You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: 'મારાથી કોઈ પણ કાળે SIRનું કામ નહીં થઈ શકે', BLOની કામગીરી કરનારા શિક્ષકે આપઘાત કેમ કર્યો?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (એસાઈઆર)ની કામગીરી ચાલી રહી છે અને એમાં શિક્ષકો તંત્ર તરફથી અસહ્ય દબાણ અનુભવી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ગીર સોમનાથના કોડીનાર ખાતે છારા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદભાઈ વાઢેરે 'SIRની કામગીરીનાં ભારણ અને માનસિક તણાવને કારણે' આત્મહત્યા કરી લીધી છે.
મૃતકે સ્યુસાઇડ નોટમાં એસાઈઆરની કામગીરીના તણાવને સ્પષ્ટપણે આ પગલાનું કારણ ગણાવ્યું છે. અરવિંદભાઈ 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા અને હાલની એસઆઈઆરની કામગીરીના રૂપે તેમને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી હતી.
બીજી તરફ, ખેડાના કપડવંજમાં રમેશ પરમારનું ઊંઘમાં મૃત્યુ થયું છે અને પરિવારે મૃતક 'બૂથ લેવલ ઑફિસર (બીએલઓ)ની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાથી' હૃદયરોગનો હુમલા આવ્યાની વાત કરી છે.
નોંધનીય છે કે ત્રણ દિવસમાં બિન-શૈક્ષણિક કામગીરીથી મૃત્યુનો આ બીજો બનાવ નોંધાયો છે. અગાઉ કપડવંજમાં પણ બીએલઓની કામગીરી દરમિયાન શિક્ષકનું હાર્ટઍટેકથી મૃત્યુ થયું હતું.
આ ઘટનાએ 'શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી અને ટાર્ગેટ આપવાની પ્રથા' પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીનો ઉલ્લેખ
અરવિંદભાઈએ આપઘાત પહેલાં સુસાઇડ નોટ લખી હતી જેની બીબીસી ગુજરાતીએ એમના પરિવાર સાથે ખરાઈ કરી હતી.
પત્નીને સંબોધીને સુસાઇડ નોટમાં અરવિંદ ભાઈએ લખ્યું છે, "મારાથી કોઈ પણ કાળે હવે આ એસાઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી."
ગીર સોમનાથના શિક્ષક સંઘ પ્રમુખ વિનોદ બારડે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "અરવિંદ વાઢેર દેવડી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને બીએલઓ કામગીરીને રીતે દબાણ હેઠળ તેમણે આત્મહત્યા કરી છે."
આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશન પીઆઈ એનઆર પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "મૃતકના પરિવાર તરફથી દાખલ કરાયેલી ફરિયાદ મુજબ એડી(ઍક્સિડેન્ટલ ડેથ) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સુસાઇડ નોટને ફૉરેન્સિક તપાસ હેઠળ એફએસએલમાં (ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી) મોકલવામાં આવશે."
મૃતક અરવિંદભાઈની ઉંમર 40 વર્ષની હતી અને એમને 12 વર્ષનો એક પુત્ર છે. આ અંગે વધુ જણાવતાં એમના સસરા, રણવીરભાઈ ચુડાસમાએ બીબીસી ગુજરાતીને કહ્યું:
"તેઓ 15 વર્ષથી નોકરી કરતા હતા. અત્યારસુધી દરેક કામગીરી તેઓએ કરી છે પણ આ કામગીરીમાં તેઓને રાતે 12 વાગ્યા સુધીમાં સતત કાર્યશીલ રહેવું પડતું હતું."
"મારા જમાઈ ગઈ રાતે બે વાગ્યા સુધી કામગીરી કરવા મજબૂર હતા. બીએલઓની કામગીરીના ત્રાસથી તેમણે જિંદગી ટૂંકાવવી પડી. તેમના પર એસાઈઆરની કામગીરી શરૂ થઈ ત્યારથી આ દબાણ વધતું ગયું હતું."
રણવીરભાઈના જણાવ્યા અનુસાર મૃતક પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના સ્થાને પીટીસી કરેલાં તેમનાં પત્નીને નોકરી આપવામાં આવે એવી પરિવારજનો માગ કરી રહ્યા છે. આ ઉપરાંત પરિવારે, આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
અખિલ ભારતીય શિક્ષક મહાસંઘે આ અનુસંધાને બીએલઓની કૅડર અલગ કરવાની માગ કરી હોવાનું વિનોદ બારડે જણાવ્યું છે.
બીએલઓ કામગીરી વિશે જણાવતા કર્મશીલ મયુર વાઢેર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "બીએલઓ પર અચાનક આવતી કામગીરીને લીધે તીવ્ર માનસિક તણાવ સર્જાય છે. સામાન્ય રીતે બીએલઓ તરીકે શિક્ષકો જ હોય છે, જેને વર્ગખંડોમાં શિક્ષણકાર્યની સમાંતરે વિધાર્થીની વ્યક્તિગત માહિતીઓની ઑનલાઇન કામગીરી પણ કરવાની હોય છે."
"પોતાનાં કામના બોજ સિવાય બીએલઓની જડબેસલાક અને ચુસ્ત કામગીરી પણ આવી પડે ત્યારે શિક્ષકને માનસિક અકળામણ થવી સહજ છે."
આ મામલે બીબીસીએ ગીર સોમનાથના જિલ્લા કલેકટર સાથે વાત કરી હતી, પણ તેઓએ ઑન-રેકૉર્ડ કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.
વળી, મામલતદાર સાથે સતત સંપર્ક કરવા છતાં તેઓએ કૉલ રિસીવ કર્યો ન હતો. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળ્યે આ અહેવાલમાં અપડેટ કરવામાં આવશે.
કપડવંજમાં ઊંઘમાં અવસાન
આવી જ અન્ય ઘટનામાં કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું ઊંઘમાં મૃત્યુ થયું છે.
પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, "બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હૃદયરોગના હુમલાથી એમનું મૃત્યુ થયું છે."
પ્રાથમિક શિક્ષક મહાસંઘ ખેડા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ ઈશ્વરભાઈ ઘાંઘોર બીબીસી ગુજરાતીને જણાવે છે, "રમેશભાઈ પરમાર તેમના પરિવારમાં તેમનાં પત્ની અને બે દીકરીઓ છે. તેમને પરિવારમાં કમાનાર વ્યક્તિ તેઓ એકમાત્ર હતા."
"રોજની 94 કિલોમીટર મુસાફરી કરી તેમની બીએલઓની કામગીરી કરવા માટે જતાં હતા. અને બીએલઓની કામગીરી દમરિયાન તેઓ ઘરેઘરે સંપર્ક કરી રાતે ઘરે આવીને પણ ઑનલાઇન ઍપ્લિકેશનમાં બીએલઓની કામગીરી કરતાં હતા."
મૃતકનાં દીકરી શિલ્પાબેન કહે છે કે તેમના પિતા બીએલઓની કામગીરી કરતા હતા, ઘરે નેટવર્કની સમસ્યા હોવાથી તે ઘરથી દૂર જઈને પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરતા.
શિલ્પાબહેન ઉમેરે છે, "તે દિવસે સાંજે તેઓ 7 વાગે ઘરે આવ્યા અને ઇન્ટરનેટના અભાવે બીએલઓની કામગીરી અર્થે બહાર જતા રહ્યા અને છેક 11 વાગ્યા પછી ઘરે આવ્યા. તેઓ જમ્યા વગર જ સૂઈ ગયા અને ઊઠયા જ નહીં."
રમેશભાઈના નાના ભાઈ નરેન્દ્રભાઈનું પણ સ્પષ્ટપણે માનવું છે કે બીએલઓની કામગીરીના ભારણરૂપે તેમના ભાઈને હાર્ટઍટેક આવ્યો હતો. ઘાંઘોરનો આરોપ છે કે તંત્રનું સતત દબાણ હોવાના લીધે આ શિક્ષક ચિંતામાં આવી ગયા હતા. તેના કારણે તેમને ઊંઘમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હોઈ શકે છે
આ મામલે ખેડાના કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું "અમારા જિલ્લા બીએલઓ અને કોઈ પણ કર્મચારી પર કોઈ પ્રેશરથી કામ કરાવવામાં આવતું નથી. "
"આચાર્ય (રમેશભાઈ) અગાઉ પણ બીએલઓનું કામ કરી ચૂક્યા છે અને તે આ વખતે પણ કામ કરતા હતા"
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને મૃતક સરકારી કાર્યમાં જોતરાયેલા હોવાથી જે મળવાપત્ર લાભ ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન