You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ ગામમાં ભેંસના મોત બાદ લોકોએ હડકવાની રસી લેવા લાઇન કેમ લગાવી?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનામાં ગામની એક ભેંસનું દૂધ પીધા બાદ ગત શનિવારે એટલે કે 8 નવેમ્બરના રોજ ગામલોકો રસી લેવા દોડ્યા હોવાનું સામે આવ્યું હતું.
વાત એવી છે કે આ ઘટનામાં એકાદ વર્ષ પહેલાં ગામની એક પાલતું ભેંસને હડકાયું કૂતરું કરડ્યું હતું. એ બાદ ભેંસમાં હડકવાનાં લક્ષણો દેખાતાં આ ભેંસનું દૂધ પીનારા ગામલોકોએ હડકવાની રસી લીધી હતી.
આ અંગે જાણ થતાં ભેંસના માલિક અને તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવાની રસી મુકાવી હતી. બાદમાં દૂધના ગ્રાહકોને તેમજ આ ભેંસના દૂધમાંથી બનેલી બરી (પ્રસૂતિ પછીના દૂધમાંથી બનતો ખાદ્ય પદાર્થ) ખાનાર લોકોને પણ તેમણે જાણ કરી હતી.
જે બાદ ગ્રાહકોમાં હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોવાનો ભય પ્રસરતાં તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી મુકાવવા લાઇન લાગી હતી.
આ કેસમાં અત્યાર સુધી તંત્ર દ્વારા 39 લોકોને હડકવાની રસી આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હડકવા એક એવો ખતરનાક વાઇરસ છે, જે પ્રાણીના કરડવાથી કે તેની લાળ માનવ શરીરમાં પ્રવેશવાથી ફેલાય છે.
આ રોગ મનુષ્યના ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને સમયસર સારવાર ન મળવાની સ્થિતિમાં લગભગ 100 ટકા જીવલેણ સાબિત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલામાં કોબલા ગામના અન્ય લોકોને પણ વહેલી તકે હડકવાવિરોધી રસી લઈ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સામૂહિક આરોગ્ય કેન્દ્રના ચિકિત્સકોએ આ કિસ્સામાં ગ્રામજનોને હડકવાની રસીનો બૂસ્ટર ડોઝ અપાયો હોવાની વાત કરી હતી.
ઘટના વિશે ગામલોકોએ શું કહ્યું?
આ ઘટનામાં ભેંસના માલિક સહિત ગામના કેટલાક લોકોએ હડકવાગ્રસ્ત ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.
ભેંસમાં હડકવાનાં લક્ષણો દેખાયાના ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
પશુચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતાં ભેંસનું દૂધ પીનાર સ્થાનિક ગ્રાહકોમાં ભય અને ચિંતા પ્રસરી ગયાં હતાં.
કોબલા ગામના સરપંચ રાજુ ભરવાડ બીબીસી ગુજરાતીને જણાવે છે કે,"ગામના 500 લોકોની વસતી છે. આ ભેંસના દૂધની બરી કેટલાક ગામલોકોએ ખાધી હતી. એ પછી તેમને ખ્યાલ આવ્યો કે ભેંસને હડકવા થયો છે, ત્યારે ગામના લોકોને રસી મુકાવવાની ફરજ પડી. ગામના લોકોની તબિયત હાલ સારી છે અને બીમારીનાં કોઈ લક્ષણ હજુ સુધી દેખાયાં નથી."
ગામના રહેવાસી વિજય ઠાકોર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "ગામમાં એ સમયે એક બેસણું હતું, એ દરમિયાન લોકોએ આ ભેંસના દૂધની ચા પણ પીધી હતી. હાલ ભેંસના મૃતદેહને જેસીબીથી ખાડો કરીને દાટી દેવાયો છે."
હડકવાગ્રસ્ત ભેંસમાં કયાં લક્ષણો દેખાયાં હતાં?
ભેંસના માલિક પ્રવીણસિંહ ફતેહસિંહ રાજે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ભેંસની ઉંમર ત્રણ વર્ષની હતી અને તેને એક વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હતું. મારી આ ભેંસે એક મહિના પહેલાં જ એક પાડાને જન્મ આપ્યો હતો. જોકે, એક મહિના પછી તે ભેંસ આક્રમક બનીને અમને મારવા આવતી હતી, તેથી તેને એક ખૂંટી સાથે બાંધી દેવી પડી હતી. ત્યારે ભેંસમાં હડકવાનાં લક્ષણો દેખાતાં હતાં. વળી, તે દૂધ પણ નહોતી દોહવા દેતી અને તેના પાડાએ પણ દૂધ પીતું નહોતું."
તેઓ કહે છે કે શંકા જતાં તેમણે સ્થાનિક પશુ જાણકાર બતાવ્યું હતું. તેમણે તપાસ કરીને ભેંસને હડકવા હોવાનું જાહેર કર્યું. ત્યાર બાદ પાડાને રસી અપાવી હતી. તે દરમિયાન ડૉક્ટરે પરિવારના સભ્યોને પણ રસી લેવા કહ્યું હતું. આ ભેંસનો પાડો હાલ તંદુરસ્ત છે.
આ ભેંસના નિદાન અર્થે આવેલા રાવજીભાઈ ચુનારાએ બીબીસી ગુજરાતીને ભેંસનાં લક્ષણો વિશે જણાવ્યું હતું કે, "આ ભેંસ લોકોને મારતી તો હતી, ઉપરાંત ખૂબ જ પેશાબ કરતી હતી અને બેસવાને બદલે સતત ગોળ ગોળ ફર્યા કરતી હતી. ત્યાર બાદ 7 દિવસમાં મૃત્યુ પામી હતી."
ગામના 39 લોકોને રસી અપાઈ
ભરૂચના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનીરા શુક્લા આ કિસ્સામાં અપાયેલી સારવાર અંગે માહિતી આપતાં કહ્યું, "ગ્રામજનોને ઍન્ટિ રેબિસ વૅક્સિન (એઆરવી) રસી આપવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ વ્યક્તિમાં કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી, પણ આ ગામ અંગે "વેઇટ ઍન્ડ વૉચ"ની નીતિ અપનાવાઈ છે. ગામના કુલ 39 જેટલા લોકોને રસી આપવામાં આવી છે."
કોબલા ગામનાં મેડિકલ ઑફિસર ડૉ. માનસી રાઠી કહ્યું કે, "ભેંસને થયેલ હડકવાના ગ્રેડના આધારે સારવાર થતી હોય છે, પણ આ કિસ્સામાં જોખમ ન લેતાં અમારી પ્રાથમિકતા પ્રમાણે ભેંસના સંપર્કમાં આવેલા તમામ લોકોને રસીનો બૂસ્ટર ડોઝ આપ્યો છે. આ રસીની કોઈ આડઅસર નથી."
હડકવા શું છે?
હડકવા અંગે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ની વેબસાઇટ પર પ્રકાશિત માહિતી અનુસાર, "હડકવા એ 150થી વધુ દેશોમાં, એશિયા અને આફ્રિકામાં, એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. આ રોગ દર વર્ષે હજારો મૃત્યુનું કારણ બને છે, જેમાં 40% 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો છે."
માનવોમાં હડકવાના 99% કેસ કૂતરાના કરડવાથી તેમજ નખથી થાય છે.
ડબલ્યૂએચઓ અનુસાર, "આ વાઇરસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને (મગજ અને કરોડરજ્જુ) ચેપ લગાડે એ બાદ તેનાં ક્લિનિકલ લક્ષણો દેખાય છે, એ બાદ 100% કેસોમાં હડકવા જીવલેણ હોય છે. જોકે, વાઇરસને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચતો અટકાવીને તાત્કાલિક પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ (પીઇપી) સારવાર દ્વારા હડકવાથી થતા મૃત્યુને અટકાવી શકાય છે. "
ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા નૅચર પાર્ક-ગીર ફાઉન્ડેશનના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. અનિકેત પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, "હડકવા મુખ્યત્વે શ્વાન કુળનાં પ્રાણીઓમાં જોવા મળે છે. ચેપગ્રસ્ત પશુની લાળમાં આ વાઇરસ હોય છે. જ્યારે આ લાળ માણસ કે અન્ય પશુના લોહીના સીધા સંપર્કમાં આવે ત્યારે વાઇરસ શરીરમાં પ્રવેશે છે."
"વાઇરસ જુદી જુદી પેશીઓમાંથી પસાર થઈને ચેતાતંતુઓ મારફતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે. આ સમયગાળો અઠવાડિયાથી માંડીને બે વર્ષ સુધીનો હોઈ શકે છે, જેને ઇન્ક્યુબેશન પિરિયડ કહેવાય છે. જોકે, ચેપગ્રસ્ત પશુનું દૂધ પીવાથી આ રોગ થવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ તેને નકારી ન શકાય."
ડૉ. અનિકેત પટેલ આગળ કહે છે કે, "કોઈ પણ કેસમાં અમે ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા પ્રમાણે આગળ વધીએ છીએ. સરકાર દ્વારા વિનામૂલ્યે રસી આપવામાં આવે છે, જે બધા અર્બન, પ્રાથમિક, કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હૉસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિને હડકવા થવાની શક્યતા 1% કરતાં પણ ઓછી હોય (જેને મેડિકલ ભાષામાં તે વ્યક્તિને એક્સપોઝર કહેવામાં આવે છે), ત્યારે પણ વ્યક્તિને ફરજિયાત રસી લેવાનું જણાવતા હોઈએ છીએ. એટલે જો હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ લોકોએ ગરમ કરીને પણ પીધું હોય, તો તે વ્યક્તિઓને એક્સપોઝરની કૅટેગરીમાં મૂકવા જરૂરી છે."
હડકવાનાં લક્ષણો શું હોય છે?
