ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે. આથી હું તરત જ કામ પરથી ત્યાં પહોંચ્યો હતો."

"મારાં પત્નીએ બનાવ અંગે જણાવ્યું હતું કે આઇસ્ક્રીમની સ્ટ્રો પાછળ ફેંકતા દીકરો તે લેવા માટે જતા ત્યાં ખુલ્લા ઢાંકણવાળી ગટરમાં પડી ગયો હતો. રાહદારીઓને બૂમ મારી બોલાવતા ત્યાં માર્કેટમાં કામ કરતા બે માણસો આવ્યા હતા અને ગટરમાં ઊતરતા કેદારનું બુટ મળી આવ્યું હતું, પરંતુ કેદાર મળ્યો ન હતો. ત્યાર બાદ હું પણ ગટરમાં ઊતર્યો હતો."

ત્યાર બાદ માતાપિતાને જાણ થઈ કે પમ્પિંગ સ્ટેશનના ગટરના કૂવામાંથી પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળકના મોત બાદ માતા-પિતાનું આભ ચીરતું આક્રંદ જોઈને સૌ ગમગીન થઈ ગયા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

અમરોલી પોલીસ મથકના પીઆઈ જેબી વનારે બીબીસીને જણાવ્યું હતું કે આ સમગ્ર દુઃખદ ઘટનામાં ડ્રૅનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી, કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 105-54 મુજબ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધવામાં આવી છે. બાળકનું ફોરેન્સિક પીએમ અને પૅનલ પીએમ કરવામાં આવ્યું છે, તપાસમાં જે પણ બહાર આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બાળક દોઢ કિમી સુધી કેવી રીતે પહોંચી ગયો હશે?

બે વર્ષનો બાળક કેદાર બુધવારે બજાર પાસે ગટરમાં પડ્યો હતો અને તેનો મૃતદેહ દોઢ કિલોમીટર દૂર આવેલા વરીઆવી બજાર પંમ્પિગ સ્ટેશનમાં 50 ફૂટ ઊંડા કૂવામાં 45 ફૂટ નીચે મળની અંદરથી મળી આવ્યો હતો.

ચીફ ફાયર ઑફિસર વસંત પરીખે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે "બાળકનું રેસ્ક્યુ કરતા ફાયર વિભાગની ટીમને 24 કલાક જેટલો સમય લાગ્યો હતો, ઑપરેશનમાં 70 જેટલા કર્મીઓ જોડાયા હતા. બાળકની શોધખોળ માટે ડ્રૅનેજના કામદાર અને ફાયર કર્મચારીઓને સેફટી સાથે ગટરમાં ઉતારી શોધખોળ કરવામાં આવી હતી."

તેમણે વધુમાં કહ્યું કે "બાળકની શોધખોળ માટે સતત ફાયર વિભાગમાં જવાનો અને અધિકારીઓની ટીમ જરૂરી મશીનરી અને સાધનો સાથે સતત ડ્રૅનેજ મેનહલથી ચેમ્બર મારફતે વરીઆવી ખાડી સુધીના રૂટમાં શોધખોળ હાથ ધરી હતી. ચેમ્બરમાં પાણી ખૂબ જ હતું અને મળ હોવાને કારણે બાળક તેમાં ફસાયું હોય તેવી પણ સંભાવના હતી. અમારી ટીમે કુલ બે કિલોમીટરનો વિસ્તાર કેદારની શોધખોળ માટે ખૂંદી નાખ્યો હતો. તમામ સ્ટોર્મ ડ્રૅનેજ લાઇન અને મુખ્ય લાઇનમાં શોધખોળ કરવા ખાડીમાં પણ બોટ ઉતારી હતી."

તેમણે વધુમાં કહ્યું કે "પંમ્પિગ સ્ટેશનમાં જે લાઇન જાય છે એ મોટી છે જે ઘટનાસ્થળથી એક કિલોમીટરના અંતરે આવેલી છે. ચેમ્બર જ્યાં જ્યાં ખોલી શકાતી હતી, ત્યાં અમે તપાસ કરી હતી, પરંતુ બાળક ન મળતા આખરે અમે જેટિંગ મશીન મંગાવીને દરેક હૉલ ખોલાવીને જેટ મારતા ગયા. આથી બાળક વચ્ચે ક્યાંક ફસાયો હશે અને તે આગળ પંમ્પિગ સ્ટેશન સુધી પહોંચી ગયો હશે."

જે બાદ બાળકને શોધવા ઑક્સિજન માસ્ક સાથે કર્મચારીઓને અંદર ઉતારવામાં આવ્યા હતા. દરમિયાન નીચે રહેલા ચાર ફૂટ મળની અંદર મોટર સાથે બાળકનો મૃતદેહ ફસાયેલી હાલતમાં મળ્યો હતો.

વસંત પરીખે વધુમાં જણાવ્યું કે બાળકની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી હતી. પરંતુ તેમની પાસે પૂરતા સ્કૂબા સેટ સહિતનાં જરૂરી સાધનો ન હતાં, આથી આ ઑપરેશન ફાયર વિભાગે જ પાર પાડ્યું હતું."

બાળકની શોધખોળ સમયે અહીં સ્ટ્રોમ ડ્રૅનેજ લાઇનમાં ડ્રૅનેજ લાઇન જોડી હોવાનું સામે આવ્યું હતું.

ચીફ ફાયર ઑફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે "જે મેઇન હૉલમાં બાળક પડ્યું હતું એ ડ્રૅનેજ લાઇન છે જે લાઇન લગભગ 100 મીટરના અંતર બાદ ડિવાઇડ થઈ જાય છે અને સ્ટ્રોમ વૉટર ડ્રૅનેજમાં ભળે છે. જેમાંથી એક લાઇન પંમ્પિગ સ્ટેશન બાજુ ડિવાઇડ થાય છે અને બીજી ખાડીમાં જાય છે, જેને કારણે વરસાદ ન હોવા છતાં પણ સ્ટોર્મ ડ્રૅનેજ લાઇનમાં અલગઅલગ જગ્યાએ પાંચથી છ ફૂટથી પણ વધુ ગંદું પાણી વહેતું હતું."

ડ્રૅનેજ કમિટીના ચૅરમૅન કેયૂર ચપટવાલાએ બીબીસીને જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ડ્રૅનેજનું કનેક્શન મળી આવવું ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અમે તપાસ કરાવીશું અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ લઈશું.

તેમણે વધુમાં કહ્યું કે "સમયાંતરે અમે ડ્રૅનેજ લાઇન અને વરસાદી પાણીના નિકાલની લાઇન અંગે સર્વે કરાવતા હોઈએ છીએ."

સુરત મનપાની કામગીરી સામે વિપક્ષના સવાલો

મનપાની સ્ટ્રોમ ડ્રૅનેજ લાઇનમાં પડી ગયેલા બે વર્ષના બાળકના મોત બાદ સુરત મનપાની કામગીરી સામે વિપક્ષ સહિત લોકોએ વિવિધ આરોપ મૂક્યા છે.

સુરત મનપાનાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે "સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે સ્ટ્રોમ લાઇનમાં પડવાને કારણે બે વર્ષના બાળક કેદારે જીવ ગુમાવ્યો છે. વિપક્ષ તરીકે અમારી માગ છે કે આ ઘટનામાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના પર સુરત મનપા કમિશનર માનવવધનો ગુનો દાખલ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારીઓ ન થાય."

કૉંગ્રેસના પૂર્વ કૉર્પોરેટર અસલમ સાઇકલવાલાએ જણાવ્યું હતું કે "સ્ટ્રોંગ ડ્રૅનેજ લાઇનમાં બે વર્ષે બાળક પડી ગયા બાદ તેનું મોત થવાની ઘટના ખૂબ જ દુઃખદ છે આ ભૂલને કારણે ઘટના નથી બની, આ એક માનવસર્જિત ઘટના છે."

તેમણે આરોપ લગાવ્યો કે "અધિકારીઓ માત્ર એસી ઑફિસમાં બેસી રહે છે. કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે તેનું સુપરવિઝન અધિકારીઓ કરતા નથી. મનપાના ડ્રૅનેજ વિભાગની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની છે."

આ સમગ્ર ઘટનામાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ બીબીસીને જણાવ્યું કે "આ સમગ્ર ઘટનામાં ઝોનલ ઑફિસર, ડેપ્યુટી ઇજનેર, સિનિયર ઇજનેર અને સુપરવાઇઝરને કમિશનર થકી નોટિસ ફટકારવામાં આવી છે, જેમણે સાત દિવસમાં જવાબ આપવાનો રહેશે."

"આ ઘટના બાદ તમામ ઝોનને આદેશ આપવામાં આવ્યા છે કે જો ફરી આવી કોઈ આવી ઘટના બનશે તો તેમાં તમામ અધિકારીઓ દોષિત કહેવાશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે."

ઢાંકણું કેમ તૂટેલું હતું તેનો જવાબ આપતા દક્ષેશ માવાણીએ કહ્યું કે "છેલ્લા બે મહિનામાં ઢાંકણું તૂટ્યું હોવાની કોઈ પણ ફરિયાદ આવી નથી, બની શકે કે ઢાંકણું હેવી ટ્રક કે બસના કારણે ત્રાસું થઈ ગયું હોય. હાલ શહેરમાં ખાડા કે ખુલ્લી ગટરોની આજુબાજુ બેરિકેટ મારી તરત રીપૅર કરવાના આદેશ આપવામાં આવ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.