મરાઠી વિરુદ્ધ હિન્દીના ભાષા વિવાદમાં 'ગુજરાત'ની ઍન્ટ્રી કેવી રીતે થઈ?

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

29મી જૂનના રોજ 'જોધપુર સ્વીટ્સ' નામે મુંબઈના મીરા રોડ પર દુકાન ચલાવતા બાબુલાલ ચૌધરીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ કથિતપણે મરાઠી ન બોલવા અંગે માર માર્યો હતો.

એ પહેલાં 16મી એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા ત્રિભાષા નીતિના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો હતો.

જોકે, 30મી જૂને મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચીને આ મુદ્દે પુનર્વિચાર માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી દીધી હતી.

પરંતુ વેપારીને માર મારવાના મુદ્દે તથા હિન્દી ભાષાના ત્રીજી ભાષા તરીકેના અમલીકરણનો વિરોધ ચાલી રહ્યો હતો એટલામાં જ ચોથી જુલાઈના રોજ મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેના શબ્દોએ વિવાદ વધાર્યો હતો.

શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજે બનાવેલા 'જયરાજ સ્પૉર્ટ્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટર'ના ઉદ્ધાટન કાર્યક્રમમાં બોલતી વખતે ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તેમના ભાષણને અંતે 'જય ગુજરાત'નો નારો લગાવ્યો હતો.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિનો થઈ રહેલો વિરોધ વધુ ઉગ્ર બની ગયો હતો. પાંચમી જુલાઈના રોજ ઠાકરે બંધુઓએ સાથે મળીને એક માર્ચનું આયોજન કર્યું હતું અને સરકારને ત્રિભાષા નીતિ સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાની માગ કરવામાં આવી હતી.

સંયુક્ત રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ 'ગુજરાત'ને ફરી નિશાન બનાવ્યું

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ભાષા અંગેનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યા પછી પણ સંયુક્ત રેલી કરી હતી, જેમાં તેઓ લગભગ 20 વર્ષ પછી એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.

સરકારે નિર્ણય પાછો ખેંચી લેતા વિજયના પ્રતીકરૂપે ઠાકરે બંધુઓએ મુંબઈમાં એક રેલી યોજી હતી.

આ સંયુક્ત રેલીમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "જ્યારે કોઈ વ્યક્તિ ગુજરાતી હોય કે પછી અન્ય સમુદાયની હોય, તેમણે મરાઠી શીખવી જ જોઈએ. પરંતુ જો કોઈ ન બોલવા માંગતું હોય, તો તેમને મારવાની જરૂર નથી. જોકે, જ્યારે કોઈ વધારે પડતું નાટક કરવાનો પ્રયત્ન કરે તો તેમને લાફો મારી દેવો, પણ તેનો વીડિયો ન બનાવવો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત રેલીમાં ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદે પર 'જય ગુજરાત'ના નારા અંગે નિશાન સાધતા કહ્યું હતું કે, "તેમની પાસે પોતાના વિચારો નથી. તેમના બૉસને ખુશ કરવા જય ગુજરાતનો નારો લગાવે છે. શું આવી રીતે તેઓ મરાઠી લોકોને સન્માન આપે છે?"

તેમણે કહ્યું હતું કે, "છેલ્લાં 11 વર્ષમાં ભાજપની સરકારે મુંબઈના અગત્યના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં ધકેલી દીધા છે. ગુજરાતમાં 2017માં એવું વાતાવરણ હતું કે ભાજપની હાર થાય. પણ ભાજપે પટેલોને ત્યાં ભડકાવ્યા, તેમને હાંસિયામાં ધકેલ્યા અને બાકીના બધાને એકજૂથ કરીને જીત મેળવી. એવી જ રીતે ભાજપ મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને ભડકાવવા ઇચ્છે છે."

મહારાષ્ટ્રમાં ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ 'ઉદ્યોગોના ગુજરાતગમન'નો મુદ્દો છવાયેલો રહ્યો હતો.

એવામાં ફરીથી મહારાષ્ટ્રમાં તાજેતરના ઘટનાક્રમમાં ગુજરાતની ઍન્ટ્રી થઈ છે.

આ વિવાદમાં ભાજપના પણ કેટલાક નેતાઓ કૂદ્યા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, "જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેમાં હિંમત હોય તો હિન્દીભાષી, ઉર્દૂભાષી, તમિલ-તેલુગુભાષી લોકોને માર મારીને બતાવે. મહારાષ્ટ્રમાં ટાટા, બિરલા જેવા બહારના રાજ્યોનાં ઉદ્યોગપતિઓ પણ છે, શું તેઓ ટૅક્સ નથી ભરતા? શા માટે તેઓ આવું કરી રહ્યા છે?"

વિવાદ ઉગ્ર થવાનું અને ગુજરાતની ઍન્ટ્રીનું કારણ શું છે?

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત વર્ષે થયેલી મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે પછી ધારાવી ડૅવલપમેન્ટનો મુદ્દો, ઉદ્ધવ ઠાકરે સતત ઉદ્યોગોના ગુજરાતગમનનો મુદ્દો ઉઠાવતા રહે છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અભય દેશપાંડે કહે છે, "ત્રિભાષા નીતિથી હિન્દીનો વિવાદ અંતે ગુજરાતી ભાષા સુધી પહોંચ્યો તેમાં સૌથી મોટું જો કોઈ પરિબળ હોય તો એ મુંબઈ મહાનગરપાલિકાની પ્રસ્તાવિત ચૂંટણી છે."

તેઓ કહે છે કે, "ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન જ આ પૉલિસી માટે કમિટી બની હતી. તેમણે આ મુદ્દે અત્યાર સુધી કોઈ આક્રમક વલણ અપનાવ્યું નહોતું, પણ હવે અપનાવ્યું છે. વધુમાં, રાજ ઠાકરેના પક્ષ પાસે કોઈ આંદોલન પહોંચે તો એ આક્રમક થવાની પૂર્ણ શક્યતા હોય છે. વધુમાં અમિત શાહ ગુજરાતી છે, અને એમનો આદેશ માની રહેલા શિંદે મરાઠી વિરોધી હોવાની છાપ ઉદ્ધવ ઠાકરે ઊભી કરવા માંગે છે."

અભય દેશપાંડે કહે છે, "આમ થવાનું એકમાત્ર કારણ ચૂંટણીમાં ચાલતો મરાઠી વિ. બિનમરાઠીનો મુદ્દો છે. તેથી બંને બાજુના લોકો ધ્રુવીકરણની કોશિશ કરી રહ્યા છે. કારણ કે આ ધ્રુવીકરણનો ફાયદો બંનેને છે. 2017માં બંને પક્ષો (ભાજપ અને શિવસેના) અલગ ચૂંટણી લડ્યા હતા અને ધ્રુવીકરણ થયું હતું, જેમાં ફાયદો બંનેને થયો હતો."

વરિષ્ઠ પત્રકાર રવિકિરણ દેશમુખ કહે છે કે, "અચાનક એક પછી એક ઘટનાઓ બની અને આ મુદ્દો ચર્ચાવા લાગ્યો. પરંતુ એમાં પણ નોંધવા જેવું છે કે રાજ ઠાકરેનો પક્ષ તેનો ખૂબ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે તેમનો વિરોધ હિન્દી ભાષા સામે નથી, પરંતુ તેને થોપવા સામે વિરોધ છે. ઉદ્ધવ ઠાકરે ગુજરાતનો મુદ્દો એટલે ઉઠાવી રહ્યા છે કારણ કે તેઓ વાયા શિંદે ભાજપને પણ ટાર્ગેટ કરવા ઇચ્છે છે. તેઓ એવો નૅરેટિવ બનાવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં બનેલી સરકાર ગુજરાતની ભલાઈ માટે કામ કરે છે. "

મુંબઈથી પ્રસિદ્ધ થતા ગુજરાતી મૅગેઝિન ચિત્રલેખાના તંત્રી હીરેન મહેતા સાથે બીબીસીએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "ઉદ્ધવ ઠાકરેના નિવેદનમાં ગુજરાતનો ઉલ્લેખ છે પરંતુ તેમણે ગુજરાતીઓને સીધા ટાર્ગેટ નથી કર્યા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો તર્ક એવો છે કે જો ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં આ નીતિ દાખલ નથી કરવામાં આવી તો મહારાષ્ટ્રમાં કેમ? ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં તમે ત્રીજી ભાષા કઈ રાખશો?"

હીરેન મહેતા કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈમાં ઉત્તર ભારતીયો અને હિન્દી બોલનારા લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. મુંબઈની મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની સરકારનો ત્રિભાષાનો નિર્ણય કદાચ આ મતદારોને આકર્ષવા માટે હતો. જોકે, તેમની આ પૉલિટિકલ ગેમનો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે જોરદાર વિરોધ કર્યો."

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અને શિવસેનાના અસ્તિત્વનો સવાલ

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્લેષકોનું માનવું છે કે ભાષા અંગેના આવા વિવાદો પર રાજકારણ મુંબઈ મહાનગરપાલિકાની પ્રસ્તાવિત ચૂંટણીને કારણે થઈ રહ્યું છે.

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ હજુ સુધી તેઓ એક થાય છે તેવી જાહેરાત તો નથી કરી, પરંતુ તેમની સંયુક્ત રેલીને ઘણા જાણકારો આવનારી ચૂંટણી સાથે જોડી રહ્યા છે.

કારણ કે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત તમામ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થોડા મહિનાઓમાં થઈ શકે છે.

રવિકિરણ દેશમુખ કહે છે, "મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મરાઠી વિ. બિનમરાઠીનો મુદ્દો ખૂબ ચાલે છે. મુંબઈ કોનું છે? મુંબઈ મરાઠીઓનું રહેશે કે નહીં? એવા મુદ્દાઓ કાયમ ચાલતા રહ્યા છે અને તેનો ફાયદો ઉદ્ધવ ઠાકરેને મળતો રહ્યો છે. એવામાં તેમને અત્યારે પણ મુદ્દો મળી ગયો છે."

વરિષ્ઠ પત્રકાર અભય દેશપાંડે કહે છે, "તાજેતરમાં ભાષાના મુદ્દે થયેલા વિવાદ પર ઉદ્ધવ ઠાકરે એટલા માટે આક્રમક છે કારણ કે તેનાથી મરાઠી મતો એકજૂથ થવાની શક્યતા છે. જોકે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે થશે એ નક્કી નથી એટલે આ માહોલનો ફાયદો કેટલો થશે એ કહી ન શકાય."

રવિકિરણ દેશમુખ આગળ સમજાવે છે કે, "મુંબઈમાં મરાઠી મતદારોની સંખ્યા 35 ટકા જેટલી છે જ્યારે ગુજરાતી મતદારોની સંખ્યા પણ 25થી 27 ટકા જેટલી છે. એટલે તમામ બિનમરાઠી મતો એકજૂથ થઈ જાય તો એ પણ મહત્ત્વના છે."

તેઓ સમજાવે છે કે, "શિવસેનાનું રાજકારણ જોઈએ તો તેમાં પહેલાં ગુજરાતી કે ગુજરાતનો વિરોધ નહોતો. હકીકતમાં તો પહેલાં ગુજરાતી પ્રભુત્વવાળા વિસ્તારોમાં પણ શિવસેના મજબૂત હતી. શિવસેનામાં ઘણા ગુજરાતી નેતાઓ પણ હતા. પરંતુ તેમની સરકાર ગઈ અને પાર્ટી તૂટી એ પછી તેઓ સતત 'ગુજરાતના મુદ્દે' હમલાવર છે, કારણ કે મોદી-શાહ પણ ગુજરાતથી છે. 2022 પછી જ મહારાષ્ટ્રમાં મરાઠી-ગુજરાતી મતદારોનો ઝઘડો થોડો વધ્યો હોય એવું પ્રતીત થાય છે."

હીરેન મહેતા કહે છે, "આવનારી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે અસ્તિત્વને ટકાવવાનો પ્રશ્ન છે. તેઓ એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ સાથે રહે ત્યાં સુધી તેઓ સેક્યુલરિઝમ છોડી શકે તેમ નથી. રાજ ઠાકરેનું એવું કંઈ ખાસ અસ્તિત્ત્વ મહારાષ્ટ્રમાં નથી. બીજું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થશે તેવું રાજ ઠાકરે તરફથી કહેવામાં આવ્યું નથી."

તેઓ કહે છે કે, "મુંબઈમાં દાયકાઓથી શિવસેનાનો દબદબો રહ્યો છે અને મરાઠી મતદારો પર તેઓ આધારિત છે. 1992 હિન્દુત્ત્વના ઉભાર અને પછી ભાજપ સાથેના ગઠબંધનને કારણે શિવસેનાને ગુજરાતી મતદારોના મત પણ મળતા થયા. પરંતુ ગુજરાતી મતદારોએ મોટી સંખ્યામાં સામે ચાલીને શિવસેનાને મત આપ્યા હોય તેવું બન્યું નથી."

"છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈમાં ઉત્તર ભારતીયોની સંખ્યા વધતાં તેઓ મરાઠી મતદારો પછી બીજા નંબરે આવી ગયા છે અને ગુજરાતીઓ ત્રીજા નંબરે ધકેલાઈ ગયા હોય તેવું લાગે છે."

મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનો દબદબો

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શિવસેનાના બે ભાગ થયા પછી પહેલી વાર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થશે, જેમાં હવે ઉદ્ધવ ઠાકરે સામે તેમનો ગઢ બચાવવાનો પડકાર છે.

મુંબઈમાં છેલ્લે વર્ષ 2017માં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી. તેની 227 બેઠકોમાંથી બહુમતી માટે કુલ 114 બેઠકો જીતવી પડે છે.

2017ની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ 84 બેઠકો જીતી હતી. એ સમયે શિવસેના અવિભાજિત હતી.

ભાજપે આ ચૂંટણીમાં 82 બેઠકો, તો કૉંગ્રેસે 31 બેઠકો, એનસીપી(અવિભાજિત)એ નવ બેઠકો, અને રાજ ઠાકરેની મનસેએ સાત બેઠકો જીતી હતી. કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી.

પરંતુ એ ચૂંટણીની નોંધનીય બાબત એ હતી કે ભાજપ અને શિવસેના ગઠબંધન વગર એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપે પરિણામો પછી શિવસેનાએ મેયરની પોસ્ટ માટે તેમને ટેકો આપી દીધો હતો.

2012માં પણ શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 75 બેઠકો, 2007માં 84 બેઠકો, 2002માં 97 બેઠકો, 1997માં 102 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. દરેક વખતે તેણે ભાજપના સમર્થનથી મેયરપદ મેળવ્યું હતું.

મુંબઈમાં વર્ષ 1971માં પહેલી વાર શિવસેનાના મેયર ચૂંટાયા હતા. ત્યાર પછી સતત મુંબઈ શહેરમાં શિવસેનાનું પ્રભુત્વ રહ્યું છે.

2022માં પ્રસ્તાવિત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ વર્ષ મોડું થવા છતાં પણ થઈ નથી. એવામાં શિવસેનામાં પડેલા ભંગાણ પછી ઉદ્ધવ ઠાકરે સામે તેમનો 'મુંબઈનો ગઢ' બચાવવાનો મોટો પડકાર છે.

મહારાષ્ટ્રની ત્રિભાષા નીતિ શું છે?

ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતી, ભાષા, મરાઠી, હિન્દી, ભાષા વિવાદ, ભાજપ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભૂતકાળની ચૂંટણીઓમાં શિવસેના પણ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયત્નો કરી ચૂકી છે. જાણકારો પ્રમાણે તેમણે ક્યારેય ગુજરાતનો જોરદાર વિરોધ કર્યો નથી.

મહારાષ્ટ્ર સરકારના નવા નિયમ અનુસાર, ધોરણ 1થી 5માં અભ્યાસ કરતાં બાળકો માટે ત્રીજી ભાષા તરીકે એપ્રિલ મહિનામાં હિન્દીને ફરજિયાત કરી દેવામાં આવી હતી.

સરકારના આ નિર્ણયને તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સરકારનું કહેવું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,2020ના ભાગરૂપે મહારાષ્ટ્રમાં ત્રિભાષા નીતિનો આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે, આ મામલે થયેલા વિવાદ બાદ સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને અપડેટેડ ગાઇડલાઇન જાહેર કરી હતી જેમાં હિન્દી સહિત અન્ય ભાષાઓમાંથી કોઈ એક ભાષા ત્રીજી ભાષા તરીકે રાખવાની છૂટ આપી હતી.

પરંતુ તેમાં એવી શરત હતી કે આ ત્રીજી પસંદ કરેલી ભાષા તો જ ભણાવવામાં આવશે કે જ્યારે વર્ગના 20 બાળકો ભણવા માટે તૈયાર હોય.

ત્યારબાદ તેનો પણ વિરોધ કરતાં આ આદેશ પણ પાછો ખેંચીને મહારાષ્ટ્ર સરકારે કમિટીની રચના કરી છે જે ફરીથી ત્રિભાષા નીતિને કેવી રીતે લાગુ કરી શકાય તેના પર વિચાર કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન