You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં વાવાઝોડાની સિઝન શરૂ, અરબી સમુદ્રમાં સૌથી વધારે વાવાઝોડાં ક્યારે આવે છે?
જૂન મહિનામાં ભારતમાં ચોમાસાની શરૂઆત પહેલાં વાવાઝોડાની સિઝનની શરૂઆત થતી હોય છે. ઉનાળાની ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલાં ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
ઉત્તર હિંદ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાય છે. આ વાવાઝોડાની અસર ભારતના દરિયાકિનારાના પ્રદેશોને થાય છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચથી જૂન અને ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન વાવાઝોડાં સર્જાતાં હોય છે. ચોમાસા દરમિયાન વાવાઝોડાં સર્જાતાં નથી.
અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થવાની શક્યતાઓ રહેલી હોય છે. તૌકતે અને બિપરજોય એમ છેલ્લાં બે વાવાઝોડાંએ ગુજરાતના અનેક વિસ્તારોને ભારે અસર કરી હતી.
અરબી સમુદ્રમાં વધારે વાવાઝોડાં ક્યારે સર્જાય છે?
ચોમાસા પહેલાં સિસ્ટમ એપ્રિલ મહિના કરતાં મે મહિનામાં ખૂબ જ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડાં સર્જાતાં હોય છે.
એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાતાં હોય છે. આ વાવાઝોડાં મ્યાનમાર અને બાંગ્લાદેશને સૌથી વધારે અસર કરતાં હોય છે. ભારતના દરિયાકિનારે ભાગ્યે જ ત્રાટકે છે.
મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વધારે વાવાઝોડાં સર્જાવાની શક્યતા હોય છે.
આ મહિનામાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે ઓમાન, યમન અને સોમાલિયાના દરિયાકાંઠા તરફ વળી જતાં હોય છે. ભાગ્યે જ કોઈ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આવતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન મહિનામાં અરબી સમુદ્ર સૌથી વધારે સક્રિય રહે છે. આ મહિનામાં બંગાળની ખાડી કરતાં વધારે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાય છે. આ મહિનામાં સર્જાતાં વાવાઝોડાં ઘણી વખત ગુજરાત તરફ આવે છે. જ્યારે કેટલીક વખત ઓમાન, યમન તરફ વળી જતાં હોય છે.
1 મેના રોજ ભારતના હવામાન વિભાગે કરેલી પત્રકાર પરિષદમાં હવામાન વિભાગના વડા મોહાપાત્રાએ કહ્યું હતું કે આબોહવાશાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે મે મહિનામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
મોહાપાત્રાએ કહ્યું, 'આવનારા બે અઠવાડિયાં સુધી ભારતના દરિયામાં કોઈ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા દેખાતી નથી. દર અઠવાડિયે હવામાન વિભાગ વાવાઝોડા અંગે રિપોર્ટ જારી કરે છે.'
અરબી સમુદ્ર કે બંગાળની ખાડી ક્યાં વધારે વાવાઝોડાં સર્જાય છે?
ચોમાસા પહેલાંની વાવાઝોડાની સિઝનમાં એપ્રિલ કરતાં મે મહિનામાં ઉત્તર હિંદ મહાસાગરમાં વધારે વાવાઝોડાં સર્જાય છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસા પહેલાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના દરિયામાં એપ્રિલ મહિનામાં એક પણ વાવાઝોડું સર્જાયું નથી. 2019માં બંગાળની ખાડીમાં 26 એપ્રિલના રોજ ફણી નામનું વાવાઝોડું સર્જાયું હતું.
આ વાવાઝોડું ઘણા દિવસ સુધી દરિયામાં રહ્યું હતું અને 3 મેના રોજ તે ઓડિશાના દરિયાકિનારે ત્રાટક્યું હતું. જે બાદ 2020થી આ વર્ષ સુધી એક પણ વાવાઝોડું એપ્રિલ મહિનામાં સર્જાયું નથી.
મે મહિના અને જૂનમાં ભારતમાં સૌથી વધારે વાવાઝોડાં સર્જાય છે. દર વર્ષે ચોમાસા પહેલાં અને પછી ભારતના દરિયામાં સરેરાશ 4થી 5 વાવાજોડાં ઉત્પન થાય છે.
દર વર્ષે જે વાવાઝોડાં આવે છે તેમાં 60 ટકા જેટલાં બંગાળની ખાડીમાં અને 40 ટકા જેટલાં અરબી સમુદ્રમાં ઉત્પન્ન થાય છે.
વાવાઝોડાને કયાં પરિબળો અસર કરે છે?
વાવાઝોડાં સર્જાવા માટે હવામાન અને દરિયામાં કેટલીક અનુકૂળ સ્થિતિઓ પેદા થવી જોઈએ. આ અનુકૂળ પરિસ્થિતિઓ માટે કેટલાંક પરિબળો કામ કરે છે અને તે વાવાઝોડું સર્જાવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.
ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાની જળસપાટીનું તાપમાન વાવાઝોડાં ઉત્પન્ન થવા માટે સૌથી મહત્ત્વનું છે. દરિયાની જળસપાટીનું તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો વાવાઝોડું સર્જાઈ શકે છે.
દરિયાનું તાપમાન જેમ વધારે તેમ વાવાઝોડાને વધારે તાકાત મળે છે અને ઘણી વખત લાંબા સમય સુધી દરિયામાં રહેનારા વાવાઝોડાં વધારે ખતરનાક બને છે.
વાવાઝોડા માટે બીજું મહત્ત્વનું પરિબળ વર્ટિકલ વિન્ડ શિયર છે. તેના દ્વારા વાવાઝોડું પોતાનું સ્વરૂપ અને તીવ્રતા જાળવી રાખે છે.
મૉનસૂન ટ્રફ એ વાવાઝોડું સર્જાવા માટેનું ત્રીજું પરિબળ છે. બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધીનો લો-પ્રેશર એરિયા વાવાઝોડું સર્જાવા માટે અનુકૂળ પરિસ્થિતિ પેજા કરે છે.
મેડન જુલિયન ઓસિલેશન (MJO) પૂર્વ દિશા તરફ આગળ વધતું ડિસ્ટર્બન્સ જે વાદળો, વરસાદ, પવન અને પ્રેશરને અસર કરે છે, એ પણ વાવાઝોડા માટે અનુકૂળ સ્થિતિ પેદા કરી શકે છે.