You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના કયા દેશે તોડ્યો મોતની સજા આપવાનો રેકૉર્ડ, કેટલા ભારતીયોને મળી મૃત્યુદંડની સજા?
સાઉદી અરેબિયાએ આ વર્ષે 100થી વધુ વિદેશી નાગરિકોને મૃત્યુદંડ આપ્યો છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. હાલમાં જ નશીલી દવાઓની તસ્કરીમાં દોષી જાહેર કરાયેલા એક નાગરિકને મોતની સજા આપવામાં આવી છે.
આ પહેલાં જ સપ્ટેમ્બરમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ સાઉદી અરેબિયામાં મોતની સજા આપવાના કિસ્સાઓમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એએફપીના એક અહેવાલ અનુસાર, આ વર્ષે સાઉદી અરેબિયાએ અત્યાર સુધીમાં 101 વિદેશી નાગરિકોને મોતની સજા આપી છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે આ વર્ષ 2023 અને 2022 કરતાં ત્રણ ગણો મોટો આંકડો છે. 2022માં 34 અને 2023માં પણ 34 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
બર્લિનથી ચાલતા યુરોપિયન-સાઉદી ઑર્ગેનાઇઝેશન ફૉર હ્યુમન રાઇટ્સ (ESOHR) ના કાયદાકીય નિર્દેશક તાહા અલ-હજ્જીએ એએફપીને જણાવ્યું હતું કે, “એક વર્ષમાં વિદેશી નાગરિકોને મૃત્યુદંડ આપવાની આ મોટી સંખ્યા છે.”
ચીન અને ઈરાન પછી...
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, વર્ષ 2023માં સાઉદી અરેબિયાએ ચીન અને ઈરાન પછી સૌથી વધુ સંખ્યામાં મોતની સજા આપી છે.
આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ સાઉદી અરેબિયાએ મોતની સજા આપવામાં છેલ્લા ત્રીસ વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
આ આંકડા 2022માં આપવામાં આવેલી 196 મોતની સજા ને 1995માં આપવામાં આવેલી 192 મોતની સજાથી અનેકગણા વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે પણ અનેકવાર સાઉદી અરેબિયાના આ વલણનો વિરોધ કર્યો છે.
સાત માનવાધિકાર સંગઠનો સાથે ઑક્ટોબરમાં જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, હ્યુમન રાઈટ્સ વૉચે કહ્યું, “સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજાની વધતી સંખ્યાથી આપણે બધા ભયભીત છીએ. સાઉદી પ્રેસ એજન્સીના આંકડાઓ અનુસાર, માત્ર 2024ના પ્રથમ નવ મહિનામાં ઓછામાં ઓછા 200 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જે છેલ્લા ત્રણ દાયકામાં માત્ર એક વર્ષ દરમિયાન ફાંસી અપાઈ હોય તેના કરતાં વધુ છે."
આ નિવેદન પર હસ્તાક્ષર કરનાર સંગઠનોમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થા પણ સામેલ હતી.
સપ્ટેમ્બરમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ત્યારે સંગઠનના જનરલ સેક્રેટરી ઍગ્નેસ કેલામાર્ડે કહ્યું હતું કે, "સાઉદી અરેબિયા માનવાધિકારોને દાવ પર રાખીને લોકોને મૃત્યુદંડની સજા આપી રહ્યું છે."
સંગઠનના સેક્રેટરી જનરલે કહ્યું, "મૃત્યુની સજા ઘૃણાસ્પદ અને અમાનવીય સજા છે. સાઉદી અરેબિયા દ્વારા રાજકીય અસંમતિ અને ડ્રગ્સ સંબંધિત આરોપો સહિતના વિવિધ ગુનાઓ માટે લોકો વિરુદ્ધ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ તાત્કાલિક મૃત્યુદંડની સજા પર રોક લગાવવી જોઈએ. મોતની સજા વગર આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર આરોપીઓ પર ફરીથી કેસ ચલાવવા જોઇએ.
અત્યાર સુધીમાં 274 લોકોને મોતની સજા, કેટલા લોકો ભારતીય?
એએફપીના અહેવાલ મુજબ સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજામાં વધારો થયો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 274 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે.
એએફપીના અહેવાલ મુજબ આ વર્ષે જે વિદેશી નાગરિકોને મોતની સજા સંભળાવવામાં આવી છે તેમાં પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઇજીરિયાના 10, ઇજીપ્તના નવ, જોર્ડનના આઠ અને ઇથિયોપિયાના સાત લોકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમાં સુદાન, ભારત અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને શ્રીલંકા, ઇરિટ્રિયા અને ફિલિપીન્ઝના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાએ 2022માં ડ્રગ અપરાધીઓ માટે મૃત્યુદંડ પર ત્રણ વર્ષના લાગેલા પ્રતિબંધને હઠાવી દીધો હતો.
આ વર્ષે ડ્રગ્સના ગુનાઓ માટે મૃત્યુદંડની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં 92 દોષિતોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે, જેમાંથી 69 વિદેશી નાગરિકો હતા.
માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે વિદેશી નાગરિકોના કેસોની સામાન્ય રીતે ન્યાયિક રીતે સુનાવણી થતી નથી અને તેમને કોર્ટના દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવતા નથી.
ESOHRના હાજીના કહેવા પ્રમાણે, વિદેશી આરોપીઓને સાઉદી અરેબિયામાં સૌથી નબળા માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે, "વિદેશી નાગરિકો માત્ર મોટા ડ્રગ્સ ડીલરોનો જ શિકાર બને છે તેવું નથી, પરંતુ તેમને ધરપકડથી લઈને મૃત્યુદંડ સુધીના તેમના અધિકારોના ઉલ્લંઘનના લાંબા સિલસિલામાંથી પસાર થવું પડે છે."
2023માં ક્યા દેશે કેટલી મોતની સજા આપી?
એમનેસ્ટી અનુસાર, વર્ષ 2023માં સૌથી વધુ મૃત્યુદંડ પાંચ દેશો - ચીન, ઈરાન, સાઉદી અરેબિયા, સોમાલિયા અને અમેરિકામાં આપવામાં આવ્યો હતો.
તેમાંથી 74 ટકા મૃત્યુદંડના કેસ એકલા ઈરાનમાં નોંધાયા છે. તે જ સમયે, મૃત્યુદંડના કુલ કેસમાંથી 15 ટકા સાઉદી અરેબિયામાં નોંધાયા હતા.
એમનેસ્ટીનું કહેવું છે કે ચીનની જેમ તે ઉત્તર કોરિયા, વિયેતનામ, સીરિયા, પેલેસ્ટિનિયન પ્રદેશો અને અફઘાનિસ્તાન માટે સત્તાવાર ડેટા મેળવી શક્યું નથી.
એ સિવાય મૃત્યુદંડને સમાપ્ત કરી દીધો હોય તેવા દેશોમાં પણ વધારો થયો છે.
વર્ષ 1991માં આ યાદીમાં 48 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 2023માં મૃત્યુદંડ નાબૂદ કરનારા દેશોની સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.
નવ દેશ એવા છે જ્યાં માત્ર ગંભીર ગુનાઓ માટે જ મૃત્યુદંડ આપવામાં આવે છે, જ્યારે 23 દેશો એવા છે જ્યાં છેલ્લા એક દાયકામાં મૃત્યુદંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
શું મૃત્યુદંડની સજાથી ગુનાઓમાં ઘટાડો થાય છે?
યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ઑફિસ કહે છે કે જે દેશોમાં મૃત્યુદંડ છે, તે એવી ધારણાને કારણે રાખવામાં આવ્યા છે કે તેનાથી અપરાધો અટકે છે.
સમાજવિજ્ઞાનીઓમાં એક સામાન્ય સર્વસંમતિ છે કે મૃત્યુદંડ અપરાધને રોકવામાં અસરકારક સાબિત થયો નથી.
કેટલાક લોકો કહે છે કે સૌથી મોટો અવરોધ તો પકડાવાની અને સજા થવાની સંભાવનાથી આવે છે.
1988માં, યુનાઇટેડ નેશન્સ માટે મૃત્યુદંડ અને હત્યાના કેસ વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેને વર્ષ 1996માં અપડેટ કરવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન