You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાનો એ નિર્ણય જે H-1B વિઝાધારકોના જીવનસાથીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા વધારી શકે
અમેરિકાએ ઑક્ટોબર મહિનાના અંતમાં એક એવા નિર્ણયની જાહેરાત કરી છે જેના કારણે એચ-1બી વિઝાધારકોના સ્પાઉઝ એટલે કે જીવનસાથીને યુએસમાં કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
અત્યાર સુધી અમેરિકા એચ-1બી વિઝાધારકના પતિ કે પત્નીની વર્ક પરમિટને અમુક શરતોને આધીન રહીને ઑટોમૅટિક લંબાવી આપતું હતું. જો બાઇડનના સમયમાં આ સગવડ આપવામાં આવી હતી, પરંતુ હવે તેને બંધ કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે અમેરિકામાં કેટલાક વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી નડી શકે છે. ખાસ કરીને ભારતીયોને તેની વધુ અસર પડશે તેમ માનવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ એચ-1બી વિઝાની ફી અમુક હજાર ડૉલરથી વધારીને સીધી એક લાખ ડૉલર કરી હતી. ત્યાર પછી આ બીજો આંચકો છે જે અમેરિકામાં વસતા ભારતીયોને અસર કરી શકે છે.
અમેરિકાનો આ નિર્ણય શું છે, કેવા સંજોગોમાં લેવામાં આવ્યો છે અને તેનાથી યુએસમાં વસતા ભારતીયોને કેવી અસર થશે તેની વાત કરીએ.
નવા ફેરફાર શું છે?
અમેરિકામાં એચ-1 બી વિઝા પર કામ કરતા કર્મચારીઓના જીવનસાથી ઍમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (ઈએડી)ની મદદથી જૉબ કરી શકતા હતા. પરંતુ હવે જેમના ઈએડી રિન્યૂ કરવાના છે તેમને ઑટોમેટિક ઍક્સ્ટેન્શન નહીં મળે.
આ નવા નિયમથી એચ-1બી વિઝાધારકના ચોક્કસ કૅટેગરીના જીવનસાથીને (જેઓ H4 EAD ધરાવે છે) તેમને ખાસ અસર થશે. આ ઉપરાંત L1 વિઝાધારકોના ડિપેન્ડન્ટ અને એફ1 વિઝા પર આવેલા સ્ટુડન્ટ્સને પણ અસર થવાની શક્યતા છે.
H4 EAD એ ચોક્કસ પ્રકારના એચ-1બી વિઝા ધારકોના સ્પાઉઝ માટેના ઍમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ છે જેની મદદથી તેઓ અમેરિકામાં કામ કરી શકે છે.
અમેરિકન સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસની એક રિલીઝ પ્રમાણે ગ્રીનકાર્ડ ધારકો, એચ-1બી વિઝાધારકો અને એલ-1 વિઝા ધારકોને આ વર્ક પરમિટની જરૂર હોતી નથી તેથી તેમને આ ફેરફારની અસર નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 30 ઑક્ટોબર, 2025 અગાઉ જેમના ઈએડી ઑટોમેટિક રીતે લંબાવવામાં આવ્યા છે તેમને અસર નહીં થાય.
હિંદુ બિઝનેસલાઇનના અહેવાલ પ્રમાણે અગાઉ જો બાઇડન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ઇમિગ્રન્ટના ચોક્કસ વર્ગને વર્ક પરમિટ ઍક્સપાયર થઈ જાય ત્યાર પછી પણ કામ કરવાની સુવિધા આપી હતી. શરત માત્ર એટલી હતી કે તેમણે સમયસર રિન્યૂઅલ અરજી ફાઇલ કરેલી હોવી જોઈએ.
બાઇડનના સમયગાળામાં કોઈ ઇમિગ્રન્ટ કામદારની વર્કિંગ પરમિટ ઍક્સપાયર થઈ ગઈ હોય અને રિન્યૂઅલ અરજી સમયસર કરવામાં આવી હોય તો ઍક્સપાયરી પછી 540 દિવસ સુધી ઇમિગ્રન્ટ કામ કરી શકતા હતા.
USમાં કામ કરવા માટે કોને EADની જરૂર પડે?
અમેરિકામાં કામ કરવા માટેના વિશેષ વિઝા ન હોય તેવા લોકોએ કામ કરવા માટે EADની જરૂર પડે છે. તેમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે કામ કરતા લોકોના આશ્રિતો, રેફ્યુજી, વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એચ-1બી વર્કરના પતિ/પત્ની, L-1 ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર થઈ હોય તેવા લોકોના પતિ કે પત્નીને ઈએડીની જરૂર પડે છે.
F-1 વિઝા પર અમેરિકા ભણવા આવ્યા હોય તેવા વિદ્યાર્થી ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) મેળવવાના હોય તો તેઓ પણ EAD માટે અરજી કરી શકે. તેવી જ રીતે સાયન્સ, ટેકનૉલૉજી, ઍન્જિનિયરિંગ અને મૅથમૅટિક્સ (સ્ટેમ)નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 24 મહિનાના ઍક્સ્ટેન્શન માટે EAD માટે અરજી કરી શકે છે.
આ ફેરફારની કેમ જરૂર પડી?
યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના ડાયરેક્ટર જોસેફ એડ્લોએ આ ફેરફાર શા માટે કરવામાં આવ્યા તેના કારણ આપ્યાં હતાં.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે "વિદેશીઓની ચકાસણીની પ્રક્રિયાને વધારે ચુસ્ત બનાવવામાં આવશે. અમેરિકનોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે અગાઉની સરકારોની કેટલીક નીતિઓને રદ કરવામાં આવશે. કોઈ પણ વિદેશીને ઍમ્પ્લૉયયમેન્ટ ઑથોરાઇઝેશન આપતા પહેલાં તેમનું પૂરતું સ્ક્રિનિંગ કરવામાં આવે તે જરૂરી છે."
"દરેક વિદેશીએ એ યાદ રાખવું જોઈએ કે અમેરિકામાં કામ કરવા મળે તે તમારો અધિકાર નથી, પરંતુ વિશેષાધિકાર છે," એમ તેમણે કહ્યું છે.
ભારતીયોને કેમ વધારે અસર થશે?
EADના પ્રોસેસિંગમાં ઘણી વખત સાતથી 10 મહિના લાગી જાય છે તેથી ભારતીયોને આ નિર્ણયની સૌથી વધારે અસર થાય તેવી શક્યતા છે. ઘણા ભારતીયો કદાચ નોકરી ગુમાવી પણ શકે છે.
અમેરિકાના વસ્તી બ્યૂરોના 2022ના આંકડા પ્રમાણે અમેરિકામાં લગભગ 48 લાખ ઇન્ડિયન અમેરિકનો વસતા હતા જેમાંથી 66 ટકા ઇન્ડિયન અમેરિકનો ઇમિગ્રન્ટ તરીકે આવેલા છે, જ્યારે 34 ટકા લોકોનો જન્મ અમેરિકામાં થયો છે.
તાજેતરના આંકડા પ્રમાણે અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 52 લાખ કરતા વધારે હોવાનું માનવામાં આવે છે. એચ-1બી વિઝાધારકોમાં પણ ભારતીયો 70 ટકા હિસ્સા સાથે સૌથી આગળ છે, તેથી તેમના જીવનસાથીને રોજગારીની પરમિટ પર નિયંત્રણ લાદવામાં આવે તો તેની સૌથી વધુ અસર ભારતીયોના થાય તેમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન