મહારાષ્ટ્રની ચૂંટણીમાં 'ઉદ્યોગોના ગુજરાતગમન'નો મુદ્દો છવાયો, ગુજરાતી મતદારો કેટલી બેઠકો પર પ્રભાવી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, ગુજરાતી મતદારો, મરાઠી મતદારો, ઉદ્યોગો, ઉદ્ધવ ઠાકરે, ભાજપ સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI/Gettty

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં ‘ઉદ્યોગોના ગુજરાતગમન’નો મામલો સતત છવાયેલો રહ્યો છે. મહાવિકાસ અઘાડીના પક્ષો સતત આ મુદ્દે ભાજપ-શિંદે સરકારને ઘેરી રહ્યા છે
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

“જો હું સત્તામાં આવીશ તો મહારાષ્ટ્રથી ગુજરાત જઈ રહેલા પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકીશ.”

મહારાષ્ટ્રના તટીય સિંઘુદુર્ગના કાંકલાવીમાં 13 નવેમ્બરે એક રેલીને સંબોધતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન આપ્યું હતું.

“મહારાષ્ટ્ર પાસેથી પાંચ લાખ નોકરીઓ છીનવાઈ ગઈ, કારણ કે ઉદ્યોગો બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. અમારી સરકાર આવશે તો આમ નહીં થવા દે. જે પ્રોજેકટ્સ મહારાષ્ટ્ર માટેના હશે એ મહારાષ્ટ્રમાં જ આવશે અને ગુજરાત માટેના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં જ રહેશે.”

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નંદૂરબારમાં એક રેલીને સંબોધિત કરતાં 14 નવેમ્બરે આ નિવેદન આપ્યું હતું.

શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે પણ સતત પોતાની રેલીમાં ધારાવી રિડૅવલપમેન્ટનો મુદ્દો આગળ ધરીને ગુજરાતસ્થિત અદાણી સમૂહ પર પ્રહારો કરતા રહે છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં તો અદાણી સમૂહને ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ સાથે સરખાવતાં કહ્યું હતું કે મુંબઈ આ કંપનીને વેચી દેવાનો કારસો ઘડાઈ રહ્યો છે.

તો બીજી તરફ ભાજપના નેતા અને ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, “ઉદ્યોગોની ગુજરાત જવાની વાત સાવ પાયાવિહોણી છે અને હકીકતમાં તો ભાજપના શાસન દરમિયાન કુલ નેશનલ ઇન્વેસ્ટમેન્ટમાંથી 52 ટકા ઇન્વેસ્ટમેન્ટ મહારાષ્ટ્રમાં આવ્યું છે.”

ટૂંકમાં, મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં ‘ઉદ્યોગોના ગુજરાતગમન’નો મામલો સતત છવાયેલો રહ્યો છે. મહાવિકાસ અઘાડીના પક્ષો સતત આ મુદ્દે ભાજપ-શિંદે સરકારને ઘેરી રહ્યા છે. પણ ચૂંટણીમાં તેની કોઈ અસર થશે ખરી? લોકસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાનો ફાયદો મળ્યો હતો?

કયા મોટા પ્રોજેક્ટ્સ ગુજરાત ગયા?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, ગુજરાતી મતદારો, મરાઠી મતદારો, ઉદ્યોગો, ઉદ્ધવ ઠાકરે, ભાજપ સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PMOINDIA/X

ઇમેજ કૅપ્શન, વડોદરામાં સી-295 ટાટા-એરબસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહેલા પીએમ મોદી અને સ્પેનના વડા પ્રધાન, આ પ્રોજેક્ટ પહેલા મહારાષ્ટ્ર આવવાનો હતો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે તથા ભાજપના ગઠબંધનની સરકાર દરમિયાન અનેક પ્રોજેક્ટ્સ જે પહેલાં મહારાષ્ટ્રમાં આવવાના હતા, તે અંતે ગુજરાત ચાલ્યા જતાં આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સતત બૅકફૂટ પર રહી છે.

અનિલ અગ્રવાલના નેતૃત્વવાળા વેદાન્તા ગ્રૂપ તથા તાઇવાનની એક મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફૅક્ચરર કંપની ફૉક્સકોને સાથે મળીને પુણેના તાલેગાંવમાં 1.63 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યારબાદ એવા સમાચારો આવ્યા હતા કે ફૉક્સકોને આ ડીલ રદ્દ કરી દીધી હતી અને પુણેમાં આ સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનનો પ્રોજેક્ટ નહીં સ્થપાય.

ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે વેદાન્તા જૂથ કોઈ અન્ય કંપની સાથે મળીને આ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે.

ટાટા-ઍરબસ સાથે મળીને ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટનું ઉત્પાદન કરવાના હતા. અહેવાલો પ્રમાણે અંદાજે 22 હજાર કરોડનો આ પ્રોજેક્ટ પણ પહેલાં મહારાષ્ટ્રમાં આવવાનો હતો. જોકે, આ પ્રોજેક્ટ પણ ગુજરાતના વડોદરામાં લઈ જવાયો અને હાલમાં જ સ્પેનના વડા પ્રધાન સાથે પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

શરદ પવારે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાત લઈ જવાનું પીએમ મોદીએ જ તાતા જૂથને કહ્યું હતું. જોકે, ભાજપે આ આરોપો ફગાવ્યા છે.

ડિસેમ્બર, 2023માં વડા પ્રધાન મોદીએ ગુજરાતના સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. એ પહેલાંથી જે એવા અનેક અહેવાલો વહેતા થયા હતા કે મુંબઈના 50 ટકા હીરાવેપારીઓ પોતાનો ધંધો સુરત ખસેડી રહ્યા છે.

જાન્યુઆરી, 2024માં મહારાષ્ટ્રની મહાનંદ ડેરીનો વહીવટ નેશનલ ડેરી ડૅવલપમેન્ટ બોર્ડ (NDDB)ને સોંપાશે તેવી જાહેરાત થઈ હતી. એનડીડીબીનું વડું મથક ગુજરાતના આણંદ ખાતે આવેલું હોવાથી ફરીથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત જવાનો મુદ્દો ચગ્યો હતો.

આ સિવાય પણ અનેક નાના-મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગયા હોવાનો મહાવિકાસ અઘાડીના પક્ષોનો દાવો છે. જેથી કરીને શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (શરદચંદ્ર પવાર) આ મુદ્દાને તેમના ચૂંટણીપ્રચારમાં જોરશોરથી ઉઠાવી રહ્યા છે.

‘આ મુદ્દો નવો નથી’

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, ગુજરાતી મતદારો, મરાઠી મતદારો, ઉદ્યોગો, ઉદ્ધવ ઠાકરે, ભાજપ સરકાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સુરતમાં ડાયમંડ બુર્સ બનવાને કારણે મુંબઈના 50 ટકાથી વધુ હીરાવેપારીઓ પોતાનો ધંધો ગુજરાત ખસેડી દે એવી ભીતી છે.

મહારાષ્ટ્રસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુધીર સૂર્યવંશીનું કહેવું છે કે, “દરેક મહારાષ્ટ્રની દરેક ચૂંટણીમાં વત્તે-ઓછે અંશે આ મુદ્દો પ્રભાવી રહે છે.”

તેઓ ઇતિહાસ તરફ નજર દોડાવતા કહે છે કે, “ભૂતકાળમાં મોરારજી દેસાઈ જ્યારે બૉમ્બે સ્ટેટના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે પણ આ રાજ્યના બે ભાગ કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. એ સિવાય શિવાજી અને સુરત લૂંટનો કિસ્સો પણ બન્ને રાજ્યના લોકો વચ્ચે ચર્ચાતો રહે છે. ઇતિહાસ તરફ નજર નાખીએ તો ભલે બંને રાજ્યોના સામાન્ય લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન દેખાય, પરંતુ રાજનેતાઓ માટે આ મુદ્દો (ગુજરાત વિ. મહારાષ્ટ્ર) દુશ્મનાવટ કે રાજકીય લાભ માટે કાયમથી અતિશય મહત્ત્વનો બની રહ્યો છે.”

તેઓ કહે છે, “ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલેથી જ એકબીજા સાથે સ્પર્ધામાં પણ રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરખામણી કરવામાં આવે તો પહેલાં મહારાષ્ટ્રનો સ્ટેટ જીડીપી ગુજરાતની સરખામણીએ ખૂબ સારો હતો. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ અને રાજ્યમાં ભાજપ સમર્થિત ગઠબંધનની સરકાર આવ્યા બાદ મહારાષ્ટ્રનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. એ સિવાય મહારાષ્ટ્રમાં લોકોને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અહીં ગુજરાતી ઉદ્યોગપતિ અદાણીનો પ્રભાવ વધી રહ્યો છે.”

40 વર્ષથી મુંબઈમાં પત્રકારત્વ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર અને મુંબઈથી પ્રસિદ્ધ થતા ગુજરાતી મૅગેઝિન ચિત્રલેખાના તંત્રી હીરેન મહેતા સાથે બીબીસીએ વાત કરી હતી.

તેઓ કહે છે, “એકનાથ શિંદેની સરકાર આવી અને પછી ટૂંકા ગાળામાં બે-ત્રણ પ્રોજેક્ટ ગુજરાત જવાના સમાચારો આવ્યા અને પછી આ ચર્ચા વ્યાપકપણે શરૂ થઈ. પરંતુ એ પહેલાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી હતા એ સમયથી (2014થી) પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.”

હીરેન મહેતાનું કહેવું છે રાજકીય કારણોને બાજુ પર મૂકી દઈએ તો પણ મુંબઈમાં સંપૂર્ણપણે કોઈ નવી ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગો સ્થાપવા લગભગ અશક્ય બની ગયા છે. તેમનું કહેવું છે કે તમામ ઉદ્યોગો માત્ર પૉલિટિકલ પ્રેશરને કારણે ગુજરાત કે અન્ય રાજ્યોમાં ગયા છે એવું પણ ન કહી શકાય.

તેઓ કહે છે કે, “મુંબઈ-થાણેમાં જમીનોના ભાવ આસમાને આંબી ગયા છે. ઐતિહાસિક ટૅક્સટાઇલ મિલો બંધ થઈ ગઈ અને એ જમીનો પર મૉલ બની ગયા. મુંબઈ-થાણે ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉરમાં પણ હવે કોઈ નવી ઇન્ડસ્ટ્રી કે ફૅક્ટરી સ્થાપી શકાય તેમ નથી. મુંબઈમાં લૅબર કોસ્ટ પણ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ વધારે છે. અહીં યુનિયનો પણ અતિશય પાવરફુલ છે. આ બધાં પરિબળોને કારણે ધંધાદારીઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં આવતા ખચકાટ અનુભવી રહ્યા છે.”

મહારાષ્ટ્રમાં બેરોજગારીનું સંકટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, ગુજરાતી મતદારો, મરાઠી મતદારો, ઉદ્યોગો, ઉદ્ધવ ઠાકરે, ભાજપ સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થાણેમાં થઈ રહેલા એક વિરોધપ્રદર્શનની તસવીર, જેમાં એનસીપીના કાર્યકર્તાઓ પ્રોજેક્ટ્સના ગુજરાત જવાનો વિરોધ કરી રહ્યા છે. જોકે, એ જ એનસીપીનું જૂથ પછીથી ભાજપ-શિંદે સરકારમાં સામેલ થયું હતુું.

ધ હિન્દુના એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેરોજગારીનો દર વર્ષ 2022માં 15 ટકાએ પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ તેમાં સતત સુધારો આવ્યો છે અને 2024ના આંકડા પ્રમાણે મહારાષ્ટ્ર બેરોજગારીથી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોની યાદીમાં નથી.

પરંતુ, યુવાનોમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

લોકનીતિ-સીએસડીએસે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કરેલા પ્રી-પોલ સર્વેમાં લોકો માટે ચૂંટણીમાં સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં બેરોજગારીનો મુદ્દો ટોચ પર હતો.

આ સર્વેમાં સૌથી વધુ 24 ટકા લોકોએ કહ્યું હતું કે બેરોજગારી તેમની માટે નિર્ણાયક મુદ્દો છે.

મુંબઈસ્થિત વરિષ્ઠ પત્રકાર દીપક ભટુસે કહે છે, “મહારાષ્ટ્રમાં નોકરીઓની કમી સર્જાઈ છે. છેલ્લાં અઢી વર્ષમાં સરકારી ભરતીઓ વ્યાપકપણે થઈ નથી, અને જે ભરતીઓ થઈ તેમાં ગોટાળા સામે આવ્યા છે. તેના કારણે મહારાષ્ટ્રનો યુવાવર્ગ ઘણો નારાજ છે. વેદાંતા-ફૉક્સકોન કે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ગુજરાત જવાની વાત હોય કે પછી અન્ય રાજ્યોમાં પ્રોજેક્ટ જવાની વાત હોય, તેના કારણે યુવાવર્ગને સીધી અસર થઈ રહી છે.”

“વળી, મહાવિકાસ અઘાડીના પક્ષો સતત પોતાના પ્રચારમાં એ વાતને સામેલ કરી રહ્યા છે અને એવું લાગે છે કે ‘ગુજરાત બધું છીનવી જશે’ એવો ડર તેઓ લોકોને બતાવી રહ્યા છે. પ્રચારમાં તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ભાજપની સરકાર આવી તો ઉદ્યોગો ગુજરાત ચાલ્યા જશે. આ મુદ્દાનો ફાયદો તેમને લોકસભાની ચૂંટણીમાં પણ મળ્યો હતો.”

સુધીર સૂર્યવંશી કહે છે, “મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેરોજગારી પણ ખૂબ વધી છે. આજે પણ રાજ્યની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. એવામાં બેરોજગાર યુવાનોને આ મુદ્દો અસર કરી શકે છે.”

તેઓ કહે છે, “આ મુદ્દો પરિણામ પર કેટલી અસર કરશે તેની ધારણા ન બાંધી શકાય પરંતુ ચોક્કસથી લોકોમાં આ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે કે બધું ગુજરાત લઈ જવામાં આવી રહ્યું છે. વધુમાં મહાવિકાસ અઘાડીના નેતાઓ પણ ચૂંટણીમાં આ મુદ્દાને જોરશોરથી ઉછાળી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો પ્રભાવી રહ્યો હતો.”

હીરેન મહેતા કહે છે, “થોડેઘણે બેરોજગારી જેવા મુદ્દાઓ પણ આ વાતને અસર કરે છે. પરંતુ મારા મતે મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં આ મુદ્દા એટલા પ્રભાવી નહીં નીવડે. હજુ પણ મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષો તોડવાની કોશિશ થઈ એ મુદ્દો ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં છે. તેની સાથે મહારાષ્ટ્રની ‘પ્રાદેશિક અસ્મિતા’નો મુદ્દો જ સૌથી વધુ પ્રભાવી દેખાય છે, અને હજુ પણ લોકો એ જ મુદ્દે મતદાન કરશે એવું પ્રતીત થાય છે.”

મહારાષ્ટ્રમાં ગુજરાતી મતદારો કેટલા પ્રભાવી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024, ગુજરાતી મતદારો, મરાઠી મતદારો, ઉદ્યોગો, ઉદ્ધવ ઠાકરે, ભાજપ સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, મિહિર કોટેચા(ડાબે), મૂરજી પટેલ(વચ્ચે) અને પરાગ શાહ એ મહારાષ્ટ્રની ચૂંટણી લડી રહેલા સાત ગુજરાતી ઉમેદવારો પૈકીના ઉમેદવાર છે.

મુંબઈમાં 2011ની વસતીગણતરીના આંકડા પ્રમાણે 23.71 લાખ લોકોની માતૃભાષા ગુજરાતી હતી એવો અહેવાલ સામે આવ્યો હતો.

એક અનુમાન પ્રમાણે, મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા 35 લાખ ગુજરાતી લોકો રહે છે, જેમાંથી 15 લાખથી વધુ મતદારો છે.

મહારાષ્ટ્રમાં ગુજરાતી મતદારો મુંબઈની 8થી 10 બેઠકો પર વત્તે-ઓછે અંશે પ્રભુત્વ ધરાવે છે. જ્યારે તેમાંથી 3-4 બેઠકો પર તેઓ પરિણામ બદલવા સક્ષમ મનાય છે.

મુંબઈની બોરીવલી, કાંદીવલી, ઘાટકોપર ઇસ્ટ, ઘાટકોપર વેસ્ટ, અંધેરી ઇસ્ટ, મલાડ અને મુલુંડ જેવી બેઠકો પર ગુજરાતી મતદારોનું પ્રમાણ લગભગ મરાઠી મતદારો જેટલું જ છે.

એ સિવાય દહીંસર, ગોરેગાંવ, ચારકોપ, માલાબાર હિલ્સ, વિલે-પાર્લે તથા મીરા-ભાયંદર બેઠકો પર પણ ગુજરાતી મતદારો મોટા પ્રમાણમાં છે. આ બેઠકો પર મારવાડી અને જૈન મતદારોનું પ્રમાણ પણ વધારે છે.

સુધીર સૂર્યવંશી કહે છે, “ઇતિહાસ તરફ નજર નાખીએ તો મુંબઈમાં રહેતા ઉત્તર ભારતીય અને ગુજરાતી મતદારો પહેલેથી કૉંગ્રેસના મતદારો રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના રાજકીય પટલ પર ઉદય પછી ગુજરાતી મતદારો ખૂબ પ્રભાવી રીતે ભાજપના મતદારોમાં પરિવર્તિત થઈ ગયા છે. બૉમ્બે સબ-અર્બનની ચારથી છ બેઠકોના પરિણામો ગુજરાતી મતદારો જ નક્કી કરે છે. ખાસ કરીને બોરીવલી, ઘાટકોપર અને દહીંસર જેવા વિસ્તારોમાં ગુજરાતી મતદારો ખૂબ નિર્ણાયક છે.”

દીપક ભટુસેનું પણ કહેવું છે કે, “મુંબઈમાં વસતા ગુજરાતી મતદારો સ્પષ્ટપણે ભાજપ સાથે જ છે. આથી, આવા ‘ઉદ્યોગોના ગુજરાતગમન’ જેવા મુદ્દાની મુંબઈના ગુજરાતી પ્રભુત્વવાળા વિસ્તારોમાં મહાવિકાસ અઘાડીને કોઈ ફાયદો નહીં મળે.”

તેમનું કહેવું છે કે, “કાંદીવલી, બોરીવલી, મલાડ, મુલુંડ, ઘાટકોપર ઇસ્ટ, ઘાટકોપર વેસ્ટમાં ગુજરાતી મતદારોનું પ્રભુત્વ છે. આ વિસ્તારોમાં મારવાડી અને ગુજરાતી મતદારો મોટા પ્રમાણમાં છે, જેમાંથી મોટા ભાગના વેપાર સાથે સંકળાયેલા છે અને ભાજપના મતદારો છે. આ બેઠક પર ગુજરાતી અને મરાઠી મતદારોનું પ્રમાણ લગભગ સરખું છે.”

હીરેન મહેતા કહે છે કે, “ઉદ્યોગોના ગુજરાતગમનનો મુદ્દો સ્વાભાવિક રીતે જ મુંબઈમાં વસતા ગુજરાતીઓને સ્પર્શતો નથી. જનસંઘ સમયથી ભાજપનું પ્રો-બિઝનેસ સ્ટૅન્ડ એ મુંબઈના ગુજરાતી અને મારવાડી મતદારોને અનુકૂળ આવે છે. ગુજરાતીઓની જ્યાં વધુ વસ્તી છે એવા કેટલાક વિસ્તારોમાં ગુજરાતી વિ. મરાઠી મતદારોનું વૈમનસ્ય પણ ક્યાંક પ્રતીત થાય છે.”

તેમનું કહેવું છે કે, “મુંબઈની આઠથી દસ બેઠકો પર ગુજરાતી મતદારોનું પ્રમાણ 10થી લઈને 30 ટકા જેટલું છે. આથી, તેઓ કેટલીક બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.”

મુંબઈથી ઘણા ગુજરાતી ઉમેદવારો આ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. જેમાં મુલુંડથી ભાજપની ટિકિટ પર મિહિર કોટેચા, અંધેરી પૂર્વથી શિવસેના (શિંદે જૂથ)ની ટિકિટ પર મૂરજી પટેલ અને ઘાટકોપર (પૂર્વ)થી ભાજપની ટિકિટ પર પરાગ શાહ ચૂંટણીમેદાનમાં છે.

એ સિવાય ચારકોપથી યોગેશ સાગર ભાજપની ટિકિટ પર, મુંબાદેવીથી કૉંગ્રેસની ટિકિટ પર અમીન પટેલ અને શિવસેનાની ટિકિટ પર શાઇના એનસી તથા કાંદિવલી ઇસ્ટથી કૉંગ્રેસની ટિકિટ પર કાળુ બુધેલિયા જેવા ગુજરાતી ઉમેદવારો મેદાનમાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.