ડબલ્યુએચઓ અનુસાર હડકવાનો ચેપ લાગવાનો સમયગાળો સામાન્ય રીતે બે-ત્રણ મહિનાનો હોય છે, પરંતુ વાઇરસના પ્રવેશના સ્થાન અને વાઇરલ લોડ જેવાં પરિબળોને આધારે તેનાં લક્ષણોનો સમયગાળો એકઠવાડિયાથી એક વર્ષ સુધી બદલાઈ શકે છે.
ડબલ્યુએચઓ અનુસાર હડકવાનાં પ્રારંભિક લક્ષણોમાં તાવ, દુખાવો અને ઘાના સ્થળે અસામાન્ય અથવા ન સમજાય એવી કળતર, ખંજવાળ અથવા બળતરા વગેરે સામેલ છે.
જેમ જેમ વાઇરસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જાય છે, મગજ અને કરોડરજ્જુમાં બળતરા અનુભવાય છે. ચેપગ્રસ્ત દર્દીમાં ક્લિનિકલ હડકવાને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ તેને મટાડવો અશક્ય છે.
ડૉ. અનિકેત પટેલ જણાવે છે કે, "સંક્રમિત પશુ બીજા પશુને કરડે ત્યારે લક્ષણો બે પ્રકારનાં હોય છે. એક છે ફ્યુરિયસ ફૉર્મ અને ડમ્બ ફૉર્મ."
"ફ્યુરિયસ ફૉર્મમાં પશુ હડકાયું થઈ જાય છે એટલે કે કરડવા લાગે છે અને ગળામાં સોજો આવવાને કારણે પાણી કે ખોરાક ગળી શકતું નથી. જ્યારે ડમ્બ ફૉર્મમાં પશુ માત્ર લાળ ટપકાવતાં હોય છે અને સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દેતાં હોય છે."
"જ્યારે હડકવાના માનવ દર્દી પ્રકાશ અને અને પાણીથી દૂર ભાગે છે, જેને હાઇડ્રોફોબિયા કહેવાય છે."
ડૉ. અનિકેત પટેલ અનુસાર હાઇડ્રોફોબિયાનું કારણ ગળાની આસપાસના સ્નાયુઓનું લકવાગ્રસ્ત થવું છે, જેના કારણે દર્દી કોઈ પણ વસ્તુ ગળી નથી શકતી. ઉપરાંત, દર્દી પોતાની જાત પરનું નિયંત્રણ ગુમાવી દે છે અને નિર્જીવ વસ્તુઓને પણ કરડવાની ઇચ્છા અનુભવે છે. આવા સંજોગોમાં પણ દર્દીનું બે-ચાર દિવસમાં મૃત્યુ થઈ જાય એ શક્ય છે.
રસીકરણ વિશે તેઓ જણાવે છે કે રસીકરણ ચેપગ્રસ્ત પશુ જે દિવસે કરડે એ દિવસથી જ શરૂ કરવામાં આવે છે.
ત્યાર બાદ ત્રીજા, સાતમા, ચૌદમા, અને અઠ્ઠાવીસમા દિવસે રસી આપવામાં આવે છે. આમ, કુલ પાંચ રસી લેવી જરૂરી છે.
તેઓ જણાવે છે કે, "ઘરે સારવાર અર્થે પ્રાથમિક ધોરણે ઘાને પાણી અને ઍન્ટિસેપ્ટિક પદાર્થ વડે સાફ કરીને તાત્કાલિક ધોરણે સરકારી હૉસ્પિટલમાં જઈને રસી મુકાવવાનો આગ્રહ રાખવો જરૂરી છે. જો ઘા કૅટેગરી 2 કરતાં વધુનો હોય, તો રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન (આરઆઇજી) રસી 24 કલાકની અંદર ઘાની આસપાસના વિસ્તારમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે."
ભારતમાં હડકવા
ધ હિંદુ ડોટ કૉમ અનુસાર નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ના આંકડા સૂચવે છે કે 2024માં કૂતરાં કરડવાના કુલ કેસ 37,17,336 હતા, જ્યારે કુલ 'શંકાસ્પદ હડકવામાં માનવમૃત્યુ' 54 હતાં.
રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ (એનઆરસીપી) અનુસાર, ભારતમાં હડકવા વ્યાપક રોગચાળા અને મૃત્યુદર માટે જવાબદાર છે.
આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ સિવાય સમગ્ર દેશમાં હડકવાના માનવ કેસ નોંધાય છે.
બિલાડી, વરુ, શિયાળ, નોળિયા અને વાંદરા ભારતમાં હડકવાના અન્ય મહત્ત્વપૂર્ણ સ્રોત છે. દેશમાં ચામાચીડિયાથી હડકવાના કેસ હજુ સુધી નોંધાયા નથી.
એનઆરસીપીએ વર્ષ 2030 સુધીમાં રેબીઝથી થતા માનવમૃત્યુદરને શૂન્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન