રખડતાં કૂતરાં પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે શું થશે, સરકારે શું પગલાં લેવાનાં છે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની પીઠે શુક્રવારે એટલે કે 7 નવેમ્બરના રોજ રખડતાં કૂતરાં સાથે સંકળાયેલા મામલામાં નવો આદેશ જાહેર કર્યો છે.

સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓએ કહ્યું છે કે સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંને હઠાવવામાં આવે.

એ બાદ તેની નસબંધી અને રસીકરણ કરાવીને તેને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. આ સાથે જ કોર્ટે હાઇવે અને ઍક્સપ્રેસ વે પરથી રખડતાં કૂતરાં અને પશુઓને હઠાવવાનો આદેશ આપ્યો.

કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી કે આ નિર્દેશોનું કડકાઈથી પાલન થવું જોઈએ. પાછલા ત્રણ મહિનામાં સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાં સાથે સંકળાયેલા મામલામાં ઘણી વાર હસ્તક્ષેપ કર્યો છે.

આ આદેશોનો વિરોધ પણ થયો, જે બાદ કોર્ટે કેટલાક નિર્દેશોમાં સુધારો કરવો પડ્યો. આવો જાણીએ, આ તમામ આદેશો બાદ હવે સરકારોએ શું શું કરવાનું રહેશે.

મામલાની શરૂઆત કેવી રીતે થઈ?

રખડતાં કૂતરાં સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઇકોર્ટોમાં પેન્ડિંગ હતા. આ દરમિયાન, 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટનું સ્વત:સંજ્ઞાન લીધું.

આ રિપોર્ટમાં દિલ્હીની એક છ વર્ષીય છોકરીના મૃત્યુનો ઉલ્લેખ હતો, જેને રખડતાં કૂતરાંએ બચકું ભર્યું હતું.

કોર્ટે આને "ચિંતાજનક અને પરેશાન કરનારો" મામલો ગણાવ્યો અને કહ્યું કે દિલ્હીમાં કૂતરું કરડ્યાના હજારો મામલા રોજ સામે આવે છે.

એ બાદ, 11 ઑગસ્ટની સુનાવણીમાં કોર્ટે દિલ્હી અને એનસીઆર (નોઇડા અને ગાઝિયાબાદ સહિત)માંથી તમામ રખડતાં કૂતરાંને પકડીને શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે ત્યાં તેમની નસબંધી અને રસીકરણ કરાશે અને તેમને ફરી વાર રસ્તા પર નહીં છોડવામાં આવે.

કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે સંગઠને જો આ આદેશમાં અવરોધ ઊભો કર્યો તો તેની વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી કરાશે.

સાથે જ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે શેલ્ટરમાં રખાયેલાં કૂતરાંની યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે.

આ નિર્ણયનો ખૂબ વિરોધ કરાયો, તેની વિરુદ્ધ પ્રદર્શન પણ થયાં. કોર્ટના નિર્ણયની મોટી ટીકા એ હતી કે શહેરમાં કૂતરાં માટે પૂરતાં શેલ્ટર નથી.

તેના વિરોધ બાદ મામલો ત્રણ જજોની ખંડપીઠને સોંપાયો. આ ખંડપીઠે સમગ્ર દેશમાં ચાલી રહેલા રખડતાં કૂતરાં સાથે સંકળાયલા મામલાને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા.

22 ઑગસ્ટના રોજ આ પીઠે પ્રથમ આદેશમાં સુધારો કરતાં કહ્યું કે નસબંધી અને રસીકરણ બાદ કૂતરાંને એ જ વિસ્તારમાં પાછાં છોડી મુકાશે, જ્યાંથી તેમને પકડી લેવાયાં હતાં. માત્ર હડકવાગ્રસ્ત કૂતરાંને જ શેલ્ટરમાં રાખવામાં આવશે.

સાથે જ, દરેક વિસ્તારમાં કૂતરાંને ભોજન આપવા માટે અમુક સ્થળ નક્કી કરવા કહેવાયું. કોઈ વ્યક્તિ કે સંઘટન કૂતરાંને દત્તક લેવા માગતાં હોય તો તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અરજી કરી શકે છે.

આ સાથે જ મામલો માત્ર દિલ્હી સુધી સીમિત નથી રહ્યો. કોર્ટે આ આદેશ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર લાગુ કર્યો અને તેમની પાસેથી જવાબેય માગ્યો કે તેઓ પોતાને ત્યાં પ્રાણીઓ સાથે સંકળાયેલા આવા મુદ્દા પર કેવાં પગલાં ઉઠાવી રહ્યા છે.

વધતા હુમલા મામલે સુપ્રીમ કોર્ટનું કઠોર વલણ

7 નવેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સ્કૂલ, હૉસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ કૂતરાં કરવાડની ઘટનાઓ સતત વધી રહી છે અને કહ્યું છે કે આ તંત્રની ઉદાસીનતા અને સિસ્ટમની નિષ્ફળતાને દર્શાવે છે. આનાથી લોકોના સુરક્ષા, પર્યટન અને ભારતની આંતરરાષ્ટ્રીય છબિ પર ખરાબ પડી રહી છે.

કોર્ટે કહ્યું કે દર વર્ષે રખડતાં કૂતરાની લોકોને કરડવાની ઘટનાઓ વધી રહી છે. સરકારી ડેટા અનુસાર, 2023માં સમગ્ર દેશમાં 30 લાખ જેટલી આવી ઘટનાઓ થઈ, અને 2024માં લગભગ 37 લાખ આવી ઘટનાઓ બની.

આના નિરાકરણ માટે કોર્ટે આ દિશાનિર્દેશ જાહેર કર્યા :

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે અઠવાડિયાંની અંદર એવી ખાનગી અને સરકારી હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા વગેરેની યાદી બનાવવી પડશે. આ જગ્યાઓએ પૂરતાં બાઉન્ડ્રી વૉલ, ફેન્સિંગ અને ગેટ લગાવવાનાં રહેશે, જેથી રખડતાં કૂતરાં ઘૂસી ન શકે. આવું શક્ય તેટલી ઝડપે કરવાનું રહેશે, અને બની શકે તો આઠ અઠવાડિયાંની અંદર.

આ તમામ હૉસ્પિટલો, રમતગમત પરિસર, શૈક્ષણિક સંસ્થાઓએ એક અધિકારીને નૉમિનેટ કરવાનો રહેશે, જેઓ આ જગ્યાની દેખરેખ કરે. સ્થાનિક નગરપાલિકા કે પંચાયત ત્રણ મહિનામાં એક વાર આ જગ્યાઓનું નિરીક્ષણ કરે.

નગરપાલિકા અધિકારીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ પરિસરોમાં રહેલાં રખડતાં કૂતરાંને પકડીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે, તેની નસબંધી અને રસીકરણ કરાય અને તેને ફરી વાર એ જ વિસ્તારમાં ન છોડવામાં આવે.

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પાસેથી આઠ અઠવાડિયાંની અંદર આ રિપોર્ટ માગ્યો છે કે તેઓ આ આદેશોને કેવી રીતે લાગુ કરી રહ્યા છે.

પશુઓ અને રખડતાં કૂતરાં માટે પણ આદેશ

કોર્ટે પશુઓ અને રખડતાં કૂતરાં મુદ્દે પણ આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે પશુઓ અને રખડતાં પશુને કારણે રોડ અને હાઇવે પર દુર્ઘટના થતી રહે છે.

તેથી, મ્યુનિસિપલ, રાજ્ય અને નૅશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓને હાઇવે અને ઍક્સપ્રેસવેથી પશુઓ અને રખડતાં પશુઓને હઠાવવા પડશે.

તેમને પકડીને ગોશાળા કે શેલ્ટર હોમમાં રાખવામાં આવે, જ્યાં તેની યોગ્ય દેખરેખ થઈ શકે.

કોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો કે રસ્તા પર 24 કલાક દેખરેખ રાખવામાં આવે, જેથી કોઈ પશુ ફરી વાર રસ્તા પર ન આવે.

કોર્ટે એવું પણ કહ્યું કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવ પોતાના સ્તરે જવાબદારી નક્કી કરે અને આદેશોના પાલનમાં કોઈ પ્રકારની બેદરકારી જણાય તો સંબંધિત અધિકારીને વ્યક્તિગતપણે જવાબદાર ઠેરવવવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી આઠ અઠવાડિયાંની અંદર તેઓ આ દિશાનિર્દેશોનું પાલન કેવી રીતે કરી રહ્યા છે એ અંગેનો રિપોર્ટ માગ્યો છે.

હવે પછી શું થશે?

સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાઓ પછી હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હૉસ્પિટલ, ખેલ પ્રાંગણ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન તથા શૈક્ષણિક સંસ્થાઓ જેવા સાર્જવનિકસ્થળોએથી રખડતાં શ્વાનોને હઠાવીને શૅલ્ટર હોમમાં રાખવા પડશે. સાથે જ હાઇવે તથા ઍક્સ્પ્રેસવે પરથી રખડતાં ઢોરઢાંખર અને પશુઓને હઠાવવાના રહેશે.

આ ચુકાદો કેટલો લાગુ થઈ શકશે,એ જોવું રહ્યું. સાથે જ આ રખડતાં ઢોર અને શ્વાનોને ક્યાં રાખવામાં આવશે, એ પણ મોટો સવાલ છે.

જોકે, ઉચ્ચતમ અદાલતે જાનવરોને હઠાવવા અંગે કોઈ સમયમર્યાદા બાંધી નથી, માત્ર એટલું કહ્યું છે કે કેવા પગલાં લેવામાં આવ્યા છે, તેના વિશે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રિપોર્ટ આપવાનો રહેશે.

પશુકલ્યાણ સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા ચુકાદાની ટીકા કરી છે. પેટાએ પોતાની પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે અદાલતનો ચુકાદો, "ધરાતલ ઉપર પ્રવર્તમાન વાસ્તિવકતા સાથે જોડાયેલો નથી."

પેટાએ કહ્યું કે દેશભરમાં પાંચ કરોડ કરતાં વધુ રખડતાં શ્વાન છે તથા 50 લાખ કરતાં વધુ ઢોર છે. પેટાનું કહેવું છે કે તેમને રાખવા માટે પૂરતા પ્રમાણમાં શેલ્ટર હોમ હાલ નથી.

ભાજપનાં પૂર્વ સંસદસભ્ય મેનકા ગાંધીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, કોર્ટે અગાઉ જે ચુકાદો આવ્યો હતો અને જે મુશ્કેલીઓ પડી હતી, તે આ ચુકાદામાં પણ પડશે. એ ચુકાદાને અદાલતે પછી બદલવો પડ્યો હતો.

મેનકા ગાંધીએ કહ્યું હતું કે તેઓ આ ચુકાદાને અદાલત સમક્ષ પડકારશે. તેમણે કહ્યું કે રેલવે સ્ટેશન, શાળા તથા કૉલેજોમાંથી હઠાવી શકાય એમ હોત, તો તે થઈ ગયું હોત.

મેનકા ગાંધીએ કહ્યું, "જો તેમને હઠાવવામાં આવશે, તો આ જાનવર ક્યાં જશે?" મેનકા ગાંધીનું કહેવું છે કે જો શ્વાનોને તેમનાં સ્થાનેથી હઠાવીને રસ્તા ઉપર લાવવામાં આવશે, તો સામાન્ય નાગરિકો ઉપરનું જોખમ વધી જશે.

કેટલીક વાતો સ્પષ્ટ નહીં

24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઍફિડેવિટ દાખલ કરી હતી. જેમાં જે-તે પ્રદેશમાં કેટલાં શેલ્ટર હોમ છે, કેટલાં રખડતાં કૂતરાંની નસબંધી કરવામાં આવી તથા કેટલાંનું રસીકરણ કરવામાં આવ્યું, તેના વિશે માહિતી આપી હતી.

જે મુજબ દેશભરમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 236 કેન્દ્ર છે. દિલ્હીમાં 20 ઍનિમલ બર્થ કંટ્રૉલ સેન્ટ્રલ છે. ઉત્તર પ્રદેશમાં 17 કેન્દ્ર છે, જ્યારે બિહારમાં પણ નથી. જોકે, શ્વાનોને માટે 16 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.

પશુ અધિકાર કાર્યકર્તા ગૌરી મૌલેખી પણ આ મામલા સાથે સંકળાયેલાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, " (આ ચુકાદાને પગલે) પશુપ્રેમી તથા જેમને જાનવરોને હઠાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે એ અધિકારીઓની વચ્ચે ઝગડો વધશે."

અનેક શાળાઓ અને કૉલેજોમાં રખડતાં શ્વાનો પાળવામાં આવે છે. જૂન-2025માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી) કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં જાનવરોની દેખભાળ કરવા માટે સોસાયટી બનાવવામાં આવે. આ સંસ્થાઓમાં જાનવરોને ખાવાનું આપવા માટે જગ્યા બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે જાનવરોને ન કેવળ હઠાવવા, પરંતુ રેલવે સ્ટેશન, હૉસ્પિટલ, શાળાઓ, કૉલેજ વગેરેની ફરતે દીવાલ કે ફેન્સિંગ કરવા કહ્યું હતું. જાનવરોને હઠાવવાની સાથે આ પણ મોટું કામ હશે. જેને રાજ્યોએ આઠ અઠવાડિયાંમાં લાગુ કરવાની રહેશે.

તા. 13 જાન્યુઆરી 2026 માં આ અંગે આગામી સુનાવણી થશે, ત્યારે આ દિશામાં કયા પ્રદેશમાં કેટલી પ્રગતિ થઈ છે, તેના વિશે સ્થિતિ સ્પષ્ટ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન